Top News: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર, આજે ક્યાં પડશે ભારે વરસાદ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ સહિત અન્ય જગ્યાઓ ભારે વરસાદને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.

વરસાદની આ સ્થિતિને કારણે લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવલા અનુસાર મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ આવતી ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવી પડી હતી.

આ સિવાય દક્ષિણ ગુજરાતમાં આવેલી ઢાઢર, ઓરસંગ અને જાંબુવા નદીમાં પૂરની સ્થિતિ બની છે એવું 'દિવ્યભાસ્કર'નો અહેવાલ જણાવે છે.

અખબાર લખે છે અરૂણ જેટલીએ દત્તક લીધેલા ગામ કરનાળી જવાના માર્ગનું ધોવાણ થયું છે.

આ સિવાય હવામાન વિભાગે ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

આ યાદીમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ડાગ, નવસારી, તાપી, દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે.

line

ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ટ્રમ્પને મધ્યસ્થતા કરવા કહ્યું

ઈમરાન ખાન

ઇમેજ સ્રોત, @PID_GOV

ભારત પ્રશાસિત કાશ્મીરમાં હાલમાં અજંપાભરી સ્થિતિ છે. ત્યાંના સ્થાનિકોથી માંડીને નેતાઓ પણ 'કંઈક થવા'ની અટકળો લગાવી રહ્યા છે.

આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા વિનંતી કરી છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ઇમરાન ખાનનું આ નિવેદન એલઓસી પર થયેલા યુદ્ધવિરામના ભંગ બાદ આવ્યું છે.

ભારતે આરોપ મૂક્યો છે કે સરહદ પાર હુમલા કરવા માટે પાકિસ્તાની સેના ઉગ્રવાદીઓને મદદ કરી રહી છે.

line

સચીન પાલટ અને જ્યોતિરાદિત્ય કૉંગ્રેસ અધ્યક્ષ માટે સક્ષમ : મિલિંદ દેવરા

મિલિંદ દેવરા

ઇમેજ સ્રોત, @MILINDDEORA

'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ કૉંગ્રેસ અધ્યક્ષના પદ માટે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચીન પાઇલટનું નામ આગળ ધર્યું છે.

પીટીઆઈના હવાલાથી અખબાર લખે છે કે દેવરાએ કહ્યું હતું કે કૉંગ્રેસ અધ્યક્ષ યુવાન, સક્ષમ અને સંગઠન ચલાવવાના અનુભવ ધરાવતા હોવા જોઈએ.

દેવરાએ કહ્યું હતું, "મારા મતે સચીન પાઇલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયામાં આ પ્રકારનાં તમામ ગુણ છે જે સંગઠનને મજબૂતી આપી શકે છે."

line

50 વર્ષથી 1000 કેસ અનિર્ણીત : મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ

જસ્ટીસ ગોગઈ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે દેશની વિવિધ અદાલતોમાં છેલ્લાં 50 વર્ષથી 1000 કરતાં પણ વધુ કેસ પેન્ડિંગ પડ્યા છે.

'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર ગોગોઈએ એવું પણ કહ્યું કે દેશની અદાલતોમાં 90 લાખ સિવિલ કેસ અને 20 લાખથી પણ વધુ એવા કેસ પેન્ડિંગ પડ્યા છે જેમાં હજુ સુધી સમન્સ પણ નથી પાઠવવામાં આવ્યું.

તેમણે કહ્યું, "ભારતમાં બે લાખ કેસ એવા છે જે 25 વર્ષથી પેન્ડિંગ પડ્યા છે."

ગોગોઈએ ગુવાહાટી હાઈકોર્ટમાં પેન્ડિગ પડેલા કેસનો તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો