TOP NEWS: બાળકોને ચેપમુક્ત કરવાના મામલે ગુજરાત છેલ્લાં પાંચ રાજ્યોમાં
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે તાજેતરમાં જ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાત બાળકોને ચેપમુક્ત કરવાના મામલે પાછળ છે.
12થી 23 મહિનાનાં બાળકોને ચેપમુક્ત કરવાના મામલે ગુજરાત છેલ્લાં પાંચ રાજ્યોમાં છે.
ગુજરાતથી પાછળ માત્ર નાગાલૅન્ડ, અરુણાચલ પ્રદેશ અને આસામ છે. બાકીનાં તમામ રાજ્યો આ મામલે ગુજરાતથી આગળ છે.
રાજ્યમાં 12થી 23 મહિનાનાં 50.4 ટકા બાળકો જ સંપૂર્ણ રીતે ચેપમુક્ત છે.
બાળકોને BCG અને ઓરીની રસી આપવામાં આવે છે, જ્યારે પૅન્ટાવેલેન્ટ રસીના ત્રણ ડૉઝ આપવામાં આવે છે.
આ મામલામાં પુડ્ડુચેરી 97.3 ટકા સાથે સૌથી ટોચ પર, જે બાદ પંજાબ 89.1 ટકા અને ગોવા 88.4 ટકા સાથે બીજા અને ત્રીજા ક્રમ પર છે.
અહેવાલ અનુસાર ગુજરાત આ મામલે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારથી પણ પાછળ છે.

દેશનું 40% રોકાણ માત્ર ગુજરાતમાં : વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે દેશમાં જે કુલ રોકાણ થાય છે, તેનું 40% રોકાણ માત્ર ગુજરાતમાં થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૂપાણીએ કહ્યું, "ઔપચારિક આંકડા પ્રમાણે દેશમાં થતા કુલ રોકાણનું 40 ટકા રોકાણ માત્ર ગુજરાતમાં થાય છે."
બીજી બાજુ તેમણે ઉમેર્યું હતું કે સરકાર ઘણી ફ્લેક્સિબલ છે અને સમય આધારિત તેમજ સ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલતા મુજબ નિર્ણય કરે છે.
વિજય રૂપાણીએ કમલમ્ ખાતે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયનાં વખાણ પણ કર્યાં હતાં અને કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે જાહેરાતો કરાઈ છે તેનાથી દેશને ઘણો ફાયદો થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગ્લોબલ ગોલકીપર ઍવૉર્ડ

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ ઍન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનમાંથી ઍવૉર્ડ મળ્યો છે.
વડા પ્રધાન મોદીને ગ્લોબલ ગોલકીપર ઍવૉર્ડ બિલ ગેટ્સે આપ્યો હતો.
પુરસ્કાર મળવા પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ સન્માન મારું નહીં, પરંતુ એ કરોડો ભારતીયોનું છે જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને ન માત્ર સિદ્ધ કર્યો પરંતુ પોતાના રોજિંદા જીવનમાં પણ ઊતાર્યો.
તેમણે ઉમેર્યું, "મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર મને આ ઍવૉર્ડ મળવો મારા માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ એ વાતનું પ્રમાણ છે કે જો 130 કરોડ લોકોની જનશક્તિ, કોઈ એક સંકલ્પને પૂર્ણ કરવામાં ધ્યાન આપે તો કોઈ પણ મોટા પડકારમાં જીત મેળવી શકાય છે."

ગુજરાત પેટા ચૂંટણીના ઉમેદવારોની યાદી દિલ્હી મોકલાઈ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 21 ઑક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે.
ત્યારે ડીએનએમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ઉમેદવારોનાં નામ નક્કી કરવા માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના ઘરે સંસદીય બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ પ્રમાણે ઉમેદવારોનાં નામોની યાદી દિલ્હી મોકલવામાં આવશે અને એક કે બે દિવસમાં નામ જાહેર કરવામાં આવશે.
માહિતી પ્રમાણે રાધનપુર બેઠકથી અલ્પેશ ઠાકોર રિપીટ થઈ શકે છે જ્યારે બાયડથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી શકે છે.
થરાદ બેઠક પર શંકર ચૌધરીનું નામ સંભવિત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















