ગુજરાત પર એકસાથે બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય, હજુ કેટલા દિવસ અતિભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન ચોમાસું વેધર અપડેટ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ સાઉથ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગના ડેટા પ્રમાણે હજુ પણ રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારે વરસાદ પડવાનો ચાલુ રહેશે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 21 ઑગસ્ટ, ગુરુવારે પણ વરસાદનું ભારે જોર રહ્યું હતું. ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના ડેટા પ્રમાણે હજુ પણ રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારે વરસાદ પડવાનો ચાલુ રહેશે.

હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે કે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તાર પર ચોવીસ કલાકમાં વરસાદનું જોર રહ્યું છે. સાઉથ ગુજરાતમાં નવસારી, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.

હવામાનનો ડેટા દર્શાવે છે કે ચોવીસ કલાકમાં દાદરા અને નગરહવેલીમાં ચાર ઇંચ, આણંદમાં એક ઇંચ, અરવલ્લીમાં બે ઇંચ, ભરૂચમાં1.25 ઇંચ, દમણમાં 3.40 ઇંચ, ખેડામાં એક ઇંચ, મહીસાગરમાં ત્રણ ઇંચ, નર્મદામાં 1.25 ઇંચ, નવસારીમાં 6.50 ઇંચ, વલસાડમાં 5 ઇંચ, તાપીમાં 3 ઇંચ, ભાવનગરમાં 1.30 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં પોણા ચાર ઇંચ, જૂનાગઢમાં 5.25 ઇંચ, પોરબંદરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે.

વલસાડના ધરમપુર, પારડી, કપરાડા તથા નવસારીના ખેરગામ, સાબરકાંઠાના તાલોદ, ડાંગ, અરવલ્લીના ધનસુરામાં સારો એવો વરસાદ પડ્યો છે.

એકંદરે જોવામાં આવે તો સુરત, તાપી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં છૂટાછવાયાં સ્થળો પર અતિભારે વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં નર્મદા, ભરૂચ, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાત પર એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય

બીબીસી ગુજરાતી હવામાન ચોમાસું વેધર અપડેટ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ સાઉથ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના આંકડા અને બુલેટિન દર્શાવે છે કે ગુજરાતમાં અત્યારે એકસાથે બે સિસ્ટમ સક્રિય છે જે વરસાદ લાવી રહી છે.

હાલમાં કચ્છ અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તાર પર સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન જળવાઈ રહ્યું છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારા પર એક ઑફશોર ટ્રફની રચના થઈ છે અને તે જળવાઈ રહ્યું છે.

હાલમાં જેસલમેર, કોટા, દાતિયા, સીધી, રાંચી, બાનકુરા, દીઘા પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે જે બંગાળની ખાડી સુધી પહોંચે છે અને તે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ આવેલું છે.

ગુજરાતમાં હવે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદસ્થિત હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તથા કચ્છ જિલ્લામાં 22 ઑગસ્ટે છૂટાછવાયાં સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર અને મોરબીમાં કેટલાંક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.

23 ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાંક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

23 ઑગસ્ટ, શનિવારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી છે. શનિવારે ગુજરાતના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

24 ઑગસ્ટ, રવિવારની આગાહી પ્રમાણે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અપાયું છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રવિવારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને આ વિસ્તારોને યલો ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

સોમવાર, 25 ઑગસ્ટે પણ આવી જ સ્થિતિ રહેશે અને અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાંક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાત જિલ્લા માટે સોમવારે ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની હાલની સ્થિતિ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી 5 દિવસમાં કેવું રહેશે હવામાન? શું છે આગાહી?

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 76 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 79 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનની સરેરાશનો 74 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 72 ટકા, સૌરાષ્ટ્રમાં 76 ટકા અને સાઉથ ગુજરાતમાં 79 ટકા વરસાદ પડી ગયો છે.

ગુજરાતનાં જળાશયોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના 15 ડૅમમાં સરેરાશ 66 ટકા પાણી છે, પરંતુ ડૅમ છલકાયા નથી. મધ્ય ગુજરાતના 17માંથી ચાર ડૅમ છલકાયા છે અને તેમાં 83 ટકા સરેરાશ પાણી ભરાયું છે.

દક્ષિણ ગુજરાતના 13માંથી 9 ડૅમ છલકાયા છે અને 76 ટકા સરેરાશ પાણીનું સ્તર છે. કચ્છના 20માંથી ચાર ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 57 ટકા કરતાં વધારે પાણી છે.

સૌરાષ્ટ્રના 141 ડૅમમાંથી 38 ડૅમ છલકાઈ ગયા છે અને તેમાં 73 ટકા પાણી છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ અત્યાર સુધીમાં 80 ટકા ભરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન