દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં ચપ્પુ વડે હુમલો: નેતન્યાહૂનો દાવો - 'હુમલાખોર પાઇલટે વિમાન ક્રૅશ કરાવવાનો પ્રયાસ કર્યો'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શરૂઆતમાં એવું માનવામાં આવ્યું હતું કે ફ્લાઇટને હાઇજેક કરી લેવાઈ છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, હફ્સા ખલીલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી એક ફ્લાઇટ પાઇલટો વચ્ચે કથિતપણે ઝઘડો થયા બાદ સાઉદી અરેબિયામાં ઊતરી.

ફ્લાઇટમાં સવાર એક ઇઝરાયલી મુસાફરે પત્રકારોને કહ્યું કે ક્રૂએ તેમની મદદ માગી હતી જે બાદ મુસાફરોએ એક પાઇલટને કાબૂ કરવા અને તેને બાંધવામાં મદદ કરી.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈની આ ફ્લાઇટ સાથે સંકળાયેલી ઘટના અંગે નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું, "જે પાઇલટે છરી વડે હુમલો કર્યો હતો, તેની ધરપકડ કરી લેવાઈ છે અને હાલ સાઉદી અધિકારી તેની પૂછપરછ કરી રહ્યા છે."

ફ્લાયદુબઈની આ ફ્લાઇટ બુધવારે સવારે રવાના થઈ હતી. ફ્લાઇટ વેબસાઇટ ફ્લાઇટરડાર24 મુજબ, ઉડાણ ભરવાના લગભગ બે કલાક બાદ વિમાને ઇમર્જન્સી કોડ જાહેર કર્યો.

અમુક મિનિટો બાદ વિમાને તેને બદલીને હાઇજેકિંગનો કોડ કરી દીધો. જોકે, બાદમાં તેને ફરી સામાન્ય ઇમર્જન્સી સિગ્નલમાં તબદીલ કરી દેવાયો.

અનામ ઇઝરાયલી અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે એક પાઇલટે બીજા પાઇલટને ચપ્પુ માર્યું.

અધિકારીઓ પ્રમાણ કાં તો એ પાઇલટ વિમાનને હાઇજેક કરવા માગતો હતો અથવા તો ક્રૅશ કરવા માગતો હતો. જોકે, અમે જણાવી દઈએ કે પાઇલટનો હેતુ હજુ સુધી સ્પષ્ટ નથી અને અમને આ અંગે હજુ સુધી કોઈ આધિકારિક નિવેદન નથી મળ્યું.

નેતન્યાહૂએ બીજું શું કહ્યું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નેતન્યાહૂનો દાવો, 'એક પાઇલટે વિમાન ક્રૅશ કરવાનો પ્રયાસ કર્યો'
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેતન્યાહૂએ પોતાના નિવેદનમાં કહ્યું, "ઉડાણ દરમિયાન, જ્યારે વિમાન ઇઝરાયલ પાસે પહોંચી રહ્યું હતું, એક પાઇલટ પર ચપ્પુ વડે હુમલો કરી દેવાયો અને એવું લાગે છે કે વિમાનમાં રહેલા મુસાફરો સાથે તેને ક્રૅશ કરવાનો પ્રયાસ કર્યો."

"મેં વિમાનના એક ઇઝરાયલી મુસાફર સાથે વાત કરી. તેણે કહ્યું કે વિમાન ફરવા લાગ્યું અને નીચે ઊતરવા લાગ્યું."

"તેણે કહ્યું કે કંઈક કરીને એ એક ક્રૂ મેમ્બર સાથે કૉકપિટમાં ઘૂસવામાં સફળ રહ્યો. બંનેએ મળીને ચપ્પુ વડે હુમલો કરનારા પાઇલટને કાબૂમાં કરી લીધો અને એ પાઇલટ વિમાનની સિસ્ટમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો."

"વિમાનમાં હાજર એક અન્ય ક્રૂ મેમ્બર પણ કૉકપિટમાં પહોંચ્યો અને વિમાનને સ્થિર કરવામાં સફળ રહ્યો."

"હું આ નાયકોને સલામ કરું છું, જેમણે અસાધારણ સૂઝબૂજ અને સાહસનો પરિચય આપ્યો. તેમણે ઘણા લોકોના જીવ બચાવ્યા અને એક મોટા અકસ્માતને ટાળ્યું."

"વિમાન સાઉદી અરેબિયાના તબુક ઍરપૉર્ટ પર સુરક્ષિત ઊતરી ગયું. હવે તમામ મુસાફરો ખતરાથી બહાર છે. જે પાઇલટે ચપ્પુ વડે હુમલો કર્યો હતો, તેની ધરપકડ કરી લેવાઈ છે અને હાલ સાઉદી અધિકારી તેની પૂછપરછ કરી રહ્યા છે."

હુમલાખોર પાઇલટને કંઈક આ રીતે કાબૂ કરાયો

બીબીસી ગુજરાતી

ફ્લાઇટમાં સવાર એક મુસાફરે ઇઝરાયલી અખબાર 'હોરેત્ઝ'ને જણાવ્યું કે વિમાને નિયંત્રણ ગુમાવી દીધું હતું અને લૅન્ડિંગના લગભગ એક કલાક પહેલાં નીચેની તરફ "ઝડપથી પડવા લાગ્યું" હતું.

ડાલિયા શ્પીગલ નામક આ મુસાફરે અખબારને જણાવ્યું કે, "અચાનક આખા વિમાનમાં બિહામણી ચીસો ગુંજવા લાગી." એ બાદ "ત્રણથી પાંચ લોકો કૉકપિટમાં ઘૂસી ગયા," હુમલાખોરને કાબૂમાં લીધો અને ઘાયલ પાઇલટનો ઇલાજ શરૂ કર્યો.

શ્પીગલે કહ્યું, "અમને લાગ્યું કે સ્થિતિ સંભળી રહી છે અને અમે ઉડાણ ચાલુ રાખી. ધીરે ધીરે કૉકપિટમાં શું થયું, તેની જાણકારી સામે આવવા લાગી."

તેમણે જણાવ્યું કે એ બાદ આ "આ યુવાનો"એ જવાબદારી સંભાળી લીધી અને મુસાફરોની મદદ કરવા લાગ્યા. એ દરમિયાન વિમાને પોતાનો માર્ગ બદલ્યો અને સાઉદી અરેબિયામાં લૅન્ડિંગ માટે જતું રહ્યું.

તેમણે કહ્યું, "હાલ, અમે બધા ટર્મિનલમાં છીએ અને મેડિકલ ટીમ અમારી તપાસ કરી રહી છે."

ફ્લાઇટની અંદરના વીડિયોમાં શું દેખાયું?

ઇઝરાયલી મીડિયામાં શૅર કરાયેલા એક વીડિયોમાં વિમાનમાં સવાર એક પ્રત્યક્ષદર્શી કથિતપણે એવું કહેતા દેખાઈ રહ્યા છે કે "ચપ્પુધારી એક હુમલાખોર"એ પાઇલટ પર હુમલો કર્યો.

બીબીસી વેરિફાઇએ આ વીડિયોની તપાસ કરી છે. તેમાં એઆઇ વડે છેડછાડ કરાયાના કોઈ સંકેત નથી મળ્યા અને એવું પણ નથી લાગતું કે ઘટના પહેલાં આ વીડિયો ઓનલાઇન પોસ્ટ કરાયો હતો.

વીડિયોમાં વિમાનની સીટ પર બેઠેલી વ્યક્તિને કૅમેરા પર વાત કરતા સાંભળી શકાય છે. તેઓ કહે છે, "અમે ફ્લાઇટનું નિયંત્રણ સાચવ્યું અને ચપ્પુધારી એક હુમલાકોરે એક પાઇલટ પર હુમલો કર્યો હતો."

આ જણાવે છે કે કથિત હુમલાખોરને કૉકપિટથી બહાર કાઢી દેવાયો અને હવે બધું "ઠીક છે."

તેઓ કહે છે, "એક પાઇલટ ગંભીરપણે ઘાયલ છે."

"બીજો એક પાઇલટ પણ ઘાયલ થયો છે, પરંતુ તે વિમાનને લૅન્ડ કરાવવાની સ્થિતિમાં છે. તેની સાથે ક્રૂના બે સભ્યો છે. અમે સુનિશ્ચિત કર્યું કે દરવાજો બંધ રહે. હું તમને બધાને પ્રેમ કરું છું અને બધું ઠીક છે."

તેઓ કહે છે કે ઘટનામાં સામેલ સંદિગ્ધને કાબૂ કરી લેવાયો છે.

ઇઝરાયલી મીડિયા પ્રમાણે, ઉડાણ દરમિયાન પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે ઝઘડો થયો હતો. એ બાદ વિમાને ઇમર્જન્સી સિગ્નલ મોકલ્યું અને થોડા સમય માટે હાઇજેકિંગની આશંકા પેદા થઈ.

ફ્લાઇટ FZ1073 એ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ખાતેથી ઉડાણ ભરી હતી. તેમાં લગભગ 150થી 180 લોકો સવાર હતા, જેમાં મોટા ભાગના ઇઝરાયલી નાગરિક હતા.

ફ્લાઇટ ટ્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 પ્રમાણે, ઉડાણ ભરવાના લગભગ બે કલાક બાદ વિમાને પ્રથમ સ્ક્વૉક કોડ 7700 મોકલ્યો. એ સામાન્ય આપાત સ્થિતિનો સંકેત હોય છે.

અમુક મિનિટ બાદ વિમાને કોડ 7500 મોકલ્યો, જે વિમાન સાથે અવૈધ હસ્તક્ષેપ કે હાઇજેકિંગનો સંકેત આપે છે. બાદમાં વિમાને ફરીથી 7700નો કોડ મોકલ્યો.

કૅપ્ટન અને ફર્સ્ટ ઑફિસર બંને ઘાયલ

ફ્લાયદુબઈ કંપનીએ જણાવ્યું છે કે આ ઘટનામાં કૅપ્ટન અને ફર્સ્ટ ઑફિસર બંને ઘાયલ થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સ્થાનિક સમય અનુસાર સવારે 8:44 વાગ્યે ઍર ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરને આપાતકાલીન લૅન્ડિંગ માટેનો સંકેત મળ્યો હતો.

તેના લગભગ એક કલાક પછી વિમાન સુરક્ષિત રીતે રનવે પર ઊતરી ગયું હતું.

મુસાફરોએ ઇઝરાયલી મીડિયાને જણાવ્યું કે સાઉદી અરેબિયામાં ડાયવર્ટ કરવામાં આવે તે પહેલાં એક પાઇલટને છરીથી ઈજા પહોંચી હતી.

ઇઝરાયલી મીડિયામાં એક વીડિયો શૅર કરાઈ રહ્યો છે, જેને બીબીસી વેરિફાય નથી કરી શક્યું.

તેમાં એક વ્યક્તિ સેલ્ફી મોડમાં વીડિયો બનાવતા કહે છે કે, "અમે અહીં છીએ. વિમાનમાં અમે હાલમાં જ આતંકીઓને કાબૂમાં લીધા છે. અમે ટૂંક સમયમાં લૅન્ડ કરવાના છીએ... વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા નથી થઈ. માત્ર પાઇલટને બાદ કરતાં. અમને મદદની જરૂર છે."

બચાવનારા પાઇલટ બ્રિટિશ મૂળના

એલમોગ ઇતાલી નામના એક મુસાફરે મીડિયાને જણાવ્યું કે જે બે પાઇલટોએ વિમાનને સંભાળ્યું તેઓ રિલીફ પાઇલટ હતા, જે બાદની ઉડાણને સંચાલિત કરવાના હતા.

ઇતાલીએ કહ્યું, "તેમાંથી એક બ્રિટિશ પાઇલટ હતો." તેમણે બીજો પાઇલટ યુરોપિયન હોવાની વાત કહી, પરંતુ તેની રાષ્ટ્રીયતા ન કહી.

ઇતાલીએ કહ્યું કે કૉકપિટમાં આખરે શું થયું, તેની ખબર નથી પડી શકી, પરંતુ રિલીફ પાઇલટોએ જ વિમાનને સ્થિર કર્યું અને તેને સાઉદી અરેબિયા ખાતે લૅન્ડ કરાવ્યું.

જુદાં જુદાં નિવેદનો વચ્ચે ઇતાલીએ કહ્યું, "બિલકુલ સ્પષ્ટ છે કે બે પાઇલટો સામે ચપ્પુ વડે ઘાયલ એક પાઇલટ પડ્યો હતો."

ઇઝરાયલી મીડિયા તરફથી શૅ કરાયેલા એક વીડિયોને બીબીસી વેરિફાઇને સાચો જણાયો છે.

આ વીડિયોમાં વિમાનની સીટથી કૅમેરા પર વ્યક્તિ કહે છે, "અમે ઉડાણ પર નિયંત્રણ મેળવી લીધું અને ચપ્પુધારી એક હુમલાખોરે પાઇલટો પૈકી એક પર ચપ્પુ વડે હુમલો કર્યો."

તેમણે કહ્યું, "એક પાઇલટ ગંભીરપણે ઘાયલ છે. એક અન્ય પાઇલટ પણ ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ એ વિમાનને ઉતારવાના પ્રયાસ કરી રહ્યો છે. તેની સાથે ચાલકદળના બે સભ્યો છે. અમે એ સુનિશ્ચિત કર્યું કે દરવાજો બંધ રહે."

પ્રત્યક્ષદર્શીઓએ શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, યાસ્મિન નામનાં એક મહિલાનાં દીકરી ફ્લાઇટમાં સવાર હતાં, તેમણે ઘટના વિશે યાસ્મિનને જણાવ્યું

યાસ્મિન નામનાં એક મહિલાએ જણાવ્યું કે તેમની પુત્રી પણ દુબઈથી તેલ અવિવ જઈ રહેલી આ ફ્લાઇટમાં સવાર હતી.

તેમની પુત્રીએ ફોન કરીને જણાવ્યું કે તેણે વિમાનમાં ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો હતો. એક પાઇલટ મદદ માટે બૂમો પાડી રહ્યો હતો.

યાસ્મિને સમાચાર એજન્સી એપીને જણાવ્યું, "વિમાને નિયંત્રણ ગુમાવવાનું શરૂ કર્યું. બધા લોકો ચીસો પાડવા લાગ્યા. તેમને લાગ્યું કે હવે તેઓ બચી શકશે નહીં."

રૉઇટર્સ સાથેની વાતચીતમાં યાસ્મિને જણાવ્યું કે બીજા બે પાઇલટોએ વિમાનનું નિયંત્રણ સંભાળી લીધું હતું. આ દરમિયાન કેટલાક મુસાફરો એક એવી વ્યક્તિ તરફ દોડી ગયા જેના હાથમાં છરી હતી.

ઇઝરાયલી અધિકારીઓમાંથી એકે ચેનલ 12 ને જણાવ્યું,"એક અત્યંત ગંભીર દુર્ઘટના ટળી ગઈ."

દ યરુશલેમ પોસ્ટ એ પણ એક અજ્ઞાત ઇઝરાયલી અધિકારીના હવાલાથી લખ્યું કે, "એક મોટી દુર્ઘટના થતી થતી બચી ગઈ."

ઇઝરાયલી મીડિયા સાથે વાત કરતા અજ્ઞાત અધિકારીઓએ દાવો કર્યો કે એક પાઇલટે બીજા પાઇલટ પર છરીથી હુમલો કર્યો હતો.

પ્રારંભિક અહેવાલો અનુસાર એવું લાગી રહ્યું હતું કે તેનો હેતુ "વિમાનનું અપહરણ (હાઇજેક) કરવું અથવા તેને ક્રેશ કરવું" હોઈ શકે. જોકે, આ હુમલાનો ખરેખરો હેતુ શું હોઈ શકે તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી અને અધિકૃત નિવેદનોની રાહ જોવામાં આવી રહી છે.

વિમાનમાં સવાર એક ઇઝરાયલી મુસાફરે પત્રકારોને જણાવ્યું કે ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લેવા અને તેને બાંધી દેવા માટે મુસાફરોની મદદ માંગી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "અહીં કેટલાક લોકોના શર્ટ લોહીથી રંગાઈ ગયા છે."

વિમાનના પાછળના ભાગમાં રહેલા બે પાઇલટ આગળ આવ્યા અને વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી. એક મુસાફરે જણાવ્યું, "મેં બૂમ પાડી તેમને ઝડપથી આગળ આવવા અને વિમાનનું નિયંત્રણ સંભાળવા કહ્યું."

ફ્લાઇટ દરમિયાન શું બન્યું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ફ્લાયદુબઈના પ્લેને બુધવારે સવાર ઉડાણ ભરી હતી (સ્ટૉક ફોટો)

ફ્લાઇટરાડાર24ના ડેટા મુજબ, સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્ર ઉપર પહોંચ્યા પછી વિમાને અચાનક દિશા બદલી અને ઝડપથી નીચે ઊતરવાનું શરૂ કર્યું. બે મિનિટથી પણ ઓછા સમયમાં વિમાન લગભગ 17,000 ફૂટ (5,000 મીટરથી વધુ) નીચે આવી ગયું હતું.

સ્થાનિક સમય અનુસાર સવારે 8:21 વાગ્યે વિમાન 34,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.

અચાનક નીચે આવવાનું શરૂ કર્યા પછી લગભગ 10 મિનિટે વિમાને આશરે સાત મિનિટ સુધી સતત ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા.

05:40 વાગ્યે, ફ્લાઇટ થોડા સમય માટે જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી. થોડા સમય બાદ તે ફરી સાઉદી અરેબિયા તરફ વળી ગઈ અને ત્યારબાદ ઊતરવાનું શરૂ કર્યું.

વિમાનને તેલ અવિવના બેન ગુરિયન ઍરપૉર્ટ પર ઊતરવાનું હતું, પરંતુ તેને ઉત્તર-પૂર્વી સાઉદી અરેબિયાના તબુક ઍરપૉર્ટ પર ઉતારવામાં આવ્યું.

મુસાફરોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે જ્યારે વિમાન અચાનક ઝડપથી નીચે આવવા લાગ્યું ત્યારે તેમને પોતાના જીવનો ભય સતાવવા લાગ્યો હતો.

સમાચાર એજન્સી રૉઇટર્સ સાથે વાત કરતાં એક ઇઝરાયલી અધિકારીએ, નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે પાઇલટો વચ્ચે હાથાપાઈ થયા બાદ બંનેએ ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા.

જોકે, તરત જ એ સ્પષ્ટ થઈ શક્યું નહોતું કે બંનેમાંથી કોઈ પાઇલટે ઇરાદાપૂર્વક ઇમરજન્સી સિગ્નલ મોકલ્યું હતું કે નહીં.

ઇઝરાયલી બ્રૉડકાસ્ટર N12 News ના મુખ્ય રાજકીય વિશ્લેષક અમિત સેગલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે એવું લાગે છે કે ઉડાન દરમિયાન બંને પાઇલટો વચ્ચે હાથાપાઈ થઈ હતી. જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

તેમની આ પોસ્ટને ફરી શેર કરતાં ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હકબીએ જણાવ્યું કે આ ઘટનાને કારણે સમગ્ર મધ્ય પૂર્વ, ખાસ કરીને ઇઝરાયલમાં, લોકો અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તેમણે ઉમેર્યું કે સદનસીબે ઘટના વધુ ગંભીર બની નહોતી.

યરુશલેમ પોસ્ટના અહેવાલ અનુસાર, સંભવિત આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે ઇઝરાયલી વાયુસેનાએ પોતાના એલર્ટનું સ્તર વધારી દીધું હતું.

ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે આ ઘટનાને હાઇજેકિંગ (વિમાન અપહરણ) તરીકે ગણવામાં આવી રહી નથી.

તે પહેલાં, ઇઝરાયલના ત્રણ સુરક્ષા અધિકારીઓએ રૉઇટર્સને જણાવ્યું હતું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ આ ફ્લાઇટને લઈને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ઇઝરાયલી સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સેનાપ્રમુખ અયાલ ઝમીરે વાયુસેના કમાન્ડર અને અન્ય સૈનિક અધિકારીઓ સાથે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.

ફ્લાયદુબઈના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે ફ્લાઇટને "માર્ગમાં એક ઘટના" નો સામનો કરવો પડ્યો હતો અને કંપનીની ટીમો સંબંધિત સત્તાધીશો સાથે મળીને કામ કરી રહી છે.

ફ્લાયદુબઈ દુબઈ અને તેલ અવિવ વચ્ચે દરરોજ ફ્લાઇટ્સ ચલાવે છે. આ રૂટ ઇઝરાયેલી નાગરિકોમાં ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન