ચિન્મયાનંદ : ભાજપના નેતા પર બળાત્કારનો આરોપ લગાવનારી યુવતીની ધરપકડ, જેલમાં મોકલાઈ

ચિન્મયાનંદ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભાજપની સરકારના પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી ચિન્મયાનંદ પર બળાત્કાર અને જાતિય શોષણનો આરોપ લગાવનારાં વિદ્યાર્થિનીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે.

આ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીના પ્રમુખ નવીન અરોડાએ બીબીસી સંવાદદાતા સમીરાત્મજ મિશ્રને કહ્યું કે બુધવારે સવારે યુવતીને પોલીસસ્ટેશન લાવવામાં આવી હતી. જે બાદ તેમનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

મેડિકલ પરીક્ષણ બાદ યુવતીને મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યાં હતાં અને તેમના રિમાન્ડની મંજૂરી મળી ગઈ છે. હવે યુવતીને જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે.

વિદ્યાર્થિની પર પોતાની સહેલી સાથે મળીને પાંચ કરોડ રૂપિયા માગવાનો આરોપ છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ પહેલાં વિદ્યાર્થિનીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટ તેમની અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર પણ થઈ ગઈ હતી.

જોકે, કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને ગુરુવારે સુનાવણી કરવાની વાત કહી હતી.

પોતાની ધરપકડ રોકવા માટે વિદ્યાર્થિની અલાહાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યાં હતાં. જોકે, હાઈકોર્ટે તેમને સ્થાનિક કોર્ટમાં અરજી કરવાનું કહ્યું હતું.

એસઆઈટીની ટીમ ચિન્મયાનંદની પહેલાં જ ધરપકડ કરી ચૂકી છે અને તેમને 14 દિવસો માટે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

line

શું છે બળાત્કારનો મામલો?

કૉલેજ

"સ્વામી ચિન્મયાનંદે મારી વિવશતાનો ફાયદો ઉઠાવીને દગાથી મારો નાહવાનો વીડિયો ઉતાર્યો. પછી તેના દ્વારા મને બ્લેકમેઇલ કરીને મારા પર બળાત્કાર કર્યો, પછી બળાત્કારનો પણ વીડિયો બનાવીને મારું એક વર્ષ સુધી શોષણ કરતા રહ્યા. મને લાગ્યું કે આમને આ રીતે જ જવાબ આપી શકાય છે કારણ કે તેમની સામે લડવાની ના તો મારી હેસિયત છે કે ના તો મારામાં તાકાત છે."

ઉપરોક્ત શબ્દો ઉત્તર પ્રદેશના શાહજહાંપુર લૉ કૉલેજમાં અભ્યાસ કરતી એ વિદ્યાર્થિનીના છે જેમણે ચિન્મયાનંદ પર બળાત્કારના આરોપ લગાવ્યા છે.

શાહજહાંપુરની એક લૉ કૉલેજની વિદ્યાર્થિનીએ કેટલાક દિવસો પહેલાં એક વીડિયો પોસ્ટ કરીને સંત સમાજના એક મોટા નેતા સામે તેમના સહિત અનેક યુવતીઓના શોષણ અને ધમકાવવાના આરોપ લગાવ્યા હતા.

આ વિદ્યાર્થિની જે કૉલેજમાં અભ્યાસ કરતી હતી તેનું સંચાલન સ્વામી ચિન્મયાનંદના હાથમાં હતું.

જોકે, સ્વામીના આશ્રમ તરફથી આ આરોપોને નકારી દેવામાં આવ્યા છે અને તેમને બદનામ કરવા માટે આરોપો લગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં યુવતીએ કહ્યું, "મેં કાયદાનો અભ્યાસ પણ એ જ કૉલેજમાં કર્યો છે પરંતુ ત્યાં સુધી મને કંઈ ખબર ન હતી. એલએલએમમાં જ્યારે ઍડમિશન લેવા માટે કૉલેજના આચાર્યના કહેવા પર હું ચિન્મયાનંદને મળી હતી."

"આ મુલાકાત બાદ મને તેમનો અસલી ચહેરો જોવા મળ્યો હતો. શાહજહાંપુરમાં પોલીસને હું ફરિયાદ નહોતી કરી શકતી કેમ કે તેઓ ખુદ આશ્રમમાં સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવતા હતા."

"જે બાદ મારા મિત્રએ મને આઇડિયા આપ્યો અને મેં ઑનલાઇન કૅમેરા મંગાવીને વીડિયો બનાવ્યો."

આ મામલામાં પીડિતા અને તેમના પિતાએ પુરાવારૂપે 43 નવા વીડિયો એસઆઈટીની ટીમને આપ્યા છે.

પીડિતાએ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે સ્વામી ચિન્મયાનંદે તેમના પર અનેકવાર બળાત્કાર કર્યો હતો.

આઠ વર્ષ પહેલાં શાહજહાંપુરની એક અન્ય મહિલાએ પણ સ્વામી ચિન્મયાનંદ સામે યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી.

એ મહિલા સ્વામી ચિન્મયાનંદના આશ્રમમાં રહેતાં હતાં. જોકે, રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ સરકારે તેમની સામે થયેલા કેસો પરત ખેંચી લીધા હતા. જોકે, પીડિતાના પક્ષે સરકારના આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો.

line

કોણ છે સ્વામી ચિન્મયાનંદ?

આશ્રમ

ભાજપના પૂર્વ સાંસદ સ્વામી ચિન્મયાનંદ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ગૃહરાજ્યમંત્રી રહી ચૂક્યા છે.

તેમની ગણતરી રામમંદિર આંદોલનના મોટા નેતાઓમાં થાય છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં તેમનો આશ્રમ છે અને તેમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ તેઓ ચલાવે છે.

ગોંડાના મૂળ નિવાસી અને સંન્યાસી બન્યા બાદ હરિદ્વારમાં રહેતા સ્વામી ચિન્મયાનંદ બાદમાં શાહજહાંપુરના આશ્રમમાં આવીને રહ્યા હતા.

જે મુમુક્ષુ આશ્રમ તેઓ ચલાવી રહ્યા છે તેની સ્થાપના આ વિસ્તારના પ્રખ્યાત સંત સ્વામી શુકદેવાનંદે આઝાદી પહેલાં કરી હતી.

સ્વામી ચિન્મયાનંદ એશીંના દાયકામાં આ આશ્રમમાં આવ્યા અને તેઓ અહીં એ સમયના સ્વામી ધર્માનંદના શિષ્ય બનીને રહેવા લાગ્યા હતા.

મુમુક્ષુ આશ્રમના મૅનેજર શ્રીપ્રકાશ ડબરાલ કહે છે કે શ્રી દેવી સંપદ મંડલ તરફથી સ્વામી ચિન્મયાનંદને આ આશ્રમમાં મોકલવામાં આવ્યા હતા.

શ્રી દેવી સંપદ મંડલ એ સંસ્થા છે જેના અંતર્ગત મુમુક્ષુ આશ્રમ જેવા અનેક આશ્રમો આવેલા છે.

આશ્રમના સંચાલન સાથે જોડાયેલા ડૉક્ટર અવનીશ મિશ્ર જણાવે છે કે શુકદેવાનંદના શિષ્ય ધર્માનંદ હતા અને તેમના બે શિષ્ય ચિદાનંદ અને ચિન્મયાનંદ.

તેઓ કહે છે, "ચિન્મયાનંદ મુમુક્ષુ આશ્રમ અને હરિદ્વારમાં આવેલા પરમાર્થ નિકેતનના અધિષ્ઠાતા બન્યા જ્યારે ચિદાનંદ ઋષિકેશ સ્થિત આશ્રમના."

બાદમાં ચિન્મયાનંદે શાહજહાંપુરમાં મુમુક્ષુ શિક્ષણ સંકુલ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું અને તેના દ્વારા અનેક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. જેમાં પબ્લિક સ્કૂલથી લઈને પોસ્ટ ગ્રૅજ્યુએટ સ્તરની કૉલેજ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ સામેલ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો