ભારતીય સેનાની ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ બનાવવાની યોજના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
પાછલાં ઘણાં વર્ષોથી પાકિસ્તાન અને ચીન સાથે અડકતી પોતાની સરહદો પર સતત પડકારનો સામનો કરી રહેલ ભારત પોતાની સૈન્યક્ષમતાના બહેતર ઉપયોગની દિશામાં પગલું માંડવાની કોશિશ કરી રહ્યું છે.
આ પ્રયત્નો પૈકી એક છે ભારતીય સૈન્યનાં ત્રણ અંગોને મેળવીને ‘ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ’ બનાવવાની યોજના.
આ અંગે ફરી એક વાર ચર્ચા થઈ રહી છે કે ટૂંક સમયમાં જ આ દિશામાં આગળ વધાશે.
હાલના કેટલાક મીડિયા રિપોર્ટો અનુસાર સશસ્ત્ર બળો ‘ઇન્ટિગ્રેટેડ’ કે ‘એકીકૃત થિયેટર કમાન્ડ’ બનાવવાની અંતિમ રૂપરેખા તૈયાર કરી લીધી છે અને થિયેટર કમાન્ડની સંરચના અંગે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
એકીકૃત કમાન્ડ શું છે અને તે બનાવવા માટે પાછલાં અમુક વર્ષોથી કેમ પ્રયત્નો કરાઈ રહ્યા છે? ચાલો, સમજીએ.
શું છે ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ કે એકીકૃત કમાન્ડ એક એવી કાર્યપ્રણાલી છે જે અંતર્ગત થળ સૈન્ય, વાયુ સૈન્ય અને નૅવીનાં તમામ સંસાધનોની હાજરી હશે. જેથી ખતરાની સ્થિતિમાં ત્રણેય સૈન્યો એકબીજાની ક્ષમતાનો સમન્વય સાથે કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે.
દરેક થિયેટર કમાન્ડને એક નિશ્ચિત વિસ્તારની સોંપણી કરાશે, જેની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ તેના પર જ રહેશે.
એકીકૃત થિયેટર કમાન્ડ બનાવવા પાછળનો વિચાર એ છે કે ત્રણેય સૈન્યોની ક્ષમતાઓને જો એકબીજા સાથે જોડી દેવાય તો યુદ્ધની સ્થિતિમાં તેમનું પ્રદર્શન અનેક ઘણું સારું થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ ભારતમાં ત્રણથી ચાર કમાન્ડ સેન્ટર બનાવવાનો વિચાર કરાઈ રહ્યો છે અને દરેક કમાન્ડનું નેતૃત્વ એક થ્રી-સ્ટાર અધિકારીને સોંપવાની વાત કરાઈ રહી છે.
આર્મીમાં લૅફ્ટનન્ટ જનરલ, વાયુસેનામાં ઍર માર્શલ અને નૅવીમાં વાઇસ એડમિરલ થ્રી-સ્ટાર અધિકારી હોય છે.
આ યોજના અંતર્ગત દરેક થિયેટર કમાન્ડ પાસે ત્રણેય બળોનાં સંસાધન હશે અને તેનો ઉપયોગ કરવાનો અધિકાર થિયેટરના કમાન્ડર પાસે હશે.
એવી પણ ચર્ચા કરાઈ રહી છે કે તમામ થિયેટર કમાન્ડોનું નિયંત્રણ અંતે એક ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ પાસે હશે અને સૈન્ય પ્રમુખોની મુખ્ય જવાબદારી પોતાનાં બળોની વૃદ્ધિની, પ્રશિક્ષણ આપવાની અને તેમને જાળવી રાખવાની હશે.
તેમજ બીજી તરફ એવો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે કે થિયેટર કમાન્ડર એક રાષ્ટ્રીય સંરક્ષણ સમિતિને આધીન હશે અને આ સમિતિની અધ્યક્ષતા સંરક્ષણમંત્રી કરી શકે છે.
શરૂઆતથી માંડીને અત્યાર સુધી શું થયું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વર્ષ 1999માં કારગિલ યુદ્ધ બાદ સમીક્ષા સમિતિ અને અન્ય ઘણી સમિતિઓએ કહ્યું કે ભવિષ્યના સૈન્ય પડકારોને જોતાં ભારતીય સૈન્યને ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ બનાવવા અંગે વિચારવું જોઈએ.
પાછલાં ઘણાં વર્ષોથી ભારતમાં આ અંગે ચર્ચા પણ થઈ રહી હતી, પરંતુ જ્યારે વર્ષ 2020માં જનરલ બિપિન રાવતને જ્યારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવાયા ત્યારે આ વાતને વધુ વેગ મળ્યો.
15 ઑગસ્ટ, 2019ના રોજ લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસ નિમિત્તે અપાયેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે જે પ્રકારણે ‘યુદ્ધના વ્યાપ અને રંગ-રૂપ બદલાઈ રહ્યાં છે અને જે પ્રકારે ટેકનૉલૉજીની ભૂમિકામાં વધારો થયો છે, તેના કારણે ભારતનું કામ તૂટક-તૂટક વિચારવાથી નહીં ચાલે અને દેશની સંપૂર્ણ સૈન્યશક્તિએ એકસાથે આગળ વધવું પડશે.’
ઘણા મહિના સુધી ખાલી રહ્યું સીડીએસનું પદ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ જ ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે એવી સ્થિતિથી કામ નહીં ચાલે જેમાં ત્રણેય સૈન્યો પૈકી એક આગળ રહે, બીજું બે ડગલાં પાછળ રહે અને ત્રીજું ત્રણ ડગલાં.
તેમણે કહેલું કે ત્રણેય સૈન્યોએ એક સાથે મળીને એક જ ઊંચાઈએ આગળ વધવું જોઈએ અને વિશ્વમાં બદલાતા યુદ્ધ અને સંરક્ષણના માહોલને અનુરૂપ એકમેક સાથે સારો સમન્વય હોવો જોઈએ.
સીડીએસ જનરલ બિપિન રાવત ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડના પ્રોજેક્ટ પર અત્યંત ગંભીરપણે કામ કરી રહ્યા હતા.
પરંતુ ડિસેમ્બર 2021માં એક હેલિકૉપ્ટર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. તે બાદ એકીકૃત કમાન્ડ બનાવવાના કામની ગતિ ધીમી પડી ગઈ.
જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ સીડીએસનું પદ ઘણા મહિના સુધી ખાલી પડ્યું રહ્યું અને સપ્ટેમ્બર 2022માં જ અનુગામી સીડીએસ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક થઈ. એવું મનાય છે કે તે બાદ ફરી એક વાર આ યોજના પર ગંભીરતાપૂર્વક કામ શરૂ થયું.
સરકાર આ વિષય અંગે ગંભીર હોવાનો ઇશારો ત્યારે મળ્યો જ્યારે કેન્દ્ર સરકારે આ વર્ષ માર્ચમાં સંસદમાં ઇન્ટર-સર્વિસિઝ ઑર્ગેનાઇઝેશન્સ (કમાન્ડ, કન્ટ્રોલ ઍન્ડ ડિસિપ્લિન) બિલ, 2023 રજૂ કર્યું.
ત્રણેય સેનાના અધિકારીઓ વચ્ચે એક સાથે મળીને કામ કરવાની ભાવના પેદા કરવાના હેતુથી અમુક મહિના પહેલાં જ મેજર અને લેફ્ટનન્ટ-કર્નલ રૅન્કના 102 અધિકારી (થળ સૈન્ય - 40, વાયુ સૈન્ય - 32 અને નૅવી - 30)ની પ્રથમ ખેપને અન્ય સેવામાં “ક્રૉસ-પોસ્ટ” કરાયા હતા.
ક્યાં બનશે ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, ત્રણ એકીકૃત થિયેટર કમાન્ડમાંથી પ્રથમ જયપુરમાં બનશે. આ કમાન્ડની નજર મુખ્યત્વે પાકિસ્તાન સાથે જોડાયેલી પશ્ચિમ સરહદ રહેશે.
સાથે જ એવા પણ સંકેત મળી રહ્યા છે કે ચીન સાથે જોડાયેલી સીમા પર નજર રાખનારો એક થિયેટર કમાન્ડ લખનૌમાં બનશે.
આવી જ રીતે ભારતનાં સમુદ્ર અને તટીય હિતોના રક્ષણ માટે સમુદ્રી થિયેટર કમાન્ડ કર્ણાટકના કારવાડમાં બનશે. કારવાડ ભારતના પશ્ચિમ કાંઠે છે અને ગોવાની નજીક છે.
હાલ ભારતમાં કુલ 17 સૈન્ય કમાન્ડ છે. તે પૈકી થળ સૈન્ય અને વાયુ સૈન્યના સાત-સાત કમાન્ડ છે અને નૅવીના ત્રણ. સાથે જ બે ‘ટ્રાઇ-સર્વિસિઝ’ કે ‘ત્રિ-સેવા કમાન્ડ’ પણ છે, અંદમાન અને નિકોબાર કમાન્ડ (એએનસી), જેનું નેતૃત્વ ત્રણેય સૈન્યના અધિકારીઓ કરે છે અને સ્ટ્રેટેજિક કમાન્ડ જે ભારતની પરમાણુ સંપત્તિ માટે જવાબદાર છે.
એકીકૃત થિયેટર કમાન્ડના પ્રસ્તાવ પર જ્યારે ચર્ચા શરૂ થયેલી ત્યારે પ્રથમ તબક્કા ઍર ડિફેન્સ કમાન્ડ બનાવવાનો પ્રસ્તાવ હતો.
એવું કહેવાઈ રહ્યું હતું કે ઍર ડિફેન્સ કે વાયુ સંરક્ષણ કમાન્ડ ત્રણેય સેવાઓનાં વાયુ સંરક્ષણ સંસાધનોને નિયંત્રિત કરશે અને સાથે જ સૈન્ય સંપત્તિઓને હવાઈ દુશ્મનોથી બચાવવાની જવાબદારી પણ તેના પર જ હશે.
સમાચારો અનુસાર ભારતીય વાયુ સૈન્યે આપત્તિ વ્યક્ત કર્યા બાદ વાયુ સંરક્ષણ કમાન્ડના પ્રસ્તાવને રદ કરી દેવાયો.
નિષ્ણાત શું કહે છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એકીકૃત થિયેટર કમાન્ડનો મોટો ફાયદો એ મનાઈ રહ્યો છે કે તેમાં સંસાધનોનો કુશળપણે ઉપયોગ થશે અને ત્રણ સેવાઓ વચ્ચેનો સમન્વય વધશે.
ભારતીય સૈન્યના સેવાનિવૃત્ત મેજર જનરલ એસ. બી. અસ્થાના સંરક્ષણ અને વ્યૂહાત્મક મામલાના વિશેષજ્ઞ છે.
ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડની જરૂરિયાત અંગે તેઓ કહે છે કે, “ભવિષ્યમાં એકીકૃત સૈન્ય કાર્યવાહી થવા જઈ રહી છે. એકીકરણ કરવા માટે જરૂરી છે કે અલગ અલગ સૈન્યોના સૈનિકોને એક જ ઑફિસરની સત્તા હેઠળ લાવવામાં આવે અને તેમને એક સાથે તાલીમ અપાય. સાથે જ, અમુક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન થિયેટર કમાન્ડર પાસે એ સંસાધનો હોવાં જોઈએ જેની તેને જરૂરિયાત હોય જેથી તેણે અન્ય કોઈ સ્થળેથી સંસાધનોની શોધ ન કરવી પડે.”
અસ્થાના પ્રમાણે મુદ્દો સંસાધનો સાથે સંકળાયેલો છે.
તેઓ કહે છે કે, “પ્રથમ મોટો મુદ્દો હવાઈ સંપત્તિઓની સંખ્યા છે. ભારતીય વાયુ સૈન્યને 42 સ્ક્વાડ્રનની જરૂરિયાત છે પરંતુ તેની પાસે લગભગ 32 સ્ક્વાડ્રન જ છે. ફાઇટર પ્લેનની કમીના કારણે ભારતીય વાયુ સૈન્ય એ વાત અંગે ઉત્સાહિત નહોતું કે તેનાં ફાઇટર વિમાનોની થિયેટર કમાન્ડો વચ્ચે વહેંચણી કરાશે.”
અસ્થાના કહે છે કે એક વિચારધારા એવું જણાવે છે કે પહેલાં સંસાધન વિકસિત કરાવાં જોઈએ અને પછી થિયેટર કમાન્ડ બનવા જોઈએ.
તેઓ કહે છે કે, “આ કંઈક એવું છે કે તમે સંસાધનોને વિકસિત કરતા પહેલાં તેના ભાગલા પાડવા માગો છો. એવું નથી લાગતું કે સૈન્યો આના માટે તૈયાર છે, કારણ કે ભારતીય વાયુ સૈન્યને જેટલા સ્ક્વાડ્રનની જરૂરિયાત છે, તેને હાંસલ કરવામાં અમુક વર્ષનો સમય લાગી જશે.”
ભારતીય વાયુ સૈન્યમાંથી સેવાનિવૃત્ત ઍર કમોડોર પ્રશાંત દીક્ષિત પ્રમાણે ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડના ખર્ચ અને લાભનું ખૂબ ગંભીર વિશ્લેષણ થવું જોઈએ.
તેઓ કહે છે કે, “હું સમજી શકું છું કે અમેરિકા જેવી મહાશક્તિ પાસે થિયેટર કમાન્ડ છે. જે સમગ્ર પ્રશાંત અને ઍટલાન્ટિક મહાસાગરમાં ફેલાયેલા છે. અમને તેની જરૂરિયાત શું કામ છે અને એ પણ ત્યારે જ્યારે આપણી પાસેનાં સંસાધનો ઘણાં ઓછાં છે અને એવી પ્રબળ સંભાવના છે કે તેને અલગ અલગ વિસ્તારોમાં વિભાજિત કરવાં પડશે. ભારતીય વાયુ સૈન્ય પાસે એવાં સંશાધન નથી, જેને તમામ થિયેટર કમાન્ડ સેન્ટરોમાં વહેંચણી કરી શકાય.”
સંરક્ષણ મામલાના જાણકારો એવું પણ જણાવે છે કે આ તમામ મુદ્દે ઘણા સમયથી વાતચીત થઈ રહી છે તો આશા એવી જ છે કે ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ સાથે જોડાયેલા મામલાનું સમાધાન મેળવીને જ આ કમાન્ડોની સ્થાપના કરાશે.
























