You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં બદલાશે પવનની દિશા, ફરી વાવાઝોડાને કારણે આવશે વરસાદ?
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ થયો હતો.
હાલનો વરસાદ અરબી સમુદ્રમાં બનેલી એક બાદ એક એમ બે સિસ્ટમોની અસરને કારણે થયો હતો. હવે છેલ્લી સિસ્ટમ પણ યમન તરફ આગળ વધી ગઈ છે.
હાલ રાજ્ય પર કોઈ સિસ્ટમની અસર દેખાતી નથી અને તેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ હવે બંધ થઈ જશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના એકાદ બે વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.
ગુજરાત અને રાજસ્થાનની પાસે એક ઍન્ટી સાયક્લૉન સર્જાઈ રહ્યું છે અને તેના કારણે પવનની દિશા પણ ઘણા વિસ્તારોમાં બદલાવાની શક્યતા છે. સામાન્ય રીતે ઍન્ટી-સાયક્લ઼ૉન બને તે વિસ્તારની આસપાસ વરસાદ થતો નથી.
હાલ અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા પાસે એક નાની સિસ્ટમ બનેલી છે પરંતુ તેની અસર ગુજરાતને થવાની શક્યતા નથી.
બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે અને તે હાલ દરિયામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું હજી પણ વધારે મજબૂત બનશે.
આ વાવાઝોડું ગુજરાતથી સેંકડો કિલોમીટરો દૂર છે અને તે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે. હાલ હવામાનનાં વિવિધ મૉડલો જે પ્રમાણે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે વાવાઝોડાના બાદની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે.
જ્યારે હવામાન વિભાગના મૉડલ પ્રમાણે વાવાઝોડા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ પશ્ચિમ તરફ વળીને મહારાષ્ટ્ર પરથી થઈ અરબી સમુદ્રમાં પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે આ મહિનાના અંતમાં અને આગામી મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હવામાન પલટાઈ શકે છે.
જોકે, હવામાનનાં વિવિધ મૉડલો આગામી ત્રણથી ચાર દિવસ સુધીની સટીક માહિતી આપી શકે છે, લાંબાગાળાની આગાહીમાં ફેરફાર થતા હોય છે. જ્યારે વાવાઝોડાનો ટ્રેક પણ ઘણી વખત સતત બદલાતો હોય છે. જેથી ગુજરાતમાં ફરીથી વરસાદ થશે કે નહીં તે માટે આગામી દિવસોમાં સતત આ સિસ્ટમનું નિરીક્ષણ કરવું જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન