અમેરિકા-કૅનેડા ઑક્ટોબર-નવેમ્બરમાં એક કલાક પાછળ કેમ જતાં રહે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પશ્ચિમના દેશોમાં મુસાફરી અને સ્થાયી થવા બાબતે ઉત્સાહ જોવા મળે છે.

ઘણા ભારતીયો માટે વિદેશની સંસ્કૃતિ અને ભૂગોળ કુતૂહલ જેવી છે.

ભારતીયોના ફૅવરિટ ડેસ્ટિનૅશન જેમ કે અમેરિકા, કૅનેડા અને યુકે સાથે સંબંધિત જાણકારી મેળવવા માટે ઘણા લોકો પ્રયાસ કરતા હોય છે. તેમાં કેટલી રસપ્રદ વિગતો પણ ધ્યાને આવે છે.

આવી જ એક વિગત છે કેટલીક ઋતુમાં આ દેશોમાં ‘ઘડિયાળના સમયમાં કરાતો ફેરફાર.’

અહેવાલો અનુસાર અમેરિકા, કૅનેડા અને ક્યુબા સહિતના દેશો 5 નવેમ્બરે પોતાની ઘડિયાળ એક કલાક પાછળ ગોઠવવા તૈયાર છે.

જે આ વર્ષે ‘ડેલાઇટ સેવિંગ ટાઇમ’ (ડીએસટી)ના અંતની નિર્ધારિત તારીખ છે.

પરંતુ આ ઘડિયાળનો સમય ‘બદલવાની’ આ બાબત જેટલી રસપ્રદ છે એટલી જ સવાલો પેદા કરનારી પણ ખરી.

આખરે આ આ દેશોમાં આ રીત કેમ અનુસરાય છે? તેની પાછળ શું કારણો છે?

શું છે ‘ડેલાઇટ સેવિંગ ટાઇમ’?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ‘ડેલાઇટ સેવિંગ ટાઇમ’ એટલે કે ડીએસટી એ પશ્ચિમના દેશોમાં અનુસરાતી એવી પ્રૅક્ટિસ છે, આવું આ દેશોમાં ઉનાળા દરમિયાન સાંજના સમયે ‘વધુ પ્રકાશ’ જળવાઈ રહે એવા આભાસ માટે કરાય છે.

આ પ્રૅક્ટિસ અંતર્ગત જે-તે દેશમાં સામૂહિક રીતે, સાર્વત્રિકપણે ‘ઘડિયાળમાં સમય આગળ કરી દેવાય’ છે.

આવું મોટા ભાગે ઉત્તર ગોળાર્ધમાં આવેલા દેશોમાં બને છે.

આ રીત અંતર્ગત માર્ચ અને એપ્રિલમાં આ દેશોમાં ઘડિયાળ એક કલાક આગળ સેટ કરાય છે. જ્યારે સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બરમાં આ દેશોમાં ફરીથી ઘડિયાળનો ટાઇમ નૉર્મલ બનાવવા માટે એક કલાક પાછળ લઈ જવામાં આવે છે.

માર્ચ-એપ્રિલ એટલે કે ઉનાળામાં ‘ઘડિયાળ આગળ’ એટલા માટે કરાય છે જેથી સમગ્ર દિવસ દરમિયાન ‘ડેલાઇટના આભાસનો સમય’ વધી જાય.

આવું મોટા ભાગે ઉત્તર અમેરિકા, યુરોપના દેશોમાં કરાય છે, જોકે વિષુવવૃત્ત નજીકના દેશોમાં આ રીત અનુસરાતી નથી.

સમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ અનુસાર આ પ્રૅક્ટિસ ઘણા દેશોએ ઘણી વાર અપનાવી અને ફગાવી દીધી છે.

ઇજિપ્તે માર્ચમાં જાહેરાત કરી હતી તેઓ સાત વર્ષ બાદ ફરી એક વખત ઊર્જાના વપરાશને તર્કબદ્ધ બનાવવા માટે ‘ડેલાઇટ સેવિંગ ટાઇમ’ની પ્રૅક્ટિસ અમલમાં મૂકશે.

જાપાને વર્ષ 2020ના ઑલિમ્પિક આયોજન દરમિયાન આ પ્રૅક્ટિસ અમલમાં મૂકવાની તૈયારી કરી હતી, પરંતુ તકનીકી પડકારોને કારણે આવું કરવાનું રદ રાખ્યું હતું.

આ પ્રવૃત્તિનો શો છે ઇતિહાસ?

DST

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટાનિકા અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના સ્થાપકો પૈકી એક બેન્જામિન ફ્રેન્કલિનના ઈસવીસન 1784ના એક નિબંધમાં ‘ડેલાઇટ સેવિંગ ટાઇમ’ પ્રૅક્ટિસનો પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે.

તેમજ વર્ષ 1907માં ઇંગ્લિશ વિલિયમ વિલેટે એપ્રિલથી શરૂ કરીને આગામી મહિનામાં 20-20 મિનિટ સુધી ઘડિયાળનો સમય વધારવાની વાત કરી હતી, જ્યારે સપ્ટેમ્બરમાં ઠીક આનું ઊલટું કરવાનું સૂચવ્યું હતું.

વર્ષ 1909માં બ્રિટિશ હાઉસ ઑફ કૉમન્સે વસંત ઋતુમાં ઘડિયાળનો સમય એક કલાક વધારવાનો અને પાનખરમાં ફરીથી ‘ગ્રીનવીચ મીન ટાઇમ’નો સ્ટાન્ડર્ડ સમય અનુસરવાનો પ્રસ્તાવ ફગાવ્યો હતો.

પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ઑસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન, જર્મની અને અમેરિકા સહિતના ઘણા દેશોએ ‘કૃત્રિમ અજવાળાની જરૂરિયાત’ ઘટાડવા અને ઈંધણ બચાવવાના હેતુથી ‘ડેલાઇટ સેવિંગ ટાઇમ’ની પદ્ધતિ અપનાવી હતી.

કંઈક આવું જ બીજા વિશ્વયુદ્ધમાં પણ ચાલુ રખાયું હતું.

અમેરિકામાં ઘણી વખત ‘ડેલાઇટ સેવિંગ ટાઇમ’નો સમયગાળો બદલાયો છે. હાલ એ માર્ચ મહિનાના બીજા રવિવારથી શરૂ થાય છે, જેનો અંત નવેમ્બરના પ્રથમ રવિવારે આવે છે.

યુરોપમાં મોટા ભાગના દેશોમાં આ સમયગાળો માર્ચના અંતિમ રવિવારથી માંડીને ઑક્ટોબરના અંતિમ રવિવાર સુધી ચાલે છે.

રૉયટર્સના એક અહેવાલ અનુસાર આમ સિઝન અનુસાર ઘડિયાળના સમયમાં ફેરફાર કરવાની શરૂઆત 19મી સદીના અંતિમ દાયકામાં થઈ છે.

આ સમયે ન્યૂઝીલૅન્ડના જંતુશાસ્ત્રીએ ઊર્જાની બચત અને ઉનાળામાં દિવસના કલાકોમાં વધારાની બાબત ધ્યાને રાખીને આ વિચાર વહેતો મૂક્યો હતો.

અમેરિકામાં ઘણા ખેડૂતો આ પ્રૅક્ટિસને પોતાના કામ માટે અવરોધરૂપ માને છે. આ સિવાય આ પ્રૅક્ટિસને કારણે ઈંધણની બચત થતી હોવાનાં સીમિત પ્રમાણ છે.

ઊલટાનું આ પ્રૅક્ટિસના વિરોધીઓ આ પ્રવૃત્તિને ઘણી સ્વાસ્થ્ય, ટ્રાફિક સમસ્યાઓમાં વધારા સાથે જોડે છે.

જેના કારણે અમેરિકામાં આ પ્રૅક્ટિસનો અંત આણવાનો મુદ્દોય ઊઠતો રહે છે.

પ્રૅક્ટિસની તરફેણ અને વિરોધનાં કારણો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ પ્રૅક્ટિસના વિરોધીઓ અભ્યાસોને ટાંકીને આ પ્રૅક્ટિસને અચાનક સમયમાં આવતા આ ફેરફારને કારણે હૃદયની સમસ્યા, સ્ટ્રોક અને અન્ય આરોગ્યસંબંધી સમસ્યાઓ માટે જવાબદાર ઠેરવે છે.

આ સિવાય આ પ્રકારના બદલાવથી ટ્રાફિક અકસ્માતો અને કામનાં સ્થળે થતાં અકસ્માતોમાં વધારો થવાનો પણ ભય વ્યક્ત કરાય છે.

અભ્યાસો ટાંકીને કહેવાય છે કે ખરેખર આ પ્રકારની પ્રૅક્ટિસથી ઊર્જાની કોઈ બચત થતી નથી.

તેમજ નિત્યક્રમના બદલાવને કારણે પણ સમસ્યા સર્જાતી હોવાનોય દાવો કરાય છે.

જોકે, તેની તરફેણમાં દલીલ કરનારા લોકો કહે છે કે આ પ્રૅક્ટિસથી સાંજના સમયે વધુ ‘ડેલાઇટ’ મળવાની સાથોસાથ ‘સમયની બચત’ થાય છે.

ઉપરાંત કેટલાક અભ્યાસો ટાંકીને દલીલ કરે છે કે આના કારણે ગુનાના દરમાં ઘટાડો નોંધાયો છે. કેટલાંક ક્ષેત્રો માને છે કે આ પ્રૅક્ટિસથી ટુરિઝમ અને વેપારમાં વૃદ્ધિ થાય છે.