ભાજપ પર મહારાષ્ટ્રમાં ટિકિટ વહેંચણીમાં પરિવારવાદનો આરોપ કેમ લાગી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
"અમે એ 1 લાખ પરિવારોના યુવાનોને આગળ લાવવા માંગીએ છીએ જેમનો રાજકીય પરિવારો સાથે કોઈ સંબંધ નથી. તેમનાં માતા, પિતા, ભાઈ, બહેન, કાકા, મામા કોઈ રાજકારણમાં નથી. તેમને અમે પંચાયત ચૂંટણી, નગરપાલિકા, જિલ્લા પરિષદ જેવાં વિભિન્ન માધ્યમોમાંથી રાજકારણમાં લાવવા માગીએ છીએ. જેથી કરીને રાજકીય ભાઈ-ભત્રીજાવાદ, જાતિવાદમાંથી છૂટકારો મળી શકે."
વડા પ્રધાન મોદીએ 15 ઑગસ્ટ, 2024ના દિવસે તેમના ભાષણમાં આ નિવેદન આપ્યું હતું.
રાજકારણમાં પરિવારવાદ અને ભાઈભત્રીજાવાદ સામે તેમનું આ પહેલું નિવેદન નથી. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના મોટા નેતાઓ વારંવાર કહી ચૂક્યા છે કે ભાજપ એ રાજકારણમાં ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપતો પક્ષ નથી.
પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી પહેલી યાદી જોઈએ તો પક્ષે એવા ઘણા ઉમેદવારોને ટિકિટ આપી છે.
રવિવારે 20 ઑક્ટોબરે ભાજપે પોતાની પહેલી યાદી જાહેર કરી હતી જેમાં 99 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હંમેશાં પરિવારવાદની ટીકા કરનારા ભાજપે તેમાં અનેક રાજકીય પરિવારોના લોકોને ટિકિટ આપી છે.
કૉંગ્રેસે પણ તેની ટીકા કરી હતી. કૉંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ કહ્યું હતું કે, “ભાજપના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ છે.”
પરંતુ ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે. ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું હતું કે, “ભાજપે હંમેશાં સામાન્ય કાર્યકર્તાને મોકો આપ્યો છે. જે લોકોને ટિકિટ આપવામાં આવી છે તેઓ વર્ષોથી પક્ષ માટે કામ કરી રહ્યા છે.”
રાજકીય પરિવારો કે ઉમેદવારોને ટિકિટ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આગેવાની લેતાં ભાજપે 99 ઉમેદવારોનાંં નામ જાહેર કર્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેણે ઘણા વર્તમાન ધારાસભ્યોને જાળવી રાખીને 13 મહિલા ઉમેદવારોને પણ તક આપી છે. એવા સમાચાર છે કે ભાજપ હજુ લગભગ 40-50 વધુ બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરશે.
ભાજપની ઉમેદવાર યાદીની બીજી વિશેષતા એ છે કે તેમાં ઘણા નવા ચહેરા હોવા છતાં રાજકીય પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અનેક લોકોને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે. આ ઉમેદવારો કોણ છે? ચાલો જોઈએ..

ઇમેજ સ્રોત, Getty Images
- વિનોદ શેલાર
ભાજપના મુંબઈ શહેરના અધ્યક્ષ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આશિષ શેલારને બાંદ્રા પશ્ચિમ બેઠકથી ત્રીજી વાર ટિકિટ આપવામાં આવી છે. જ્યારે તેમના ભાઈ વિનોદ શેલારને મલાડ પશ્ચિમથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
વિનોદ શેલાર પણ ભૂતપૂર્વ કૉર્પોરેટર છે અને મુંબઈ ભાજપના સચિવ છે. એ પહેલાં પણ તેઓ મુંબઈ મહાનગરપાલિકામાં વિભિન્ન પદો પર કાર્યરત હતા.
- શ્રીજયા ચવ્હાણ
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થયેલા પૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવ્હાણનાં પુત્રી શ્રીજયા ચવ્હાણને પણ ભાજપે ટિકિટ આપી છે.
ભાજપમાં સામેલ થયા બાદ અશોક ચવ્હાણને રાજ્યસભાનું સાંસદપદું આપવામાં આવ્યું હતું. હવે તેમના પરંપરાગત ક્ષેત્ર નાંદેડના ભોકરમાંથી તેમનાં પુત્રીને ટિકિટ આપવામાં આવી છે.
શ્રીજયા પહેલાં ભાજપના વિધાનસભા પ્રમુખ રૂપે કામ કરી ચૂક્યાં છે.
- સુલભા ગાયકવાડ
ભાજપે કલ્યાણ પૂર્વ વિધાનસભા બેઠક પરથી સુલભા ગાયકવાડની ઉમેદવારીની જાહેરાત કરી છે. સુલભા ગાયકવાડ ભાજપના વર્તમાન ધારાસભ્ય ગણપત ગાયકવાડનાં પત્ની છે.
ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ કલ્યાણ પોલીસ સ્ટેશન ફાયરિંગ કેસમાં જેલમાં છે અને તેમના સ્થાને ભાજપે તેમનાં પત્ની સુલભા ગાયકવાડને તક આપી છે. ગણપત ગાયકવાડ શિવસેના શિંદે જૂથના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કરવાના કેસમાં આરોપી છે.
સુલભા ગાયકવાડને મેદાનમાં ઉતારવા માટે શિવસેના ઠાકરે જૂથના સંપર્કમાં હોવાની ચર્ચા પણ વહેતી થઈ હતી.

ઇમેજ સ્રોત, FACEBOOK/ISHANKARJAGTAP
- સંતોષ દાનવે
ભાજપના વરિષ્ઠ નેતા, કેન્દ્રીય મંત્રી અને મરાઠવાડામાં પાર્ટીના ચહેરા એવા રાવસાહેબ દાનવેની વધુ ઉંમરને કારણે ભાજપે વિધાનસભા તેમના પુત્ર અને ભાજપના વર્તમાન ધારાસભ્ય સંતોષ દાનવેને ફરી એકવાર ભોકરદન બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
- અમોલ જાલવે
ભાજપે પૂર્વ સાંસદ હરિભાઉ જાવલેના પુત્ર અમોલ જાવલેને પણ વિધાનસભા માટે તક આપી છે.
તેમને જલગાંવ જિલ્લાના રાવેર મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એવી ચર્ચા હતી કે તેમને લોકસભા મતવિસ્તારમાંથી ત્રીજીવાર તક આપવામાં આવતા મંત્રી રક્ષા ખડસે નારાજ છે.
- શંકર જગતાપ
ભાજપે પિંપરી-ચિંચવડ બેઠક પરથી સ્વર્ગસ્થ ધારાસભ્ય લક્ષ્મણ જગતાપના ભાઈ શંકર જગતાપને ઉમેદવાર બનાવ્યા છે.
અગાઉ લક્ષ્મણ જગતાપના અવસાન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં તેમનાં પત્ની અશ્વિની જગતાપ ચૂંટાયાં હતાં.
શંકર જગતાપ પિંપરી ચિંચવડના ભાજપના શહેર પ્રમુખ છે.
દરમિયાન સમાચાર છે કે એનસીપીના અજિત પવાર જૂથે પણ આ બેઠક પર દાવો કર્યો છે.
- રાહુલ અવાડે
ભાજપે ઇચલકરંજી મતવિસ્તારમાંથી ધારાસભ્ય પ્રકાશ અવાડીના પુત્ર રાહુલ અવાડેની ઉમેદવારીની જાહેરાત કરી છે.
પ્રકાશ અવાડી કૉંગ્રેસના વફાદાર તરીકે જાણીતા હતા. પરંતુ પાંચ વર્ષ પહેલાં તેમણે કૉંગ્રેસ છોડીને અપક્ષ તરીકે 2019ની ચૂંટણી લડી હતી.
પ્રકાશ અવાડે અને તેમના પુત્ર રાહુલ અવાડે ગયા મહિને (સપ્ટેમ્બર 2024) કેન્દ્રીય મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
- પ્રતિભા પચપુતે
ભાજપે શ્રીગોંડા બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા અને આઉટગોઇંગ ધારાસભ્ય બબનરાવ પચપુતેનાં પત્ની પ્રતિભા પચપુતેને તક આપી છે.
પ્રતિભા પચપુતે પહેલીવાર ચૂંટણી લડી રહ્યાં છે.
આ ઉપરાંત ભાજપે નારાયણ રાણેના પુત્ર ધારાસભ્ય નિતેશ રાણે, ધનંજય મહાડિકના પિતરાઈ ભાઈ બંગુ અમલ મહાડિક, અનિલ શિરોલેના પુત્ર સિદ્ધાર્થ શિરોલેને પણ વિધાનસભાના ઉમેદવાર બનાવ્યા છે.
દરેક બેઠક જીતવા માટેનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ ભાજપે વિધાનસભામાં રાજકીય વારસો ધરાવતા અનેક લોકોને તક આપી છે અને તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં પણ એવું જોવા મળ્યું હતું. પરંતુ ભાજપના નેતાઓએ સતત કહ્યું છે કે પાર્ટી રાજકીય વંશવાદને પ્રાધાન્ય આપતી નથી.
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને રાજ્યમાં અપેક્ષિત સફળતા મળી નથી.
આ ઉપરાંત મહારાષ્ટ્રનાં રાજકીય સમીકરણો પણ છેલ્લાં પાંચ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયાં છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં વિવિધ સમુદાયો માટે અનામતનો મુદ્દો પણ મહત્ત્વનો બનવાનો છે.
ઉપરાંત, 2019માં મહારાષ્ટ્રમાં વિધાનસભા પરિણામોમાં સૌથી વધુ બેઠકો જીતવાં છતાં, ભાજપ પોતાના કોઈ નેતાને મુખ્ય મંત્રી બનાવવામાં સક્ષમ નહોતો. જેના કારણે ભાજપે આ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનમાં પણ મહત્તમ ઉમેદવારો ઊભા રાખીને જીતનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ કારણે પાર્ટી માટે દરેક બેઠક મહત્ત્વની છે અને તેને જીતવી એ ભાજપની રણનીતિ છે.
આનું વિશ્લેષણ કરતાં વરિષ્ઠ પત્રકાર સુધીર સૂર્યવંશી કહે છે, “આ વખતે મહારાષ્ટ્રમાં ખૂબ જ જોરદાર મુકાબલો થવાનો છે. ભાજપની યાદી પર નજર કરીએ તો તેણે સલામત ઉમેદવાર ઉતાર્યા છે અને વધુ પ્રયોગ નથી કર્યા. જ્યારે તેમને પૂર્ણ આત્મવિશ્વાસ હોય ત્યારે જ તેઓ પ્રયોગો કરે છે કે જોખમ લે છે. પરંતુ આ વખતે પાર્ટીએ એવું કંઈ કર્યું નથી. અત્યાર સુધી સુરક્ષિત ગણાતાં નામોની જ જાહેરાત કરવામાં આવી છે. આ દર્શાવે છે કે ભાજપ કોઈ જોખમ લેવા માંગતો નથી.”
તેઓ કહે છે, "રાજકીય પરિવારોના લોકોને ટિકિટ આપતી વખતે તેમાં ઉમેદવારોનાં સંસાધનો અને તેમની ચૂંટાવાની ક્ષમતા પણ જોવામાં આવે છે. અનેક જગ્યાએ ટિકિટ આપતી વખતે એ જોવામાં આવ્યું છે કે ઉમેદવાર સત્તાવિરોધી લહેર અથવા તો અસંતોષને ખાળીને પણ જીતી શકશે કે કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક મૃણાલિની નાનીવાડેકર કહે છે કે, “કોઈપણ રાજકીય પક્ષ આનાથી અસ્પૃશ્ય નથી. તેમણે કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષમાં ઉમેદવારોને જીતવા માટે જ ટિકિટ આપવામાં આવે છે. ખાસ કરીને જ્યારે જોરદાર લડાઈ હોય ત્યારે તો એ જોવામાં આવે જ છે. દરેક બેઠક દરેક પક્ષો માટે મહત્ત્વની હોય છે. તમામ પક્ષો ગણિત જોઈને જ ટિકિટ આપી રહ્યા છે. અપવાદોને બાદ કરતાં કોઈ પક્ષ એમાંથી બાકાત રહી શક્યા નથી.”
આ સંદર્ભે અમે ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાય સાથે વાત કરી, “ભાજપે હંમેશાં સામાન્ય કાર્યકર્તાઓને તક આપી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રાજીવ ગાંધીનાં સંતાનો છે અને એટલે તેમને ટિકિટ આપવી એવી ભાજપની નીતિ નથી. વર્ષો સુધી પક્ષ માટે કામ કરનારા યુવા મોરચાના સામાન્ય કાર્યકરોને ભાજપ ટિકિટ આપે છે.”
તેઓ વધુમાં કહે છે, "ભાજપ ઉમેદવાર નક્કી કરતી વખતે દરેક બાબતને ધ્યાનમાં લે છે. સંગઠનની તાકાત, કાર્યકરો સાથે સામાજિક સમીકરણ વગેરે. વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવામાં આવે છે. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવે છે. બસ એમ જ ટિકિટ આપવામાં આવતી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















