ભારતે હારતાંહારતાં કેવી રીતે બાંગ્લાદેશ પાસેથી સિરીઝ છીનવી લીધી?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, વિધાંશુકુમાર
- પદ, રમતગમત પત્રકાર, બીબીસી માટે
- પ્રકાશિત

- બાંગ્લાદેશ સામે મીરપુર ખાતે રમાયેલ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ રસાકસીભર્યા મુકાબલામાં ત્રણ વિકેટે જીતી હતી
- બીજી ઇનિંગમાં 145 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં એક સમયે મુશ્કેલીમાં સપડાયેલ ભારતીય ટીમ અંતે સફળ રહી હતી, આ સાથે જ ભારતે શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી હતી
- જીત માટે અશ્વિન અને શ્રેયસ અય્યરની પાર્ટનરશિપ ચાવીરૂપ સાબિત થઈ

ભારતીય ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશના સ્પિનર મેહદી હસન મિરાજના બૉલને મિડ વિકેટ પર બાઉન્ડ્રી પાર પહોંચાડીને ભારતને જીત અપાવી, ડ્રેસિંગ રૂમમાં સવારથી તણાવપૂર્ણ સ્થિતિમાં બેઠેલા કૅપ્ટન કે. એલ. રાહુલ અને કોચ રાહુલ દ્રવિડે રાહતના શ્વાસ લીધા અને ઊભા થઈને અશ્વિન અને શ્રેયસ અય્યરની ભાગીદારીનું અભિવાદન કર્યું.
જોકે, મૅચનો નિર્ણય લંચ પહેલાં જ થઈ ગયો હતો. પરંતુ લગભગ દોઢ કલાક સુધી બાંગ્લાદેશની ટીમે મૅચને પોતાના પંજામાં રાખી હતી અને ધીરે ધીરે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા હતા.
મૅચના ચોથા દિવસે જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા ઊતરી ત્યારે જીત માટે હજુ પણ ટીમ સામે 100 રન બનાવવાનો પડકાર હતો અને ભારતના હાથ હજુ પણ છ વિકેટ હતી. પરંતુ બાંગ્લાદેશી કૅપ્ટન શાકિબ અલ હસને સ્પિનથી શરૂઆત કરી અને પ્રથમ બૉલથી ભારતીય ટીમને બૅકફૂટ પર ધકેલી દીધી.
તેમણે સૌથી પહેલાં નાઇટ-વૉચમૅન જયદેવ ઉનડકટને પેવેલિયન પરત મોકલ્યા. બાદ મિરાજે ઋષભ પંતને જલદી જ આઉટ કરી દીધા અને અમુક ઓવર બાદ સારી બેટિંગ કરી રહેલ અક્ષર પટેલને પણ આઉટ કરી દીધા.
એ સમયે ભારતનો સ્કોર સાત વિકેટના નુકસાને 74 રનનો હતો. એ સમયે સ્ટેડિયમમાં બાંગ્લાદેશની તરફેણમાં હૂટિંગ થઈ રહ્યું હતું.
બાંગ્લાદેશને માત્ર ત્રણ વિકેટની જરૂરિયાત હતી અને તેમની ટીમને જીત નિશ્ચિત લાગવા માંડી હતી.

ડ્રૉપ કૅચ મોંઘો પડ્યો

ઇમેજ સ્રોત, ANI
આવી નાજુક પરિસ્થિતિમાં ભારતને એક પાર્ટનરશિપની જરૂરિયાત હતી અને ક્રીઝ પર શ્રેયસ અય્યર અને અશ્વિન હતા. તેમના બાદ માત્ર ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ બાકી હતા.
બાંગ્લાદેશના સ્પિનરોએ કોઈ ઢીલાશ ન રાખી અને અત્યાર સુધી સારી બૉલિંગ કરી રહેલ મિરાજે પોતાની ટીમને વધુ એક તક અપાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અશ્વિન માત્ર બે રને રમી રહ્યા હતા અને મિરાજનો સ્પિન કરતો બૉલ તેમના બૅટના કિનારે અડ્યો, આના કારણે શૉર્ટ લેગ પર ઊભેલા ફિલ્ડર પાસે એક સરળ કૅચની તક આવી. પરંતુ મોમિનુલ હસને એ સરળ કૅચ ડ્રૉપ કર્યો. આ ડ્રૉપ કૅચ જ મૅચનું ટર્નિંગ પૉઇન્ટ બન્યું.
કૉમેન્ટરી બૉક્સમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અતહર અલી ખાને કહ્યું, “શૉર્ટ લેગ પર અશ્વિનનો સરળ કૅચ મોમિનુલ હસને છોડ્યો, મૅચ એ સમયે જ બદલાઈ ગઈ. એ સમયે સ્કોર આઠ વિકેટે 80 રન થઈ શક્યો હોત. ભારતને એક પાર્ટનરશિપની જરૂરિયાત હતી અને એ છૂટેલા કૅચે તેના માટે તક સર્જી.”

મૅચ જિતાડનારી પાર્ટનરશિપ

ઇમેજ સ્રોત, ANI
સાત વિકેટે 74 રનના સ્કોર પરથી પરિસ્થિતિમાં વળતી લડત આપતાં શ્રેયસ અય્યર અને અશ્વિને 71 રનની પાર્ટનરશિપ નોંધાવી. ચોથી ઇનિંગમાં આઠમી વિકેટ માટે આ ભારતની બીજી સૌથી મોટી પાર્ટનરશિપ હતી.
અય્યરની પ્રશંસા કરતાં કૉમેન્ટેટર અંજુમ ચોપરાએ કહ્યું, “શ્રેયસ અય્યર આ ટર્નિંગ વિકેટ પર સૌથી આરામથી બેટિંગ કરતા જોવા મળ્યા. બંનેએ આઠમી વિકેટ માટે 105 બૉલમાં 71 રન કર્યા. આવી રીતે ભારતને બાંગ્લાદેશ વિરુદ્ધ જીત મળી.”
આ જીત સાથે જ ભારતીય ટીમે 2-0થી સિરીઝ પર કબજો તો જરૂર કર્યો પરંતુ મીરપુર ટેસ્ટમાં પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમ વધુ ખુશ નહીં હોય. જો બાંગ્લાદેશે વધુ એક કૅચ પકડી લીધો હોત તો તેમને ભારત વિરુદ્ધ ઐતિહાસિક જીત મળવાનું નક્કી હતું.
ભારતીય ટીમે આ મૅચમાં એવી કેટલીક ભૂલો કરી જેને તેઓ ફરીથી કરવા નહીં માગે.

ભારતીય ટીમની મોટી ભૂલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમે એક મોટી ભૂલ બાંગ્લાદેશની બીજી ઇનિંગ દરમિયાન કરી. આ પહેલાં ભારતે પ્રથમ ઇનિંગમાં પંતની બેટિંગની મદદથી 314 રન બનાવ્યા અને એક ટર્નિંગ પિચ પર 87 રનોની સારી સરસાઈ મેળવી લીધી હતી.
બાંગ્લાદેશની ટીમ દબાણમાં હતી અને 70 રને ચાર વિકેટ ગુમાવી ચૂકી હતી.
પ્રથમ ઇનિંગમાં પોતાની ટીમ માટે સર્વાધિક 84 રન બનાવનાર મોમિનુલ હક અને કૅપ્ટન શાકિબ અલ હસન પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા.
આ પરિસ્થિતિમાં ભારતીય ટીમે વધુ દબાણ બનાવીને બાંગ્લાદેશની ઇનિંગ જલદી સમેટવાની કોશિશ કરવી જોઈતી હતી. પરંતુ કૅપ્ટન કે. એલ. રાહુલની ઍવરેજ કૅપ્ટન્સીમાં એવું ન થઈ શક્યું. બાંગ્લાદેશના બે બૅટ્સમૅનોએ અર્ધ સદી ફટકારી.
ઝાકિર હસને સાચવીને 55 રન બનાવ્યા તેમજ લિટન દાસે ઝડપી 73 રનની ઇનિંગ રમી.
આ ઇનિંગોની મદદથી બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 231 રન બનાવી લીધા અને ભારત સામે ફરી બેટિંગ કરવાનો પડકાર ફેંક્યો.

પીચને દોષ ન આપી શકાય

ઇમેજ સ્રોત, MUNIR UZ ZAMAN
ભારતની પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશના સ્પિનરોએ નવ વિકેટ લીધી તેમજ બીજી ઇનિંગમાં પણ તમામ વિકેટ સ્પિનરોના નામે જ રહી.
પ્રથમ ઇનિંગમાં તાયજુલ ઇસ્લામે ચાર વિકેટ લીધી તેમજ બીજી ઇનિંગમાં મેહદી હસન મિરાજે પાંચ વિકેટ મેળવી.
ભારતીય બૅટ્સમૅનોને સ્પિન થતા બૉલ રમવામાં, અને ખાસ કરીને નીચે રહેતા બૉલ રમવામાં તકલીફ પડી રહી હતી અને તેમણે આવા બૉલ પર વિકેટો પણ ગુમાવી.
પરંતુ ભારતીય ટીમ પીચ પર દોષનો ટોપલો ન ઢોળી શકે, કારણ કે આ જ પિચ પર તેમણે પણ બૉલિંગ કરી અને બાંગ્લાદેશને વાપસી કરવાની તક મળી. એમાં કોઈ બેમત નથી કે ભારતીય ટીમ પાછલી મૅચના હીરો કુલદીપ યાદવને પણ મિસ કરી રહી હતી.

ભારતીય બૅટ્સમૅનોનું નિરાશાજનક વલણ
ભારતીય ટીમ માટે આ મૅચમાં સૌથી ચિંતાજનક વાત તેના બૅટ્સમૅનોનું નિરાશાજનક વલણ રહી.
કૅપ્ટન કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ બંને ઇનિંગોમાં નિરાશ કર્યા.
આ તમામ અત્યંત પ્રતિભાવાન બૅટરો છે પરંતુ આ મૅચમાં તેમની બેટિંગને જોતા એવું લાગી રહ્યું હતું કે તેમણે પ્રથમ મૅચમાં જીત બાદ બાંગ્લાદેશને હળવાશમાં લેવાની ભૂલ કરી દીધી અને ચિંતામુક્ત બેટિંગ કરવાની કોશિશમાં બેદરકારીપૂર્વક બેટિંગ કરતા દેખાયા.
પરંતુ આ તમામ ભૂલો છતાં આખરે અશ્વિન અને અય્યરની ભાગીદારીએ ભારતને જીત અપાવી અને બાંગ્લાદેશનો ભારત વિરુદ્ધ પ્રથમ જીત મેળવવાનો ઇંતેજાર વધુ લાંબો કરી દીધો.
આ જીત બાદ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં બીજા નંબરે પોતાની જગ્યા બનાવી લીધી છે.
























