TOP NEWS: ગુજરાતમાં વિજ્યાદશમી પર 500 દલિતોએ બૌદ્ધધર્મ અંગીકાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં વિજ્યાદશમીના દિવસે અલગઅલગ વિસ્તારના લગભગ 500 દલિતોએ બૌદ્ધધર્મ અંગીકાર કરી લીધો છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અમદાવાદ, મહેસાણા, તેમજ ઈડરમાં યોજાયેલા જુદાજુદા કાર્યક્રમોમાં દલિતોએ હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
ગુજરાત બુદ્ધિસ્ટ એકૅડૅમીના સચિવ રમેશ બૅન્કરના જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન 148 દલિતો હિંદુમાંથી બૌદ્ધ બની ગયા હતા.
પોતાનાં માતાપિતા અને ભાઈ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારાં અને વિજ્ઞાનપ્રવાહનો અભ્યાસ કરી રહેલાં વંદનાએ અખબારને જણાવ્યું, "અમે બૌદ્ધધર્મ અને ડૉ. આંબેડકરની વિચારધારાથી પ્રભાવિત છીએ. સમતા અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા બૌદ્ધધર્મ અને આંબેડકરના વિચારો મને અને મારા પરિવારને આકર્ષે છે."
બૌદ્ધધર્મમાં વિજ્યાદશમીનું ખાસ મહત્ત્વ છે. 14 ઑક્ટોબર, 1956ની વિજ્યાદશમીના દિવસે જ ડૉ. બાબા સાહેબ આંબેડકરે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

ફિઝિક્સમાં યોગદાન બદલ ત્રણ વૈજ્ઞાનિકોને નોબલ પુરસ્કાર મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ફિઝિક્સના ક્ષેત્રમાં વર્ષ 2019 માટે નોબલ પુરસ્કારની જાહેર કરાઈ છે. આ વર્ષે ત્રણ લોકોને ભૌતિકવિજ્ઞાનમાં યોગદાન બદલ નોબલ પુરસ્કાર અપાશે.
જૅમ્સ પિબલ્સને બહ્માંડવિજ્ઞાન પર નવો સિદ્ધાંત આપવા માટે જ્યારે મિશેલ મેયર અને ડીડીએર ક્વૅલોઝને સૌરમંડળની બહાર એક ગ્રહની શોધ કરવા માટે સંયુક્ત રીતે સન્માનિત કરાશે.
જૅમ્સ પીબલ્સ કેનેડીયન મૂળના અમેરિકન નાગરિક છે. તેમણે બિગ બૅન્ગ, ડાર્કમૅટર અને ડાર્ક ઍનર્જી પર જે કામ કર્યું છે, તેને આધુનિક બ્રહ્માંડવિજ્ઞાનનો આધાર ગણવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિશેલ અને ડીડીએરે '51 પેગાસી બી' ગ્રહની શોધ કરી હતી. ગૅસથી બનેલો આ ગ્રહ પૃથ્વીથી 50 પ્રકાશવર્ષ દૂર સુધી પરિક્રમા કરી રહ્યો છે.
'ધ નોબલ પ્રાઇઝ'એ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીની હત્યા બાદ દેશ ખળભળી ઊઠ્યો

ઇમેજ સ્રોત, AFP
બાંગ્લાદેશમાં અન્ડરગ્રૅજ્યુએટ વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં દેશભરના વિદ્યાર્થીઓ વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.
સરકારનો વિરોધ કરતી ટિપ્પણી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ 21 વર્ષના અબરાર ફહાદનો મૃતદેહ હૉસ્ટેલમાંથી મળી આવ્યો હતો.
શાસક પક્ષ 'અવામી લીગ'ના કેટલાય સભ્યોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાથી બાંગ્લાદેશને ખળભળી ઊઠ્યું છે અને દેશનાં વિશ્વવિદ્યાલયોમાં હિંસાની સંસ્કૃતિનો વિરોધ કરાઈ રહ્યો છે.
અવામી લીગની વિદ્યાર્થીપાંખ 'બાંગ્લાદેશ છાત્ર લીગ' પર છાશવારે વિદ્યાર્થીઓ પર અત્યાચારના આરોપો લાગતા રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















