છત્તીસગઢ : બીજાપુરમાં સંદિગ્ધ માઓવાદી હુમલામાં સુરક્ષા દળના નવ જવાનનાં મૃત્યુ- ન્યૂઝ અપડેટ

છત્તીસગઢમાં સુરક્ષા દળના નવ જવાનનાં મૃત્યુ થયાં છે

ઇમેજ સ્રોત, Alok Putul

ઇમેજ કૅપ્શન, છત્તીસગઢમાં સુરક્ષા દળના નવ જવાનનાં મૃત્યુ થયાં છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

છત્તીસગઢમાં માઓવાદ પ્રભાવિત બીજાપુરના કુટરૂ બેન્દ્રે માર્ગ પર સંદિગ્ધ માઓવાદીઓના હુમલામાં સુરક્ષા દળના નવ જવાનનાં મૃત્યુ થયાં છે.

પોલીસ પ્રમાણે આ હુમલો આઈઈડી વિસ્ફોટ દ્વારા કરાયો હતો.

બસ્તર પોલીસ મહાનિરીક્ષક (આઇજી) સુંદરરાજ પીએ જણાવ્યું કે દંતેવાડા, નારાયણપુર, બસ્તર અને બીજાપુરની સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ અને સીઆરપીએફના જવાનોની ટીમ માઓવાદી ઑપરેશનમાંથી પાછી ફરી રહી હતી, ત્યારે જ આ હુમલો થયો.

પોલીસ અનુસાર સોમવારે બપોરે જવાનોની ટીમ થાણા કુટરૂની ગ્રામ ઍસેમ્બ્લી પાસેથી પસાર થઈ રહી હતી, એ સમયે સુરક્ષા દળોનું એક વાહન આઈઈડી બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયું.

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સ્થળ પર જ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના આઠ જવાન અને એક વાહનચાલકનાં મૃત્યુ નીપજ્યાં. કેટલાક જવાનો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે.

HMPV: ગુજરાતમાં પણ એચએમપીવી વાઇરસના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો

HMPV : કર્ણાટકમાં એચએમપીવી વાઇરસના બે કેસ મળ્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાઇરસની પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં પણ એચએમપીવી વાઇરસના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે. હેલ્થ વિભાગના સૂત્રોએ બીબીસી ગુજરાતીનાં સંવાદદાતા લક્ષ્મી પટેલને આપેલી જાણકારી પ્રમાણે ગુજરાતનો આ પહેલો કેસ નોંધાયો છે. આ સંક્રમણ બે મહિનાના બાળકને થયું છે. 26મી ડિસેમ્બરના રોજ આ બાળકનાં નમૂના લેવામાં આવ્યાં હતાં. બાળકને હાલ અમદાવાદની ચાંદખેડાની ખાનગી હૉસ્ટિપલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી.

બીજી તરફ કર્ણાટકમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ એટલે કે એચએમપીવીના બે મામલા સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઍક્સ પર આ વિશે નિવેદન જારી કરતા કહ્યું, "કર્ણાટકમાં નિયમિત તપાસ દરમિયાન આઈસીએમઆરને એચએમપીવીના બે કેસ મળ્યા છે."

આરોગ્ય મંત્રાલય અનુસાર બંને કેસોમાં સંક્રમણ બાળકોમાં જોવા મળ્યું છે. એક ત્રણ મહીનાની બાળકી સંક્રમિત થઈ છે, જોકે, તેને ઉપચાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. બીજો કેસ એક આઠ મહિનાનો શિશુ છે જેનો ઇલાજ બેંગાલુરુની હૉસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે.

કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગંડુરાવે બીબીસીને જણાવ્યું કે "તેને એચેમપીવીનો પહેલો કેસ ગણવો અયોગ્ય છે કારણકે આ વાઇરસનું અસ્તિત્વ ભારતમા પહેલાથી જ છે. બાળકો તેનાથી સંક્રમિત થતાં હોય છે. અમે તે નથી જાણતા કે ચીનનો વૅરિયન્ટ છે કે અન્ય કોઈ વૅરિયન્ટ. તે મ્યૂટેટ થયો છે કે નહીં. ભારત સરકારે આ મામલે કોઈ જાણકારી આપી નથી. હાલ ચિંતાની કોઈ બાબત નથી."

આરોગ્ય મંત્રાલયે એચએમપીવી વાઇરસ પર કહ્યું, 'ચિંતા કરવા જેવું નહીં'

એચએમપીવી વાઇરસનાં સંક્રમણના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેનાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.

સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના મહાનિદેશક ડૉ. અતુલ ગોયલે કહ્યું, "મીડિયામાં આ પ્રકારના સમાચાર છે કે ચીનમાં હ્યુમન મેટા ન્યૂમો વાઇરસ ફેલાઈ રહ્યો છે. પરંતુ આપણે ત્યાં આ એચએમપીવી શ્વસન સાથે સંકળાયેલો વાઇરસ છે જે શરદી અને ખાંસી જેવી બીમારી પેદા કરે છે."

"ગભરાવાની જરૂર નથી."

તેમણે વધુમાં કહ્યું, "આ એક સામાન્ય શ્વસન વાઇરસ છે અને તેનાં હલકાં લક્ષણો હોય છે. દેશની હૉસ્પિટલો આ વાઇરસ સામે લડવા તૈયાર છે."

ઉલ્લેખનીય છે કે આ વાઇરસની અસર વૃદ્ધ અથવા તો નાનાં બાળકો પર વધારે થાય છે.

તામિલનાડુના રાજ્યપાલે લગાવ્યો વિધાનસભામાં સંવિધાન અને રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ

તામિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિન સાથે રાજ્યપાલ આર. એન. રવિ(ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, તામિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિન સાથે રાજ્યપાલ આર. એન. રવિ(ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોમવારે તામિલનાડુ વિધાનસભા સત્ર શરૂ થતા જ રાજ્યપાલ અને સત્તા પક્ષ વચ્ચે વિવાદ પણ શરૂ થયો.

તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ ગૃહમાં સંવિધાન અને રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ લગાવ્યો છે.

તામિલનાડુના રાજભવન તરફથી ઍક્સ પર જારી નિવેદનમાં કહેવાયું છે, "આજે તામિલનાડુ વિધાનસભામાં ભારતના સંવિધાન અને રાષ્ટ્રગાનનું ફરી વખત અપમાન થયું છે. અમારા સંવિધાનમાં રાષ્ટ્રગાનનું સન્માન કરવું પહેલી જવાબદારી ગણાવાઈ છે. રાજ્યપાલનું અભિભાષણ શરૂ થાય અને પૂર્ણ થાય ત્યારે તમામ રાજ્યોની વિધાનસભાઓમાં રાષ્ટ્રગાન થાય છે. આજે ગૃહમાં રાજ્યપાલ પહોંચ્યા તો માત્ર તામિલ થાઈ વાઝથૂ ગાવામાં આવ્યું."

તેમના જણાવ્યા અનુસાર તેમણે મુખ્ય મંત્રી, સ્પીકર પાસે રાષ્ટ્રગાન કરાવવાની અપીલ કરી. પરંતુ તેમણે તે માગ ફગાવી. તેથી તેઓ સંવિધાન અને રાષ્ટ્રગાનના અપમાનમાં સામેલ ન થઈ સદનમાંથી જતા રહ્યા.

તામિલનાડુ પ્રદેશના કૉંગ્રેસ અધ્યક્ષ કે. સેલ્વાપેરુંથાગાઈએ રાજ્યપાલ પર તામિલનાડુ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, "રાજ્યપાલ તામિલનાડુના લોકોના અને પોલીસના વિરોધી છે. તેઓ ગૃહમાં પારિત કોઈ પ્રસ્તાવ સ્વીકાર કરતા નથી."

સોમવારે તામિલનાડુ વિધાનસભાનું સત્ર શરૂ થયું, વિપક્ષ એઆઈએડીએમકેએ અન્ના યુનિવર્સિટીમાં યૌન ઉત્પીડનના મુદ્દે પ્રદર્શન કર્યું.

પાયલ કાપડિયા ગોલ્ડન ગ્લોબની બંને શ્રેણીમાં ઍવૉર્ડથી ચૂક્યાં

પાયલ કાપડિયા, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ETIENNE LAURENT/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પાયલ કાપડિયા

ફિલ્મ નિર્દેશક પાયલ કાપડિયાની ફિલ્મ 'ઑલ વી ઇમેજિન એજ નાઇટ' 82મા ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ(અંગ્રેજી સિવાયની) મોશન પિક્ચર શ્રેણીમાં ઍવૉર્ડ પ્રાપ્ત કરવામાં ચૂકી ગઈ છે.

આ શ્રેણીમાં ફ્રાન્સનાં એમિલિયા પેરેઝની ફિલ્મને ઍવૉર્ડ મળ્યો.

કાપડિયાની પહેલી ફિલ્મને 82માં ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં બે શ્રેણીઓમાં નૉમિનેટ કરવામાં આવી હતી.

પાયલ કાપડિયા ભારતીય ફિલ્મ નિર્દેશક છે જેમને બેસ્ટ ડાયરેક્ટર ઍવૉર્ડ માટે નૉમિનેશન મળ્યું છે. આ શ્રેણી માટે પણ તેમને ઍવૉર્ડ મળ્યો નહોતો

આ પહેલા પાયલ કાપડિયાની ફિલ્મને કાન ફિલ્મ સમારોહમાં પણ ઍવૉર્ડ મળી ચૂક્યો છે. ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડની શરૂઆત અમેરિકાના લૉસ એંજિલસમાં ભારતના સમયાનુસાર સોમવારે સવારે થઈ.

હમાસ 34 બંધકોને છોડવા તૈયાર, ઇઝરાયલ સાથે સમજૂતી માટે વાતચીત

ઇઝરાયલ, ગાઝા, હમાસ, બંધકો, સંઘર્ષ વિરામ, સમજૂતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી બંધકોને છોડાવવા માટે તેલ અવીવમાં લાંબા સમયથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે પ્રદર્શનો ચાલી રહ્યાં છે

ગાઝા સંઘર્ષ વિરામ સમજૂતિ અંતર્ગત પહેલા ચરણમાં 34 બંધકોને છોડવા માટે હમાસ તૈયાર છે.

બીબીસી સંવાદદાતા જોનાહ ફિશર અનુસાર હમાસના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને 34 બંધકોની યાદી આપી છે.

હજુ એ અસ્પષ્ટ છે કે તેમાં કેટલા બંધકો જીવતા છે. યાદીમાં આપવામાં આવેલાં નામોમાં દસ મહિલાઓ તથા 50થી 85 વર્ષના 11 બંધકો છે તથા કેટલાક યુવાનો છે.

આ પહેલાં હમાસે દાવો કર્યો હતો કે ઇઝરાયલના હુમલામાં તેઓ માર્યા ગયા છે.

જોકે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે હમાસ તરફથી બંધકોની યાદી સુપ્રત કરવામાં નથી આવી. ઇઝરાયલે સંઘર્ષ વિરામને લઈને અને બંધકોના છૂટકારાને લઈને વાતચીત ચાલી રહી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

બીપીએસસી પરીક્ષા: ધરણા પર બેઠેલા પ્રશાંત કિશોરની પોલીસે કરી ધરપકડ

પ્રશાંત કિશોર, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, બિહાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રશાંત કિશોર પટનાના ગાંધી મેદાનમાં ચાર દિવસથી અનશન પર હતા

પટાનાના ગાંધી મેદાનમાં બીપીએસસી અભ્યાર્થિઓના સમર્થનમાં આમરણાંત અનશન પર બેઠેલા પ્રશાંત કિશોરની બિહાર પોલીસે ધરપકડ કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સોમવારે વહેલી સવાલે પટના પોલીસે તેમને હિરાસતમાં લીધા. દરમિયાન પોલીસ અને તેમના સમર્થકો વચ્ચે રકઝક પણ થઈ.

ધરપકડ પહેલાં પ્રશાંત કિશોરે પત્રકારો સાથેની વાતચીતમાં અનશન સમાપ્ત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

તેમણે કહ્યું હતું, "ડૉક્ટરોએ અનશન સમાપ્ત કરવાની સલાહ આપી છે. તે સ્વાભાવિક છે. પરંતુ અનશન યથાવત્ છે."

બીપીએસસી પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા મામલે તેમણે કહ્યું, "તેની અમને જાણકારી નથી. મેં વિદ્યાર્થીઓને વચન આપ્યું છે કે તમામ કાયદાકીય વિકલ્પોને અપનાવાશે. તેથી અમે 7 જાન્યુઆરીના રોજ હાઇકોર્ટ જશું. તેનાથી પહેલા સુપ્રીમ કોર્ટ જવું ફાયદાકારક નથી."

ગુરુવારથી તેમણે અનશન શરૂ કર્યા હતા. 13 ડિસેમ્બરના રોજ બીપીએસસી અભ્યાર્થિઓની પરીક્ષામાં ધાંધલીના આરોપો બાદ 18 ડિસેમ્બરથી પટાનાના ગર્દની બાગમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.

પરીક્ષાર્થીની માગ છે કે પરીક્ષા બીજીવાર લેવામાં આવે. પરંતુ પટનાના બાપૂ પરીક્ષા પરિસર કેન્દ્રના અભ્યર્થિની પરીક્ષા જ બીજી વખત લેવામાં આવી હતી જેને કારણે વિવાદ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.