કલમ 370 : 'ભારતે જીનને બૉટલમાંથી બહાર કાઢ્યો છે'-મહેબૂબા મુફ્તી

મહેબૂબા મુફ્તી

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, આતિશ તાસિર
    • પદ, લેખક-પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભારત સરકારે બંધારણની કલમ 370ને ખતમ કરીને કાશ્મીર પાસેથી વિશેષાધિકાર લઈ લીધો છે.

ભારત સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીનું કહેવું છે કે ભારતે જે જીનને બૉટલમાંથી બહાર કાઢ્યો છે, તે જીનને ફરી બૉટલમાં નાખવો ખૂબ અઘરો પડશે.

વાંચો મહેબૂબા મુફ્તી સાથે થયેલી ખાસ વાતચીત.

line

આ નિર્ણય પર તમારી પહેલી પ્રતિક્રિયા શું છે?

હું ચિંતિત છું. હું સમજી શકતી નથી કે હું શું કહું. મને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. મને લાગે છે કે આજે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે.

અમે કાશ્મીરના લોકો, અમારા નેતા, જેમણે બે રાષ્ટ્રોની થિયરીને નકારી અને મોટી આશા તેમજ વિશ્વાસ તેઓ ભારત સાથે ગયા, તેઓ પાકિસ્તાનની બદલે ભારતને પસંદ કરવા મામલે ખોટા હતા.

સંસદ ભારતીય લોકતંત્રનું મંદિર છે પરંતુ તેણે પણ અમારી આશાઓ તોડી નાખી છે.

એવું લાગી રહ્યું છે કે તેઓ કાશ્મીરની જમીન તો ઇચ્છે છે પરંતુ કાશ્મીરના લોકોની તેમને કોઈ ચિંતા નથી.

તે લોકો, જેઓ ન્યાય માટે સંયુક્ત રાષ્ટ્ર જતા હતા તેઓ સાચા સાબિત થયા છે અને અમારા જેવા લોકો જેમને ભારતના બંધારણમાં વિશ્વાસ હતો, તેઓ ખોટા સાબિત થયા છે.

એ જ દેશે અમને નિરાશ કર્યા છે જેમની સાથે અમે જોડાયેલા હતા. હું ખૂબ વધારે ચિંતિત છું અને એ જાણતી નથી કે શું કહું અને કેવી રીતે કહું.

આ એકતરફી નિર્ણયથી આ આખા ઉપમહાદ્વીપ પર ખૂબ વ્યાપક પરિણામ જોવા મળશે.

તમે માનો છો તેના કરતાં વધારે નુકસાન થશે. હું ખરેખર જાણતી નથી હું શું કહું.

line

તેઓ કાશ્મીરની ખીણમાં શું કરવા માગે છે?

કાશ્મીરમાં ધારા 144

ઇમેજ સ્રોત, EPA

એ વાતમાં કોઈ શંકા નથી કે આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે. તેઓ કાશ્મીરમાં જનસાંખ્યિકીય પરિવર્તન લાવવા માગે છે.

જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય છે.

કાશ્મીરે ધર્મના આધારે ભાગલા પાડવાની ના પાડી દીધી હતી. એવું લાગી રહ્યું છે કે આજે તેમણે રાજ્યને ફરી ધાર્મિક આધારે વહેંચી નાખ્યું છે.

કેન્દ્રશાસિત પ્રદેશની વ્યવસ્થાથી વધુ એક વખત ભાગલા પાડી દેવામાં આવ્યા છે.

એ વાત સ્પષ્ટ છે કે તેઓ માત્ર જમીન પર કબજો મેળવવા માગે છે. તેઓ આ મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યને પણ અન્ય રાજ્ય જેવું બનાવવા માગે છે.

તેઓ અમને અલ્પસંખ્યક બનાવીને દરેક રીતે કમજોર બનાવવા માગે છે.

line

કાશ્મીરના લોકો કેવી રીતે પ્રતિક્રિયા આપશે?

ઇલાહાબાદમાં ઉજવણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇલાહાબાદમાં ઉજવણી કરતા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા

આ કાશ્મીરિયત પર, કાશ્મીરના દરેક મુદ્દા પર હુમલો છે. કાશ્મીરી લોકો શું કરશે? કાશ્મીરને એક ખુલ્લી જેલ બનાવી દેવામાં આવી છે.

પહેલેથી જ જે સુરક્ષાકર્મીઓ હતા તેમના સિવાય મોટી સંખ્યામાં વધારાનું સૈન્યબળ અહીં મોકલવામાં આવ્યું.

અમારા મતભેદ અને વિરોધનો અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે.

કાશ્મીરને જે વિશેષ અધિકાર મળ્યો હતો, તે કોઈ એવી વસ્તુ ન હતી જે અમને ભેટમાં આપવામાં આવી હતી.

પરંતુ તે એક બંધારણીય ગૅરન્ટી હતી કે જે કાશ્મીરના લોકોને ભારતની સંસદે આપી હતી. આ બધુ બંધારણીય હતું.

તેમણે કાશ્મીરીઓને વધારે દૂર કરી નાખ્યા છે. આ કાશ્મીરને ગાઝા પટ્ટી જેવું બનાવવાનું ષડયંત્ર છે.

જે ઇઝરાયલ ગાઝામાં કરી રહ્યું છે, તેવું જ અહીં કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓ સફળ થશે નહીં.

તમે જુઓ અમેરિકાએ વિયેતનામ છોડવું પડ્યું. અમારા જેવા લોકો જેઓ ભારત સરકારનું સમર્થન કરી રહ્યા હતા, જેમને ભારતમાં વિશ્વાસ હતો, તેમની પણ અવગણના કરી દેવામાં આવી છે.

તેવામાં માત્ર કાશ્મીર ખીણ માટે જ નહીં, પરંતુ દેશ અને સમગ્ર ઉપમહાદ્વીપ માટે ભવિષ્ય ખૂબ બેરંગ થવાનું છે.

line

શું તેનાથી ભારતના મુસ્લિમો વધારે અલગ પડી જશે?

સંસદ બહાર પીડીપીનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સંસદ બહાર પ્રદર્શન કરતા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ

તેનાથી ભારતીય મુસ્લિમ માત્ર અલગ પડી જશે એવું નથી. પરંતુ તેમની અંદર વધારે ડર પણ બેસી જશે.

ભારતીય મુસ્લિમોએ દરેક વાત માનવી પડશે નહીં તો તેમની પાસે જે સન્માન બચ્યું છે તે પણ તેમની પાસેથી છીનવી લેવામાં આવશે.

એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારબાદથી લિન્ચિંગની કેટલી ઘટનાઓ ઘટી છે.

જમ્મુ-કાશ્મીર ભારતનો એકમાત્ર મુસ્લિમ વસતી ધરાવતો પ્રદેશ છે અને શરૂઆત અહીંથી કરી દેવામાં આવી છે.

તેમણે ભારતીય મુસ્લિમોને બીજી શ્રેણીના નાગરિક બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તારમાં રહેતા લોકો પાસેથી જ મતભેદનો અધિકાર લઈ લેવામાં આવ્યો છે, પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર લઈ લેવામાં આવ્યો છે.

મને લાગે છે કે ભારતીય મુસ્લિમો અમારા કરતાં પણ વધારે નબળી સ્થિતિમાં છે. હું નથી જાણતી કે તેઓ શું કરશે.

મને લાગે છે કે તેઓ મુસ્લિમ મુક્ત ભારત બનાવવા માગે છે. આ જ કારણ છે કે તેમણે આ પ્રક્રિયા જમ્મુ-કાશ્મીરથી શરૂ કરી છે.

કાશ્મીર ભારતની સાથે શરતો અંતર્ગત જોડાયેલું હતું. આ શરતો ખતમ કરી દેવામાં આવી છે. પરંતુ આ માત્ર ભારતીય મુસ્લિમો માટે જ મુશ્કેલ સમય છે એવું નહીં બને.

તેમણે જીનને બૉટલમાંથી કાઢ્યો છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેને ફરી બૉટલમાં કેવી રીતે નાખવામાં આવશે.

તમે જાણો છો કે કેવી રીતે મુસ્લિમ આતંકવાદની શરૂઆત થઈ અને હવે કોઈ જાણતું નથી કે એ જીનને ફરી બૉટલમાં કેવી રીતે નાખવામાં આવે.

આ જ હવે આપણા દેશમાં થવાનું છે કેમ કે તેમણે જીનને બૉટલમાંથી બહાર કાઢી દીધો છે.

line

હવે બદલાયેલી પરિસ્થિતિઓમાં તમારી શું ભૂમિકા હશે?

પાકિસ્તાની વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં ભારત વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેતાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ

હું અત્યારે અનુભવી રહી છું કે અમારી સાથે એ જ સંસ્થાઓએ દગાખોરી કરી છે જેમના પર અમે ભરોસો વ્યક્ત કર્યો હતો.

અમે કાશ્મીરના મોટા ભાગના લોકોની મરજી વિરુદ્ધ જઈને ભારત પર ભરોસો વ્યક્ત કર્યો હતો.

હવે અમે શું કરીશું તેના અંગે વિચારવું પણ ઉતાવળ છે.

મને લાગે છે કે કાશ્મીરની બધી રાજકીય પાર્ટીઓ, ધાર્મિક પક્ષો અને અન્ય પક્ષોએ એકજૂથ થવું પડશે અને એકસાથે મળીને લડવું પડશે.

કાશ્મીરનો મુદ્દો ગૂંચવાઈ ગયો છે અને હવે તેનું તુરંત સમાધાન લાવવું જ પડશે. કેમ કે બંધારણીય સંબંધને ગેરકાયદેસર કબજામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે.

હવે કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે પણ તક છે.

કાશ્મીર હવે ગેરકાયદેસર કબજામાં અને અમે જોઈશું કે અમારે શું કરવાનું છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો