શું પશ્ચિમ બંગાળમાં હિંદુ તહેવારોની ભવ્ય ઉજવણી કરી ભાજપે TMC માટે ખતરાની ઘંટી વગાડી?

બંગાળ ભાજપ

ઇમેજ સ્રોત, Sanjay Das/bbc

    • લેેખક, પ્રભાકર એમ.
    • પદ, કોલકત્તાથી, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

પહેલાં રામનવમી અને હનુમાનજયંતી અને હવે જન્માષ્ટમી. પશ્ચિમ બંગાળમાં ઝડપથી બદલાતા રાજકીય માહોલમાં આવા દરેક તહેવાર રાજકીય રંગે રંગાઈ રહ્યા છે.

ખાસ કરીને મે મહિનામાં આવેલાં ચૂંટણી પરિણામો બાદ આ તહેવારો ઉપર ચઢેલો રાજકીય રંગ વધુ ગાઢ થયો છે.

આ જ કારણે પરિણામો બાદ આવનારા આ પ્રથમ તહેવાર નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 500 રેલીઓ યોજી તેનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું.

ટીએમસીનું નેતૃત્વ ધરાવતી રાજ્ય સરકાર પહેલાં જ આ રેલીઓના માર્ગમાં વિઘ્નો ઊભા કરવાના પ્રત્નો કરતી રહી છે.

તેમ છત્તાં ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિહિપના કાર્યકર્તા રેલીઓ કાઢીને ધરપકડ વહોરતા રહ્યા છે.

વર્ષ 2014માં લોકસભા ચૂંટણી બાદ શરૂ થયેલી આ રેલીઓ દ્વારા ભાજપને ટીએમસી વિરુદ્ધ ધ્રુવીકરણ કરવામાં મદદ મળી.

ભાજપને લોકસભાની ચૂંટણીમાં 18 બેઠક (42માંથી) રૂપે તેનું ફળ મળ્યું.

હવે વર્ષ 2021માં થનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભાજપે આ રેલીઓ દ્વારા પોતાના મૂળ વધુ ઊંડા નાંખવાની કવાયત શરૂ કરી દીધી છે.

બંગાળના ઘણા વિસ્તારોમાં આ રેલીઓ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ સામે આવતી રહી છે, જેનો લાભ ભાજપને મળ્યો છે.

line

પાંચસો રેલીઓ

રેલીઓ

ઇમેજ સ્રોત, Sanjay Das/bbc

વિશ્વ હિંદુ પરિષદે આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે 23 થી 25 ઑગસ્ટ સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં પાંચસો રેલીઓ કાઢવાનું અને 1,500 સ્થળોએ ત્રણ દિવસ સુધી ઉત્સવનું આયોજન કર્યું.

વીએચપીના બંગાળના સચિવ સચિન્દ્રનાથ સિંહા કહે છે:

"આ ઉત્સવોનો હેતુ રાજ્યના હિંદુઓને એકજૂટ કરવાનો છે. અહીં મુસ્લિમ તૃષ્ટિકરણે જોખમી સ્વરૂપ ધારણ કરી લીધું છે."

વાસ્તવમાં રામનવમી અને હનુમાન જયંતીના ઉત્સવોના બહાને વીએચપી અને સંઘે વર્ષ 2014થી જ રાજ્યમાં પગ જમાવવાની કવાયત શરૂ કરી દીધી હતી.

દરેક વર્ષની સાથે આયોજનોનું સ્વરૂપ વધવાની સાથે તેમના મૂળિયાં પણ મજબૂત થઈ રહ્યા છે.

હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજકીય પંડિતોના અનુમાનોને ખોટા પાડીને 42માંથી 18 બેઠકો જીતી, જેમાં આ આયોજનોની ભૂમિકા મહત્ત્વની રહી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ

ઇમેજ સ્રોત, Sanjay das/bbc

ઇમેજ કૅપ્શન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ

આ વર્ષે રામનવમી નિમિત્તે સંઘ દ્વારા આયોજિત સશસ્ત્ર રેલીઓની બાબતે રાજ્ય સરકાર અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ મુદ્દે સરકારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ વિરુદ્ધ ઘણા કેસ પણ દાખલ કર્યા.

વિહિપના પ્રવક્તા સૌરીશ મુખરજી જણાવે છે:

"ગયા વર્ષે અમે સાતસો જગ્યાઓ પર આવા આયોજનો કર્યાં હતાં. આ વર્ષે આ સંખ્યા બમણી કરતાં પણ વધુ થઈ ગઈ છે."

તેઓ ઉમેરે છે કે ગયા વર્ષે જન્માષ્ટમી નિમિત્તે બસો રેલીઓ કાઢવામાં આવી હતી. હવે તેની સંખ્યા વધારીને 500 કરી દેવાઈ છે.

શું આ રેલીઓનો હેતુ ભાજપનો રાજકીય પાયા મજબૂત કરવાનો છે એ પ્રશ્નના જવાબમાં સૌરીશ કહે છે કે અમારો હેતુ આર્થિક અને રાજકીય મતભેદોથી પર રહીને હિંદુ સમાજને એકજૂટ કરવાનો છે.

તેમનું કહેવું છે કે બંગાળની હાલની રાજકીય સ્થિતિમાં આ આયોજન ઘણું પ્રાસંગિક છે.

આવા આયોજનો દરમિયાન મુસ્લિમ તૃષ્ટિકરણ, સીમાપારથી થતી ઘૂસણખોરી અને જેહાદી હુમલાઓના વધતાં જોખમ જેવા મુદ્દા ચર્ચવામાં આવે છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપને બંગાળના દક્ષિણના વિસ્તારોમાં સારા પરિણામ નથી મળ્યા, ત્યાં હવે વિહિપ અને સંઘ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ભાજપ રેલીઓ

ઇમેજ સ્રોત, Sanjay das/bbc

ઉત્તર બંગાળમાં લોકસભાની બધી જ છ બેઠકો ભાજપને મળી હતી.

હવે તેઓ આગામી લોકસભા ચૂંટણી દરમિયાન દક્ષિણના વિસ્તારોમાં પાયો મજબૂત કરવા પ્રયત્નો કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી દુર્ગા પૂજા અને કાલી પૂજાના તહેવારોનું મોટા પાયે આયોજન કરવામાં આવતું હતું.

હવે, પહેલી વખત સંઘ અને વિહિપે રામનવમી સહિતના અન્ય હિંદુ તહેવારોને પણ મોટું સ્વરૂપ આપી રહ્યા છે.

સંઘના પ્રદેશ મહા સચિવ જિષ્ણુ બસુ કહે છે, "અમે આ કાર્યક્રમો મારફતે હિંદુ સમાજને એકજૂટ કરીશું."

"રાજ્યના તમામ જિલ્લાઓમાં મોટા પાયે થનારા આયોજનનો હેતુ હિંદુઓને બંગાળમાં એકજૂટ થવાની જરૂરિયાત વિશે જાગૃત કરવાનો છે."

બીજી તરફ, ટીએમસીઓનો આરોપ છે કે ભાજપ અને સંઘ પરિવાર આ તહેવારો દ્વારા સાંપ્રદાયિક ઉન્માદ ભડકવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

રેલી

ઇમેજ સ્રોત, Sanjay das/bbc

ટીએમસી મહાસચિવ અને રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી કહે છે:

"સરકારને તહેવારોના આયોજન પર કોઈ વાંધો નથી. તેનાથી રાજયના સાંપ્રદાયિક માળખાને નુકસાન થવું જોઈએ નહીં."

મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજી શરુઆતથી સંઘ અને તેના સહયોગી સંગઠનો પર સાંપ્રદાયિક અંતર વધારવાના આક્ષેપ કરતાં રહ્યાં છે.

તેમનું કહેવું છે કે ભાજપ અને તેમના સહયોગી આ રેલીઓને કારણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધે છે.

ચેટરજી કહે છે, "બંગાળ સાંપ્રદાયિક સદ્દભાવ માટે ઉદાહરણરૂપ રહ્યું છે, પરંતુ આ સંગઠનો વધુ સક્રિય થયા હોવાથી ઘણા સ્થળોએ સાંપ્રદાયિક તણાવ વધ્યો છે."

મમતાનું કહેવું છે કે તેમને આવી રેલીઓ સામે કોઈ વાંધો નથી, પરંતુ ભાજપનો હેતુ આ બહાને કોમી તોફાન ભડકાવવીને રાજકીય લાભ ઉઠાવવાનો છે.

ચેટરજીનું કહેવું કે જો કોઈ જગ્યાએ કોમી તોફાન કે તણાવની સ્થિતિ ઊભી થઈ, તો સરકાર કડક પગલાં લેશે.

આદંલનો

ઇમેજ સ્રોત, Sanjay das/bbc

ટીએમસી મહાસચિવ પાર્થ ચેટરજી કહે છે, "અમારો પક્ષ પણ જન્માષ્ટમી જેવા તહેવાર ઉજવે છે, પરંતુ તે શ્રદ્ધાના ભાગરૂપે છે. પોતાની તાકાત બતાવવા માટે નહીં."

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું:

"રામનવમીના તહેવાર દરમિયાન નીકળેલી રેલીઓને કારણે આસનસોલ અને રાણીગંજ વિસ્તારોમાં કોમી તણાવ ફેલાયો હતો. તેથી પોલીસ સાવધાનીપૂર્વક વર્તી રહી છે."

જન્માષ્ટમી દરમિયાન રાજ્યની પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં રેલી માટે મંજૂરી આપી ન હતી.

line

કારણ શું છે?

મમતા બેનરજી

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે મુખ્યમંત્રી મમતા બેનરજીના ભડકાઉ નિવેદનો અને આ આયોજનોના વિરોધના કારણે સંઘ અને તેના સહયોગી સંગઠનોને પોતાનો પગ જમાવવામાં મદદ મળી છે.

લોકસભા ચૂંટણીઓ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનાં વાક્યુદ્ધે પણ ભાજપતરફી માહોલ બનાવ્યો છે.

તે ઉપરાંત ઘણી જગ્યાએ 'જય શ્રી રામ'ના નારા લગાવનારા વિરુદ્ધ મમતા જે રીતે ભડક્યાં અને એવું કરનારાલોકોની ધરપકડ થઈ, તેથી તેમની છબિ ખરાબ થઈ.

ભાજપને લોકસભા ચૂંટણીઓમાં તેનો ફાયદો મળ્યો. રાજકીય. વિશ્લેષક ઉદયન બેનરજૂ કહે છે:

"મને લાગે છે કે 'જય શ્રી રામ' નારા પર મમતા બેનરજીની ઉગ્ર પ્રતિક્રિયાએ ભાજપના પાયાને વધુ મજબૂત કર્યો. તેમણે આ મુદ્દાની અવગણના કરવી જોઈએ નહીં."

પરંતુ શું લોકસભા ચૂંટણીઓમાં ભાજપના સારા પ્રદર્શનનું આ એક માત્ર કારણ છે?

રાજકીય વિશ્લેષક વિશ્વનાથ ચક્રવર્તી જણાવે છે, "કૉંગ્રેસ અને સીપીએમના હાંસિયામાં ધકેલાવાના કારણે તેમની વોટબૅંક પર ભાજપે કબજો જમાવી લીધો."

"કૉંગ્રેસ અને સીપીએમ વચ્ચે તાલમેલ ન હોવાથી મતદાતાઓનું મોટા પ્રમાણમાં ધ્રુવીકરણ થયું અને તેનું નુકસાન તૃણમૂલ કૉંગ્રેસે ભોગવવું પડ્યું."

"આ સિવાય કેટલાક વિસ્તારોમાં ભાજપને તૃણમૂલની લઘુમતી વોટબૅંકમાં પણ ભાગ પડાવવામાં ફાયદો થયો."

રેલીમાં મહિલાઓ

ઇમેજ સ્રોત, Sanjay das / bbc

રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર મઈદુલ ઇસ્લામ કહે છે:

"2001માં જે સ્થિતિમાં તૃણમૂલ કૉંગ્રેસ હતી, તે સ્થિતિમાં આ વખતે ભાજપ હતો."

"તૃણમૂલ કૉંગ્રેસના કેટલાંક સંસદસભ્યોનાં વલણનાં કારણે પણ મતદાતાઓમાં વધતી જતી નારાજગીનો ફાયદો ભાજપને થયો."

રાજકીય વિશ્લેષક ઉદયન બેનરજી કહે છે, "બંગાળમાં કૉંગ્રેસ તો પહેલાંથી જ હાંસિયામાં હતી."

"જ્યારે સીપીએમનું નેતૃત્વ ધરાવતાં ડાબેરી મોર્ચાની પકડ પણ ઢીલી થઈ રહી હતી."

"આ સ્થિતિમાં તૃણમૂલ કૉંગ્રેસ વિરોધી મતદાતાઓને ભાજપમાં જ એક બહેતર વિકલ્પ જણાયો અને લોકોએ ખુલીને મત આપ્યા."

લોકસભા ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગેલા તીવ્ર ઝાટકા બાદ ટીએમસીએ જાણીતા ચૂંટણી રણનીતિજ્ઞ પ્રશાંત કિશોરની મદદ લીધી છે.

તેમની સલાહના આધારે હવે મમતા પોતાના સ્વભાવથી વિપરીત ઘણાં સંયમમાં જણાય છે અને પહેલાંની જેમ દરેક વાત પર આક્રમક વલણ અપનાવવાનું ટાળે છે.

મમતાના નિવેદનો

ઇમેજ સ્રોત, Sanjay das/bbc

ટીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાસભા ચૂંટણીઓ પહેલાં એક આક્રમક અને જોશીલા નેતા તરીકેની છબિ બદલવાના પ્રયત્નો કરી રહ્યા છે.

આ કવાયતના ભાગરૂપે મમતાએ પહેલાં 'કટમની' એટલે કે સરકારી યોજનાઓમાં સત્તારૂઢ પક્ષોના નેતાઓ તરફથી લેવાતા કમિશનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ત્યાર બાદ તેમણે સામાન્ય લોકો સાથે સીધો સંપર્ક સ્થાપવા માટે એક હેલ્પલાઇન સેવા અને વેબસાઇટ શરૂ કરી છે.

તેના દ્વારા લોકો પોતાની ફરિયાદો અને સમસ્યાઓને સીધી મમતા સુધી પહોંચાડી શકે.

ભાજપનાં સતત બહેતર થતાં જતાં પ્રદર્શને આવનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ટીએમસી માટે ખતરાની ઘંટી વગાડી દીધી છે.

આ કારણે તેમણે પ્રશાંત કિશોરની મદદ લીધી છે અને પાર્ટીના ભ્રષ્ટ નેતાઓને ઉપર તવાઈ ઉતરી છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ નેતાઓ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે લોકસભા ચૂંટણી તો તેમના માટે સેમિ-ફાઇનલ છે. ફાઇનલ તો વિધાનસભા ચૂંટણી જ છે.

વિશ્લેષક વિશ્નાથ ચક્રવર્તી કહે છે, "ભાજપે સેમીફાઇનલમાં બહેતર પ્રદર્શન દ્વારા બે વર્ષ પછી યોજાનારી ફાઇનલ પહેલાં સત્તા ઉપર રહેલી તૃણમૂલ કૉંગ્રેસ માટે ખતરાની ઘંટી વગાડી દીધી છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો