ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની શક્યતા? કઈ નવી સિસ્ટમ ક્યાં અસર કરશે?

પ્રકાશિત

અરબી સમુદ્રમાં વર્ષની શરૂઆતમાં જ બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.

જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં પણ ફરીથી હવામાન પલટાય તેવી સંભાવના દેખાઈ રહી છે. છ જાન્યુઆરીની આસપાસ ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે પશ્ચિમ-ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

બીજી તરફ ભારતના હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં હાલ લૉ પ્રેશર એરિયા બન્યો છે. તેથી સાથે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન પણ બન્યું છે. આ સિસ્ટમ આગળ વધીને ભારતના દરિયાકાંઠા તરફ આવે તેવી શક્યતા છે.

બંને સિસ્ટમોને લીધે હાલ કર્ણાટક અને કેરળથી લઈને અરબી સમુદ્રમાં એક ટ્રફ રેખા બની છે, જેના કારણે દક્ષિણનાં રાજ્યોમાં વરસાદની શક્યતા છે.

અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમની એવી પણ શક્યતા છે કે તે વધારે મજબૂત બન્યા બાદ આગળ વધે. હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર મહારાષ્ટ્ર સુધી થવાની શક્યતા છે.

ગુજરાતમાં ક્યારે પલટાશે હવામાન?

નવા વર્ષની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે. આ બંને સિસ્ટમોને કારણે ભારતના અનેક વિસ્તારો અને કેટલાંક રાજ્યોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

જાન્યુઆરી 6 કે 7ની આસપાસ સ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર પહોંચશે અને અરબી સમુદ્રની સિસ્ટમ પણ આગળ વધીને કર્ણાટક કે મહારાષ્ટ્ર સુધી પહોંચશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 7 કે 8 જાન્યુઆરીથી હવામાન પલટાય તેવી શક્યતા છે અને 11 તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર દેખાય તેવી સંભાવના છે.

એક તરફથી બંગાળની ખાડી પરથી આવતા પૂર્વના પવનો અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા બંને પવનો મળશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

હાલ ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં સવારે ગાઢસ ધુમ્મસ જોવા મળી રહી છે. ફરીથી વરસાદી ગતિવિધિ શરૂ થતાં તાપમાનમાં વધારો થશે.

ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે?

હવામાન વિભાગે હજી ગુજરાતમાં આવનારા પાંચ દિવસોમાં વરસાદની કોઈ આગાહી કરી નથી એટલે કે આ અઠવાડિયામાં રાજ્યમાં વરસાદની શક્યતા દેખાતી નથી.

હવામાનનાં વિવિધ આંકડાકીય મૉડલો પ્રમાણે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પણ થાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં 8 અને 9 તારીખના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત,પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોઈ જગ્યાએ હળવો વરસાદ થાય તેવું વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ અનુસાર ગુજરાતમાં 9 જાન્યુઆરીના રોજ ઘણા વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. આ પહેલાં પણ ગુજરાતમાં 26 નવેમ્બરના રોજ કમોસમી વરસાદ થયો હતો.

ગુજરાતમાં હજી પણ શિયાળાની ઠંડીની રાહ જોવાઈ રહી છે એટલે કે હજી પણ દિવસે ગરમી પડી રહી છે અને તાપમાન વધારે નીચું જઈ રહ્યું નથી. બીજી તરફ જો ફરીથી કમોસમી વરસાદ પડશે તો તેના કારણે રવિ પાકને નુકસાન જવાની ભીતિ છે.

ભારતમાં જીરાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધારે થાય છે અને આ વર્ષે રાજ્યમાં ગત વર્ષ કરતાં જીરાનું વાવેતર લગભગ બમણું થયું છે. જીરું, વરિયાળી સહિતના પાકોને આ કમોસમી વરસાદથી નુકસાન થવાની શક્યતા છે.

અરબી સમુદ્રની આ સિસ્ટમ વાવાઝોડું બનશે?

અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસર મહારાષ્ટ્ર સુધી થાય તેવી શક્યતા છે અને અનેક વિસ્તારોમાં તેના કારણે વરસાદ પડે તેવી સંભાવના છે.

દરિયામાં આ સિસ્ટમ આગળ વધતાની સાથે જ હજી મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.

સામાન્ય રીતે દરિયામાં જે સિસ્ટમ બને તે વાવાઝોડું બને તેના માટે સૌથી મહત્ત્વનું પરિબળ દરિયાનું તાપમાન હોય છે. જો દરિયાનું તાપમાન અનુકૂળ હોય તો સિસ્ટમ જલદી મજબૂત બનતી હોય છે. જે આ વર્ષે બંગાળની ખાડીમાં બનેલાં કેટલાંક વાવાઝોડાંમાં જોવા પણ જોવા મળ્યું છે.

વેધર ચેનલના એક અહેવાલ મુજબ હાલ દરિયાનું તાપમાન અને હવામાનનાં બીજાં પરિબળો આ સિસ્ટમ વધારે મજબૂત બને તે માટે અનુકૂળ નથી. જેથી વર્ષની શરૂઆતમાં જ વાવાઝોડું સર્જાય તેવા કોઈ સંજોગો નથી.

ભારતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાની સિઝન હોય છે, ચોમાસા બાદ ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી એમ ત્રણ મહિનાઓમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.