ગુજરાતમાં આટલો વરસાદ છતાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વાવણી કેમ થઈ શકી નથી?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

"ગુજરાતમાં આ વખતે વરસાદ મોડો આવ્યો છે જેના કારણે હજુ પણ ખેડૂતોએ વાવણી કરી નથી. મારા ગામમાં ખેડૂતો હજી પણ બિયારણ પોતાના ઘરમાં મૂકી રાખ્યાં છે. વરસાદની પૅટર્નના કારણે ખેડૂતો મૂંઝવણમાં છે અને સમજી શક્તા નથી કે વાવણી કરવી કે નહીં."

આ શબ્દો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપા ગામના ખેડૂત અંબાલાલ પટેલના. તેઓ મગફળીની વાવણી કરવા માંગે છે પરંતુ વરસાદની અનિયમિતતાના કારણે હાલ રાહ જોઈ રહ્યા છે.

તેઓ વધુમાં જણાવે છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા, ખેડબ્રહ્મા, માલપુર, મેઘરાજ અને ઈડર તાલુકાઓમાં પણ આવી જ સ્થિતિ છે. બહુ ઓછો વરસાદ પડતા ઘણા ખેડૂતોએ હજુ સુધી વાવણી કરી શક્યા નથી.

સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ વરસાદ જોઈએ એ રીતે પડ્યો નથી. અરવલ્લી જિલ્લા જેવી જ સ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાની પણ છે. ખેડૂતોએ કપાસની વાવણી કરી છે પરંતુ વરસાદ ખેંચાતાં ચિંતામાં મુકાઈ ગયા છે.

મૂળી તાલુકાના દૂધઈ ગામના ખેડૂત રામકુભાઈ કરપડા કહે છે કે તેમના ગામમાં એક ટીપું પણ વરસાદ વરસ્યો નથી, જેના કારણે ગામમાં જુવાર, બાજરો અને તલની વાવણી થઈ નથી. જ્યાં સુધી વાવણીલાયક વરસાદ નહીં પડે ત્યાં સુધી ખેડૂતો વાવણી નહીં કરી શકે.

તેઓ કહે છે, ''અમે મહિનામાં કપાસ વાવ્યો હતો અને અમને આશા હતી કે જૂન અથવા જુલાઈમાં વરસાદ પડશે પરંતુ હજુ સુધી વરસાદનો એકેય રાઉન્ડ થયો નથી. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી ખેતી માટેનાં કામ શરૂ કરી શકાય. અમે મે મહિનામાં કપાસની વાવી હતી પણ વરસાદ ન હોવાના કારણે દિવસમાં બે-બે કલાક ટપક સિંચાઈ થકી પાકને પાણી આપીએ છીએ.''

''આવી હાલત છાયલા, ચોટીલા અને મૂળી તાલુકાનાં ગામોની છે. અહીંનાં ગામો સંપૂર્ણ રીતે ખેતી માટે કુવા, બોર અને વરસાદના પાણી પર નિર્ભર છે. વરસાદ જો ઓછો થાય તો એ ભૂગર્ભ જળસ્તરને પણ અસર કરશે. અમારા માટે કપરી સ્થિતિ છે.''

આવી જ સ્થિતિ દાહોદ જિલ્લાની છે જ્યાં 1 જૂનથી 4 જુલાઈ વચ્ચે જે વરસાદ નોંધાયો તે સરેરાશ કરતાં 43 ટકા ઓછો છે. જિલ્લામાં મકાઈ, ડાંગર અને સોયાબીનની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. પરંતુ વરસાદ ન હોવાના કારણે ખેડૂતો વાવણી કરી શક્યા નથી.

જિલ્લાના ઉસરવણ ગામના ખેડૂત રાજેશ ભાભોર કહે છે, ''અમારા વિસ્તારમાં એકમ-બીજના દિવસે વરસાદ પડે અને એ બાદ ખેડૂતો વાવણી કરે. પરંતુ આ વખતે ખાલી છૂટોછવાયો જ વરસાદ પડ્યો છે. તેના કારણે ઘણા ખેડૂતોએ મકાઈની વાવણી કરી નથી.''

''હજુ સુધી માત્ર 30 ટકા ખેડૂતોએ વાવણી કરી છે અમે કહી શકાય. સમગ્ર દાહોદ જિલ્લાની આ સ્થિતિ છે. જો વરસાદનું જોર વધે તો જ ખેડૂતો ડાંગર અને સોયાબીનની વાવણી કરશે. ખેડૂતો કાગળડોળે સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે.''

તસવીર

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ

મૂળી તાલુકાના દૂધઈ ગામમાં એક ટીપું પણ વરસાદ થયું નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

ઇમેજ સ્રોત, RAMKU KARPADA

ઇમેજ કૅપ્શન, મૂળી તાલુકાના દૂધઈ ગામમાં એક ટીપું પણ વરસાદ થયું નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલ ગુજરાત ઉપર જે સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાંથી વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું રાજ્યના તમામ વિસ્તારો સુધી પહોંચી ગયું છે. તેમ છતાં કેટલાક વિસ્તાર એવા છે જ્યાં હજી પૂરતો વરસાદ થયો નથી અથવા સાવ ઓછો વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં 1 જૂનથી 4 જુલાઈ સુધી સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતના 25 જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. અહીં આ વખતે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

અમદાવાદસ્થિત હવામાનકેન્દ્રના આંકડા અનુસાર ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં 54 ટકા વરસાદની ઘટ છે. અહીં 1 જૂનથી 4 જુલાઈ સુધીમાં 182.2 મીલીમીટર વરસાદ થયો છે. આ સમયગાળામાં જિલ્લામાં સરેરાશ 396.4 મીલીમીટર વરસાદ થાય છે.

આણંદ જિલ્લામાં 49 ટકા વરસાદની ઘટ છે. અહીં 80.2 મીલીમીટર વરસાદ થયો છે. આવી જ રીતે મહીસાગર જિલ્લામાં 44 ટકા અને દાહોદ જિલ્લામાં 43 ટકા વરસાદની ઘટ છે. દીવમાં આ આંક 42 ટકા છે.

અહીં નોંધવા જેવી બાબત એ છે કે માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો જ એવો છે જ્યાં સરેરાશ કરતાં બમણો વરસાદ થયો છે. 1 જૂનથી 4 જુલાઈ વચ્ચે દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 124.6 મીલીમીટર વરસાદ નોંધાય છે જ્યારે આ વર્ષે આ સમયગાળામાં 295.6 મીલીમીટર વરસાદ થઈ ગયો છે.

25 જિલ્લાઓમાં અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં થતાં ખેડૂતો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે.

રાજેશ ભાભોર કહે છે, ''છેલ્લા એક-બે દિવસથી વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ગામમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી છે પરંતુ જોઈએ એવો વરસાદ નથી એટલે ખેડૂતોમાં ચિંતા તો છે. અમને આશા છે કે સારો વરસાદ થશે અને સારો પાક લઈ શકીશું.''

લાખણી તાલુકામાં ખેડૂતોને વ્યાપક નુકસાન

વરસાદના કારણે લાખણી ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોનો  સંપૂર્ણ ધોવાઇ ગયો છે

ઇમેજ સ્રોત, HARESH CHAUDHARY

ઇમેજ કૅપ્શન, વરસાદના કારણે લાખણી ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોનો સંપૂર્ણ ધોવાઇ ગયો છે

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં ઘણાં ગામોમાં વધુ વરસાદ પડવાના કારણે વાવણી થઈ શકી નથી. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે અને પાળ તૂટી જવાના કારણે વાવવામાં આવેલો પાક પણ ધોવાઇ ગયો છે.

તાલુકાના લાખણી ગામના હરેશ ચૌધરીએ દસ વીધા જમીનમાં મગફળીની વાવી હતી પરંતુ એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સમગ્ર પાક ધાવોઈ ગયો. આ વર્ષે તેમનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "મંગળવારે સવારથી વરસાદ શરૂ થયો જે મોડી રાત સુધી ચાલુ રહ્યો. ભારે વરસાદના ખેતરોના પાળા તૂટી ગયા અને બધી જગ્યાએ પાણીપાણી થઈ ગયું. અમારી બધી મહેનત વરસાદમાં ધોવાઈ ગઈ છે. ગામના દરેક ખેડૂતનો મગફળીનો પાક આ વખતે નિષ્ફળ ગયો છે."

લાખણી ગામથી પાંચ કિલોમીટર દુર સરકારી ગોળિયા ગામમાં પણ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હોવાથી ખેડૂતો ચિંતામાં છે.

ગામના ખેડૂત ગેનાભાઈ પટેલ કહે છે કે બે દિવસથી ખેતરોમાં પાણી ભરાયાં છે અને જો પાણી ચાર દિવસ કરતાં વધારે ભરાયેલાં રહે તો મગફળીના પાકને નુકસાન થઈ શકે છે. હાલમાં ગામના 20 ટકા કરતાં વધુ ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે અને નુકસાની વધી પણ શકે છે.

કેટલાક વિસ્તારમાં વરસાદ કેમ નથી પડ્યો?

વરસાદ

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું શરૂ થયું છે. 20 જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ હતી. એટલે સ્વાભાવિક રીતે વરસાદ પણ મોડો શરૂ થયો છે.

હવામાન નિષ્ણાતો અનુસાર, ગુજરાતમાં પડેલો અત્યાર સુધીનો વરસાદ એ પ્રી-મોન્સૂન ઍક્ટિવિટી ગણી શકાય. તેમના મતે ગુજરાતમાં હવે ચોમાસું જામ્યું છે અને ભેજવાળા પવનો ગુજરાતમાં વાઈ રહ્યા છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં હવામાન વિભાગના અધ્યક્ષ  ડૉ. મનોજ લુણાગરિયા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે "ગુજરાતમાં ચોમાસાની શરૂઆત છેલ્લા બે દિવસમાં મોટા ભાગના વિસ્તારોમાં થઈ છે. બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જ ચોમાસું સક્રિય હતું. એટલે કે બે દિવસ પહેલાં જે વરસાદ થયો એને પ્રી-મોન્સૂન ઍક્ટિવિટી કહેવાય. આવું એકાદ અઠવાડિયું રહ્યું હતું."

"હવે ચોમાસાના પવનો છેક ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયા છે. એટલે આગામી દિવસોમાં સતત વરસાદની આગાહી છે."

ગુજરાતમાં નૈર્ઋત્યના પવનો વરસાદ લાવે છે અને તેમના મતે હવે ગુજરાતમાં નૈર્ઋત્યના ભેજવાળા પવનો સ્થાપિત થયા છે. એટલે હવે સાગર પરથી જે પવનો આવશે એ ભેજવાળા જ આવશે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. લાંબા સમય (વરસાદની હેલી) સુધી પણ વરસાદ પડી શકે છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સી. કે. ટિમ્બડિયા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહેલી વરસાદની ઘટ પાછળ જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણે છે.

તેઓ કહે છે, ''ડાંગમાં વરસાદની ઘટ હોય અને કચ્છમાં ધોધમાર વરસાદ પડે એ સૂચવે છે કે ઋતુચક્રમાં ખામી સર્જાઈ છે જે મુખ્યત્વે જળવાયુ પરિવર્તનના કારણે છે. એક જ જગ્યાએ વધુ પડતો વરસાદ પણ પડી રહ્યો અને રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે જે ચિંતાની વાત છે. ખેડૂતોએ પણ હવે ઋતુચક્રના હિસાબે વાવણી કરવી જોઈએ જેથી નુકસાની ઓછી થાય.''