ગુજરાત પરની ચોમાસાની સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ, હવે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં 100 ટકા કરતાં વધારે વરસાદ પડી ગયો છે અને છેલ્લા બે-ત્રણ દિવસમાં બનાસકાંઠા, પાટણ, વલસાડ, કચ્છ વગેરે જિલ્લામાં અતિશય ભારે વરસાદ નોંધાયો છે.

રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ સુધી મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. આજે માત્ર કચ્છમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ-સૌરાષ્ટ્ર પર ચોમાસું સૌથી વધારે સક્રિય હતું. તેના કારણે બનાસકાંઠાના સુઈગામ અને કચ્છના રાપરમાં અતિભારે વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત પાટણ, કચ્છ અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે કેટલાંક ગામો ડૂબી ગયાં છે, હાઈવે પર વાહન-વ્યવહારને અસર થઈ છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

વલસાડ, વાપી તથા ગાંધીનગર જિલ્લામાં પણ અમુક જગ્યાએ મુશળધાર વરસાદ નોંધાયો છે. નવસારી, સાબરકાંઠા, દાદરા અને નગરહવેલીમાં પણ ભરપૂર વરસાદ પડ્યો છે.

કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો છે. ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે.

વરસાદ હવે પાકિસ્તાન તરફ જશે

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ વેધર અપડેટ

ઇમેજ સ્રોત, IMD

હાલની સિસ્ટમ દર્શાવે છે કે સાઉથ વેસ્ટ પાકિસ્તાન અને તેને અડીને આવેલા કચ્છ તથા રાજસ્થાન પર એક ડીપ ડિપ્રેશન રચાયું હતું જે 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અમુક કલાકોમાં તે નબળું પડી જવાની આગાહી છે. કચ્છ અને રાજસ્થાનથી લઈને દક્ષિણ પંજાબ સુધી પાકિસ્તાનની સરહદે એક ચોમાસાના ટ્રફની રચના થઈ છે.

હાલમાં દક્ષિણ પૂર્વ પાકિસ્તાનથી લઈને રાજસ્થાન, કચ્છ, કોટા, ઓરઈ, સિધી, રાંચી, ડીઘા અને બંગાળની ખાડી સુધી ટ્રફ પસાર થાય છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે નવમી સપ્ટેમ્બર, મંગળવારે માત્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

રાજ્યના બાકીના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે અને તે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

ગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા માત્ર કચ્છમાં છે.

રાજ્યમાં 107 ટકા વરસાદ પડી ગયો

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ વેધર અપડેટ

ઇમેજ સ્રોત, gsdma

આ વખતે ગુજરાતમાં ભરપૂર વરસાદ પડ્યો છે અને બધા જ વિસ્તાર આવરી લેવાયા છે. લૅટેસ્ટ આંકડા પ્રમાણે 9 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 107 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છમાં સૌથી વધારે 134 ટકા વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 118 ટકા વરસાદ પડ્યો છે.

પૂર્વ-મધ્ય ગુજરાતમાં 110 ટકા કરતા વધુ અને સાઉથ ગુજરાતમાં 111 ટકા વરસાદ પડ્યો છે. એકમાત્ર સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં સરેરાશની તુલનામાં 94 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યમાં ડૅમોની કેવી સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Paresh Padhiar

ઇમેજ કૅપ્શન, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે

ગુજરાતમાં ભારે વરસાદના પગલે દરેક વિસ્તારમાં જળાશયો છલકાઈ રહ્યાં છે. સોમવાર સુધીના ભારે વરસાદ પછી સરદાર સરોવર ડૅમ 92 ટકા જેટલો ભરાઈ ગયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 15માંથી ત્રણ ડૅમ છલકાયા છે.

મધ્ય ગુજરાતમાં 17માંથી નવ ડૅમ છલકાયા છે. સાઉથ ગુજરાતમાં 13માંથી નવ ડૅમ ભરાયા છે જ્યારે કચ્છમાં 20માંથી 8 ડૅમ છલકાઈ ગયા છે.

સૌરાષ્ટ્રમાં 141 ડૅમમાંથી 69 જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયાં છે. એકંદરે 206 ડૅમમાંથી 98 ડૅમ 100 ટકાથી વધારે ભરાઈ ગયા છે.

ગુજરાતમાં ભારે વરસાદથી જીનજીવનને અસર

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ વેધર અપડેટ

ઇમેજ સ્રોત, Ankit Chauhan

ઇમેજ કૅપ્શન, મોડાસાના બામણવાડ પાસે મેશ્વો નદીમાં પાણીના ભારે પ્રવાહના કારણે પશુપાલકોને દૂધ લઈ જવામાં મુશ્કેલી નડે છે

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જનજીવનને અસર થઈ છે. મોડાસાના બામણવાડ પાસે મેશ્વો નદી ગાંડીતૂર બની હતી અને કોઝવે પાણીમાં ડૂબ્યો હતો. ખેડૂતોનો ખેતર તરફ જવાનો માર્ગ પણ ત્રણ દિવસથી બંધ છે.

બીબીસી સહયોગી પરેશ પઢિયારે આપેલી માહિતી અનુસાર, સોમવારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુડાણા ગામની ત્રણ છોકરી નદીના તેજ પ્રવાહમાં તણાઈ હતી. તેમાંથી એકને બચાવી શકાઈ હતી જ્યારે બે છોકરીનાં મૃત્યુ થયાં છે.

ખેડામાં સાબરમતી બાદ વાત્રક નદીના પાણી વધવાથી નદીકાંઠાનાં ગામડાં સંપર્કવિહોણા થયાં છે.

પાટણના સીમાવર્તી વિસ્તારોમાં વરસાદે ભારે નુકસાન કર્યું છે અને કેટલાંક ગામનો સંપર્ક કપાયો છે.

સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી મૂળી અને થાનમાં 5 પશુનાં મોત થયાં છે. જિલ્લાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં વરસાદનાં પાણી ભરાયાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન