TOP NEWS: ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
હવામાનવિભાગે બે દિવસ (6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર) દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાનવિભાગની વેબસાઇટને ટાંકીને 'ઇન્ડિયા ટુડે'એ જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 'ભારેથી બહુ ભારે' ભારે વરસાદ ખાબકી શકે છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર 'વરસાદને પગલે દરિયો તોફાની હોવાની ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ છે.'
આ દરમિયાન છેલ્લાં દસ વર્ષના વરસાદની 100 ટકા સરેરાશને આ વર્ષે વટાવી દેવાઈ છે. આ વખતે રાજ્યમાં સરેરાશ 100 ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતના હવામાનવિભાગના ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં સરેરાશ 100 ટકા વરસાદ પડ્યો છે.
તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આ વર્ષ સારું રહ્યું છે અને એક પણ જિલ્લો એવો નથી રહ્યો કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી હોય.

આજે રાત્રે ચંદ્રયાન -2નું લૅન્ડિંગ

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીહરિકોટાથી લૉંચ થયાના દોઢ મહિના બાદ 3,84,000 કિલોમિટરની સફર ખેડી આજે રાત્રે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઊતરશે. ચંદ્રયાનનું લૅન્ડર મૉડ્યૂલ વિક્રાંત તેમાંથી અલગ થઈ ચૂક્યું છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ આજે રાત્રે તે સૌથી વધુ ચિંતાજનક 15 મિનિટની સફર શરૂ થશે અને 35 કિલોમિટરનું અંતિમ અંતર પૂરું કરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે રાત્રે લગભગ 1.30 વાગ્યે તેની સફર શરૂ થશે. જે 6 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિએ આગળ વધશે.
ત્યાર બાદ ચંદ્રની સપાટી પર ઊતરવા માટે યાન પોતાની ઝડપ 2 મીટર પ્રતિ સેકંડની કરવી પડશે, એટલે કે એક કલાકના લગભગ 7 કિમી.
આ પહેલાં યૂએસ, સોવિયેત રશિયા અને ચીન ચંદ્ર પર પહોંચી ચક્યાં છે. આજે જો ભારત ચંદ્ર પર યોજના મુજબ લૅન્ડિંગ કરવામાં સફળ થશે તો આ ચંદ્રની સપાટી પર ભારતનું પ્રથમ ઉતરાણ હશે.

અકસ્માત પાછળ કુલદીપ સેંગર - ઉન્નાવ પીડિતા

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અકસ્માત પાછળ કુલદીપ સેંગરનો હાથ હોવાની શક્યતા ઉન્નાવ પીડિતાએ વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું છે કે 'કુલદીપ સેંગરે રાયબરેલી હાઈવે પર ગાડી સાથે ટ્રકને અથડાવી મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો એવી મને એવી શંકા છે.'
એઈમ્સ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં પીડિતાએ ગુરુવારે અખબારને ટેલિફોનિક વાતચીતમાં આવું જણાવ્યું હતું. 28 જુલાઈથી તેમની સારવાર ચાલી રહી છે.
તેમણે કહ્યું કે અકસ્માત પહેલાં ઉન્નાવ કોર્ટમાં સુનાવણી માટે જતી વખતે સેંગરના એક સાગરિતે તેમને મારી નાંખવાની ધમકી આપી હતી.
ધમકી આપનારનાં માતા પણ પણ ઉન્નાવ કેસમાં સહઆરોપી છે. "તેમણે મને સુનાવણી વખતે કેસ પાછો ન ખેંચુ તો મારી નાંખવાની ધમકી આપી હતી."
આ અકસ્માતમાં પીડિતાના બે સંબંધીઓનાં મૃત્યુ થયાં હતાં તેમજ પીડિતા અને તેમનાં વકીલ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

સત્તાધારી પાર્ટી વૉશિંગ-મશીન જેવી છે - કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સીબઆઈ કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં મોકલી દીધા બાદ કૉંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે.
જેમાં કહેવાયું છે કે વિપક્ષી નેતાઓને ચોક્કસ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ કોર્ટના આ ચુકાદા બાદ ચિદમ્બરમે કહ્યું હતું, "હું માત્ર દેશની અર્થવ્યવસ્થા માટે ચિંતિત છું."
કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, "અમારું વલણ એ જ છે કે ચોક્કસ રીતે કાર્યવાહી થઈ રહી છે. વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. સત્તાપક્ષ એક વૉશિંગ-મશીન જેવો છે, જેમાં બીજા લોકો જાય છે અને સાફ-સુથરા થઈ જાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















