ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે, કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું?

વરસાદ, ચોમાસું, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે 19 મેના રોજ ચોમાસું દક્ષિણ આંદામાન સમુદ્રમાં પહોંચી જશે અને ત્યાર બાદ તે નિકોબાર ટાપુ સુધી આવશે. આ વખતે ત્રણ દિવસ પહેલાં ચોમાસું અહીં આવે તેવી શક્યતા છે.

નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચવાની તારીખ 22 મે છે. એટલે કે આ વર્ષ ચોમાસાની શરૂઆત તેના સમય પ્રમાણે થઈ રહી છે અને સમયસર જ આગળ વધી રહ્યું છે.

બુધવારે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ભારતમાં ચોમાસું 31 મેના દિવસથી કેરળમાં શરૂ થઈ જશે.

હવામાન વિભાગની આ જાણકારીનો અર્થ એ થયો કે આ વર્ષે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તારોમાં તેના ટાઇમટેબલ પર જ પહોંચશે.

નિકોબાર ટાપુઓ અને તેની આસપાસ બંગાળની ખાડીમાં ચોમાસું પહોંચે ત્યારથી જ તેની ગણતરીઓ શરૂ થઈ જતી હોય છે કે તે ભારતમાં ક્યારે પહોંચશે.

હવામાન વિભાગે જારી કરેલા તેના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2024નું ચોમાસું 19 મેના રોજ નિકોબાર ટાપુઓ સુધી પહોંચી જશે. આંદામાન અને નિકોબારના ટાપુ બાદ ચોમાસું આગળ વધીને ભારતના મુખ્ય ભૂ-ભાગો પર આવતું હોય છે.

હવામાનમાં આવનારા ફેરફારો અને બીજાં ઘણાં પરિબળો ચોમાસાની પ્રગતિ પર અસર કરે છે, એટલે દર વર્ષે એવું બનતું નથી કે ચોમાસું સમયસર અને તેના ટાઇમટેબલ પ્રમાણે જ આગળ વધે.

વીડિયો કૅપ્શન, રાજ્યના કયા જિલ્લાઓમાં હજી વરસાદ પડશે?, ક્યારે બંધ થશે વરસાદ?

ચોમાસું આગળ કેવી રીતે વધે છે?

સૌથી પહેલાં ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુઓ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરે છે. ત્યાં વરસાદ પડ્યા બાદ તે આગળ વધીને ભારતના પાડોશી દેશ શ્રીલંકા સુધી પહોંચે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શ્રીલંકા પહોંચ્યા બાદ ચોમાસું આગળ વધે છે અને અરબી સમુદ્રમાં પ્રવેશ કરે છે, અરબી સમુદ્રમાં આવી ગયા બાદ તે કેરળ સુધી પહોંચે છે. જ્યારે કેરળમાં ચોમાસું પ્રવેશે ત્યારે ખરેખર ભારતમાં ચોમાસાની શરૂઆત થયેલી ગણાય છે.

સામાન્ય રીતે 20મેની આસપાસ ચોમાસું આંદામાન અને નિકોબારના તમામ ટાપુઓને આવરી લેતું હોય છે. જે બાદ 25 મે સુધી તે શ્રીલંકા સુધી પહોંચે છે અને લગભગ તે આખા દેશને આવરી લે છે.

25મેની આસપાસ ભારતના બીજા પાડોશી દેશ મ્યાનમારના પણ કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી જાય છે.

જે બાદ 1 જૂનની આસપાસ ચોમાસું કેરળમાં પહોંચે છે, અહીં પહોંચ્યા બાદ દેશમાં ખરેખર ચોમાસાની શરૂઆત ગણવામાં આવે છે. એટલે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિનાના ગાળાને આપણે ચોમાસું ગણીએ છીએ.

ભારતનો હવામાન વિભાગ 1 જૂન બાદ ભારતમાં ક્યાંય પણ થતા વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે, ભલે પછી જ્યાં ચોમાસું નથી પહોંચ્યું છતાં વરસાદ પડે તો પણ તે ચોમાસાનો વરસાદ ગણાય છે.

હવામાન વિભાગ પ્રમાણે 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી જાય છે, એટલે કે સમગ્ર દેશને આવરી લે છે.

જોકે, ખરેખર ચોમાસું દર વર્ષે તેના સમય પ્રમાણે આગળ વધતું નથી, તેના પર ઘણાં પરિબળો અસર કરે છે. એટલે ઘણાં વર્ષો તે વહેલું શરૂ થયું છે તો ઘણાં વર્ષો તે મોડું પહોંચ્યું છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

વરસાદ, ચોમાસું, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે

ઇમેજ સ્રોત, Getty Images

કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ લગભગ 10 દિવસ બાદ ચોમાસું મુંબઈ સુધી પહોંચે છે અને ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે તેને 15 દિવસ જેટલો સમય લાગે છે.

એટલે કે કોઈ અડચણ ના આવે તો ચોમાસું 15 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચી જતું હોય છે, આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે ચાલે તો ગુજરાતમાં સમયસર જ તેની શરૂઆત થાય તેવું લાગી રહ્યું છે.

મોટા ભાગે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં ઉત્પન્ન થતાં વાવાઝોડાં ચોમાસાની પ્રગતિને ધીમી અથવા ઝડપી બનાવી દે છે.

સામાન્ય રીતે બંગાળની ખાડી મે મહિનામાં વધારે સક્રિય હોય છે અને તેમાં વાવાઝોડાં સર્જાવાની શક્યતા વધારે હોય છે, જે બાદ મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં સક્રિયતા વધે છે અને તેમાં વાવાઝોડાં સર્જાવાની શક્યતા વધારે હોય છે.

જોકે, આ વર્ષે હજી સુધી બંને દરિયામાં એક પણ વાવાઝોડું સર્જાયું નથી, જેથી સ્થિતિ સામાન્ય રહી તો આવનારા દિવસોમાં સમય પ્રમાણે ચોમાસું આગળ વધી શકે છે.

ચોમાસું કેરળમાં વહેલું શરૂ થાય કે મોડું તેની અસર દેશના બીજા ભાગો પર બહુ પડતી નથી. જેમ કે 2023ના વર્ષમાં 8 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. તેની સામાન્ય તારીખ કરતાં 7 દિવસ તે મોડું પહોંચ્યું હતું.

જોકે, સમગ્ર દેશમાં 2 જુલાઈ સુધીમાં ચોમાસું પહોંચી ગયું હતું. જે તેની સામાન્ય તારીખ કરતાં 6 દિવસ વહેલું હતું.

ભારતમાં ક્યારે ચોમાસું મોડું પડ્યું?

વરસાદ, ચોમાસું, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં દર વર્ષે ચોમાસું શરૂ થવાની તારીખ વહેલી કે મોડી થતી હોય છે, કેટલાંક એવાં પણ વર્ષો છે જેમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ 1 જૂનના રોજ શરૂ થયું હોય.

વેધર ચેનલના અહેવાલ પ્રમાણે ગયા વર્ષે ચોમાસું થોડું વધારે મોડું થયું હતું, એવું છેલ્લાં 27 વર્ષોમાં માત્ર ત્રણ વખત જ બન્યું હતું. 2019માં જૂન 8, 1997, 2012માં જૂન 9 અને 2013માં જૂન 13ના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી.

2022, 2018, 2017, અને 2010માં ચોમાસાની શરૂઆત 1 જૂન પહેલાં થઈ હતી, જ્યારે 2021, 2019, 2016, 2015, 2014, 2012, અને 2011ના વર્ષોમાં ચોમાસાની શરૂઆત 1 જૂન બાદ થઈ હતી. બે વર્ષો, 2020 અને 2013 એવાં છે, જેમાં ચોમાસાની શરૂઆત 1 જૂનના રોજ જ થઈ હતી. કયા વર્ષે ચોમાસું કઈ તારીખે શરૂ થયું તેની વાત કરીએ તોઃ

  • 2023 જૂન 8
  • 2022 મે 29
  • 2021 જૂન 3
  • 2020 જૂન 1
  • 2019 જૂન 8
  • 2018 જૂન 29
  • 2017 મે 30
  • 2016 જૂન 8
  • 2015 જૂન 5
  • 2014 જૂન 6
  • 2013 જૂન 1
  • 2012 જૂન 4
  • 2011 જૂન 2
  • 2010 મે 31

ચોમાસું કેરળમાં વહેલું શરૂ થાય કે મોડું શરૂ થાય તેની અસર દેશના બીજા ભાગોમાં આગળ વધવા પર થતી નથી. એટલે કે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થાય તો પણ તે ગુજરાતમાં મોડું કે સમયસર પહોંચે એવું બની શકે છે.

જ્યારે ચોમાસાની શરૂઆત ક્યારે થાય તેના પર વરસાદ પણ આધારિત હોતો નથી. એટલે કે ચોમાસું વહેલું કે મોડું શરૂ થાય તેનાથી વરસાદ ઓછો કે વધારે થતો નથી. વરસાદ ઓછા વધારે માટે બીજાં પરિબળો અસર કરતાં હોય છે.