પીએમ મોદીની 'માનસિક નક્સલ' વિશેની ટિપ્પણી પર કૉંગ્રેસ નેતા જયરામ રમેશે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને તેમની ટીકા કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને વડા પ્રધાન દ્વારા તેમના રાજકીય વિરોધીઓ માટે વપરાયેલા શબ્દો અંગે સવાલ ઉઠાવ્યા હતા.
જયરામ રમેશે કહ્યું, "વડા પ્રધાન પહેલાં તેમના વિરોધીઓને 'અર્બન નક્સલ' કહેતા હતા અને હવે તેમને 'દિમાગી નક્સલ' કહી રહ્યા છે."
તેમણે કહ્યું કે આ વડા પ્રધાનની "નિરાશા"નો સંકેત છે.
કૉંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન જેમને 'અર્બન નક્સલ' અથવા હવે 'દિમાગી નક્સલ' કહે છે, તેમની તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અથવા માગણીઓ પર સરકાર બાદમાં પગલાં લે છે.
જયરામ રમેશે પોતાની પોસ્ટમાં વડા પ્રધાન પર આકરો રાજકીય પ્રહાર કરતાં તેમને "માસ્ટર એબ્યૂઝર ઇન ઍન્ટાયર પોલિટિકલ સાયન્સ" પણ કહ્યું.
હકીકતમાં, લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "વર્ષો સુધી માઓવાદી વિચારધારા ધરાવતા લોકોએ સત્તાના કૉરિડોરમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી અને સરકારી સમિતિઓમાં સલાહકાર તરીકે રહીને નીતિ નિર્ધારણને પણ પ્રભાવિત કર્યું હતું. અમે જંગલોમાં સશસ્ત્ર નક્સલીઓનો સફાયો કરવામાં અને દેશને આ ગંભીર ખતરાથી મુક્ત કરવામાં સફળતા મેળવી છે."
તેમણે આગળ કહ્યું, "હથિયારબંદ નક્સલીઓ તો ગયા, પરંતુ આ માનસિક નક્સલીઓ તકની શોધમાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "આપણે આ માનસિક નક્સલીઓની ઓળખ કરવી પડશે અને તેમને અલગ કરવા પડશે."
ઇન્ડોનેશિયામાં 7.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

ઇમેજ સ્રોત, BASARNAS/HANDOUT/EPA/Shutterstock
ઇન્ડોનેશિયાના પૂર્વ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 7.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં છે.
ઈસ્ટ નુસા તેંગારા પ્રાંતના ગવર્નર ઇમૅન્યુઅલ મૅલ્કિયાદેસ લાકા લેનાએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે કાટમાળ તૂટી પડતાં લોકો પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે તેના નીચે દટાઈ ગયા.
ભૂકંપ બાદ અનેક હળવા આંચકા પણ અનુભવાયા. ભૂકંપથી નુકસાન પામેલી ઇમારતોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ ટીમો કામગીરી કરી રહી છે.
ભૂકંપ પછી સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ લગભગ ત્રણ કલાક બાદ તે પાછી ખેંચી લેવામાં આવી.
ઇન્ડોનેશિયાની હવામાન, જળવાયુ અને ભૂભૌતિકી એજન્સી અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 5 વાગ્યે ફ્લૉરેસ દ્વીપ પર ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 15 કિલોમીટર હતી. આ વિસ્તાર બાલીથી અંદાજે 600 માઇલ, એટલે કે 1,000 કિલોમીટર દૂર આવેલો છે.
ભૂકંપ બાદ અનેક જોરદાર આંચકા પણ આવ્યા, જેમાંથી એકની તીવ્રતા 6.1 નોંધાઈ હતી.
ગુજરાત : ચલણ જનરેટ થયાના 75 દિવસમાં દંડ ભરવો પડશે, નિયમોમાં શું ફેરફાર કરાયો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં ટ્રાફિક નિયમન અને મેમો ભરવા સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં 12 ઑગસ્ટ, 2026થી ન્યૂ નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP વી. સાહિત્યાએ નવી સિસ્ટમ અને નાગરિકો માટે શરૂ કરાયેલી ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ટ્રાફિક સંબંધિત ઈ-ચલણ જનરેટ થયાની તારીખથી વાહનમાલિક પાસે 45 દિવસનો સમય રહેશે. જો ચલણ સામે કોઈ વાંધો હોય તો વાહનચાલક પરિવહન પોર્ટલ પર જઈને ઑનલાઇન ફરિયાદ કરી શકશે અથવા 45 દિવસમાં દંડ ભરી શકશે."
વાહનચાલકો ચલણ સામે વાંધો રજૂ કરવા માટે પરિવહન પોર્ટલની મુલાકાત લઈ શકે છે. પોર્ટલ પર જઈને વાહનમાલિકે પોતાનો ચાલુ મોબાઇલ નંબર અપડેટ કરવાનો રહેશે, જેથી ચલણ અને ફરિયાદ સંબંધિત તમામ અપડેટ્સ સીધા એસએમએસથી મેળવી શકાય.
ત્યાર બાદ ચલણ ખોટી રીતે ઇસ્યુ થયું હોવાના સમર્થનમાં જરૂરી દસ્તાવેજી પુરાવા પોર્ટલ પર અપલોડ કરીને ફરિયાદ સબમિટ કરવાની રહેશે.
વાહનમાલિકની ફરિયાદ મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા પુરાવાઓની ચકાસણી કરીને 30 દિવસની અંદર તેનો નિકાલ કરી દેવામાં આવશે. ચલણ જનરેટ થયાથી લઈને ફરિયાદના નિકાલ સુધીની સમગ્ર પ્રક્રિયા મહત્તમ 75 દિવસમાં પૂર્ણ થશે. જો ચલણ યોગ્ય ઠરશે તો વાહનચાલકે દંડ ભરવો પડશે. 75 દિવસની મુદત પૂરી થયા બાદ પણ જો દંડ ભરવામાં નહીં આવે, તો પરિવહન પોર્ટલ પર તે વાહનને લગતી લાઇસન્સિંગ અને રજિસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવશે તેમ વી. સાહિત્યાએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત પોલીસ દ્વારા ફરિયાદના નિકાલ બાદ પણ જો વાહનમાલિક અસંતુષ્ટ હોય અને કોર્ટમાં કેસ કરવા માગતા હોય, તો ચલણની રકમના 50 ટકા નાણાં ભર્યા બાદ કોર્ટમાં અપીલ કરી શકાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત 13મી વખત ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

ઇમેજ સ્રોત, ANI
ભારત આજે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની પરંપરા મુજબ દિલ્હીના લાલ કિલ્લાથી સવારે 7:30 વાગ્યે તિરંગો ફરકાવ્યો હતો.
નરેન્દ્ર મોદીનું આ ઐતિહાસિક સ્થળ પરથી સતત 13મા સ્વતંત્રતા દિવસનું સંબોધન છે. સંબોધન પહેલાં મોદી ત્રણેય સેનાઓ અને દિલ્હી પોલીસના જવાનોથી બનેલા ગાર્ડ ઑફ ઑનરની સલામી સ્વીકાર્યા બાદ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો.
ધ્વજારોહણ દરમિયાન સ્વદેશી 105 એમએમ લાઇટ ફીલ્ડ ગન દ્વારા 21 તોપોની સલામી આપવામાં આપવામાં આવી હતી.
સમારોહમાં અંદાજે 27,000 લોકો ભાગ લઈ રહ્યા છે, જેમાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા 5,000 વિશેષ આમંત્રિત મહેમાનો, સામાન્ય નાગરિકો અને દેશના યુવાનોનો સમાવેશ થાય છે.
સ્વતંત્રતા દિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ દ્વારા દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ ઍક્સ પર લખ્યું, "તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ રાષ્ટ્રીય પર્વ આપણને દેશના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના અદ્ભુત સાહસ, અવિરત સંઘર્ષ અને માતૃભૂમિ પ્રત્યેના અતુલનીય સમર્પણનું સ્મરણ કરાવે છે. આવો, તેમના આદર્શોને અપનાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

ઇમેજ સ્રોત, Doordarshan National
સ્વતંત્રતા દિવસના અવરસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
લાલ કિલ્લાના પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને તેઓ દેશને સંબોધિત કરવા પહેલાં તેઓ મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલિ આપવા પહોંચ્યા હતા.
રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલા માટે રવાના થયા. ત્યાં સવારે 7-30 કલાકે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને ત્યાર બાદ દેશને સંબોધિત કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















