ગુજરાત વિધાનસભા ચૂંટણી: 8 ડિસેમ્બરે પરિણામ, આ બેઠકો બનશે નિર્ણાયક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, એ દિવસ છે - 8 ડિસેમ્બર, જ્યારે ગુજરાતમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન પછી બે દિવસના વિરામ બાદ 8 ડિસેમ્બરે મતગણતરી થશે.
જેમ-જેમ દિવસ જશે, તેમ-તેમ ચિતાર સ્પષ્ટ થશે કે રાજ્યમાં કોની સરકાર બની રહી છે.
આ સાથે ક્યાંક ખુશી તો ક્યાંક દુખનો માહોલ જોવા મળશે, પણ એક વાત સ્પષ્ટ છે કે આજનો દિવસ રસપ્રદ રહેશે.
કારણ કે જંગ માત્ર ‘કોણ જીતી રહ્યું છે’ તેની નથી, પરંતુ ‘કોને કેટલી બેઠકો મળે છે’ તેની પણ છે.
તો આવો જાણીએ કેવો રહ્યું મતદાન અને ચૂંટણીનો જંગ.

રાજ્યમાં 64.33 ટકા મતદાન, ટ્રાન્સજેન્ડર મતદારોમાં ઉદાસીનતા

એક ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. જેના માટે 788 ઉમેદવારો મેદાને હતા. ચૂંટણીપંચ અનુસાર, પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું.
પાંચ ડિસેમ્બરે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયું હતું. જેના માટે 833 ઉમેદવારો મેદાને હતા. ચૂંટણીપંચ અનુસાર, બીજા તબક્કામાં સરેરાશ 65.30 ટકા મતદાન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં સૌથી ઓછું 57.59 ટકા મતદાન બોટાદમાં અને સૌથી વધુ 78.42 ટકા મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું હતું.
રાજ્યના ચૂંટણીપંચ અનુસાર રાજ્યમાં કુલ 4.91 કરોડથી વધુ મતદારો નોંધાયા હતા. જે પૈકી 3.16 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. એ મુજબ રાજ્યમાં સરેરાશ 64.33 ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં કુલ 2.53 કરોડ પુરુષ મતદારો નોંધાયા હતા. જેમાંથી 66.74 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. જ્યારે 2.37 મહિલા મતદારો પૈકી 61.75 ટકા મહિલાઓએ મત આપ્યો હતો.
નોંધવા જેવી બાબત એ છે કે આ વખતે રાજ્યમાં ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. 2017ની સરખામણીએ ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા લગભગ બમણી થઈ હતી, પરંતુ તેમના મતદાનમાં ઉદાસીનતા જોવા મળી હતી.
ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, રાજ્યમાં નોંધાયેલા 1,391 પૈકી માત્ર 445 ટ્રાન્સજેન્ડર મતદારોએ મત આપ્યો હતો. જે 31.99 ટકા થાય છે.
જાણકારો પ્રમાણે, ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા વધવી એ આવકારદાયક બાબત છે પણ સાથેસાથે તેમના દ્વારા થતા મતદાનની ટકાવારી પણ વધવી જોઈતી હતી.

એ બેઠકો જે બનશે નિર્ણાયક અને રહેશે ચર્ચાની એરણે

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિપાંખીયા જંગને કારણે તમામ બેઠકો રસપ્રદ રહેશે.
જોકે, એવી કેટલીક બેઠકો છે, જેના પર ઉમેદવારો હારે કે જીતે સૌની નજર રહેશે. તેમાંની પહેલી બેઠક છે વીરમગામ.
વીરમગામ સીટ પર છેલ્લી બે ટર્મથી કૉંગ્રેસના ધારાસભ્ય જીતતા આવ્યા છે. આ વખતે ભાજપે અહીંથી કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપી છે. તેમની સામે કૉંગ્રેસે પોતાના ધારાસભ્ય લાખા ભરવાડને રીપિટ કર્યા છે. આ બેઠક અને તેને લગતાં સમિકરણો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
બીજી બેઠક છે વડગામ. આંદોલનકારી તરીકે વર્ષ 2017ની ચૂંટણીઓમાં અપક્ષમાંથી ધારાસભ્ય બનેલા જિજ્ઞેશ મેવાણી હવે પાર્ટી (કૉંગ્રેસ)ના ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા છે.
2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે અહીંથી ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો અને જિજ્ઞેશ મેવાણી ભાજપના ઉમેદવાર સામે જીતી ગયા હતા. જોકે, અહીં મુસ્લિમ મતો નિર્ણાયક છે અને આ વખતે એઆઈએમઆઈએમના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી આ બેઠક રસપ્રદ બનીને રહેશે.
વડગામ બેઠકનાં સમિકરણો વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો.
અલ્પેશ ઠાકોર 2017માં રાધનપુર બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા, પછી તેઓ ભાજપમાં જોડાયા હતા.
જોકે, રાધનપુર બેઠક પરથી જ પેટાચૂંટણી લડ્યા ત્યારે અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસના રઘુ દેસાઈએ હરાવ્યા હતા. જોકે, આ વખતે અલ્પેશ ઠાકોર ભાજપમાંથી ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી લડી રહ્યા છે.
છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ પર ભાજપનો કબજો રહ્યો છે. ભાજપે બે ટર્મથી ચૂંટાતા નેતા શંભુજી ઠાકોરને અહીંથી ટિકિટ આપી નથી અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે.
મતદારોની દૃષ્ટિએ ઉત્તર ગુજરાતની સૌથી મોટી એવી આ બેઠકની ઝીણવટભરી વિગતો વિશે જાણવા અહીં ક્લિક કરો.
અન્ય એક બેઠક છે જામખંભાળિયાની. કારણકે અહીં પ્રથમ વખત ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી લડી રહ્યા છે.
તેમનો સામનો કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ અને ભાજપ તરફથી પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા સામે થયો હતો.
બે બળિયાની વચ્ચે ત્રીજા નવલોહિયાએ ઝંપલાવતા આ બેઠક પરનો વિધાનસભા ચૂંટણીજંગ રસપ્રદ બની ગયો છે. ત્યારે આ બેઠકની ખૂબીઓ અને ખામીઓ વિશે જાણવા અહીં ક્લિક કરો.
વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપનીઓ ધરાવતી સુરતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ભાજપના હાલના ધારાસભ્ય અને કૅબિનેટમંત્રી વીનુ મોરડિયા મેદાને છે.
ભારતીય ક્રિકેટ રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા ભાજપ તરફથી જામનગર ઉત્તર બેઠક પર લડ્યાં હતા. આ બેઠક મહત્ત્વની એટલે પણ છે કે ભાજપે હકુભાના નામથી જાણીતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કાપીને રીવાબાને ઉમેદવાર બનાવ્યાં હતાં.
રીવાબા જાડેજા કૉંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીનાં ભત્રીજી પણ છે. તેમને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવતા આ બેઠક રસપ્રદ બની હતી.
આ સિવાય અન્ય એક બાબત હતી ભાભી-નણંદનો પ્રચાર. ભાભી રીવાબાને ભાજપે ટિકિટ આપી હતી. તો નણંદ નયનાબા તે જ બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યાં હતાં.
ભાજપ અને કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બદલાતાં સમિકરણોને ધ્યાનમાં રાખીને ઊભા રાખેલા ઉમેદવારોમાં કેટલાક ચાલુ ધારાસભ્યો છે, તો કેટલાક ટિકિટવાંછુઓને ટિકિટ ન મળતા તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
આ બળવાખોરો કોનો ખેલ બગાડશે? લુણાવાડા, છોટાઉદેપુર, બાયડ, ધાનેરા, વાઘોડિયા અને પાદરા જેવી બેઠકો પર બળવાખોરીને કારણે કેવી સ્થિતિ રસપ્રદ સ્થિતિ રચાઈ છે તે જાણવા અહીં ક્લિક કરો.
આ સિવાય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા (અમદાવાદ શહેરમાં), ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી, ભાજપના બળવાખોર નેતા મધુ શ્રીવાસ્તવે વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ બેઠક પરથી ચૂંટણી લડી હતી.

ગુજરાતમાં બેઠકોનો પ્રકાર અને અગાઉના પરિણામો

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. તે પૈકી 27 બેઠકો એસટી, 13 બેઠકો એસસી માટે અનામત છે જ્યારે બાકીની 142 બેઠકો સામાન્ય છે.
છેલ્લી ત્રણ ચૂંટણી જોઈએ તો કૉંગ્રેસની આદિવાસી અનામત ધરાવતી (એસટી) બેઠકો પર પકડ યથાવત છે. 2007માં અને 2012માં કૉંગ્રેસે 59% બેઠકો જીતી હતી. 2017માં તેને 55% બેઠકો મળી હતી. ભાજપે 2007માં એસસી અને એસટી મળીને કુલ 11 બેઠકો જીતી હતી. 2012માં ભાજપે એક એસસી અને એક એસટી બેઠકો ગુમાવી. જોકે તેની મહદંશે જીત સામાન્ય બેઠકો પર વધારે હતી.
2017માં ચિત્ર થોડું બદલાયું. કૉંગ્રેસે તેના એસસી-એસટી બેઠકોના મજબૂત ગઢને જાળવવામાં તો સફળતા મળી જ પરંતુ સામાન્ય બેઠકો પર તેના 57 ધારાસભ્યો ચૂંટાયા. વર્ષ 2007ની સરખામણીએ ભાજપે વિધાનસભામાં 4 એસસી, 2 એસટી અને 12 સામાન્ય બેઠકો ગુમાવી હતી.
2017માં દાંતા, રાપર અને છોટા ઉદેપુર(એસટી) બેઠકો પર નોટાના મત સૌથી વધારે પડ્યા હતા. આ બેઠકો પર કુલ મતદાનના 3.5% મત પડ્યા. આ એવી બેઠકો હતી જ્યાં કૉંગ્રેસે સૌથી વધુ માર્જિનથી જીત મેળવી.
જોકે નોટાના વોટને કારણે કોઈ પક્ષની હાર-જીત થઈ શકે તેવો સાર નીકળે એવા કોઈ નિર્ણાયક સબંધો જોવા નથી મળ્યા પણ તેનાથી હારજીતના તફાવતમાં ફરક પડી શકે છે.

ભાજપ માટે પડકારજનક બેઠકો

ઇમેજ સ્રોત, ANI
ખેડા જિલ્લાની મહુધા બેઠક પરથી કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવી છે, ભાજપ કે જનતાદળ અહીં ક્યારેય ખાતું ખોલાવી શક્યા નથી.
બારડોલી જિલ્લાની વ્યારા બેઠક પર પણ કૉંગ્રેસ સિવાય કોઈ બીજી પાર્ટી જીતી શકી નથી, અલબત્ત, 1990 અને 1995માં અપક્ષ ઉમેદવારો વિજેતા થયા હતા પણ ભાજપ કે જનતાદળ જેવી પાર્ટી ક્યારેય વિજય નોંધાવી શકી નથી.
દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભામાં દાયકાઓથી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે, અહીં 2002માં માત્ર એક વખત ભાજપનાં ઉમેદવાર વિજેતા થયા હતા. એ સિવાય ક્યારેય ભાજપ અહીં વિજયનો વાવટો ફરકાવી શક્યો નથી.
ઉના બેઠક પરથી ભાજપ 2007માં માત્ર એ એક વખત જ જીતી શક્યો છે. આ સિવાય 1967થી બોરસદમાં કૉંગ્રેસ અવિરતપણે જીતતી આવી છે.
નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા ત્યારે પણ ભાજપ માટે આ બેઠકો પર જીતને વેંત છેટૂ રહ્યુ છે અને મોદી વડા પ્રધાન બન્યા તે પછી પણ ભાજપને આ બેઠકો પર જીતનો સ્વાદ ચાખવા નથી મળ્યો.
આ બેઠકો વિશે વિસ્તૃતમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઍક્ઝિટ પોલમાં શું હતું?

બીબીસી પોતાની નીતિ અંતર્ગત ચૂંટણી પહેલાં કે પછી સ્વતંત્ર રીતે પોતે અથવા તો કોઈ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું. ભૂતકાળમાં એક કરતાં વધુ વખત બીબીસીના નામે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર બનાવટી સરવે ફરતા થયા છે.
'ન્યૂઝ ઍક્સ'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 117થી 140 બેઠકો મળી શકે છે. જ્યારે કૉંગ્રેસ-એનસીપીને 34-51 બેઠકો મળી શકે છે. તો આપને આ ઍક્ઝિટ પોલમાં 6-13 બેઠકો અપાઈ છે.
'ટીવી 9 ગુજરાતી'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 125થી 130 બેઠકો મળી શકે એમ છે, જ્યારે આ ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસ-એનસીપીને 40-50 બેઠકો અપાઈ છે અને આપને 3-5 બેઠકો અપાઈ છે.
'રિપબ્લિક ટીવી' અને 'પી-માર્ક'ના અનુમાન મુજબ, ભાજપને 128થી 148, કૉંગ્રેસને 30થી 42, આપને બેથી 10 તથા અન્યોને શૂન્યથી ત્રણ બેઠક મળી શકે છે. ભાજપને 48.2 ટકા, કૉંગ્રેસને 32.6 ટકા, આપને 15.4 ટકા, તથા અન્યોને 3.8 ટકા મત મળે તેવી શક્યતા છે.
ઇન્ડિયા ટુડે- ઍક્સિસ માય ઇન્ડિયાના આકલન પ્રમાણે, આપના આગમનને કારણે ભાજપને મહત્તમ 151 બેઠક મળી શકે છે, જે માધવસિંહ સોલંકીના 149 રેકર્ડ કરતાં વધુ હશે.
ઍક્ઝિટ પોલ વિશે વાંચવા અહીં ક્લિક કરો.
























