ગુજરાતની એ માટી, જે ક્રિકેટની ફાસ્ટ પીચ બનાવવા વપરાય છે

પીચની તસવીર
    • લેેખક, મિરાની પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત

કોઈ પણ ક્રિકેટ મેચમાં જેટલું મહત્ત્વ બન્ને ટીમના ખેલાડીઓનું હોય છે, તેટલું જ મહત્ત્વ જે સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી હોય, તેની પીચનું હોય છે.

બનાવટના આધારે જ પીચની તાસીર નક્કી થઈ જતી હોય છે કે તેનાથી ફાસ્ટ બૉલર્સને લાભ મળશે કે સ્પીન બૉલર્સને સપોર્ટ કરશે.

સુરતની પાસે આવેલા ગણદેવી ગામની લાલ માટીનો ઉપયોગ બીસીસીઆઈ દ્વારા તેનો ફાસ્ટ પીચ બનાવવા માટે થાય છે.

લગભગ 25 વર્ષથી આ ક્રમ ચાલુ છે. અહીંની માટી વિદેશ પણ મોકલવામાં આવી છે.

line

લાલ માટીની પીચની કમાલ

ક્રિકેટ રમવા તૈયાર ટીમની તસવીર

રેડ સોઇલની પીચ અંગે ભૂતપૂર્વ રણજી કૅપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઇ મૅચ રેફરી નિસર્ગ પટેલ કહે છે, "રેડ સોઇલ દ્વારા જે પીચ બનાવવામાં આવે છે તેના કારણે બૉલ બાઉન્સ વધારે થાય છે એટલે બૉલર વધારે ફાસ્ટ બૉલ નાખી શકે છે.

"ઉપરાંત બેટ્સમૅનને પણ એ બૉલ પર રમવાની વધારે મજા આવતી હોય છે. આ રેડ સોઇલથી બનેલી વલસાડની પીચ રણજી મૅચ માટે બેસ્ટ ફાસ્ટેસ્ટ પીચ જાહેર કરવામાં આવી છે."

દશરથભાઈના કહેવા પ્રમાણે, લાલ માટીની પીચમાં ક્રેક ખૂબ જ પડતી હતી. એક હદ સુધી બૉલને બાઉન્સ કરવા માટે તે સારી બાબત છે, પરંતુ જો વધારે ક્રેક પડવા લાગે તો બઑર્ડર પરથી માટી નીકળવા લાગે અને પીચ નિષ્ફળ જાય.

"આથી અમે 10 ટકા મુંબઈ મોરમ ઉમેરીને પીચ તૈયાર કરી. જે સફળ રહી. હવે મોટા ભાગે એ માટીનો જ ઉપયોગ થાય છે."

line

અગાઉ નળિયાં બનતાં પણ...

લાલ માટીની પીચની તસવીર

ગણદેવી ગામમાં રહેતા નિકુંજભાઇ ગજ્જીવાલાના દાદા લગભગ સો વર્ષ પહેલાં તેમના ખેતરની માટીનો ઉપયોગ નળિયાં બનાવવા માટે કરતા હતા.

જેમજેમ શહેરીકરણ થતું ગયું, તેમતેમ ગામડાંમાં પણ પાકાં ઘરો બનવાં લાગ્યાં. જેથી નળિયાંની બનાવટ બંધ થઈ ગઈ. થોડાં વર્ષો સુધી તો લાલ માટી હોવાનાં કારણે જમીનનો કોઈ ઉપયોગ થયો નહીં.

લગભગ પચ્ચીસેક વર્ષ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નારાયણ સાટમે બરોડા ક્રિકેટ ઍસોસિયેશનને લાલ માટીમાંથી પીચ બનાવવાની સલાહ આપી હતી.

બીસીસીઆઈ (ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઑફ ઇન્ડિયા)ના ક્યુરેટર દશરથભાઈ પરદેશી જણાવે છે, "જ્યારે નિકુંજભાઈના ખેતરની લાલ માટીનો ઉપયોગ કર્યો, ત્યારે તેમાં સારું એવું બાઇન્ડિંગ જોવા મળ્યું અને બૉલ ખૂબ બાઉન્સ થતો હતો."

નિકુંજભાઈના કહેવા પ્રમાણે, તેમના પિતાએ વિદેશોમાં શારજાહ અને કોલંબો સહિત અન્ય કેટલાંક સ્થળોએ પણ લાલ માટી મોકલી છે.

વેસ્ટ ઝોનમાં એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટા ભાગે ગણદેવીની રેડ સોઇલનો જ ઉપયોગ થાય છે. સામાન્ય માટીના ટ્રકની કિંમત રૂ. આઠથી દસ હજાર હોય છે, જ્યારે લાલ માટીની બમણી કિંમતે વેચાય છે.

line

કેવી પીચ આદર્શ?

લાલ માટીની પીચની પીચ પર ક્રિકેટ રમી રહેલા ક્રિકેટર્સની તસવીર

બીસીસીઆઈના નિયમ પ્રમાણે, પીચ ત્રણ લેયરમાં બનાવવામાં આવે છે. ચાર ઈંચના પડમાં બે મિલીમીટરની સાઇઝના કાંકરા પાથરવામાં આવે છે. તેની ઉપર રેતાળ માટીની ચાર ઈંચનું લેયર તૈયાર કરવામાં આવે છે.

ત્યારબાદ 17 ઈંચનું મધર સોઇલનું લેયર તૈયાર કરવામાં આવે છે. જે કાળી કે લાલ માટીનું બનેલું હોય છે.

રેડ સોઇલમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે તે સરળતાથી તૂટતી નથી અને બૉલ સારી રીતે બાઉન્સ થઈ શકે છે, જેની ઉપર ચાર મિમી જેટલું ઘાસ ઊગે તે પીચને સારી પીચ માનવામાં આવે છે.

(આ અહેવાલ સૌપ્રથમ 31 ડિસેમ્બર 2017માં પ્રકાશિત થયો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન