ભાજપે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 67 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી-ન્યૂઝ અપડેટ

હરિયાણા વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને 67 ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે. પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું, “પાર્લામેન્ટરી બૉર્ડે 67 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની લાડવાથી ચૂંટણી લડશે. તમામ પ્રમુખ નેતાઓની બેઠકો નક્કી કરી દેવામાં આવી છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “ગુરુવારથી નામાંકન શરૂ થશે અને 5થી 12 તારીખ સુધીમાં તમામ ઉમેદવારો તેમનું ઉમેદવારીપત્રક ભરશે. બાકીની બેઠકો માટે ઉમેદવારની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો હતો. હવે હરિયાણા માટે મતદાન 5 ઑક્ટોબરના રોજ થશે.

આ રાજ્યમાં પોલીસદળમાં મહિલાઓને મળશે 33% અનામત

રાજસ્થાનમાં પોલીસદળમાં મહિલાઓને મળશે 33% અનામત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનમાં પોલીસદળમાં મહિલાઓને મળશે 33% અનામત

રાજસ્થાનની કૅબિનેટે પોલીસદળમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

મુખ્ય મંત્રી ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી.

ઉપમુખ્ય મંત્રી પ્રેમચંદ બૈરવાએ કહ્યું, “વિધાનસભાની ચૂંટણી પહેલા અમે મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસદળમાં મહિલાઓની 33 ટકા ભરતી કરવાનો વાયદો કર્યો હતો. આ નિર્ણયથી રાજ્યમાં મહિલાઓને રોજગારની વધુ તક ઉપલબ્ધ થશે સાથે રાજસ્થાન પોલીસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે.”

તેમણે કહ્યું, “મહિલાઓ સાથે જોડાયેલા મામલામાં પોલીસ હવે વધુ સંવેદનશીલતા સાથે કામ કરશે.”

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા મામલે શું બોલ્યા રાહુલ ગાંધી?

જમ્મુ-કાશ્મીર, કૉંગ્રેસ, રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીમાં ઘોષણા કરી છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીને જ રહેશે.

તેમણે રામબનમાં એક રેલીને સંબોધતા કહ્યું, “પહેલી વખત રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. પહેલા કેન્દ્રસાશિત પ્રદેશને રાજ્ય બનાવાયું હતું. રાજ્યના ભાગલા પાડીને બે રાજ્યો બનાવ્યા. તેલંગાણા, છત્તીસગઢ અને ઉત્તરાખંડ બન્યાં.”

“પરંતુ પહેલી વખત હિન્દુસ્તાનના કોઈ રાજ્યનો હક છીનવી લેવામાં આવ્યો. આધુનિક ભારતના ઇતિહાસમાં આમ પહેલી વખત બન્યું. સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવો છે. તમારું ફક્ત રાજ્ય જ નહીં પરંતુ અધિકાર અને ધન પણ છીનવી લેવામાં આવી રહ્યું છે.”

તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે પહેલા જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને પછી ચૂંટણી થાય. પરંતુ આમ ભાજપ નથી ઇચ્છતું. INDIA ગઠબંધન તેમના પર દબાણ લાવશે અને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો તેમને આપવો જ પડશે.”

જીવાંજી દીપ્તિએ પેરિસ પૅરાલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો, ભારતના ખાતામાં 20 મેડલ

જીવાંજી દીપ્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીવાંજી દીપ્તિ

તેલંગણાનાં જીવાંજી દીપ્તિએ પેરિસ પૅરાલિમ્પિકમાં 400 મીટર ટી-20 સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.

સાથે જ મેન્સ ભાલાફેંકમાં એફ46માં અજિતસિંહે સિલ્વર મેડલ અને આ જ સ્પર્ધામાં સુંધરસિંહ ગુજ્જરે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.

મેન્સ લાંબા કૂ઼દકા ટી-20 સ્પર્ધામાં શરદકુમાર અને મિરયપ્પને સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યાં છે.

મંગળવારે સાંજે ભારતીય ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા એ સાથે જ ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 20 મેડલ મેળવી લીધા છે.

400 મીટર ટી-20 સ્પર્ધાની ફાઇનલમાં દીપ્તિએ 55.82 સેકન્ડનો સમય લીધો અને ત્રીજા નંબરે રહ્યાં હતાં.

યુક્રેનની યુલિયા શુલિયરે 55,16 સેકન્ડ સાથે ગોલ્ડ અને તુર્કીનાં ઇસર ઓન્ડરે 55.23 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

મે 2024માં જાપાનમાં થયેલી વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં દીપ્તિએ 400 મીટર ટી-20 કૅટગરીમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. તેમણે આ રેસ 55.07 સેકન્ડમાં પૂરી કરી હતી.

દીપ્તિએ ગત વર્ષે ચીનમાં યોજાયેલી એશિયન પૅરા ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનના સંકેત

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન પર વાતચીત ચાલી રહી છે અને સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આપે 10 સીટની માગ રાખી છે.

હરિયાણા કૉંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાએ પણ કહ્યું કે બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની વાત ચાલી રહી છે અને જલદી કોઈ નિર્ણય આવી શકે છે.

તેમણે કહ્યું, "આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાતચીત શરૂઆતના તબક્કામાં છે અને આગામી બે દિવસમાં કોઈ નિર્ણય થશે તો તેની માહિતી અપાશે."

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ અનુસાર, કૉંગ્રેસે આમ આદમી પાર્ટીને સાત સીટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

હરિયાણા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુનીલ ગુપ્તાએ મંગળવારે કહ્યું હતું કે "રાષ્ટ્રીય નેતૃત્વના આદેશ હેઠળ અમે બધી 90 વિધાનસભા બેઠક પર તૈયારી કરી રહ્યા છીએ. અમે પરિવાર જોડો અભિયાન ચલાવ્યું છે."

દીપક બાબરિયાએ મીડિયાને કહ્યું કે કૉંગ્રેસની કેન્દ્રીય કમિટીમાં 49 બેઠકો પર વાતચીત થઈ અને બાકીના 41 બેઠક પરનાં સૂચનો આગળ મોકલી દેવાયાં છે.

આ દરમિયાન હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહે કૉંગ્રેસ અને આપ પર નિશાન સાધ્યું છે અને બંને પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે.

યુક્રેનના પોલતાવા પર થયેલા રશિયાના હુમલામાં 51 લોકોનાં મોત

યુક્રેન-રશિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

યુક્રેનના પોલતાવા પર થયેલા રશિયાના મિસાઇલ હુમલામાં અત્યાર સુધીમાં 51 લોકોનાં મોત થયાં છે.

પોલતાવા યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીએવથી 130 કિમી દૂર છે.

આ શહેર યુદ્ધની ફ્રન્ટલાઇન પર નથી, તેમ છતાં લાંબા અંતરવાળી મિસાઇલની ઝપેટમાં આવી જાય છે.

જે મિસાઇલથી રશિયાએ હુમલો કર્યો એ ઇસ્કંદર એમ બૅલેસ્ટિક મિસાઇલ છે, જે 500 કિમી દૂર જઈને મારી શકે છે. આ મિસાઇલમાં 700 કિલોગ્રામ વિસ્ફોટક આવી શકે છે.

ગત રાતે યુક્રેનની સેનાએ કહ્યું હતું કે ક્રીમિયાથી ઇન્કંદર મિસાઇલો છોડાઈ રહી છે. ક્રીમિયાથી પોલતાવાનું અંતર અંદાજે 430 કિમી દૂર છે.

પોલતાવાને કેમ નિશાન બનાવાયું?

પોલતાવા રશિયાની સીમાથી 140 કિમી દૂર છે. અહીં રશિયાએ એવો હુમલો કર્યો છે કે લોકોને કોઈ તક મળી નથી. આ કારણે 50થી વધુ લોકોનાં મોત થયાં છે.

એટલા માટે જ યુક્રેનના રક્ષા મંત્રાલયે કહ્યું કે પોલતાવા માટે આ ભયાનક દિવસ છે. મંત્રાલયે જણાવ્યું કે ઍર રેડ સાયરન અને મિસાઇલ હુમલા વચ્ચે એટલો ઓછો સમય હતો કે લોકો બૉમ્બ શેલ્ટરમાં જતી વખતે જ ઘાયલ થઈ ગયા.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.