Top News : બાલાકોટ અગાઉ Mi-17ને જાતે તોડી પાડવું મોટી ભૂલ હતી : IAF ચીફનો સ્વીકાર

ઇમેજ સ્રોત, @IAF_MCC
ભારતીય વાયુસેનાના ઍરચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદોરિયાએ શુક્રવારે સ્વીકાર કર્યો કે 27 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પોતાનું જ Mi-17 હેલિકૉપ્ટરને તોડી પાડ્યું હતું.
રાકેશકુમાર સિંહે કહ્યું કે પોતાના જ હેલિકૉપ્ટરને તોડી પાડવું એ મોટી ભૂલ હતી. આ મામલે કોર્ટ ઑફ ઇન્કવાયરીએ રિપોર્ટ પણ સોંપ્યો હતો.
બાલાકોટ હુમલા સમયે 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં ભારતીય સેનાનું હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. આ ઘટનામાં પાઇલટ સહિત સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં એક નાગરિકનો પણ સમાવેશ થતો હતો.
તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દે બે અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ રહી છે.
ભારતીય વાયુસેનાના પ્રમુખે નિયુક્તિ બાદ પહેલી વાર પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
ભદોરિયાએ કહ્યું કે વાયુસેનાએ છેલ્લાં ઘણાં વર્ષોમાં ઘણી સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. જેમાં 26 ફ્રેબુઆરીનો બાલાકોટ હુમલો પણ સામેલ છે.

મૉબ લિંચિંગ અંગે પત્ર લખનાર સામે ફરિયાદ

ઇમેજ સ્રોત, Reuters
દેશમાં મૉબ લિંચિંગની ઘટનાઓ અંગે ચિંતા પ્રગટ કરનારા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, અનુરાગ કશ્યપ અને ફિલ્મકાર મણિરત્નમ્ સહિત 50 નામાંકિત લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મુજ્ફફરપુરની અદાલતમાં વકીલ સુધીરકુમાર ઓઝાએ એમના પર દેશની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાનો આરોપ મૂકી અરજી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અરજી પર ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સૂર્યાકાંત તિવારીએ આદેશ આપતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
અમર ઉજાલાએ પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ ગત 20 ઑગસ્ટના રોજ આ અંગે આદેશ કરવામાં આવ્યો છે.
જુલાઈ મહિનામાં અનુરાગ કશ્યપ, રામચંદ્ર ગુહા, શ્યામ બેનેગલ, સૌમિત્ર ચેટરજી, શુભા મુદગલ સહિતના નામાંકિત લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દલિતો, મુસ્લિમો અને અન્ય વંચિતોનું મૉબ લિંચિંગ તાત્કાલિક રોકવા અપીલ કરી હતી.

ગાંધીના અસ્થિ અવશેષની 2 ઑક્ટોબરે ચોરી

ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપ્રદેશના રીવામાં મહાત્મા ગાંધીના અસ્થિ અવશેષોની ચોરી થઈ છે. રાજ્ય પોલીસે પણ આ ચોરીની પુષ્ટિ કરી છે.
બે દિવસ અગાઉ બીજી ઑક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરાઈ હતી. એ દિવસે આ ચોરી થઈ હતી.
વર્ષ 1948માં ગાંધીના અસ્થિ અવશેષોમાંથી કેટલાક રીવા સ્થિત બાપુભવનમાં રાખવામાં આવ્યા હતા.
માત્ર અસ્થિ અવશેષોની ચોરી નથી થઈ પણ તેમની તસવીર સાથે પણ ચેડાં કરવામાં આવ્યાં છે.
ગાંધીની તસવીર પર લીલા રંગથી 'રાષ્ટ્રદ્રોહી' લખવામાં આવ્યું હતું.
રીવા પોલીસે સ્થાનિક પત્રકાર શુરૈહ નિયાજીને કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ કૉંગ્રેસના સ્થાનિક નેતા ગુરમિત સિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

એનઆરસી કોઈ સમસ્યા નથી- શેખ હસીના

ઇમેજ સ્રોત, PMO INDIA
બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ભાગ લેવા માટે દિલ્હીમાં આવ્યાં છે અને તેઓ શનિવારે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરવાના છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ ગુરુવારે કહ્યું કે તેઓ ન્યૂયૉર્કમાં મોદીએ આપેલા આશ્વાસનથી સંતુષ્ટ છે.
તેમણે કહ્યું કે આસામમાં લાગુ એનઆરસીથી બાંગ્લાદેશે ચિંતિત થવાની જરૂર નથી.
બાંગ્લાદેશના દૂત સૈયદ મૌઝીમ અલી દ્વારા આયોજિત એક સ્વાગત સમારોહમાં એનઆરસીના સવાલ પણ તેઓ બોલ્યાં કે મને કોઈ સમસ્યા દેખાતી નથી. વડા પ્રધાન મોદી સાથે મારે વાતચીત થઈ છે. બધું યોગ્ય છે.
ગત અઠવાડિયે ન્યૂયૉર્કમાં શેખ હસીનાએ મોદીને કહ્યું હતું કે એનઆરસી બાંગ્લાદેશ માટે 'મોટી ચિંતા'નો વિષય બની ગયો છે. ત્યારે મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધો છે, આથી ચિંતાનું કોઈ કારણ નથી.
શેખ હસીના WEFને સંબોધન કરતાં કહ્યું કે બાંગ્લાદેશ 2030 સુધી દુનિયાની 26મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
શેખ હસીનાએ દિલ્હીસ્થિત 78 દેશના રાજદૂતો સાથે પણ મુલાકાત કરી હતી.
તેઓ ચાર ઑક્ટોબરે ભારતની મોટી કંપનીઓના સીઈઓ સાથે પણ મુલાકાત કરવાના છે.

મુલ્લા અબ્દુલ ગની બરાદરની ઇમરાન ખાન સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, TWITTER@PTI
તાલિબાનના શીર્ષ કમાન્ડર મુલ્લા અબ્દુલ ગની બરાદરના નેતૃત્વમાં અફઘાન તાબિલાનના એક મુખ્ય પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી.
પીએમઓના અધિકારીએ બીબીસીન ઉર્દૂના શહઝાદ મલિકને જણાવ્યું કે ગુરુવારે બપોરે થયેલી આ બેઠકમાં પાકિસ્તાની સેનાપ્રમુખ પણ સામેલ થયા હતા.
અગાઉ આ પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની ઑફિસમાં વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથે પણ મુલાકાત કરી હતી.
બેઠકમાં પાકિસ્તાની સેનાની જાસૂસી એજન્સી આઈએસઆઈના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમિદ પણ હાજર રહ્યા હતા.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરી કહ્યું કે મુલ્લા અબ્દુલ ગની બરાદરના નેતૃત્વમાં અફઘાન તાલિબાનના આ રાજનીતિક પ્રતિનિધિમંડળે અફઘાન શાંતિ પ્રક્રિયા સહિત આંતરિક હિતના મુદ્દાઓ પણ વાત કરી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















