ગુજરાતના 119 ન્યાયાધીશો પ્રમોશન-ટેસ્ટ પાસ ન કરી શક્યા

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશ માટેની 40 જગ્યા પૂરવા માટે લેવાયેલી બઢતીપરીક્ષા પાસ કરવામાં 119 ન્યાયાધીશો અને 1372 વકીલો નિષ્ફળ રહ્યા.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર બઢતી પરીક્ષામાં રાજ્યના 119 ન્યાયાધીશ નપાસ થયા છે. જિલ્લાન્યાયાધીશના પદ માટેની આ પરીક્ષાનું પરિણામ શૂન્ય રહ્યું છે.
ગુજરાત હાઈકોર્ટના પૉર્ટલને ટાંકીને પ્રકાશિત કરાયેલા આ અહેવાલ અનુસાર જે 119 ન્યાયાધીશ લેખિત પરીક્ષામાં નપાસ થયા, તેમાંથી 51 ન્યાયાધીશ ગુજરાતની અલગઅલગ કોર્ટોની આગેવાની કરી રહ્યા છે.
તેઓ કાં તો પ્રિન્સિપલ જજ કાં તો ચીફ જ્યુડિસિયલ મૅજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આ 40 જગ્યામાંથી 26 બેઠકો એવી હતી કે જેમાં વકીલાત કરી રહેલા ઉમેદવાર પસંદ કરવાના હતા. જ્યારે 14 બેઠકો જિલ્લા ન્યાયાધીશ માટેની હતી.
આ અંગેની અરજી ગત માર્ચ મહિનામાં મગાવવામાં આવી હતી અને 4 ઑગસ્ટના રોજ પરીક્ષા લેવાઈ હતી.

ભારતને સ્વિસ બૅન્કમાં જમા કરાયેલાં કાળાં નાણાંની પહેલી યાદી મળી

ઇમેજ સ્રોત, Getty Images
ઑટોમૅટિક ઇન્ફર્મેશન ઍક્સચેન્જ કરાર હેઠળ ભારતને સ્વિસ બૅન્કમાં ભારતીય નાગરિકો દ્વારા જમા કરાયેલાં કાળાં નાણાંની પ્રથમ યાદી મળી ગઈ છે.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર સ્વિટઝર્લૅન્ડના ફેડરલ ટૅક્સ ઍડમિનિસ્ટ્રેશન(એફટીએ) દ્વારા સ્વિસ બૅન્કનાં નાણાકીય ખાતાંની માહિતી ભારતને અપાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સહિત 75 દેશોને તેમના નાગરિકો દ્વારા જમા કરાયેલાં કાળાં નાણાંની પ્રથમ યાદી મળી છે. બીજી યાદી સપ્ટેમ્બર, 2020માં સંબંધિત દેશોને અપાશે.
જોકે, ભારતને અપાયેલી માહિતીમાં કેટલાં ખાતાંમાં કેટલી રકમ જમા છે, એ અંગે માહિતી આપવાનો એફટીએના પ્રવક્તાએ ઇનકાર કરી દીધો છે.
એફટીએ દ્વારા તમામ દેશોને કુલ 31 લાખ ખાતાં વિશે માહિતી અપાઈ છે. જે-તે દેશને અપાયેલી માહિતીમાં ખાતાધારકની ઓળખ, એકાઉન્ટ-બૅલેન્સ અને સરનામું વગેરેની માહિતી સામેલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીનું અર્થતંત્ર પાયમાલ કરવાની ધમકી આપી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઉત્તર સીરિયામાંથી અમેરિકન સૈન્ય હઠ્યા બાદ જો તુર્કી 'પોતાની મર્યાદા ઓળંગશે' તો તેઓ તેના અર્થતંત્રને પાયમાલ કરી દેશે.
આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે સીરિયાના ઉત્તર વિસ્તારમાંથી જો અમેરિકન સૈન્ય હઠી ગયું તો પોતાની સરહદ નજીક હાજર કુર્દ લડવૈયાઓ પર હુમલો કરવાની તુર્કીને તક મળી જશે.
તુર્કીના સંરક્ષણવિભાગે કહ્યું છે કે તે ઉત્તર સીરિયામાં હુમલા માટે પૂર્ણ રીતે તૈયાર છે.
કુર્દ લડવૈયા સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઈમાં અમેરિકાના પ્રમુખ સહયોગી રહ્યા છે.
ટ્રમ્પે એક ટ્વીટ કરીને સીરિયામાંથી અમેરિકન સૈન્યને હઠાવવાના પોતાના પગલાનો બચાવ કર્યો છે.
જોકે, ટ્રમ્પના રિપબ્લિકન સહયોગી પણ આ તેમના આ નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે.
ડેમૉક્રેટિક સભ્ય નૅન્સી પૅલોસી અને રિપબ્લિકન મિચ મૅકોનલે આ આને 'ખતરનાક' અને 'ઉતાવળિયું' પગલું ગણાવ્યું છે.

કાશ્મીરમાં પ્રવાસી પરના પ્રતિબંધને 10 ઑક્ટોબરે હઠાવાશે

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરમાંથી પ્રવાસીઓ પર લગાવાયેલા પ્રતિબંધો હઠાવવા માટે ગૃહમંત્રાલયને નિર્દેશ આપ્યા છે.
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર 10 ઑક્ટોબરથી આ નિર્દેશ અમલમાં આવશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર મલિકે પોતાના સલાહકારો અને મુખ્યસચિવ સાથે પ્રદેશની સ્થિતિ અને સુરક્ષાની સમિક્ષાબેઠકમાં પણ ભાગ લીધો.
નોંધનીય છે કે 5 ઑગષ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા બંધારણના અનુચ્છેદ 370માં ફેરફાર કરી આ દરજ્જો પરત લઈ લેવામાં આવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















