સ્મિત મચ્છર : ફ્લાયદુબઈના વિમાનમાં આ ગુજરાતી મૂળના પાઇલટે એવું શું કર્યું જેનાથી ટ્રમ્પથી લઈને નેતન્યાહૂ સહિતના લોકો તેમને 'હીરો' ગણવા લાગ્યા?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ ફ્લાયદુબઈ ફ્લાઈટ કૅપ્ટન સ્મિત મચ્છર પાઇલટ બેન્જામિન નેતન્યાહૂ
ઇમેજ કૅપ્શન, સ્મિત મચ્છરની લિંક્ડઇન પ્રોફાઈલ મુજબ તેઓ ફ્લાયદુબઈમાં જોડાયા તે અગાઉ સ્પાઇસજૅટમાં કામ કરતા હતા.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં ચાકુથી હુમલાનો ભોગ બનેલા ગુજરાતી મૂળના કૅપ્ટન સ્મિત મચ્છર બેહોશ થઈ ગયા, તે અગાઉ તેમણે કૉકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો.

ઇઝરાયલના પ્રવાસી યાનિવ હયૂને બુધવારે બેન ગુરિયન ઍરપૉર્ટ પર વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી.

હયૂને નેતન્યાહૂને જણાવ્યું કે કૉકપિટનો દરવાજો ખુલેલો હતો, પરંતુ કૅપ્ટન મચ્છર દરવાજાથી એટલા નજીક હતા કે તેને દરવાજો ખોલવો મુશ્કેલ હતો.

તેમણે કહ્યું કે "મારા નિષ્કર્ષ પ્રમાણે તેમણે પોતાની સમજદારીનો ઉપયોગ કરીને અમારા માટે દરવાજો ખોલી નાખ્યો અને પછી બેહોશ થઈ ગયા હતા."

ત્યાર બાદ નેતન્યાહૂએ ઍક્સ પર આપેલા એક નિવેદનમાં સ્મિત મચ્છરની આ બહાદુરીના વખાણ કરીને આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

ઇઝરાયલના વડા પ્રધાને લખ્યું કે, "ચાકુથી હુમલો થયા પછી ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે જવાબી કાર્યવાહી કરી, હુમલાખોરનો વિરોધ કર્યો, કૉકપિટનો દરવાજો ખોલ્યો અને પ્રવાસીઓ તથા ચાલકદળના સભ્યોને હુમલાખોર પર કાબૂ મેળવવામાં સક્ષમ બનાવ્યા. તેનાથી આકાશમાં એક મોટી આફત આવતા રહી ગઈ."

નેતન્યાહૂએ કહ્યું કે મચ્છરે ઇઝરાયલી અને બીજા દેશોના નાગરિકો સહિત 174 લોકોના જીવ બચાવ્યા હતા.

ચાકુથી હુમલો થયો ત્યારે સ્મિતે શું કર્યું?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ ફ્લાયદુબઈ ફ્લાઈટ કૅપ્ટન સ્મિત મચ્છર પાઇલટ બેન્જામિન નેતન્યાહૂ
ઇમેજ કૅપ્શન, અસાફ રેગાવિમે કૅબિનની અંદથી વીડિયો રેકૉર્ડ કર્યો હતો અને પાઇલટને કાબૂમાં કરવામાં મદદ કરી હતી.

સોશિયલ મીડિયા પર પણ સ્મિત મચ્છરના ઘણા વખાણ થાય છે. ઈરાનનાં એક મહિલાએ ઍક્સ પર લખ્યું છે કે, "મારા પતિ પાઇલટ છે. તેમણે જણાવ્યું કે પાઇલટો પાસે કૉકપિટમાં એક સ્વિચ હોય છે, જેનાથી અંદરથી જ કૉકપિટનો દરવાજો અનલૉક કરી શકાય છે. શક્ય છે કે કૅપ્ટન મચ્છરે માત્ર મદદ માટે બૂમ પાડી ન હોય, પરંતુ બેહોશ થતા પહેલાં તેમણે તે સ્વિચ પણ દબાવી હોય જેથી ફ્લાઇટ ઍટેન્ડન્ટ અને પ્રવાસીઓ કૉકપિટની અંદર પહોંચી શકે."

તેમણે લખ્યું છે કે, "જો કૉકપિટનો દરવાજો લૉક જ રહ્યો હોત, તો કદાચ કોઈ અંદર આવીને વિમાનને બચાવવામાં મદદ કરી શક્યું ન હોત. તેમને સલામ. તેમના એક નિર્ણયે વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓના જીવ બચાવવામાં મદદ કરી."

ઇઝરાયલી ન્યૂઝ વેબસાઇટ 'જેરુસલેમ પૉસ્ટ' મુજબ, કેટલાક પ્રવાસીઓએ ઈજાગ્રસ્ત મચ્છરને પ્રાથમિક સારવાર આપી હતી.

તેમાં ઇઝરાયલી ડેન્ટિસ્ટ શોતા મુસાયેવ પણ સામેલ હતા. મુસાયેવે ઇઝરાયલી મીડિયાને જણાવ્યું કે મચ્છર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા અને તેમના માથા અને હાથમાંથી ઘણું લોહી વહેતું હતું. ડેન્ટિસ્ટે તેમનું લોહી વહેતું રોકવામાં મદદ કરી. તેમણે જણાવ્યું કે ત્યાર પછી મચ્છરની હાલત સ્થિર થઈ, પરંતુ વિમાનના લૅન્ડિંગ વખતે તેમની હાલત ફરી બગડી હતી.

મુસાયેવે એમ પણ જણાવ્યું કે સ્મિત મચ્છર એ જણાવવામાં સક્ષમ હતા કે બીજા પાઇલટે તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો.

મચ્છર અનુભવી પાઇલટ છે અને નવા પાઇલટોને તાલીમ આપી ચૂક્યા છે.

સ્મિત મચ્છર કોણ છે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ ફ્લાયદુબઈ ફ્લાઈટ કૅપ્ટન સ્મિત મચ્છર પાઇલટ બેન્જામિન નેતન્યાહૂ
ઇમેજ કૅપ્શન, બેન ગુરિયન ઍરપૉર્ટ પર પ્રવાસીઓ સહીસલામત ઉતર્યા ત્યારે તેમના સ્વજનોએ તેમનું સ્વાગત કર્યું હતું.

મચ્છરની લિંક્ડઇન પ્રોફાઈલ મુજબ તેઓ ફ્લાયદુબઈમાં જોડાયા તે અગાઉ ભારતમાં સ્પાઇસજૅટમાં એક દાયકા કરતા વધુ સમય સુધી કામ કર્યું હતું. ત્યાં તેઓ ટ્રેનિંગ કૅપ્ટન અને નવા પાઇલટોના મૅન્ટર પણ રહ્યા.

તેમની પ્રોફાઇલ મુજબ તેમણે બૉઇંગ 737-800 અને 737 MAX 8 અને 9 વિમાનોમાં લગભગ 9,750 કલાકની ઉડાન ભરી છે.

લિંક્ડઇન પ્રોફાઇલ પરથી જાણવા મળે છે કે તેમને બાળકો પણ છે.

સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે "મચ્છરને ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તાબુક શહેરમાં એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને જરૂરી સારવાર અપાઈ રહી છે."

દૂતાવાસે કહ્યું કે તેમને પાઇલટની તબિયત અંગે હજુ સંપૂર્ણ માહિતી નથી, પરંતુ તેમની હાલત સ્થિર છે. દૂતાવાસના અધિકારીઓએ કહ્યું કે તેઓ મચ્છરના પરિવાર સાથે સંપર્કમાં છે.

ટ્રમ્પે પણ સ્મિતના વખાણ કર્યા

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ ફ્લાયદુબઈ ફ્લાઈટ કૅપ્ટન સ્મિત મચ્છર પાઇલટ બેન્જામિન નેતન્યાહૂ
ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્મિત મચ્છરને હીરો ગણાવ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાયદુબઈના પાઇલટને હીરો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પાઇલટે કો-પાઇલટ દ્વારા થયેલા ચાકુના હુમલાનો સામનો કર્યો, કૉકપિટનો દરવાજો ખોલ્યો અને મદદ માટે બૂમ પાડી, જેના કારણે વિમાનને જાણીજોઈને દુર્ઘટનાગ્રસ્ત કરવાની કથિત કોશિશને નિષ્ફળ બનાવવામાં મદદ મળી.

ઑવલ ઑફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી.

ટ્રમ્પના કહેવા મુજબ નેતન્યાહૂએ તેમને જણાવ્યું કે જેણે ક્યારેય વિમાન ઉડાવ્યું ન હતું તેવા એક પ્લમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલા વિમાનને સંભાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જે વિમાન પછી સાઉદી અરેબિયામાં ઉતર્યું.

ટ્રમ્પે કહ્યું કે "પાઇલટની હાલત બહુ ખરાબ હતી. મારું અનુમાન છે કે તેમની હાલત હજુ પણ બહુ ખરાબ છે. પરંતુ તેમનામાં એટલી સૂઝબુઝ હતી કે તેમણે, આ ખરેખર કમાલની વાત છે, એક રીતે તેઓ હીરો હતા."

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ ફ્લાયદુબઈ ફ્લાઈટ કૅપ્ટન સ્મિત મચ્છર પાઇલટ બેન્જામિન નેતન્યાહૂ
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ મુજબ 'એક પાઇલટે વિમાન ક્રૅશ કરવાનો પ્રયાસ કર્યો હતો'
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પે કહ્યું કે પાઇલટે કૉકપિટનો દરવાજો ખોલ્યો અને મદદ માટે બૂમો પાડવામાં સફળ રહ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે "એવું લાગે છે કે કો-પાઇલટ કદાચ આતંકવાદી હતા અથવા માનસિક રીતે અસામાન્ય વ્યક્તિ હતા, તેમણે પાઇલટ પર ચાકુથી હુમલો કર્યો હતો."

ત્યાર પછી ટ્રમ્પે એક ઇઝરાયલી પ્રવાસીની "અસાધારણ" ભૂમિકાનો ઉલ્લેખ કર્યો, જેની ઓળખ તેમણે એક પ્લમ્બર તરીકે કરી હતી.

ટ્રમ્પના કહેવા મુજબ એક પ્રવાસી, જેણે ક્યારેય વિમાન ઉડાવ્યું ન હતું, તે કૉકપિટમાં ગયા, તેમણે કો-પાઇલટને તેમની સીટથી ખેંચીને પાછળની બાજુ પછાડી દીધા. ત્યાર પછી બીજા પ્રવાસીઓએ તેને પકડીને કાબૂમાં કર્યા.

ટ્રમ્પે કહ્યું કે ત્યાર બાદ તે પ્રવાસીએ જણાવ્યું કે તેણે ટીવી કાર્યક્રમ ઍર ડિઝાસ્ટર્સ જોઈને વિમાન ઉડાવવાના કેટલાક પાયાના સિદ્ધાંત શીખી લીધા હતા.

ટ્રમ્પે કહ્યું કે, "તેમણે કહ્યું કે તે આ કાર્યક્રમ બહુ જુએ છે અને તેને જોઈને અમુક હદ સુધી વિમાન ઉડાવવાનું શીખી લીધું."

ટ્રમ્પના કહેવા પ્રમાણે વિમાનના પાછળના ભાગમાં રહેલા વધારાના પાઇલટ અને સુરક્ષા કર્મચારીઓ કૉકપિટ સુધી પહોંચ્યા અને વિમાનનું નિયંત્રણ સંભાળી લીધું.

તેમણે કહ્યું કે, "મને લાગે છે કે આ સૌથી અવિશ્વસનીય વાત છે."

જોકે, ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ માત્ર તેમને મળેલી માહિતી જણાવી રહ્યા છે, આ બાબતોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.

પીએમ મોદીએ કૅપ્ટન સ્મિત મચ્છર વિશે શું કહ્યું?

પીએમ મોદીએ કૅપ્ટન સ્મિત મચ્છર વિશે શું કહ્યું?
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટાળવામાં મદદ મળી છે. (ફાઇલ ફોટો)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સવાર ભારતીય નાગરિક કૅપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરતાં તેમને "હીરો" ગણાવ્યા છે.

પીએમ મોદીએ ગુરુવારે સવારે જણાવ્યું કે સ્મિતની બહાદુરી અને ધૈર્યના કારણે એક મોટી ઘટના ટાળવામાં મદદ મળી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "કૅપ્ટન સ્મિત મચ્છર એક હીરો છે. સૌથી મોટા જોખમનો સામનો કરતી વખતે અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ સાહસ અને અદમ્ય હિંમત દર્શાવી."

તેમણે આગળ લખ્યું, "તેમની બહાદુરીને કારણે સૈંકડો લોકોના જીવ બચી શક્યા અને એક મોટી દુર્ઘટના ટાળવામાં મદદ મળી. ભારતને કૅપ્ટન મચ્છર પર ગર્વ છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવા, નવી શક્તિ પ્રાપ્ત કરવા અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન