ઇમરાન ખાન અંગે યુએને પાકિસ્તાનને શી ટકોર કરી? – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

સંયુક્ત રાષ્ટ્રનાં એક વિશેષ પ્રતિનિધિએ પાકિસ્તાન સરકારને પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સાથે કસ્ટડીમાં અમાનવીય અને અપમાનજનક વ્યવહાર સંબંધિત અહેવાલો અંગે તરત અને અસરકારક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

યુએનનાં વિશેષ પ્રતિનિધિ એલિસ જિલ ઍડવર્ડ્સે પાકિસ્તાની અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે ઇમરાન ખાનની કસ્ટડી આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર હોય.

આ વર્ષે સપ્ટેમ્બર માસમાં ઇમરાન ખાનની કાનૂની ટીમે પૂર્વ વડા પ્રધાન અને તેમનાં પત્ની સાથે જેલમાં થયેલા ગેરવર્તન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રનાં એક વિશેષ પ્રતિનિધિનો સંપર્ક કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ઇમરાન ખાનને 26 સપ્ટેમ્બર, 2023ના રોજ રાવલપિંડીની અડિયાલા જેલમાં સ્થળાંતરિત કરાયા બાદ કથિતપણે અત્યંત એકાંત કારાવાસમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને દિવસમાં 23 કલાક સુધી કોઠડીમાં રખાય છે, જ્યારે બહારના વિશ્વ સુધી તેમની પહોંચ અત્યંત સીમિત છે.

તેમણે માગ કરી કે 'ઇમરાન ખાનના એકાંત કારાવાસને વિલંબ વિના સમાપ્ત કરવામાં આવે.'

આ મામલે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. જોકે, આ પહેલાં સરકારે વારંવાર દાવો કર્યો છે કે ઇમરાન ખાનને જેલમાં બીજા કેદીઓ કરતાં વધુ સુવિધાઓ મળી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં ઇમરાન ખાન સાથે તેમનાં બહેન ઉઝમા ખાને મુલાકાત કરી, જે બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ઇમરાન ખાનનું 'સ્વાસ્થ્ય ઠીક છે, પરંતુ તેઓ કહી રહ્યા હતા કે તેમને માનસિક યાતનાઓ અપાઈ રહી છે.'

મેસ્સીને જોવા પહોંચેલા પ્રશંસકોએ કોલકાતા સ્ટેડિયમમાં તોડફોડ કરી, આ આરોપ કર્યા

ફૂટબૉલ સ્ટાર લિયોનેલ મેસ્સી ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ (જીઓએટી) ટૂર અંતર્ગત શનિવારે કોલકાતા પહોંચ્યા, ત્યાં તેઓ સૉલ્ટ લેક સ્ટેડિયમમાં થયેલા એક કાર્યક્રમમાં સામેલ થયા.

મેસ્સીના ગયા બાદ તેમની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં પહોંચેલા પ્રશંસકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. પ્રંશસકોનો આરોપ છે કે તેઓ ત્યાં મેસ્સીને જોવા માટે પહોંચ્યા હતા, પરંતુ 'ખરાબ વ્યવસ્થાને કારણે' તેઓ તેમને ન જોઈ શક્યા.

સ્ટેડિયમમાં પ્રશંસકો દ્વારા ખુરશી અને બૉટલો ફેંકવાનાં અને તોડફોડ કરાયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. પ્રશંસકોએ ખરાબ વ્યવસ્થાનો આરોપ કરતાં પૈસા પરત કરવાની માગ કરી છે.

એક પ્રશંસકે આરોપ કર્યો કે આ ઇવેન્ટની 'સૌથી સસ્તી ટિકિટ પાંચ હજાર રૂપિયાની હતી' અને પ્રશંસકો તેમને જોઈ સુધ્ધાં ન શક્યા. તેમણે પોલીસ પર 'કાર્યવાહી'નો આરોપ કર્યો અને ટિકિટના પૈસા પાછા અપાય એવી માગણી કરી.

અન્ય એક પ્રસંશકે પણ પૈસા પરત કરવાની માગણી કરતા કહ્યું કે બધા મેસીને જોવા માગતા હતા, પરંતુ તેમની સાથે 'ગોટાળો થયો.' તેમણે આરોપ કર્યો કે 'મંત્રી પોતાનાં બાળકો સાથે ત્યાં હાજર હતા અને સામાન્ય લોકો કંઈ જ જોઈ ન શક્યા.'

સમાચાર સંસ્થા એએનઆઇએએ એક ટ્વીટ કરીને આ આયોજનમાં એક પ્રંસશકની ઉગ્ર પ્રતિક્રિયા શૅર કરી હતી.

"આ ખૂબ જ ખરાબ આયોજન હતું. તેઓ (મેસ્સી) માત્ર દસ મિનિટ માટે જ આવ્યા. બધા નેતાઓ અને મંત્રીઓ તેમને ઘેરી વળ્યા. અમે કંઈ જ જોઈ ન શક્યા. તેણે એક કિક કે પેનલ્ટી પણ ન મારી. એ (મેસ્સી) માત્ર દસ મિનિટ માટે આવીને જતા રહ્યા. આટલા બધા પૈસા, લાગણીઓ અને સમયની બરબાદી. અમે કંઈ જોઈ ન શક્યા..."

ભારત ઉપરના ટેરિફ હઠાવવા અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર લાદવામાં આવેલા ટેરિફને ખતમ કરવા માટે અમેરિકાની સંસદમાં (કૉંગ્રેસ) પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

રાજા કૃષ્ણમૂર્તી, ડેબોરા રૉસ તથા માર્ક વીસી એમ ત્રણ સંસદસભ્યોએ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવમાં જણાવ્યા પ્રમાણે, તેનો હેતુ અમેરિકાની સંસદના બંધારણીય અધિકારોને બહાલ કરવાનો તથા ભારત ઉપર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને દૂર કરવાનો છે.

રાજા કૃષ્ણમૂર્તિનું કહેવું છે, "ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રત્યેની બેજવાબદારીપૂર્ણ નીતિને કારણે એક મહત્ત્વપૂર્ણ ભાગીદારી નબળી પડી રહી છે. અમેરિકાના હિતોને આગળ વધારવાને બદલે આવા ટેરિફ સપ્લાઈ ચેઇનને અવરોધિત કરે છે. અમેરિકાના શ્રમિકોને નુકસાન કરે છે તથા વપરાશકર્તાઓ માટે ખર્ચ વધારે છે."

માર્ક વીસીનું કહેવું છે, "ભારત મહત્ત્વપૂર્ણ સાંસ્કૃત્તિક, આર્થિક તથા વ્યૂહાત્મક ભાગીદાર છે તથા આ પ્રકારના ગેરકાયદેસર ટેરિફ એક રીતે સામાન્ય જનતા ઉપર કર લાદવા જેવું છે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલાં ભારત ઉપર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ ઑગસ્ટ મહિનામાં રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવા મુદ્દે ટ્રમ્પે વધારાનો 25 ટકા ટેરિફ નાખ્યો હતો.

ઈરાન : નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની ધરપકડ

ઇરાનના સુરક્ષાબળોએ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર વિજેતા તથા મહિલા અધિકાર કાર્યકર્તા નરગિસ મોહમ્મદીની ધરપકડ કરી છે.

તેમના ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, 53 વર્ષીય મોહમ્મદીની ધરપકડ મશહદમાં કરવામાં આવી હતી. તેમની સાથે બીજા કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

નોબેલ કમિટીએ આ ઘટનાક્રમ અંગે ટિપ્પણી કરતા કહ્યું છે, "નરગિસ મોહમ્મદીની ધરપકડથી ચિંતિત છીએ." સાથે ઈરાનના અધિકારીઓને અપીલ છે, "મોહમ્મદીને જ્યાં રાખવામાં આવ્યાં હોય, તેના વિશે માહીત આપવામાં આવે. તેમની સુરક્ષા અને સન્માનને સુનિશ્ચિત કરવામાં આવે તથા તેમને વિના શરતે મુક્ત કરવામાં આવે."

ઈરાનની સરકારે આ અંગે કોઈ ટિપ્પણી નથી કરી.

ઉલ્લેખનીય છે કે મહિલાઓ ઉપર અત્યાચારના વિરોધમાં તથા માનવાધિકારની હિમાયત કરવા બદલ મોહમ્મદીને વર્ષ 2023નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

મોહમ્મદીને ઈરાનમાં અનેક કેસમાં આરોપી બનાવવામાં આવ્યાં છે અને તેઓ જેલમાં પણ હતાં.

ટ્રમ્પની જાહેરાત બાદ પણ થાઇલૅન્ડ-કંબોડિયા વચ્ચે હિંસા ચાલુ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમણે થાઇલૅન્ડ અને કંબોડિયાના વડા પ્રધાન સાથે ફોન ઉપર વાત કરી છે અને બંને દેશના વર્તમાન સૈન્યસંઘર્ષને અટકાવવા માટે સહમત થઈ ગયા છે.

દરમિયાન શુક્રવાર અને શનિવારની રાત્રે સરહદ ઉપર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે.

જોકે, ટ્રમ્પ સાથેની વાતચીત બાદ ચાર્નવિરાકુલે એક પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે 'કંબોડિયા ગોળીબાર બંધ કરે, પોતાના સૈનિકો હઠાવે તથા તથા તેણે જે સૂરંગો પાથરી છે, તે હઠાવે, તે પછી જ સંઘર્ષવિરામ થશે.'

પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે "બંને નેતાઓ આજે (શુક્રવાર) સાંજથી તમામ પ્રકારનો ગોળીબાર અટકાવવા માટે સહમતિ આપી છે તથા મારી સાથે કરેલા મૂળ શાંતિકરાર ઉપર પરત ફરવાનો નિર્ણય કર્યો છે."

ટ્રમ્પે કહ્યું, "બંને દેશ શાંતિ માટે તૈયાર છે તથા અમેરિકાની સાથે વેપાર ચાલુ રાખવા માંગે છે."

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરહદ ઉપર બંને દેશોની સેના વચ્ચે ફરીથી હિંસક અથડામણો શરૂ થઈ છે, જેમાં 21 લોકોનાં મૃત્યુ થયા છે તથા સાત લાખ લોકો વિસ્થાપિત થયા છે.

અમેરિકામાં વિપક્ષે ઍપ્સ્ટીન ઍસ્ટેટમાં ટ્રમ્પની તસવીરો બહાર પાડી

અમેરિકાની સંસદની 'હાઉસ ઓવરસાઇટ કમિટી'એ જેફ્રી ઍપ્સ્ટીન ઍસ્ટેટની કેટલીક તસવીરો બહાર પાડી છે.

જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રાનસન, ઇઝરાયલના પૂર્વ વડા પ્રધાન એહુદ બરાક, બ્રિટનના પૂર્વ રાજવી ઍન્ડ્રૂ માઉન્ટબેટન-વિન્ડસર, બિલ ગેટ્સ, સહિત અનેક વિખ્યાત વ્યક્તિઓને અલગ-અલગ તસવીરોમાં જોઈ શકાય છે.

કમિટીએ પહેલાં 19 અને પછી 70 તસવીરો બહાર પાડી હતી. આ તસવીરોનો મતલબ એવો નથી કે તેમાં દેખાતી વ્યક્તિઓએ કશું ખોટું કર્યું છે તથા આ તસવીરોમાં દેખાતી વ્યક્તિઓએ અગાઉ ઍપ્સ્ટીન સાથે સંબંધ વિશે કશું ખોટું કર્યું હોવાની વાતનો ઇનકાર કર્યો છે.

ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોનું કહેવું છે કે તેમણે સંબંધિત સત્તાધીશોની મંજૂરી મેળવ્યા બાદ આ તસવીરો સાર્વજનિક કરી છે.

કમિટીનું કહેવું છે કે ઍપ્સ્ટીન ઍસ્ટેટ ખાતેથી મળેલી તથા ત્યાં લેવાયેલી લગભગ 95 હજાર તસવીરો તપાસવામાં આવી રહી છે તથા ભવિષ્યમાં વધુ કેટલાક ફોટોગ્રાફ્સ બહાર પાડવામાં આવશે.

તાજેતરની તસવીરો વિશે ટ્રમ્પનું કહેવું છે કે 'મેં એ તસવીરો (તાજેતરમાં રજૂ થયેલી) જોઈ નથી, પરંતુ પામ બીચ (વિસ્તારમાં) બધા ઍપ્સ્ટીનને ઓળખતા. તેની પાસે ઘણા બધા લોકોની તસવીરો હતી.'

વ્હાઇટ હાઉસનું કહેવું છે કે વિપક્ષ દ્વારા 'ખોટું કથાનક' ઊભું કરવા માટે અમુક તસવીરો સાર્વજનિક કરવામાં આવી છે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા તા. 19 ડિસેમ્બરના 'ઍપ્સ્ટીન ફાઇલ્સ' સાર્વજનિક કરવામાં આવશે તથા તાજેતરમાં જે ખુલાસા થયા છે, એ તેનાથી અલગ છે.

આમાની કેટલીક તસવીરો અગાઉ સાર્વજનિક થઈ ચૂકી છે. તાજેતરમાં આ તસવીરો ક્યારે લેવામાં આવી હતી તથા કોણે લીધી હતી, તે સ્પષ્ટ નથી.

ભારતમાં ટી20 વર્લ્ડકપના પ્રસારણ અંગે આઈસીસી તથા જિયોસ્ટારે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમણે થાઇલૅન્ડ અને કંબોડિયાના વડા પ્રધાન સાથે ફોન ઉપર વાત કરી છે અને બંને દેશના વર્તમાન સૈન્યસંઘર્ષને અટકાવવા માટે સહમત થઈ ગયા છે.

દરમિયાન શુક્રવાર અને શનિવારની રાત્રે સરહદ ઉપર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે.

જોકે, ટ્રમ્પ સાથેની વાતચીત બાદ ચાર્નવિરાકુલે એક પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે 'કંબોડિયા ગોળીબાર બંધ કરે, પોતાના સૈનિકો હઠાવે તથા તથા તેણે જે સૂરંગો પાથરી છે, તે હઠાવે, તે પછી જ સંઘર્ષવિરામ થશે.'

પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે "બંને નેતાઓ આજે (શુક્રવાર) સાંજથી તમામ પ્રકારનો ગોળીબાર અટકાવવા માટે સહમતિ આપી છે તથા મારી સાથે કરેલા મૂળ શાંતિકરાર ઉપર પરત ફરવાનો નિર્ણય કર્યો છે."

ટ્રમ્પે કહ્યું, "બંને દેશ શાંતિ માટે તૈયાર છે તથા અમેરિકાની સાથે વેપાર ચાલુ રાખવા માંગે છે."

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરહદ ઉપર બંને દેશોની સેના વચ્ચે ફરીથી હિંસક અથડામણો શરૂ થઈ છે, જેમાં 21 લોકોનાં મૃત્યુ થયા છે તથા સાત લાખ લોકો વિસ્થાપિત થયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન