ગીતા પ્રેસ ગોરખપુર: 'શ્રીમદ્ ભાગવત ગીતાની કરોડો' પ્રતિ છાપનાર 100 વર્ષ જૂનું ગીતા પ્રેસ ગોરખપુર વિવાદમાં કેમ છે?

ઇમેજ સ્રોત, Geeta Press Gorakhpur
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
કેન્દ્ર સરકારે ગીતા પ્રેસ ગોરખપુરને વર્ષ 2021નો 'ગાંધી શાંતિ પુરસ્કાર' એનાયત કરવાની જાહેરાત કરી તો કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે આ સાવરકર કે ગોડસેને પુરસ્કાર આપવા જેવું છે.
બીજી બાજુ, ગીતા પ્રેસના ટ્રસ્ટીમંડળે કોઈ પુરસ્કાર નહીં સ્વીકારવાની દાયકાઓ જૂની પરંપરાને તોડીને આ ઍવોર્ડ લેવાની વાત કરે છે, જોકે રૂ. એક કરોડના રોકડ પુરસ્કારનો સ્વીકાર ન કરવાની વાત કહી છે.
વડા પ્રધાનની અધ્યક્ષતામાં જ્યુરીની બેઠક મળી હતી, જે પછી દેશના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તી પ્રમાણે, ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક રીતે સામાજિક, આર્થિક અને રાજકીયક્ષેત્રે પરિવર્તન લાવવા માટે કરેલા પ્રદાન બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 100 વર્ષ પહેલાં વર્ષ 1923માં ગોરખપુર ખાતે ગીતા પ્રેસની સ્થાપના થઈ હતી. વર્ષ 1926માં 'કલ્યાણ' સામયિક શરૂ થયું હતું.

સવાલથી સ્થાપના

એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં ગીતા પ્રેસના તત્કાલીન મૅનેજર (પ્રકાશન વિભાગ) લાલ મણિ તિવારીએ ગીતા પ્રેસની સ્થાપના પાછળની કહાણી જણાવી હતી. તેમના કહેવા પ્રમાણે :
'કલકત્તાના વેપારી જયદયાળ ગોયેન્દકા વિતરણ માટે સનાતન ધર્મના પવિત્ર ગ્રંથ 'શ્રીમદ ભગવદ્ ગીતા' છપાવવા માગતા હતા. એ સમયની પ્રકાશનવ્યવસ્થાને કારણે તેમાં મુદ્રણ સહિતની ત્રુટિઓ રહી જવા પામતી.'
'જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે 'જો તમારે ત્રુટિરહિત પ્રકાશન જોઇતું હોય તો તમારું પ્રેસ નાખો.' આ વાતને તેમણે દેવી સંકેત તરીકે લીધી અને પ્રેસ નાખવાનો વિચાર કર્યો.'
એ પછી તેમણે ગોરખપુર ખાતે રૂ. 10ના ભાડાથી જગ્યા લીધી અને પ્રેસની શરૂઆત કરી. એ પછી 'કલ્યાણ' અને 'કલ્યાણ-કલ્પતરુ' સામયિકો પણ અહીંથી જ શરૂ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આરંભ, આંકડા અને અભિયાન

ઇમેજ સ્રોત, Geeta Press
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંસ્થાની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગત પ્રમાણે, ગીતા પ્રેસ, ગોરખપુરએ 'ગોવિંદ ભવન કાર્યાલય'નું એકમ છે. જેનો હેતુ સસ્તાદરે ગીતા, રામાયણ, ઉપનિષદ, પુરાણ, સંતોના ચરિત્ર અને ઉપદેશો, ચરિત્રઘડતરના પુસ્તકોનું પ્રકાશન અને વિતરણ કરવાનો છે. જેના દ્વારા તે સનાતન ધર્મના સિદ્ધાંતોને પ્રસારિત કરવા ચાહે છે. સંસ્થા જીવનની ઉન્નતિ તથા તમામનું હિત ઇચ્છે છે.
આ સંસ્થાનું સંચાલન વેસ્ટ બેંગાલ સોસાયટીઝ ઍક્ટ, 1960 મુજબ નિયમન થાય છે અને ટ્રસ્ટીગણ સંસ્થાનું સંચાલન થાય છે.
સંસ્થાનો દાવો છે કે તેણે અત્યારસુધી 16 જેટલી ભાષામાં 41 કરોડ 71 લાખ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. જેમાં 16 કરોડ 21 લાખ 'શ્રીમદ્દ ભગવદ્ ગીતા', તુલસીદાસના સાહિત્ય વિશે 11 કરોડ 73 લાખ પુસ્તક, બે કરોડ 68 લાખ પુરાણ-ઉપનિષદ તથા 11 કરોડ જેટલા બાળોપયોગી પુસ્તકોનો સમાવેશ થાય છે.
અત્રે એ યાદ રાખવું ઘટે કે તેમાં સંસ્થા દ્વારા પ્રકાશિત 'કલ્યાણ' અને 'કલ્યાણ-કલ્પતરૂ' જેવા સામયિકોનો સમાવેશ નથી થતો. જે હાલમાં માસિક હજારો નકલોનો ફેલાવો ધરાવે છે અને એક સમયે તેનું સર્ક્યુલેશન દોઢેક લાખથી ઉપર હતું.
સૌથી વધુ વેચાણ સંસ્થાના સ્થાપક જયદાય ગોયેન્દકા દ્વારા સર્જિત સાહિત્યનું (16.6 ટકા) છે. એ પછીના ક્રમે સ્વામી રામસુખદાસના સાહિત્યનું (15 ટકા) વેચાણ થાય છે. દૈનિક પૂજાપાઠને લગતા પુસ્તકોની ટકાવારી 14.2 ટકા, પુરાણ અને ઉપનિષદ (10 %) અને 'શ્રીમદ્દ ભગવદ્ ગીતા' (9.3 ટકા) જેટલું છે.
સંસ્થા દ્વારા સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી, તેલુગુ, તમિલ, કન્નડ અને ઓડિયા સહિત દેશની ટોચની 16 જેટલી ભાષામાં સાહિત્યપ્રકાશન કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ હિંદીસાહિત્યનું વેચાણ થાય છે. જેની ટકાવારી 41.5 ટકા જેટલી છે. 8.6 % સાથે ગુજરાતી ભાષા ત્રીજાક્રમે છે. 9.3 ટકા સાથે તેલુગુ બીજા ક્રમે છે. સંસ્કૃત સાહિત્યનો ફાળો 1.9 ટકા જેટલો છે.
હનુમાન ચાલીસાના અલગ-અલગ સ્વરૂપ, ગીતા-દૈનદગી, શ્રીશિવમહાપુરાણ અને કલ્યાણકારી બાળ કહાનીઓ સૌથી વધુ વેંચાતા પ્રકાશન છે. પુસ્તકોમાં પ્રકાશિત દેવી-દેવતાઓના ચિત્ર ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક લોકો માટે પૂજનીય છે.
ગીતા પ્રેસના આર્કાઇવમાં ત્રણ હજાર 500 જેટલી હસ્તપ્રત છે, જેમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'નું અર્થઘટન કરતી એકસોથી પણ વધુ હસ્તપ્રતોનો પણ સમાવેશ થાય છે. ગોસ્વામી તુલસીદાસ, મહર્ષી વાલ્મિકી, મહર્ષી વેદવ્યાસ, સુરદાસના પુસ્તકોનું પ્રકાશન પણ ગીતા પ્રેસ દ્વારા કરવામાં આવે છે.

ગીતા પ્રેસ અને ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
સંસ્થાના સામયિકોમાં જાહેરાતો પ્રકાશિત કરવામાં નથી આવતી કે દાન માટે અપીલ કરવામાં નથી આવતી. સંસ્થાના અન્ય એકમોમાંથી જે આવક થાય છે, તેમાંથી પ્રકાશનકાર્ય ચાલે છે. પત્રાચાર દ્વારા, ઑનલાઇન, રેલવે સ્ટેશન પર સ્ટોરના માધ્યમથી વેચાણ થાય છે.
રાધેશ્યામ ખેમકાના કહેવા પ્રમાણે, ગાંધીજી અને હનુમાન પ્રસાદ પોદ્દાર વચ્ચે સુમેળભર્યા સંબંધ હતા. ગાંધીજીએ સંપાદકીય સ્વતંત્રતા જળવાય રહે તે માટે જાહેરાતો ન લેવા માટે સૂચન કર્યું હતું. જેનું અનુસરણ થતું રહ્યું છે.
1930ના દાયકામાં દલિતોના મંદિરપ્રવેશની ચળવળની શરૂઆત થઈ, ત્યારે પોદ્દારે ગાંધીજીને તેમના જ જૂના લખાણોની યાદ અપાવીને તેમના અગાઉના અભિપ્રાયોની યાદ અપાવી હતી. બંને વચ્ચેના પત્રાચારમાં કડવાશ આવતી ગઈ અને એક તબક્કે ગાંધીજીએ જાહેરાત કરી હતી કે 'જે લગ્નકાર્યક્રમમાં એક દલિતની હાજરી નહીં હોય, તેમાં તેઓ હાજર નહીં રહે.'
પોદ્દારનું માનવું હતું કે પાકિસ્તાનના સર્જન માટે ગાંધીજી જવાબદાર હતા. ફેબ્રુઆરી-જુલાઈ પછીના અંકોમાં એવું લખવામાં આવ્યું હતું કે જો મુસ્લિમો માટે પાકિસ્તાન હોય તો પછી ભારત હિંદુઓ માટે જ હોવું જોઈએ. મુસલમાનોને સેનામાં સામેલ ન કરવા જોઈએ.
'કલ્યાણ'ના અંકમાં ગાંધીની હત્યા અંગે મૌન સેવવામાં આવ્યું હતું. ગાંધીની હત્યા પછી 25 હજાર લોકોને રાઉન્ડ-અપ કરવામાં આવ્યા હતા અને પોદ્દાર પણ તેમાંથી એક હતા.

એક સંસ્થા, બે અભિપ્રાય

ઇમેજ સ્રોત, GEETA PRESS
ગીતા પ્રેસના પ્રકાશનો અને વિચારસરણી અંગે બે પ્રકારના મત પ્રવર્તે છે. એક વર્ગનું માનવું છે કે ગીતા પ્રેસ દ્વારા સનાતન હિંદુ ધર્મસાહિત્યનું પ્રકાશનકાર્ય કરે છે. જેની મદદથી આધ્યાત્મિક ઉન્નતિ અને સંસ્કૃતિપ્રસારનું કામ કરે છે. જે રાજકારણથી પર છે.
જ્યારે બીજા વર્ગનું કહેવું છે કે ગીતા પ્રેસના પ્રકાશનમાં વિશેષ કરીને હજારો નકલનો ફેલાવો ધરાવતા હિંદી સામયિક 'કલ્યાણ' અને અંગ્રેજી સામયિક 'કલ્યાણ કલ્પતરુ' દ્વારા હિંદુઓનું રાજકીય આધિપત્ય પ્રસ્થાપિત કરવા માટે પ્રયાસરત છે.
આ માટે સમયાંતરે હિંદુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ અને ભાજપને રાજકીય રીતે ફાયદો થાય તેવા લેખ તેમાં છપાયા છે. હિંદુ, હિંદુસ્તાન, ઘરવાપસી કે ગૌમાંસ પર પ્રતિબંધ જેવી બાબતો પર ગીતા પ્રેસ તેની સ્થાપના સમયથી જ વિચાર વ્યક્ત કરતું રહ્યું છે.
પત્રકાર અને લેખક અક્ષય મુકુલે તેમના પુસ્તક 'ગીતા પ્રેસ ઍન્ડ ધ મેકિંગ ઑફ હિંદુ ઇન્ડિયા'માં આવા ઉદાહરણો વિશે વિશદ છણાવટ કરી છે અને કેટલાક કિસ્સા પણ ટાંક્યા છે.
જોકે, કનૈયાલાલ મુન્શી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત મદન મોહન માલવીય, ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ 'કલ્યાણ' માટે લખતા.
ગીતા પ્રેસના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ધાટન દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.
પોતાની હયાતીમાં ખેમકાએ કહ્યું હતું કે, "અમે મનુષ્યજીવનના લક્ષ્ય અને કલ્યાણની ચર્ચા કરીએ છીએ. અમે આધ્યાત્મિક ઉન્નતિ માટે કૃતસંકલ્પ છીએ, કોઈપણ પ્રકારની આક્રમકતા માટે નહીં."
તેમણે વર્ણવ્યવસ્થાની હિમાયત, ભેદભાવ, સનાતન હિંદુપરંપરા અંગે ગીતા પ્રેસની નીતિઓ વિશે સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હતો. જોકે, સંસ્થા માને છે કે તમામ હિંદુ સુધી ધર્મગ્રંથ પહોંચવા જોઈએ અને આને માટે વારંવાર ઇસ્લામના ઉદાહરણ પણ ટાંકવામાં આવે છે. લઘુમતીઓ પ્રત્યેની કથિત દુર્ભાવના અંગે ખેમકાનું કહેવું હતું :
"મારી સ્મૃતિ મુજબ વિભાજન સમયે નૌઆખલીમાં થયેલી કોમી હિંસા સમયે 'હિંદુઓએ પોતાની સુરક્ષા કેવી રીતે કરવી' જેવા લેખ છપાયા હતા. જે વૈમનસ્યતા ફેલાવવા માટે નહીં, પરંતુ પોતાની રક્ષા ઉપર કેન્દ્રિત હતા, એટલે સાંપ્રદાયિકતાના આરોપ યોગ્ય નથી."

ઇમેજ સ્રોત, @narendramodi
આ પહેલાં ગીતા પ્રેસ ટ્રસ્ટના પૂર્વ ચૅરમૅન અને સંસ્થા દ્વારા પ્રકાશિત 'કલ્યાણ' સામયિકના પૂર્વ તંત્રી રાધેશ્યામ ખેમકાને દેશના બીજાક્રમાંકના નાગરિક સન્માન 'પદ્મવિભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા.
તેઓ 38 વર્ષ સુધી સામયિકના તંત્રીપદે રહ્યા હતા. વર્ષ 2021માં 86 વર્ષની ઉંમરે મૃત્યુપર્યંત આ કાર્ય કર્યું હતું.
તેમના મૃત્યુ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું 'રાધેશ્યામ શર્માએ જનજન સુધી પહોંચાડ્યું અને તેઓ જીવનપર્યંત વિવિધ સામાજિકકાર્યોમાં સક્રિય રહ્યા.'
સંસ્થાના જૂના ધાર્મિક પુસ્તકો, લગભગ એજ જૂના લેઆઉટ, કાગળ અને ફૉન્ટ સાથે એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતની ઈ-કૉમર્સ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.
ગત 100 વર્ષ દરમિયાન ગીતા પ્રેસ ગોરખપુર બંધ થઈ રહ્યું હોવાની અફવા વારંવાર ઉડતી રહી છે અને ઇન્ટરનેટના યુગમાં પુસ્તક ડાઉનલોડ કરી શકાય છે, ત્યારે પણ સંસ્થાએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે, જે સ્વતંત્ર અભ્યાસનો વિષય છે.
























