ગુજરાતમાં હજી પાંચ દિવસની વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે?

ગુજરાતમાં ચોમાસું,  વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી હજી પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

ગુજરાતમાં ઉનાળા દરમિયાન મે મહિનામાં સૌથી વધારે ગરમી પડે છે, જે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી લંબાય છે.

જૂનની 15 તારીખની આસપાસ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ તે પહેલાં જ અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિ રૂપે વરસાદ પડતો હોય છે.

ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી પડનારો વરસાદ સામાન્ય રીતે બપોર બાદ પડશે અને તેથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ છતાં ગરમીનો પારો ઊંચો રહે તેવી સંભાવના છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

ગુજરાતમાં 14 મેના દિવસે પડનારા સંભવિત વરસાદનું પૂર્વાનુમાન

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં 14 મેના દિવસે વિવિધ જિલ્લાઓમાં સંભવિત વરસાદનું પૂર્વાનુમાન

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ 13 અને 14 મેના રોજ પડે તેવી સંભાવના છે. આ બે દિવસોમાં વરસાદ વધારે વિસ્તારોમાં પડશે, અને કેટલીક જગ્યાએ હળવા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

13મેના રોજ વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર તથા અમદાવાદ સુધી વરસાદની અસર જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ તથા બીજા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

14 મેના રોજ ઉપરોક્ત જિલ્લાઓની સાથે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી સંભાવના છે અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે.

13 અને 14 મેના રોજ દક્ષિણ તથા પૂર્વ ગુજરાતના કોઈ વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ એકાદ જગ્યાએ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

15 મેના રોજ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડશે પરંતુ તેનું પ્રમાણ અને વિસ્તાર પણ ઘટશે એટલે કે આ દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

આ દિવસે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે.

16 અને 17 મે સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

ગુજરાતમાં હાલ વરસાદ કેમ પડી રહ્યો છે?

ગુજરાતમાં વરસાદની આગાહી, ચોમાસું,

ઇમેજ સ્રોત, Getty Images

મે મહિનામાં ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદ પડતો નથી પરંતુ હાલ દેશમાં ઘણા વિસ્તારોમાં વિવિધ સિસ્ટમો બનેલી છે અને પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી હતી.

આ સિસ્ટમોને કારણે કેટલીક ટ્રફ રેખા સર્જાઈ છે, જેના લીધે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે.

દક્ષિણ ભારતમાં હાલ પ્રિ-મૉન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ઉત્તર ભારતમાં 16 મેના રોજ હજી એક વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર ઉત્તર ભારતમાં થશે.

ગુજરાતમાં જૂન મહિનાના બીજી અઠવાડિયાથી ચોમાસા પહેલાંની ગતિવિધિ જોવા મળતી હોય છે અને તે બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે.

વરસાદની સાથે ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો રહે તેવી સંભાવના છે, ગરમીમાંથી કેટલાક અંશે રાહત મળશે પરંતુ ખૂબ વધારે રાહત મળે તેવી સંભાવના નથી.

ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?

ગુજરાતમાં ચોમાસું, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેનો ખ્યાલ ભારતીય હવામાન વિભાગે એપ્રિલમાં જાહેર કરેલા ચાર મહિનાનાં લાંબાગાળાના પૂર્વાનુમાનમાંથી મળે છે. આ પૂર્વાનુમાન પ્રમાણે દેશમાં આ વર્ષે 106 ટકા સરેરાશ વરસાદની સંભાવના છે. જોકે, હવામાન વિભાગે આ અંદાજમાં 5 ટકાની ભૂલનો ગાળો રાખ્યો છે.

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે.

હવામાન વિભાગે જારી કરેલા પૂર્વાનુમાનમાં વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરમાં રહેલી અલ નીનોની સ્થિતિ છે અને તે ઑગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં તે લા નીનામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.

અલ નીનોની સ્થિતિ જ્યારે પ્રશાંત મહાસાગરમાં સર્જાય, ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહે છે, અને દેશમાં સારા ચોમાસાં માટે લા નીનાની સ્થિતિનું નિર્માણ થવું જરૂરી છે.

અલ નીનોમાંથી લા નીના બનવાની ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં લઈએ તો 1951થી 2023ના ગાળામાં 9 વર્ષ એવાં હતાં, જ્યારે દેશમાં ખૂબ સારો વરસાદ થયો હતો.

હવામાન વિભાગે લાંબાગાળાની વરસાદની સરેરાશ દર્શાવતો જે નક્શો જારી કર્યો છે, તે અનુસાર ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહે તેવી સંભાવના છે. નક્શા પ્રમાણે રાજ્યમાં ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશ પ્રમાણે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

નક્શા પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.