ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીની દલીલ, "આ ગુનો એટલો ગંભીર કે નૈતિક અધ:પતનનો નથી."

‘મોદી અટક’ ટિપ્પણી મામલે બદનક્ષી કેસમાં દોષિત ઠરેલા કેરલ ભૂતપૂર્વ સાંસદ અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલ સુરતની કોર્ટના ચુકાદાને પડકારતી અરજીની શનિવારે સુનાવણી થઈ હતી.
જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાઈ હતી.
નોંધનીય છે કે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી અટક’ ટિપ્પણી મામલે બે વર્ષની સજા સંભળાવતાં તેમનું સંસદનું સભ્યપદ રદ કરી દેવાયું હતું.
સેશન્સ કોર્ટથી પાસેથી આ મામલે કોઈ રાહત ન મળતાં રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટની શરણે પહોંચ્યા હતા.
કોર્ટમાં રાહુલ ગાંધી વતી સિનિયર ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી. કોર્ટે ફરિયાદના ઍડ્વોકેટ નિરૂપમ નાણાવટીને સોગંદનામું અને વધારાના પુરાવા દાખલ કરવા જણાવ્યું હતું.
રાહુલ ગાંધી વતી અભિષેક મનુ સિંઘવીએ પોતાના અસીલની ‘દોષસિદ્ધિ’ના કોર્ટના નિર્ણય પર સ્ટે આપવા દલીલ કરી હતી.
આ મામલાની આગળની સુનાવણી 2મેના રોજ રાખવામાં આવી છે.
સિનિયર ઍડ્વોકેટ ડૉ. અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ સમક્ષ આ મામલે દલીલ કરતાં કહ્યું હતું કે, “આ ગુનો એટલો ગંભીર કે નૈતિક અધ:પતનનો નથી. આ બંને પરીક્ષણો દોષસિદ્ધિના નિર્ણયને મોકૂફ રાખવા માટે જરૂરી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. સિંઘવીએ કહ્યું કે, “આ કેસ ગંભીર, સંજ્ઞેય અપરાધનો કે બિનજામીનપાત્ર નથી.”
“મારો ગુનો સમાજ વિરુદ્ધ આચરાયેલો નથી. મારા વક્તવ્યને કારણે કાયદો અને વ્યવસ્થા અંગેની કોઈ સ્થિતિ સર્જાઈ નથી. આ બાબતો કોર્ટને જે-તે લાગતાં વળગતાં સૅક્શનો અંતર્ગત મારા સામે આવેલ દોષસિદ્ધિના હુકમ પર રોક લગાવવા માટે શ્રેષ્ઠ આધાર છે.”

‘કારકિર્દીનાં આઠ વર્ષ ગુમાવશે રાહુલ’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. સિંઘવીએ કહ્યું કે, “જો રાહત નહીં અપાય તો મારા અસીલ તેમની કારકિર્દીનાં કિંમતી આઠ વર્ષો ગુમાવી દેશે, આ હકીકત ધ્યાને લેશો.”
“કોઈ એવું ન કહી શકે કે મારો ગુનો નૈતિક અધ:પતનને લગતો કે ગંભીર કક્ષાનો છે. આ એક જામીનપાત્ર બાબત છે, તેમજ સમાજ વિરુદ્ધ આચરાયેલ ગુનો નથી.”
ડૉ. સિંઘવીએ પોતાની દલીલમાં આગળ કહ્યું કે કોર્ટે આ મામલામાં ‘કઠોર’ નિર્ણય કર્યો છે, તેમજ આવા કિસ્સામાં પહેલી વખત કથિત ગુનેગારને વધુમાં વધુ સજા સંભળાવી દીધી છે.
“જો સજામાં એક દિવસ પણ ઓછો હોત તો તેમને ગેરલાયક ન ઠેરવાયા હોત. તેથી કૃપા કરીને આ બધું ધ્યાને લો.”
ડૉ. સિંઘવીએ સુનાવણી દરમિયાન કહ્યું કે, “આ કેસમાં ફરિયાદ ટકી શકે એ માટે ઓળખાવી શકાય એવો કોઈ વર્ગ નથી. તેથી આ ફરિયાદ ટકી શકે કે કેમ એ અંગે પણ સવાલ છે. કાયદો કહે છે કે જે વ્યક્તિને મામલાને કોર્ટમાં લઈ જવાનો અધિકાર હોય એ જ ફરિયાદ દાખલ કરી શકે, પરંતુ આ બાબત અંગે માત્ર કોઈ ઓળખાવી ન શકાય તેવા વર્ગમાંથી આવતી વ્યક્તિ માટે બાંધછોડ ન કરી શકાય.”
રાહુલની દોષસિદ્ધિ અંગેના નિર્ણય પર રોકની માગણી સાથે ડૉ. સિંઘવીએ કહ્યું કે, "મેં જે ત્રણ વ્યક્તિઓનાં નામ લીધાં તેમાંથી કોઈએ મારી સામે કેસ કર્યો નથી. પરંતુ કહેવાતા 13 કરોડના જૂથમાંથી આવતી એક વ્યક્તિએ આ કેસ કર્યો."
તેમણે આ વાત ઉઠાવી પ્રશ્ન કર્યો કે, “આ મામલો કેવી રીતે ચલાવી શકાય.”
શનિવારે કોર્ટમાં થયેલી દલીલો અંગે કોઈ અંતિમ નિર્ણય આવી શક્યો નહોતો. કોર્ટે આજે સ્પષ્ટતા પણ કરી કે તેઓ આગામી સુનાવણી બાદ 5 મે સુધી આ કેસની સુનાવણી પૂરી કરી લેશે.
ફરિયાદના આધાર અંગે સવાલ ઉઠાવતાં ડૉ. સિંઘવીએ કહ્યું હતું કે, “જો મારા અસીલે પૂર્ણેશ મોદી અંગે કંઈ કહ્યું હોત તો અને તો જ આ ફરિયાદ ચલાવી શકાઈ હોત. પરંતુ અહીં મારા અસીલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું છે, અને સેશન્સ કોર્ટે પણ આ બાબત પોતાના હુકમમાં નોંધી છે. કાયદો નરેન્દ્ર મોદીને ફરિયાદ કરવાનો અધિકાર આપે છે પરંતુ અન્ય કોઈને આ અધિકાર નથી.”

- શનિવારે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં રાહુલ ગાંધી સામે ‘બદનક્ષી’ના કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી
- રાહુલ ગાંધી વતી કોર્ટમાં સિનિયર ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા
- વકીલે રાહુલ ગાંધીનો પક્ષ મૂકતા દલીલ કરી હતી કે ‘આ ગુનો ગંભીર કક્ષાનો નથી’
- સામા પક્ષે સરકાર અને ફરિયાદી તરફી પણ દલીલો થઈ હતી

સામસામી દલીલો

ઇમેજ સ્રોત, FACEBOOK/PURNESHMODI
મૅજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણય અંગે સવાલ ઉઠાવતાં ડૉ. સિંઘવીએ કહ્યું કે, “કોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મારા અસીલને જ્યારે રફાલ ડીલ મામલે નિવેદન કરતી વખતે ભવિષ્યમાં ખૂબ જ કાળજી રાખવાની ચેતવણી અપાઈ હતી હતી, એ બનાવ પર આધાર રાખ્યો. પરંતુ આ કેસમાં જે નિવેદનની વાત થઈ રહી છે એ વક્તવ્ય એપ્રિલ 2019માં થયું હતું અને સુપ્રીમ કોર્ટની આ સુનાવણી નવેમ્બર 2019માં થઈ હતી. તો આ કેવી રીતે શક્ય છે?”
તેમણે કહ્યું, “આ કેસમાં મને ગુનેગાર ઠેરવાયાની માત્ર દસ મિનિટમાં જ મહત્તમ સજા કરી દેવાઈ. આ બાબતે મારા આત્મવિશ્વાસને હચમચાવી દીધો છે.”
ડૉ. સિંઘવીએ ટ્રાયલ કોર્ટના નિર્ણયનાં પરિણામો અંગે કોર્ટમાં દલીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “મારા અસીલ તેમના મતક્ષેત્રના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ દોષસિદ્ધિને કારણે તેઓ આ કામ કરવાનું ચૂકી રહ્યા છે. આ વખત તેઓ સંસદનું આ પહેલાંનું સત્ર ચૂકી ચૂક્યા છે અને જો પરિસ્થિતિ ન બદલાઈ તો તેઓ બીજું સત્ર પણ ચૂકી જશે. આ નિર્ણયને કારણે મતક્ષેત્રના લોકો તેમની વાત રજૂ કરવાનો અધિકાર ઝંખી રહ્યા છે.”
કોર્ટમાં સરકારી વકીલ મિતેશ અમીને કહ્યું કે, “આ પ્રકારના ગુનામાં બે વર્ષ સુધીની સજાની જોગવાઈ કરાયેલી છે. જે આવા કિસ્સામાં આપી શકાય.”
અમીને જજને કહ્યું કે, “આ ગુનો અસંજ્ઞેય, જામીનપાત્ર હોઈ શકે પરંતુ આ તમામ દલીલોનો દોષસિદ્ધિ બાદ કોઈ અર્થ રહેતો નથી. આ પ્રકારના આધારોની દોષસિદ્ધિના નિર્ણય પર રોક માટે કરાયેલી આ અરજી સંદર્ભે કોઈ અર્થ ઠરતો નથી. ધારાસભાએ આવા મામલામાં બે વર્ષ સુધીની સજા આપવાની જોગવાઈ કરી છે અને મૅજિસ્ટ્રેટને આ મામલામાં વધુમાં વધુ સજા આપી શકાય તેવું લાગ્યું છે.”
આ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી તરફથી સિનિયર ઍડ્વોકેટ નિરૂપમ નાણાવટી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અરજદાર તરફથી કરાયેલ આ અરજી કાયદા અનુસાર ચલાવી શકાય તેવી નથી.”
























