મોહન ભાગવતે મુસ્લિમોને દેશમાંથી હાંકી કાઢવાના વિચાર ધરાવતા હિન્દુઓ વિશે શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ હિંદી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શનિવારે ન્યૂ યૉર્કમાં એક પરિષદમાં કહ્યું હતું કે જે હિન્દુ માને છે કે મુસ્લિમોને ભારતમાંથી "હાંકી કાઢવા" જોઈએ તે હિન્દુ, હિન્દુ રહી શકતો નથી.
તેમણે કહ્યું કે માનવતાની એકતાની હિન્દુ અવધારણામાં આ રીતે કોઈને પણ બાકાત રાખવાને કોઈ સ્થાન નથી.
ન્યૂ યૉર્કમાં અહેડ ફોરમ દ્વારા આયોજિત ફેઇથ લીડર્સ કૉન્ફરન્સમાં બોલતા મોહન ભાગવતે કહ્યું કે સામાજિક અને ધાર્મિક સંગઠનો સાર્વજનિક નીતિઓ અને રાજકારણને પ્રભાવિત કરવા માંગે છે, પરંતુ તેમણે સમાજથી શરૂઆત કરવી પડશે કારણ કે "રાજકારણ હવે સ્વાર્થનો ખેલ બની ગયું છે."
મોહન ભાગવતનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ વિવાદમાં ફસાઈ ગયો હતો, કારણ કે ન્યૂ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મામદાનીએ જાહેરમાં આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો, અને આરએસએસની વિચારધારાને બાકાત રાખનારી અને ન્યૂ યૉર્ક શહેરના બહુલતાવાદી સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી હતી.
આ કાર્યક્રમને ધાર્મિક સ્વતંત્રતા પર એક અમેરિકન પંચ તરફથી પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે.
આ કાર્યક્રમનું આયોજન અમેરિકન હિન્દુઝ ફૉર ઍંગેજમેન્ટ ઍન્ડ ડાયલૉગ દ્વારા કરવામાં આવ્યું હતું.
'આરએસએસે વિવિધતાના વિચારનો ફેલાવવો જોઈએ'

ઇમેજ સ્રોત, ANI
પોતાના ભાષણ દરમિયાન આરએસએસ પ્રમુખે કહ્યું, "એકવાર વાતચીત દરમિયાન મુસ્લિમોએ મને આરએસએસના હિન્દુ રાષ્ટ્રના વિચાર વિશે પૂછ્યું. તેમણે પૂછ્યું કે શું તેનો અર્થ મુસ્લિમોને દેશમાંથી હાંકી કાઢવાનો છે. મેં કહ્યું, 'ના, આ હિન્દુત્વ નથી. જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી રહેતો."
તેમણે કહ્યું, "જ્યારે આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા કહીએ છીએ, ત્યારે ઘણીવાર એક શબ્દની ચર્ચા થાય છે: વિવિધતા. અને જ્યારે અમે ભારત કહીએ છીએ ત્યારે ઘણીવાર બીજા શબ્દની ચર્ચા થાય છે તે છે યુનિટી ઇન ડાયવર્સિટી. આમ એકતા અને વિવિધતા બંને ભારતના ડીએનએમાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "જો તમે પોતાને હિન્દુ કહેવા માંગતા હો, તો તમારે એવું માનવું જોઈએ કે બધા માર્ગો એક જ ભગવાન તરફ દોરી જાય છે. અને દરેક માણસનો આદર અને ગૌરવ છે. માનવજાતમાં કોઈ ભેદ નથી."
ભાગવતે કહ્યું કે હિન્દુ પરંપરા માને છે કે બધા ધર્મો આખરે ભગવાનની શોધ તરફ દોરી જાય છે. તેમણે કહ્યું કે ભારતે ઐતિહાસિક રીતે વિવિધ ધર્મોના લોકોને આશ્રય આપ્યો છે જેમને બીજે ક્યાંય રક્ષણ મળ્યું નથી.
જોકે, તેમણે કહ્યું કે ઇતિહાસની "વિરાસત" એ સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવામાં ભૂમિકા ભજવી છે.
તેમણે કહ્યું કે આરએસએસની જવાબદારી છે કે તે સમાજને એ વિચાર પહોંચાડે કે વિવિધતા હોવા છતાં બધામાં મૂળભૂત એકતા છે.
તેમણે કહ્યું, "જેમ હું મારી આગવી ઓળખનું રક્ષણ કરું છું તેમ મારે બીજાઓની ઓળખનું પણ રક્ષણ કરવું જોઈએ. વિવિધતા એ કુદરતનો નિયમ છે. એકતા એ કુદરત પાછળનું સત્ય છે."
"એટલા માટે જ અમે રાજકારણને પ્રભાવિત કરવા માંગીએ છીએ"

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાગવતે કહ્યું, "અમે નીતિઓને પ્રભાવિત કરવા માંગીએ છીએ. અમે યુદ્ધ રોકવા માંગીએ છીએ એટલા માટે અમે રાજકારણને પ્રભાવિત કરવા માંગીએ છીએ. પરંતુ અમે શરૂઆત ફક્ત ત્યાંથી જ ન કરી શકીએ."
"રાજકારણ હવે સ્વાર્થની રમત બની ગયું છે. જ્યાં 'હું અને મારું' છે ત્યાં કોઈ ઉકેલ નથી. 'અમે અને અમારું' એ જ ઉકેલ છે."
મોહન ભાગવતે હરિયાણા ઉપર બે વિમાનોની ટક્કરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. આ ઘટનામાં 1996માં હરિયાણા ઉપર સાઉદી ઍરલાઇન્સ અને કઝાકિસ્તાન ઍરલાઇન્સ વિમાન વચ્ચે ટક્કર થઈ હતી.
તેમણે કહ્યું કે આરએસએસ કાર્યકરો સૌથી પહેલાં તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને મદદ કરી હતી. તેમણે માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં પણ મદદ કરી હતી.
તેમણે કહ્યું, "અમે એવું ન હતું વિચાર્યું કે તે મુસ્લિમ છે. જો અમે રાજકારણમાં હોત, તો કદાચ આવું ન કરી શક્યા હોત."
તેમણે કહ્યું કે આરએસએસ આવાં કામોનો પ્રચાર નથી.
તેમણે ઉમેર્યું "ખોટી ધારણાઓને ખોટી કહાણીઓના કારણે ઊભી થતી હોય છે. પરંતુ જ્યારે તમે અમારી વચ્ચે આવો છો અને અમને નજીકથી જુઓ ત્યારે આ બધી ધારણાઓ એક દિવસમાં દૂર થઈ જશે."

ઇમેજ સ્રોત, Getty Images
આ સંમેલનમાં કાર્ડિનલ જોન ઓલોરુનફેમી ઍનાઇયેકેન પણ હાજર રહ્યા હતા જેઓ નાઇજીરીયાના પ્રમુખ કેથોલિક ધર્મગુરુ અને 1994થી 2019 સુધી અબુજાના આર્કબિશપ રહ્યા છે.
ઇતિહાસની "વિરાસત" વિશે, ઍનાઇયેકેને કહ્યું કે આફ્રિકામાં ધાર્મિક સંઘર્ષોનું એક કારણ ધર્માંતરણ અને પ્રભાવ વધારવા માટે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેની ઐતિહાસિક પ્રતિસ્પર્ધા છે.
તેમણે કહ્યું, "આપણે ઇતિહાસની ઘણી વિરાસત આપણી સાથે લઈને ચાલી રહ્યા છીએ. આપણે તેને પાછળ છોડી દેવી જોઈએ."
તેમણે કહ્યું કે જ્યારે આફ્રિકામાં બંને ધર્મોનો ફેલાવો થઈ રહ્યો હતો ત્યારે તેમના પોતાના પરિવારમાં કેટલાક લોકો ખ્રિસ્તી બન્યા અને કેટલાક મુસ્લિમ બન્યા.
"ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આફ્રિકામાં ધર્માંતરણ અને પ્રભુત્વ માટેની એક પ્રકારની સ્પર્ધા તરીકે આવ્યા હતા. તે સ્પર્ધા હજુ સમાપ્ત થઈ નથી"
તેમણે કહ્યું, "હવે જ્યારે અમે બધા ધર્મો અપનાવી લીધા છે, તો હવે આગળ બીજા કોનું ધર્માંતરણ કરીશું? આ જ કારણ છે કે હવે અમારી વચ્ચે ઝઘડાઓ થાય છે."
કાર્યક્રમનો વિરોધ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
આરએસએસ પ્રમુખના આ કાર્યક્રમ પહેલાં ઘણાં સંગઠનો સાથે સંકળાયેલા લોકો કાર્યક્રમ સ્થળની બહાર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળી રહ્યા છે જેમાં લોકો સૂત્રો લખેલા પ્લેકાર્ડ પકડીને કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે.
તેમની વચ્ચે કેટલાક શીખ અલગતાવાદી સમર્થકો પણ જોવા મળે છે.
આરએસએસ પ્રમુખના આ કાર્યક્રમનો પહેલાંથી જ વિરોધ થઈ રહ્યો હતો.
આ અઠવાડિયાની શરૂઆતમાં, ન્યુ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ કહ્યું હતું કે આરએસએસનો "બહિષ્કાર કરવાવાળો" અભિગમ બહુલતાવાદી અને ધર્મનિરપેક્ષ ભારતની વિરુદ્ધ છે જેને લઈને તેઓ આગળ વધ્યા છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ કાર્યક્રમ રદ કરવો જોઈએ, ત્યારે મામદાનીએ કહ્યું હતું કે "હું ભાગવતના આ કાર્યક્રમને સમર્થન આપતો નથી, પરંતુ મને ખબર નથી કે શહેરને ખાનગી કાર્યક્રમ રદ કરવાનો અધિકાર છે કે નહીં."
બુધવારે, યુએસ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમે અમેરિકાની સરકારને ભારતમાં કથિત ધાર્મિક સ્વતંત્રતા ઉલ્લંઘનને લઈને આરએસએસ સભ્યો પર પ્રતિબંધ મૂકવા અને મોહન ભાગવતના વિઝા રદ કરવા પર વિચાર કરવા આગ્રહ કર્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલયે તાત્કાલિક કમિશનની ટિપ્પણીઓને નકારી કાઢી, તેને પક્ષપાતી અને અવિશ્વસનીય સંસ્થા ગણાવી.
હિન્દુઝ ફૉર હ્યુમન રાઇટ્સ, 'ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ' અને 'ઇન્ટરફેથ સેન્ટર ઑફ ન્યૂ યૉર્ક' સહિત અનેક આંતરધાર્મિક અને નાગરિક અધિકાર સંગઠનોએ મંગળવારે ન્યૂ યૉર્ક સિટી હૉલની બહાર એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી અને આ કાર્યક્રમ રદ કરવાની માંગ કરી હતી.
હિન્દુઝ ફૉર હ્યુમન રાઇટ્સના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુનિતા વિશ્વનાથે જણાવ્યું હતું કે તેમનું સંગઠન 61 આંતરધાર્મિક અને બિનસાંપ્રદાયિક સંગઠનોમાંનું એક છે જેમણે શનિવારના કાર્યક્રમનો વિરોધ કરતા ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
તેમણે કહ્યું કે આ સંગઠનોના ઘણા સમર્થકો ત્યાં રૂબરૂ હાજર રહીને સંદેશ આપશે કે આરએસએસ અને તેની હિન્દુત્વ વિચારધારા અમારું પ્રતિનિધિત્વ કરતી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકો માને છે કે ભાગવતની અમેરિકા મુલાકાત આરએસએસ દ્વારા પોતાની છબી સુધારવા માટે ચલાવવામાં આવી રહેલા એક મોટા જનસંપર્ક અભિયાનનો એક ભાગ છે.
હડસન ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો અને અમેરિકા-ભારત સંબંધોના નિષ્ણાત બિલ ડ્રેક્સેલએ જણાવ્યું હતું કે ભાગવતે તાજેતરમાં તેમની કેટલીક ટિપ્પણીઓનું લેવલ નરમ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં ડ્રેક્સેલે કહ્યું કે આરએસએસ ભારત માટે એક મહત્ત્વપૂર્ણ સંગઠન છે અને તેનો ઇતિહાસ એટલો જટિલ છે કે તેની તુલના અમેરિકા અને અન્ય દેશોમાં વધુ પરિચિત રાજકીય અને ધાર્મિક ચળવળો સાથે કરવી મુશ્કેલ છે.
અમેરિકન મેગેઝિન ન્યૂ લાઇન્સે તેના અહેવાલમાં લખ્યું છે કે "મોહન ભાગવત ન તો ચૂંટાયેલા રાજકારણી છે અને ન તો ભારતમાં કોઈ બંધારણીય પદ ધરાવે છે, છતાં તેમનો પ્રભાવ બંને કરતા ઘણો વધારે છે."
"હિન્દુ રાષ્ટ્રવાદના મુખ્ય કેન્દ્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા તરીકે ભાગવત એક એવી સંસ્થાનું નેતૃત્વ કરે છે જેના કાર્યકરો શાસક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ દરેક સ્તરે સામેલ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























