પાટીદારોના આ બે જૂથો વચ્ચે રોટી-બેટીના સંબંધ તોડવાની વાત કેમ થઈ રહી છે?

સતપંથી વિરુદ્ધ સનાતની

ઇમેજ સ્રોત, FACEBOOK/TIRTHDHAR PRERNATIRTH

ઇમેજ કૅપ્શન, સતપંથ સમાજના ધાર્મિક વડા જ્ઞાનેશ્વરદેવાચાર્ય
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત

કચ્છી કડવા પાટીદાર સમાજમાં સનાતની અને સતપંથીઓ વચ્ચે વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે. પાટીદારોના સનાતની જૂથના નેતાઓએ સતપંથી પાટીદારો જો તેમનો પંથ નહીં છોડે તો સમાજમાંથી છેડો ફાડવા માટે આપેલી ચેતવણીની 14મી મેની ડેડલાઈન વિતી ચૂકી છે, અને સનાતન જૂથના દાવા અનુસાર હવે સતપંથીઓ સાથે રોટી-બેટીનો વ્યવહાર નહીં રાખવામાં આવે. જોકે, સતપંથીઓ પોતાનો પંથ છોડવા તૈયાર નથી.

ઉલ્લેખનીય છે કે કચ્છના કડવા પાટીદાર સમાજના સંમેલનમાં સનાતની જૂથે એક ઠરાવ પણ પસાર કરી સતપંથી પાટીદારોને ચેતવણી આપી હતી કે જો, સતપંથી જૂથ 14 મે, 2023 સુધીમાં તેમનો પંથ છોડીને સનાતની નહીં બને, એટલે કે ‘ઘરવાપસી’ નહીં કરે તો, તેમની સાથેના તમામ પ્રકારના સામાજિક સંબંધો અને વ્યવહારો કાપી નાખવામાં આવશે.

14 મે, 2023ની ડેડલાઈન વિતી ચૂકી છે અને સતપંથી જૂથના પાટીદારોએ સનાતની પાટીદારોના જૂથની ચેતવણીને ફગાવી દીધી છે. સતપંથી જૂથના નેતાઓનું કહેવું છે કે જેમણે આ ફરમાન કર્યું છે તેઓ ખોટા પાટીદાર નેતાઓ છે.

આ સમગ્ર વિવાદનું મૂળ કંઈક એવું છે કે સતપંથીમાં આસ્થા રાખનારા કડવા પાટીદારોના કેટલાંક રીતિ-રિવાજો સામે સનાતની કડવા પાટીદારોને વાંધો છે.

ઉલ્લેખનીય છે કે કચ્છના કડવા પાટીદાર સમાજનું સનાતની જૂથ સતપંથમાં આસ્થા ધરાવનારાને અર્ધ મુસ્લિમ ગણે છે. તેમનું કહેવું છે કે ‘તેમનાં કેટલાંક રીતિરિવાજો મુસ્લિમ ધર્મ જેવાં’ છે. જોકે સતપંથી આસ્થા ધરાવતા લોકો પોતાની જાતને હિન્દુ જ ગણાવે છે.

જોકે આ ચીમકી બાદ સતપંથમાં આસ્થા ધરાવનારા કડવા પાટીદારોનું કહેવું છે કે જ્યારે તેઓ હિન્દુ જ છે તો પછી ‘ઘરવાપસી’ શા માટે?

સતપંથી વિરુદ્ધ સનાતની

શું છે વિવાદ?

સતપંથી વિરુદ્ધ સનાતની

ઇમેજ સ્રોત, PRASHANT GUPTA

ઇમેજ કૅપ્શન, નખત્રાણામાં યોજાયેલા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સંમેલનમાં પસાર થયેલા ઠરાવો બન્યા વિવાદનું કારણ

કચ્છના નખત્રાણા ખાતે હાલમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું છઠ્ઠું અધિવેશન મળ્યું હતું. સનાતની જૂથ દ્વારા બોલાવાયેલ આ અધિવેશનમાં સમાજના બંધારણ અંગેના કેટલાક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.

આ ઠરાવો પૈકી જ એક ઠરાવ અનુસાર સતપંથમાં માનતા કચ્છી કડવા પાટીદારોને તેમનો પંથ છોડીને સનાતની પંથમાં ભળવા જણાવાયું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાટીદાર નેતાઓએ સંમેલનમાં સતપંથમાં માનનારાને ચેતવણી આપતા ‘પંથ છોડવા માટે 14 મે, 2023 સુધીનો સમય આપ્યો હતો.’ તે બાદ ‘સમાજમાં પ્રવેશ નહીં અપાય’ તેવું જણાવાયું હતું.

હવે સનાતની પાટીદાર જૂથે આપેલી ચેતવણીની ડેડલાઈન સમાપ્ત થઈ ગઈ છે.

સતપંથી પાટીદાર જૂથે પોતાના પંથને છોડવાનો ઇન્કાર કર્યો છે.

સતપંથી જૂથના પાટીદાર નેતા ડાહ્યાભાઈ ઉકાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ખોટા લોકોએ આવાં ફરમાન કર્યાં છે. અમે અને સનાતની પટેલો એક જ છીએ, કોઈ ફરક પડવાનો નથી."

કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ (સનાતની જૂથ) અબજીભાઈ કાનાણી બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાતચીત કરતા કહ્યું હતું કે, "વર્ષો પહેલાં ભારતમાં ઇસ્લામ ધર્મ આવ્યો ત્યારે અમારા વડવા ભોળવાઈ ગયા હતા. તેમણે સતપંથ અપનાવ્યો અને સનાતની આચરણ ભૂલી ગયા. અમે તો ઇચ્છીએ છીએ કે તેઓ ફરી સનાતની બને."

નોંધનીય છે કે સનાતની જૂથના કડવા પાટીદારો માને છે કે ‘સતપંથી કડવા પટેલોની ઉપાસના પદ્ધતિ મુસ્લિમો જેવી’ છે.

એવું પણ જણાવાયું હતું કે નિયત મુદ્દત બાદ સતપંથમાં આસ્થા ધરાવનારા લોકો સાથે કોઈ ‘સનાતની જૂથના લોકો સામાજિક વ્યવહાર નહીં રાખે.’

સામેની બાજુએ સંમેલનમાં પસાર કરવામાં આવેલા ઠરાવોને લઈને સતપંથમાં આસ્થા ધરાવનારા પાટીદારો ગુસ્સે ભરાયા છે.

સતપંથમાં આસ્થા રાખનારા નખત્રાણાના શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથી સનાતની સમાજ વિકાસ ટ્રસ્ટના મહામંત્રી જેઠાભાઈ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "અમારે ઘરવાપસી શું કામ કરવી? અમે તો હિન્દુ જ છીએ."

સતપંથી જૂથના પાટીદાર નેતા ડાહ્યાભાઈ ઉકાણી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "ઘરવાપસીના આ ઠરાવનો કોઈ અર્થ નથી. બંને જૂથો વચ્ચે રોટી અને બેટી આપવાના વ્યવહારો છે, આ લોકો ભરમાવે છે."

"આ અધિવેશન કરનારાઓના બાપદાદા પણ સતપંથી જ હતા. હવે તેઓ અમારાથી વિમુખ થયા અને હવે અમને પણ કહે છે કે આવી જાઓ. તે યોગ્ય નથી."

તેમજ આ જૂથના અન્ય નેતા દેવજીભાઈ પટેલ જણાવે છે, "જે સાહિત્ય બતાવીને અમારા પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે તે સાહિત્ય અમારું છે જ નહીં."

જોકે સતપંથીઓ માટે સનાતની બનવા માટેની ડેડલાઈન સમાપ્ત થઈ ગઈ છતાં સતપંથીઓ સનાતની બનવાનો ઇન્કાર કરે તો શું? આ પ્રશ્નનો જવાબ આપતા અબજીભાઈ કાનાણી કહે છે, "અમારી વાત પર અમે મક્કમ છીએ. પરંતુ હજુ કોઈ સતપંથી પાટીદારો પોતાનો પંથ છોડવા માગતા હોય તો તેઓ અરજી કરે. સમાજ તેના પર વિચાર કરશે. અમને જૂથમાં જો કોઈ સતપંથી પાટીદાર સનાતની બનવા માગતા હોય તો કોઈ વાંધો નથી."

સતપંથી વિરુદ્ધ સનાતની

શું છે સતપંથ અને તેનો ઇસ્લામિક ?

સતપંથી વિરુદ્ધ સનાતની

ઇમેજ સ્રોત, HARSHAD PATEL

ઇમેજ કૅપ્શન, પ્રેરણાપીઠ ખાતે આવેલું નિષ્કલંકીનારાયણ મંદિર

ગુજરાતી વિશ્વકોશમાં જણાવ્યા અનુસાર સતપંથ એ એક ઇસ્માઇલી નિજારી સંપ્રદાય છે. તે નૂરસતગર દ્વારા શરૂ થયો. 12મી સદીમાં નિજારી ઇસ્માઇલી ઇમામોએ આ સંપ્રદાયનો ભારતમાં પ્રચાર કરવા માંડ્યો. આ સંપ્રદાયના પીર હસકબીરુદ્દીનને ત્યાં ઇ.સ. 1452માં ઇમામ શાહનો જન્મ થયો. તેઓ ગુજરાતમાં ધર્મપ્રચાર કરવા આવ્યા.

શાક્તપંથી લોહાણાઓને આ ઇસ્માઇલી સંપ્રદાય સ્વીકાર્ય બને તે માટે તેમણે તેમના સંપ્રદાયોમાં હિન્દુ ધર્મને અનુકૂળ ફેરફારો કર્યા. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે વિષ્ણુના દસમા અને છેલ્લા કલ્કી અવતાર અલમુતના ઇમામ ‘મેહદી’ હોવાનો પ્રચાર શરૂ કરાયો. તેમણે શાક્તપંથીઓની ઉપાસના પદ્ધતિ અને ક્રિયાકાંડ અપનાવ્યાં.

સતપંથને ગુજરાતમાં વિશેષ પ્રચલિત કરનારા પીર સદરુદ્દીન ખોજા ત્રીજા ખ્યાતનામ પીર મનાય છે. તેમણે પોતાના પંથને વધુ સ્વીકૃત બનાવવા કયામત પહેલાં આવનારા છેલ્લા ઇમામ મેહદીને જળપ્રલય અગાઉ થનારા કલ્કી-અવતાર તરીકે વર્ણવ્યા. તેમણે પોતાના પંથને સતપંથ નામ આપ્યું. પહેલાં તેઓ આ પંથને શાક્તપંથ તરીકે ઓળખાવતા.

જોકે, સતપંથ પર ‘હિન્દુ દેવી-દેવતાઓના અવતારને આગળ ધરીને હિન્દુઓને મુસ્લિમ બનાવવાના’ આરોપ પણ લાગતા રહે છે. જેને સતપંથ હંમેશાં નકારે છે.

જોકે, સતપંથ સંપ્રદાયની નિષ્કલંકીધામની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર તેની સ્થાપના 500 વર્ષ અગાઉ થઈ હતી. અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણામાં ઇમામશાહ મહારાજે તેની સ્થાપના કરી હોવાનું સતપંથ સમાજના અનુયાયીઓ જણાવે છે.

જોકે, એક વિવાદ આ પીરાણા ખાતે આવેલા નિષ્કલંકીધામ પ્રેરણાપીઠ સંસ્થા અને તેની બાજુમાં આવેલા તેમના જ સ્થાપક ઇમામશાહ બાવાની દરગાહ/સમાધિ સ્થળ વચ્ચે પણ છે. પ્રેરણાપીઠની બાજુમાં જ ઇમામશાહની આ દરગાહ અને ઇમામશાહી મસ્જીદ પણ છે.

થોડા સમય પહેલાં સતપંથી સમાજ (કચ્છી કડવા પાટીદાર) અને સૈયદ સમાજ વચ્ચે ઇમામશાહ દરગાહ/સમાધિસ્થળ વચ્ચે દીવાલ બનાવવા મુદ્દે વિવાદ પણ થયો હતો. આ સિવાય આ જ પરિસરમાં મૂર્તિઓ મૂકવાનો વધુ એક વિવાદ થયો હતો.

ઇમામશાહ એક સૂફી સંત હતા. બંને સમાજના લોકો અહીં દરગાહ પર આસ્થા પ્રમાણે ઇબાદત કરે છે. જોકે પીરાણા ગામ ઇમામશાહ બાવા રોજા સંસ્થાના ટ્રસ્ટી નાઝીર હુસૈન સૈયદ જણાવે છે કે, “વર્ષ 2010થી ઇમામશાહ બાવાની દરગાહને મંદિરમાં ખપાવવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2010માં અહીં દરગાહને રિનોવેટ કરવાનો ઠરાવ પસાર થયો જેમાં ઇસ્લામિક ચિન્હો અને ઓળખ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે બાદમાં સતપંથી સમાજ અને સૈયદ સમાજ વચ્ચે સમજૂતી પણ થઈ.”

આ વિવાદ અંગે સતપંથી સમાજના આગેવાન અને ટ્રસ્ટી હર્ષદ પટેલે કહ્યું હતું કે, "અમે હિન્દુ છીએ. આ પરિસર હિન્દુ મંદિર છે, જેથી મૂર્તિઓની સ્થાપના કરી છે. અમને કોઈથી કંઈ વાંધો નથી."

"જો કોઈને મૂર્તિ મૂકવાથી વાંધો હોય તો તે ચૅરિટીકમિશનર સમક્ષ ફરિયાદ કરી શકે છે."

દીવાલ બનાવવાના મામલે તેઓ કહે છે કે, "દીવાલ બનાવવા અંગે ટ્રસ્ટમાં બહુમતી સાથે નિર્ણય કરાયો હતો તેમજ કલેકટરની મંજૂરી બાદ દીવાલ બનાવાઈ છે."

"આ મુદ્દો પ્રશાસનનો નથી. આ મંદિર હિન્દુ ધર્મના દસમા અવતાર નિષ્કલંકી ભગવાનનો છે, વર્ષોથી અમે અહીં પૂજા કરીએ છીએ."

સતપંથી વિરુદ્ધ સનાતની

સતપંથીઓ અને સનાતનીઓ શા માટે સામસામે છે?

સતપંથી વિરુદ્ધ સનાતની

ઇમેજ સ્રોત, PRASHANT GUPTA

ઇમેજ કૅપ્શન,

જાણકારો કહે છે કે જ્યારથી પાટીદારો ગુજરાતના કચ્છમાં આવ્યા ત્યારથી આ વિવાદ ચાલ્યો આવે છે.

તે વેળા ઘણા પાટીદારો સતપંથમાં આસ્થા ધરાવતા હતા. તેઓ પીરાણા ખાતે આવેલા ઇમામશાહની ઉપાસના કરતા હતા. આ પંથમાં ઇસ્લામિક રીતિરિવાજો પણ હોવાને કારણે કેટલાક પાટીદારો તેનો વિરોધ પણ કરવા લાગ્યા.

એ સમયે કચ્છી કડવા પાટીદાર સમાજમાં એક સુધારક થઈ ગયા. તેમનું નામ હતું નારણજીભાઈ રામજીભાઈ લીંબાણી.

સૌપ્રથમ તેમણે નાશિક-ત્ર્યંબકેશ્વર જઈને દેહશુદ્ધિ કરી. ત્યાર બાદ તેમણે ઘણા સતપંથમાં આસ્થા ધરાવનારાઓને સમજાવીને સનાતની બનાવવાનું કામ કર્યું.

કચ્છી કડવા પાટીદાર સમાજ (સનાતની)ના પ્રમુખ અબજીભાઈ કાનાણી કહે છે, "8થી 11 ઑગસ્ટ, 1920ના રોજ કચ્છી કડવા પાટીદારોનું પહેલું સંમેલન કરાચીમાં યોજાયું હતુ. તે વખતે પાટીદારોમાં કુરિવાજો સામે મોરચો માંડવામાં આવ્યો હતો. તે વખતે મરણ થાય તો મૃતકને દફનાવવામાં આવતા હતા. પરંતુ સમાજમાં અગ્નિ સંસ્કાર થાય તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો."

જાણકારો એમ પણ કહે છે કે એ વખતે સતપંથીઓનો કડવા પાટીદાર સમાજ પર પ્રભાવ હતો. તેથી તેમનો ખૂબ વિરોધ પણ થયો. પરંતુ તેમણે અન્ય સંતોની મદદથી ઘણા લોકોને પીરાણા ખાતેના સતપંથમાં જતા રોક્યા.

પીરાણામાં ઇમામશાહની દરગાહ પર અખંડ જ્યોત પ્રગટે છે. તેથી તેને સતપંથીઓ જ્યોતિમંદિર કહે છે.

જાણકારો કહે છે કે ત્યાર બાદ સતપંથીઓનું એક જૂથ અલગ થયું અને પીરાણાપંથની સામે તેમણે લક્ષ્મીનારાયણ મંદિરો બનાવ્યાં.

વર્ષ 2010માં આ વિવાદ વધુ વકર્યો. ત્યારે જ્ઞાતિના કેટલાક લોકોએ સતપંથમાં આસ્થા ધરાવનારાઓને ઘરવાપસીના નામે સનાતની બનાવવાનું અભિયાન જોરશોરથી શરૂ કર્યું.

કચ્છમિત્રના પત્રકાર પ્રશાંત પટેલ કહે છે, "પાટીદારો સનાતની પણ છે, સ્વામીનારાયણ પંથમાં માનનારા છે, આર્યસમાજમાં આસ્થા ધરાવનારા પણ છે, સતપંથી-પીરાણાપંથમાં પણ માને છે."

"આવો વિવાદ ભૂજ,માંડવી કે મુન્દ્રા તાલુકાના કડવા પાટીદારોમાં નથી, પણ નખત્રાણા અને લખપતના પાટીદારોમાં આ વિવાદ ચરમસીમા પર છે."

પ્રશાંત પટેલ વધુમાં જણાવે છે કે આ પ્રકારનો વિવાદ સમાજના ઉત્કર્ષ માટે અવરોધરૂપ બની શકે છે.

સતપંથી વિરુદ્ધ સનાતની

સતપંથીઓનાં કયાં રીતિરિવાજોનો થઈ રહ્યો છે વિરોધ?

સતપંથી વિરુદ્ધ સનાતની

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ઇમેજ કૅપ્શન, પીરાણા ખાતે ઇમામશાહની દરગાહ/સમાધિસ્થળ

સનાતની જૂથ સતપંથીઓ પર લગ્ન અને મરણ પ્રસંગે કેટલાંક ઇસ્લામિક રીતિરિવાજો અપનાવવાનો આરોપ લગાવે છે.

અબજીભાઈ કાનાણી આરોપ લગાવતાં કહે છે, "સતપંથીઓ ઇસ્લામિક પદ્ધતિ પ્રમાણે મૃતદેહને દફનાવે છે. લગ્ન પ્રસંગે પણ અગ્નિ સમક્ષ ચોરીફેરો ફરતા નથી પણ નિકાહની માફક વિધિ કરે છે. જે જ્ઞાતિના આચરણને અનુકૂળ નથી."

જોકે, સતપંથીઓ આ આરોપોને ફગાવે છે. તેઓ કહે છે કે તેઓ હિન્દુ જ છે અને તેઓ હિન્દુ દેવીદેવતાની જ ઉપાસના કરે છે.

શ્રી કચ્છી કડવા પાટીદાર સતપંથી સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટના મહામંત્રી જેઠાલાલ પટેલ કહે છે, "મુસ્લિમ આચરણો કરીએ છીએ તે વાત ખોટી છે. અમારો સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે. કેટલાક લોકો મૃતદેહને ભૂમિદાહ દે છે પણ હિન્દુઓમાં ઘણા લોકો તેમના મૃતદેહને ભૂમિદાહ દે છે."

તેઓ પોતાનો તર્ક રજૂ કરતાં કહે છે કે, "દક્ષિણમાં લિંગાયત સમુદાય મૃતદેહને ભૂમિદાહ દે છે તો શું તેઓ હિન્દુ મટી ગયા? ગોસ્વામી સમાજના લોકો પણ ભૂમિદાહ દે છે. અમે હિન્દુ વિધિવિધાનના આધારે જ લગ્ન કરીએ છીએ."

"અમારામાં પણ અગ્નિદાહ દેનારા છે, એવું નથી કે બધા જ ભૂમિદાહ દે છે."

"અમે ગાયો કાપીએ છીએ તે વાત પણ ખોટી છે. અમે તો ગૌશાળા ચલાવીએ છીએ. હા, અમારી પ્રાર્થના કે ભજનમાં સૂફીપણું હોય તો તેને કારણે અમે મુસ્લિમ થઈ નથી જતા."

બીજી તરફ પીરાણા ખાતેના નિષ્કલંકીધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી હર્ષદ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "આ લોકોની નજર અમારા ટ્રસ્ટની સંપત્તિ પર છે. સત્તાની લાલચમાં આ લોકો વાહિયાત વાતો કરે છે."

જોકે સનાતની જૂથના પાટીદારોનું કહેવું છે કે સત્તા કે સંપત્તિની વાત નથી આ સમાજની આચારસંહિતાની વાત છે.

તો સતપંથી જૂથના નેતા ડાહ્યાભાઈ ઉકાણી કહે છે, "અમારી પીરાણા પીઠમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શંકરાચાર્યો સુધ્ધાં મુલાકાતો લે છે. અમારી પીઠ સંત સમાજનો હિસ્સો છે. છતાં અમે હિન્દુ કેમ નથી?"

સતપંથી વિરુદ્ધ સનાતની
સતપંથી વિરુદ્ધ સનાતની