નવરાત્રીમાં પોલીસે મુસ્લિમોને જાહેરમાં માર્યા એ ઊંઢેલા ગામમાં એક વર્ષ બાદ કેવી સ્થિતિ છે?

નવરાત્રી
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત

ખેડા જિલ્લાના ખોબા જેવડા ગામમાં વહેલી સવારે નવ વાગ્યે નીરવ શાંતિ વચ્ચે સફાઈ કામદાર મુખ્ય બજારમાં સફાઈ કરે એનો અવાજ સંભળાય છે. ગામના મુખ્ય બજારમાં અજાણી કાર જોઈ ધીમે ધીમે લોકો બહાર આવે છે, અને પહેલો સવાલ એ પૂછે છે કે સાહેબ, માનવાધિકારવાળા છો?

જવાબમાં જ્યારે અમે પત્રકાર તરીકે ઓળખ આપી તો ધીમે ધીમે લોકો બહાર આવી મળવા તૈયાર થાય છે, તુળજા ભવાની માતાના મંદિર અને હુસૈની મસ્જિદ વચ્ચે આવેલા ચોકમાં દુકાનો છે પણ કોઈ વાત કરવા તૈયાર નથી.

લાલ કપડાંમાં ફરતા હાજીભાઈના નામે ઓળખાતા ગામના બુઝુર્ગ માણસ અમારી સાથે વાત કરવાની પહેલ કરે છે. એમને જોઈ પછી ગામના લોકો ધીમે ધીમે બજારમાં આવીને હુસૈની ચોકમાં મળવા તૈયાર થાય છે.

કારણ કે આ ગામમાં એક વર્ષ પહેલાં નવરાત્રી દરમિયાન આઠમે થયેલી ગરબા પર પથ્થરમારાની ઘટના અને ત્યાર પછી કરાયેલી કાર્યવાહી બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઊંઢેલા ગામમાં એક વર્ષ પહેલાં નવરાત્રીના આઠમા નોરતે પહેલી વાર ગામની બજાર વચ્ચે આવેલા હુસૈની મસ્જિદની બરાબર સામે આવેલા તુળજા ભવાની માતાના મંદિર સામે હુસૈની ચોકમાં ગરબા થયા હતા.

એ સમયે ઊભા થયેલા તણાવમાં બે પોલીસ જવાન સહિત નવને ઈજા થયેલી, જેમાં પોલીસે ગામમાં કેટલાક આરોપીઓને થાંભલા સાથે પકડીને માર્યાનો આરોપ થયો હતો. જે અંગેનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે અને થોડા દિવસ પહેલાં આરોપીઓને કથિતપણે થાંભલા સાથે પકડીને મારવા બદલ ચાર પોલીસકર્મી સામે નડિયાદ કોર્ટમાં આરોપ નક્કી થયા છે.

તો ગામના કેટલાક લોકોને ‘હિંસા’ના આરોપસર છ મહિના માટે તડીપાર કર્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે, હાજીભાઈ તો પોતાનું અસલી નામ કહેવાય તૈયાર નથી.

અલબત્ત, આ દરમિયાન વાહનોની અવરજવર શરૂ થઈ અને ગામના સરપંચનો ફોન પર સંપર્ક કર્યો. તેમણે પોતે બહારગામ હોવાનું કહી આ મુદ્દે વાત કરવાનું અને મળવાનું ટાળ્યું હતું.

‘નિવૃત્તિ બાદ છ મહિના મજૂરી કરીને ખેતરમાં ગાળવાનો વારો આવ્યો’

અયુબ મલેક

ઇમેજ સ્રોત, bhargav parikh

ઇમેજ કૅપ્શન, અયુબ મલેક
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લગભગ એક વર્ષ અગાઉ કથિતપણે પોલીસ દ્વારા જે ઘટનાને કારણે આરોપીઓને જાહેરમાં થાંભલા સાથે પકડીને માર મરાયો એ અંગે કેસના આરોપી એવા નિવૃત્ત એસટી ડ્રાઇવર 60 વર્ષીય અયુબ મલેકે બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેમણે એ દિવસ યાદ કરતાં કહેલું કે, "મને બરાબર યાદ છે કે એ સમયે મસ્જિદમાં કુરાનની આયાત પઢાઈ રહી હતી. એ સમયે અમારા ગામના સરપંચ ઇન્દ્રવદન પટેલે અમને ફોન કરીને કહેલું કે અમુક બાધાને કારણે તેઓ તુળજા ભવાનીના મંદિર પાસે ગરબા કરવા માગે છે, તેથી અમે કેટલાક મુસ્લિમ આગેવાનો એ સમયે ત્યાં હાજર રહીએ. એટલે અમે હાજર રહ્યા અને ગરબા કરવાનું નક્કી થયું."

તેઓ ગરબા સમયે પથ્થરમારાની શરૂઆત અંગે વાત કરતાં કહે છે કે, "અમને ખબર ન હતી કે ગરબામાં બહારના માણસો આવવાના છે. રાતના 11.30 વાગ્યા સુધી ડીજેથી ગરબા વાગતા હતા અને અચાનક કોઈક જગ્યાએથી પથ્થરમારો શરૂ થયો અને ગામમાં પહેલી વાર નવરાત્રીમાં કોમી હિંસા થઈ."

અયુબ મલેક એ સમયની પોતાની આપવીતી જણાવતાં કહે છે કે, "આ ઘટના બાદ મને પોલીસ પકડી ગઈ. મારા પર ગુનો દાખલ કરી છ મહિના તડીપાર કરી દીધો. એ સમયે મારી ગર્ભવતી દીકરી મારા ઘરે આવેલી હતી, ગામમાં થયેલી હિંસા અને મારી ધરપકડથી મારી દીકરી ગભરાઈ ગઈ અને તેને અન્ય સંબંધીને ત્યાં મોકલવી પડી."

"તડીપાર થવાને કારણે હું મારા દોહિત્રનું મોં છ મહિને જ જોઈ શક્યો. આ દરમિયાન છ મહિના ચાલે એટલાય પૈસા નહોતા એટલે મેં મજૂરી કરી ખેતરોમાં છ મહિના કાઢ્યા."

ઊંઢેલા ગામનો ચોક

આ ઘટનામાં કથિતપણે પોલીસે જે આરોપીઓને સરાજાહેર માર્યાનો આરોપ કરાય છે, એમાં ગામના શહેજાદ મલેકેનુંય નામ સામેલ છે.

મિકૅનિકનું કામ કરતાં શહેજાદે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાની ધરપકડ અને પોલીસ પર હિંસા અને ગેરવર્તનનો આરોપ કરતાં કહેલું કે, "હું રાત્રે ઘરે સૂતો હતો અને મને પોલીસ પકડી ગઈ. ઘર પાસેથી મારતાંમારતાં પહેલાં પોલીસ સ્ટેશન લઈ ગયા અને કોર્ટમાં રજૂ કરતા પહેલાં ગામમાં લાવી થાંભલા સાથે પકડીને ઢોર માર મારેલો."

તડીપારના છ મહિના દરમિયાન પોતે વેઠેલી મુશ્કેલીઓ અંગે તેઓ કહે છે કે, "એ છ માસ દરમિયાન હું નડિયાદ પતંગ બનવવાનું કામ કરતો. એમાંથી જે બે પૈસા મળે એ બચાવી, મારા પરિવારને મોકલતો."

"એ છ મહિના મારા આખાય પરિવારે લૂખુંસૂકું ખાઈને ગાળ્યા, એ દિવસો ક્યારેય ભુલાય એમ નથી."

આ ઘટનાને કારણે ગામમાં છવાયેલા ભયના વાતાવરણને પ્રતિબિંબિત કરતી વાત કરતાં તેઓ કહે છે કે, "આ વખતે નવરાત્રીમાં કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે અમે ગામના આગેવાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય એ માટે પોલીસ સમક્ષ રજૂઆત કરવા કહ્યું છે, જેથી કોઈ ઘટના ન બને અને અમે શાંતિથી રહી શકીએ."

‘મારી નજર સામે દીકરાને ઢોર માર માર્યો’

મકસૂદા મલેક

ઇમેજ સ્રોત, bhargav parikh

ઇમેજ કૅપ્શન, મકસૂદા મલેક

શહેજાદનાં માતા મકસૂદા મલેક આ ઘટનાને કારણે મનમાં ઘર કરી ગયેલી બીક અંગે વાત કરે છે.

તેઓ કહે છે કે, "નવરાત્રીમાં અમને ફરી ગામમાં કંઈક અજુગતું થશે એવી બીક લાગી રહી છે."

એ દિવસ યાદ કરતાં તેઓ કહે છે કે, "મોડી રાત્રે પોલીસને મારા દીકરાને લઈ જતાં જોઈ અમે તેમને રોકવાનો પ્રયાસ કરેલો. પરંતુ મનેય માર માર્યો હતો."

તેઓ પોલીસ પર ગેરવર્તનનો આરોપ કરતાં કહે છે કે, "મારા હાથમાંથી લોહી નીકળતું હતું છતાં મને તેઓ પોલીસ સ્ટેશન લઈ ગયા, ત્યાંથી સવારે અમને ગામમાં લાવ્યા, મને ગાડીમાં બેસાડી રાખી અને મારી નજર સામે મારા છોકરાને થાંભલા સાથે પકડીને ઢોર માર માર્યો, હું લાચાર હતી. ડંડો દીકરાને મારી રહ્યા હતા પણ પીડા મને થતી હતી. હું એને બચાવવા જઈ શકતી ન હતી."

મકસૂદા મલેક કહે છે કે, "હું પણ છ મહિના તડીપાર રહી હતી. સગાંસંબંધીઓ પાસેથી ઉછીના લઈને તેમજ મજૂરી કરીને ઘર ચલાવ્યું, અલ્લાહ કરે કે આવા દિવસો ફરીથી જોવાનો વારો ન આવે.”

આ કેસમાં આરોપી સદ્દામ મલેક ગામમાં ચિકનનો ધંધો કરે છે. તેમણે બનાવના દિવસે બનેલી ઘટના યાદ કરતાં કહેલું કે, “રાત્રે નવ સાડા નવ વાગ્યાની આસપાસ જ્યારે ગરબાની શરૂઆત થઈ ત્યારે હું ઘરે આવી ગયેલો. ઘરે સૂતો હતો ત્યારે મને પોલીસ ઉઠાવી ગઈ, 19 દિવસ જેલમાં રહ્યો. છ મહિના તડીપાર હતો એ દરમિયાન મજૂરી કરવાના વારા આવેલા, કારણ કે મારી ગેરહાજરીમાં ધંધો બંધ થઈ ગયેલો. મજૂરી ન મળે ત્યારે એ દરમિયાન ભૂખેય વેઠી છે.” 

ઊંઢેલા ગામ

ઇમેજ સ્રોત, bhargav parikh

બે કલાકમાં ઊંઢેલા ગામ આવવાનું કહેનાર ગામના સરપંચ મોડી સાંજ સુધી સતત બહાર ગામ હોવાનું રટણ કરતા રહેલા.

પરત ફરતી વખતે અમે કેટલીક દુકાનો અને ગ્રામ પંચાયતની ઑફિસનો સંપર્ક કર્યો, પરંતુ ત્યાંય કોઈ વાતચીત કરવા તૈયાર નહોતું.

ગામલોકોનાં ઘર બંધ હતાં, ગામમાં ઘરકામ કરતી બહેનો કે વડીલો વાત કરવા તૈયાર નહોતાં.

એક મહિલાએ ગામની સમિતિના પ્રતિનિધિ સુરેશભાઈ સોલંકીનું મકાન બતાવ્યું.

એમના પિતા સોઢાભાઈએ પહેલાં પોતાના દીકરા ઘરે હોવાનું કહીને અમે પત્રકાર હોવાનું જાણી દીકરો હાલ નહીં મળી શકે એવું જણાવેલું.

સોઢાભાઈ સોલંકીએ આ વર્ષે નવરાત્રીના આયોજન અને એ દરમિયાન ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી શકાશે કે કેમ, એ સવાલે પોતે અમદાવાદ રહેતા હોવાનું કહેલું.

પરંતુ તેમણે ઉમેરેલું કે, "આ વર્ષે ગણેશવિસર્જન સારી રીતે થયું હતું." જોકે, નવરાત્રી અંગે તેમણે વાત કરવાનું તેમણે ટાળી દીધું હતું.

‘આ વખત નવરાત્રી શાંતિપૂર્વક યોજાશે’

નડિયાદના ડીવાયએસ પી. વી. આર. વાજપેયી

ઇમેજ સ્રોત, bhargav parikh

ઇમેજ કૅપ્શન, નડિયાદના ડીવાયએસ પી. વી. આર. વાજપેયી

બીજી તરફ ઊંઢેલા ગામના યુવાનોને આશા છે કે આ વર્ષે નવરાત્રી શાંતિપૂર્વક યોજાશે.

યુવાનોનું માનવું છે કે ગયા વર્ષે કેટલાક અસામાજિક તત્ત્વોએ તોફાન કર્યાં હતાં પણ આ વર્ષે નવરાત્રી શાંતિથી યોજાશે.

ગામના ગ્રૅજ્યુએટ થયા પછી યુપીએસસીની તૈયારી કરતાં અલ્પેશ ડાભી વિશ્વાસ વ્યક્ત કરતાં કહેલું કે, "આ વર્ષે નવરાત્રી સારી જશે, ગયા વર્ષે ગામના ભાગોળમાં નવરાત્રી વખતે પથ્થરમારો થયેલો, પણ હમણાં જ ગણેશચતુર્થીનું આયોજન સારી રીતે થયું અને પોલીસ બંદોબસ્ત પણ સારો હતો."

"એટલું જ નહીં ગામમાં સીસીટીવી કૅમેરા પણ મુકાયા છે. તેથી આ વર્ષે નવરાત્રી સારી રીતે જશે અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એવું લાગે છે."

તો કૉલેજમાં ભણતા કિશન ચૌહાણ દાવો કરે છે કે ગયા વર્ષના બનાવને લોકો ભૂલી ગયા છે. તેઓ આશા વ્યક્ત કરતાં કહે છે કે, "આ વર્ષે નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને અને લોકો શાંતિપૂર્વક નવરાત્રી ઊજવશે."

ગામની સમિતિના ડેલિગેટ પીરુમિયાં શેખ પણ બંને સમુદાયો વચ્ચે કોઈ ખટરાગ ન હોવાનો દાવો કરીને નવરાત્રીના આયોજન અંગે આશા વ્યક્ત કરે છે.

તેમણે કહ્યું કે, "છ હજારની વસતીવાળા ગામમાં મોટા ભાગના પટેલ એનઆરઆઈ છે. અહીં મંદિર માટેની કેટલીક જમીન મુસ્લિમોએ આપી છે, તો મસ્જિદના પુનરોદ્ધાર માટે હિંદુઓએય ફાળો આપ્યો છે."

"ગયા વર્ષે અચાનક નવરાત્રીમાં હિંસા થયેલી, પરંતુ આવું પહેલી વાર બન્યું હતું. ભૂતકાળમાં કોઈ પણ નાના-મોટા ઝઘડાના ગામલોકો સાથે મળીને એનો નિકાલ લાવતા. પરંતુ આ પહેલી વાર આવી સ્થિતિ બની છે. આ વખતે અમે પોલીસને નવરાત્રીમાં વધુ બંદોબસ્ત ગોઠવવા માટેની અરજી કરી છે."

નડિયાદના ડીવાયએસ પી. વી. આર. વાજપેયીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોલીસે નવરાત્રીના આયોજન દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને એ સુનિશ્ચિત કરવા માટે કરેલા પ્રયાસો અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "નડિયાદમાં નવરાત્રી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, ઊંઢેલા સહિતનાં જેટલાં પણ સંવેદનશીલ ગામો છે, ત્યાં ખાસ ઍનાલિસીસ કરી વધુ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. જેથી આ વર્ષે નવરાત્રીમાં કોઈ અપ્રિય ઘટના ન બને."

કથિત ઘટનાના વીડિયો થયા વાઇરલ

ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

આ ઘટના બાદ કથિતપણે પોલીસ ગામમાં કેટલાક આરોપી યુવાનોને થાંભલા સાથે પકડીને મારતી હોવાની ઘટનાના વીડિયો વાઇરલ થયા હતા. આ વીડિયોમાં એક તરફ પોલીસ યુવાનોને મારી રહી હતી એ દરમિયાન બીજી બાજુ કથિત રીતે ગામલોકો તાળી પાડતા નજરે પડી રહ્યા હતા.

જાહેરમાં લોકોને કથિતપણે માર માર્યા બાદ ગામમાં ભારે તણાવની પરિસ્થિતિ જોવા મળી હતી.

ઘટનાના વીડિયો વાઇરલ થતાં પોલીસના આ પગલા વિશે ચર્ચા શરૂ થઈ હતી.

આ ઘટનાના લગભગ એક વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટે આરોપીઓ પર કથિતપણે જાહેરમાં ત્રાસ ગુજારવા મામલે પોલીસ સામે આરોપો ઘડ્યા હતા અને તેમને સજા ફટકારવાની તૈયારી કરી લીધી હતી.

આખરે ગુરુવારે હાઇકોર્ટે પોલીસકર્મીઓને ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ માટે દોષિત ઠેરવી, 14 દિવસની સાદી સજા કરી હતી.

નોંધનીય છે કે આ મામલે પોલીસ અધિકારીઓએ ‘સજાથી બચવાની દલીલ’ કરતાં બદલામાં વળતર ચૂકવી આપવાની તૈયારી બતાવી હતી. જોકે, કોર્ટે આ પેશકશ નકારી દીધી હતી.

બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ આપેલી માહિતી અનુસાર દોષિતોને ચુકાદા સામે અપીલ કરવાનો 30 દિવસનો સમય અપાતાં, સજા પર ત્રણ માસનો સ્ટે આપી દેવાયો હતો.

કોર્ટે આ મામલામાં દોષિત પોલીસવાળાની બિનશરતી માફીની પેશકશ ફગાવતાં કહેલું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડી. કે. બસુ વિ. પશ્ચિમ બંગાળ કેસમાં અપાયેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું છે.

જોકે, આ મામલામાં પોલીસવાળા સામે લાગેલા આરોપો અંગે નીચલી કોર્ટમાં આઇપીસીની 307, 323, 324, 506 (2) અને સંબંધિત કલમો હેઠળ સુનાવણી કરાશે.

ધી ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે પીડિતો જાહિરમિયાં મલેક (62), મકસૂદાબાનો મલેક (45), સહદમિયાં મલેક (23), સકીલમિયાં મલેક (24) અને શાહિદરાજા મલેક (25) એ આ મામલે ખેડાના 13 પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી.

આ મામલે અરજદારોએ અમદાવાદ રેન્જ આઇજી અને ખેડા જિલ્લાના એસપી સહિત કુલ 15 અધિકારીઓ સામે ‘અવમાનના અને કાયદાનું અનુપાલન ન કરવાના’ આરોપસર પગલાં ભરવાની અને વળતર ચૂકવવાની માગ કરી હતી.

ડી. કે. બસુ વિ. બંગાળના એક કેસમાં સુપ્રીમ કોર્ટે પોલીસને આરોપીની અટકાયત અને ધરપકડ વખતે કયા નિયમોનું પાલન કરવું એ અંગે ગાઇડલાઇન આપી હતી. અરજદારોએ આ કેસને આધાર બનાવ્યો છે.

આ મામલે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ગત અઠવાડિયે પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ હેઠળ આરોપો ઘડવાનું શરૂ કર્યું હતું.

જસ્ટિસ એ. એસ. સુપહિયા અને જસ્ટિસ એમ. આર. મેન્ગદેયની બેન્ચે નડિયાદ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે આપેલા રિપોર્ટને આધારે કલમ-2બી અને કલમ 12 હેઠળ ચારેય આરોપીઓ સામે આરોપો ઘડવાનું ચાલુ કર્યું હતું.

ચાર આરોપીઓમાં ઇન્સ્પેક્ટર એ. વી. પરમાર, સબ-ઇન્સ્પેક્ટર ડી. બી. કુમાવત, કૉન્સ્ટેબલ રાજુભાઈ ડાભી અને હેડ કૉન્સ્ટેબલ કનકસિંહનો સમાવેશ થાય છે.

આરોપી અધિકારીઓની વિનંતી

ઊંઢેલા ગામ

ઇમેજ સ્રોત, bhargav parikh

આ મામલે ગત 11 ઑક્ટોબરના રોજ ચાર આરોપી પોલીસ અધિકારીઓએ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

તેમણે કહેલું કે, “જો તેમને આ મામલે કોર્ટ દોષી ઠેરવે તો તેમને સજા ન મળવી જોઈએ અને તેના બદલે તેઓ વળતર ચૂકવી દેશે.”

આરોપીઓ તરફથી અરજી કરતા તેમના વકીલ પ્રકાશ જાનીએ કોર્ટને કહેલું કે, “આ પોલીસ અધિકારીઓએ 10-15 વર્ષ સુધી ગુજરાત પોલીસમાં સેવા આપી છે. જો તેઓ દોષી ઠરશે તો તેમની કારકિર્દી અને તેમના રેકૉર્ડ પર અસર પડશે.”

આ અરજીમાં પોલીસ અધિકારીઓએ એવી દલીલ પણ આપી છે કે સાથળના પાછળના ભાગે લાકડીઓથી ફટકારવું એ ‘કસ્ટોડિયલ ટૉર્ચર’ નથી અને તેના કારણે તેમના પર અવમાનના હેઠળ આરોપો ન ઘડાવા જોઈએ.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગત સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું હતું કે ફરિયાદીઓએ આરોપી પોલીસકર્મીઓની વળતરની રજૂઆત સ્વીકારી કેસનું સમાધાન કરવાનો ઇનકાર કર્યો છે.

આરોપીઓને કથિતપણે જાહેરમાં માર મારવાના કેસની સુનાવણી વખતે જસ્ટિસ એ. એસ. સુપહિયાની આગેવાનીવાળી બેન્ચે નોંધ્યું કે, “બંને પક્ષો વચ્ચે સમાધાન નથી થઈ શક્યું અને ફરિયાદીઓ આ બાબતે કોઈ સમાધાન કરવા માગતા નથી.”

આ પરિસ્થિતિને કારણે કોર્ટે ગુરુવારે પોતાનો ઑર્ડર જાહેર કરવાનું ઠરાવ્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન