ચોમાસાની વિદાય શરૂ થવા છતાં ગુજરાતમાં વરસાદની આગાહી, બંગાળની ખાડીની સિસ્ટમ કેવી અસર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા ચોવીસ કલાકમાં સાઉથ ગુજરાતમાં ઘણી જગ્યાએ જોરદાર વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છ સૂકો વિસ્તાર રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે.
ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં વધુ ભાગોમાંથી આજે ચોમાસું વિદાય લેશે. જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે કેટલીક જગ્યાએ હજુ વરસાદ પડી શકે છે.
આગામી ત્રણ દિવસમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાંથી પણ ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે. હાલમાં સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે કેટલીક જગ્યાએ વરસાદ પડવાની આગાહી છે.
છેલ્લા ચોવીસ કલાકના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં 60થી વધારે જગ્યાએ વરસાદ પડ્યો છે. ચોવીસ કલાકની અંદર ડાંગ-આહવામાં 2.09 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગર શહેરમાં 1.93 ઇંચ, વલસાડના પારડીમાં 1.50 ઇંચ, અમરેલીના રાજુલામાં 1.50 ઇંચ, ભરુચના હાંસોટમાં 1.50 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત નવસારીમાં 1.46 ઇંચ, જાફરાબાદમાં 1.46 ઇંચ, ડેડિયાપાડા, ચિખલી અને ખેરગામમાં 0.87 ઇંચ, ખેડા, વાપી, પેટલાદ, વાલોદ, વલસાડ, વાંસદામાં અડધાથી પોણા ઇંચ વરસાદ પડ્યો છે.
માંગરોળ, નડિયાદ, ગોધરા, બાબરા, મેંદરડા, પલસાણા, સિનોર, લોધિકા, બોરસદ, નાંદોદ, ડભોઈમાં પણ વરસાદ પડી ગયો છે.
બંગાળની ખાડી પર સિસ્ટમ રચાઈ

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે એક એલર્ટ આપીને જણાવ્યું છે કે બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે કેટલીક જગ્યાએ 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર ગુજરાત સુધી વર્તાશે કે નહીં તે હજુ નિશ્ચિત નથી. એક અંદાજ પ્રમાણે આ સિસ્ટમના કારણે ઓડિશા અને તેલંગણાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે 23 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થવાની છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
ગુજરાતમાં 110 ટકાથી વધુ વરસાદ
અત્યાર સુધીના વરસાદના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં સરેરાશની તુલનામાં 110 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે. કચ્છમાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 96 ટકા વરસાદ પડ્યો છે. એકમાત્ર સૌરાષ્ટ્રમાં ચાર ટકા વરસાદની ઘટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર ગુજરાતમાં 120 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 113 ટકા અને સાઉથ ગુજરાતમાં 115 ટકા વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી સે. રહેવાની આગાહી છે. હવામાં મહત્તમ ભેજનું પ્રમાણ 80 ટકા રહી શકે છે. આગામી દિવસોમાં પણ અમદાવાદમાં વધુમાં વધુ 34 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















