પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણ બાદ કાશ્મીરમાં કેવી સ્થિતિ છે?

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી, શ્રીનગર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણ બાદ કાશ્મીરમાં પ્રતિક્રિયા જોવા મળી અને સંભવિત વિરોધને અટકાવવા માટે સુરક્ષા અને વ્યવસ્થાને વધુ સઘન બનાવાઈ.

આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં શુક્રવારે ભાષણ આપતાં ઇમરાન ખાને ચેતવણી આપી હતી કે કાશ્મીરમાંથી ભારત પ્રતિબંધો હઠાવાશે ત્યારે ખૂનરેજી થશે.

નોંધનીય છે કે કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરનારા બંધારણના અનુચ્છેદ 370ને ભારતે ઑગસ્ટ માસમાં રદ કરી નાખ્યો હતો અને રાજ્યને બે અલગઅલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી નાખ્યું હતું.

ત્યારથી અહીં ખાસ પ્રકારના પ્રતિબંધો પણ લાદી દેવાયા છે.

line

પ્રદર્શનો અને સૂત્રોચ્ચાર

ભારત પ્રશાસિત કાશ્મીરમાં બીબીસીના સંવાદદાતા રિયાઝ મસરુરના જણાવ્યા અનુસાર ઇમરાન ખાનના ભાષણ બાદ કાશ્મીરીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો અને કેટલીય જગ્યાએ પ્રદર્શનો કરવાનો પ્રયાસ કરાયો હતો.

રિયાઝ મસરુર જણાવે છે, "ઇમરાન ખાનનું ભાષણ કાશ્મીરીઓએ પોતાના વિજયના રૂપે જોયું અને કેટલીય જગ્યાએ ઇમરાન ખાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને પ્રદર્શનો કરાયાં."

"જોકે, આ દરમિયાન સુરક્ષાદળોએ સંયમ દાખવ્યો હતો, જેના પગલે અણછાજતી ઘટના ટાળી શકાઈ હતી."

"શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ઘર્ષણની પણ ઘટના બની. જોકે, જાનમાલનું નુકસાન ટાળી શકાયું છે."

નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના મુદ્દે કોઈ વાત નહોતી કરી, પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણમાં કાશ્મીરનો વિવાદ કેન્દ્રસ્થાને હતો.

line

ભાષણ બાદની પ્રતિક્રિયા

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર સંસ્થા 'રૉયટર્સ'ના અહેવાલ અનુસાર ગત શુક્રવારે ઇમરાન ખાનના ભાષણ બાદ મોટી સંખ્યામાં કાશ્મીરીઓ રસ્તા પર આવ્યા હતા અને ખાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

અહેવાલમાં અધિકારીઓ અને સાક્ષીઓને ટાંકીને જણાવાયું છે કે આ ઘટનાને પગલે શનિવારે લોકોને એઠકા ન થવાનો આદેશ આપવા પોલીસને ફરજ પડી હતી.

આ ઉપરાંત કોઈ પણ પ્રકારનાં પ્રદર્શનો અટકાવવાં માટે વધુ સૈનિકોની તહેનાતી પણ કરાઈ હતી.

સૈનિકો દ્વારા શ્રીનગરના મુખ્ય વેપારકેન્દ્ર ફરતે કાંટાળા તાર પણ લગાવી દેવાયા હોવાનું સમાચાર સંસ્થા નોંધે છે.

રૉયટર્સ સાથેની વાતચીતમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'ઇમરાન ખાનના ભાષણ બાદ આ પગાલાં ભરવાની મજબૂરી હતી.'

આ ઉપરાંત બે સરકારી અધિકારીને ટાંકીને સમાચાર સંસ્થાએ કાશ્મીરમાં છ ઉગ્રવાદી અને એક સૈનિકના માર્યા જવાની પણ વાત કરી છે.

રૉયટર્સના જણાવ્યા અનુસાર ગંદરબાલમાં ત્રણ ઉગ્રવાદી માર્યા ગયા, જ્યારે બાટોતેમાં પણ ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા હોવાનું ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું છે.

line

ઇમરાન ખાને પોતાના ભાષણમાં શું કહ્યું હતું?

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આપેલા પોતાના ભાષણમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

ખાને કહ્યું હતું કે કાશ્મીરમાં કર્ફ્યુ હઠશે ત્યારે ખૂનરેજી થશે.

તેમના જણાવ્યા અનુસાર સત્તામાં આવતાની સાથે જ તેમણે ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો પણ ભારત તરફથી તેમને કોઈ સકારાત્મક જવાબ ન મળ્યો.

"ભારતમાં ચૂંટણી યોજાવાની હતી એટલે મોદી સરકારના વલણને સમજી શકીએ એમ હતા, પણ સત્તામાં ફરીથી આવતાની સાથે જ મોદી સરકારે શાંતિપ્રયાસોને નકારી દીધા હતા."

ઇમરાન ખાને કહ્યું હતું, "જ્યારે ભારતે પાંચ ઑગસ્ટે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી નાખ્યો અને 80 લાખ લોકો પર ખાસ પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા, ત્યારે સમજાયું કે આ પાછળ મોદી સરકારનો ખાસ ઍજન્ડા છે."

તેમણે કાશ્મીરમાંથી કર્ફ્યુ હઠાવવાની અને રાજકીય કેદીઓને મુક્ત કરવાની વાત કરી હતી અને ભારતના આ પગલાને શિમલા કરાર તથા ભારતના બંધારણ વિરુદ્ધનું ગણાવ્યું હતું.

ઇમરાન ખાને એમ પણ કહ્યું કે ભારત મોટું બજાર છે એટલે દુનિયા કાશ્મીરના મુદ્દે ચૂપ છે.

તેમણે આરએસએસ પર પણ નિશાન તાકતાં સંઘ પર ઍડોલ્ફ હિટલરથી પ્રભાવિત હોવાનો અને વંશીય હિંસામાં માનતો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો