ભારત સાથે સંબંધ વણસતા કૅનેડાનું મીડિયા અને શીખ નેતાઓ શું કહે છે?

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

કૅનેડા અને ભારત વચ્ચે સંબંધોમાં ફરી તણાવ વધતા તેની અસર બંને દેશોના મીડિયામાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

કૅનેડાના ડિજિટલ, પ્રિન્ટ અને ટીવી મીડિયામાં સમગ્ર મામલા વિશે વિગતવાર અહેવાલ આવી રહ્યા છે.

કૅનેડાના નૅશનલ પોસ્ટે એક ટિપ્પણીમાં ભારત સાથે રાજદ્વારી યુદ્ધ સમાપ્ત કરવાની સલાહ આપી છે.

કૅનેડિયન પત્રકાર જૉન ઇવિશને આ લેખ લખ્યો છે. લેખના શરૂઆતમાં તેમણે કહ્યું છે કે, કૅનેડા ભારત સાથે 'રાજનૈતિક યુદ્ધ'માં ઊતરી ગયો છે.

તેમણે એમ પણ કહ્યું છે કે, આ એ જ ભારત છે, જેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન અને જર્મની વિરુદ્ધ કૅનેડાને સમર્થન આપ્યું હતું. ભારત કૉમનવેલ્થનો સહયોગી દેશ છે અને ચીન જેવા નિરંકુશ દેશો સામે કૅનેડાનું સમર્થન કરતો આવ્યો છે.

ઇવિશને લખ્યું છે કે, તેમ છતાં બંને દેશ વચ્ચેના સંબંધો ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા છે અને બંને દેશમાં આ સંબંધોમાં સુધારવા લાવવા બાબતે કોઈ ઉતાવળમાં પણ નથી.

કૅનેડાના મીડિયાએ કેવી પ્રતિક્રિયા આપી છે?

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો

સોમવારે પોતાના લેખમાં ઇવિશને બંને દેશ વચ્ચેના આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના રાઉન્ડનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે કહ્યું કે, ભારત સરકારે ટ્રુડો પર વોટબૅન્કની રાજનીતિનો આરોપ લગાવ્યો છે, જેને સંપૂર્ણપણે પાયાવિહોણો ન ગણી શકાય.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેની પાછળનું કારણ ગણાવતા તેઓ લખે છે, "ટ્રુડોએ પ્રવાસી રાજકારણને પોતાની વિદેશ નીતિને પ્રભાવિત કરવા દીધી છે. તેમણે ઘણા કાર્યક્રમોમાં 'શીખ મૂલ્યો જ કૅનેડિયન મૂલ્યો છે' જેવાં નિવેદનો પણ આપ્યાં છે. કૅનેડામાં રહેતા શંકાસ્પદ ખાલિસ્તાની ચરમપંથીઓ સામે કાર્યવાહી કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે."

તેમણે લખ્યું છે કે, "ભારતની તપાસ એજન્સીએ કૅનેડામાં રહીને ખંડણી, આતંકવાદ, દાણચોરી અને મની લૉન્ડરિંગ જેવા ગંભીર ગુનાના આરોપીઓની ઓળખ જાહેર કરીને પ્રત્યર્પણની માગ કરી હતી. પરંતુ તેના પર કોઈ સુનાવણી થઈ ન હતી. આટલું ઓછું હોય તેમ, ગયા વર્ષે ટોરેન્ટોના રસ્તાઓ પર ખાલિસ્તાની પરેડમાં ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢીને તેની ઉજવણી પણ કરવામાં આવી હતી.

ઈવિશને એ પણ કહ્યું છે કે ભારત સરકારે હરદીપસિંહ નિજ્જર પર ચરમપંથી સંગઠન ખાલિસ્તાન ટાઇગર ફોર્સ ઇન મિશન માટે ટેરર કૅમ્પ ચલાવવાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ ન તો નિજ્જરની ધરપકડ કરાઈ અને ન તો કોઈ આરોપ ઘડવામાં આવ્યા.

ટોરોન્ટો સ્ટારે એક લેખમાં જણાવ્યું છે કે, આશરે છ અઠવાડિયાં પહેલાં મામલાએ ઝડપથી વળાંક લેવાનું શરૂ કર્યું હતું.

સૂત્રોને ટાંકીને આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે "આરસીએમપીએ કૅનેડાનાં કેટલાંક શહેરોમાં અલગ-અલગ તપાસ દરમિયાન માહિતી મળી કે ભારતીય રાજદ્વારી અને રાજદ્વારીઓ કૅનેડિયન પ્રવૃત્તિઓની માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીઓને આપી રહ્યા હતા. ત્યારબાદ આ માહિતી લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સુધી પહોંચાડવામાં આવી હતી."

હરજીત સજ્જન જસ્ટિન ટ્રુડો સરકારમાં મંત્રી છે. તેઓ કૅનેડાના સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરજિત સજ્જન જસ્ટિન ટ્રુડો સરકારમાં મંત્રી છે. તેઓ કૅનેડાના સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા છે

'ધ ગ્લોબ ઍન્ડ મેઇલ'ના એક ઓપિનિયન લેખમાં કૅનેડિયન પત્રકાર જૉન ઇબિટ્સન લખે છે, "કૅનેડા દ્વારા ગંભીર ગુનાહિત ગેરરીતિના આક્ષેપો પર ભારતનો પ્રતિસાદ દર્શાવે છે કે ભારત કેટલી હદે ગેરમાર્ગે દોરી શકે છે."

ભારતે કૅનેડાના એક 'ડિપ્લોમેટિક કૉમ્યુનિકેશન'ને ફગાવીને તે અંગે કડક જવાબ આપ્યો છે અને કૅનેડાના દિલ્હીસ્થિત રાજદૂતને સમન્સ કાઢ્યું હતું.

રવિવારે કૅનેડાએ મોકલેલા ડિપ્લોમેટિક કૉમ્યુનિકેશનમાં કૅનેડાસ્થિત ભારતીય રાજદૂત સંજયકુમાર તથા અન્યો પર નિજ્જરની હત્યામાં સંડોવણીના આરોપ મૂક્યા હતા.

આનો ઉલ્લેખ કરતાં જૉન ઇબિટ્સન લખે છે, "જ્યારે એક લોકશાહી દેશને બીજા લોકશાહી દેશ તરફથી આ પ્રકારના ગંભીર આક્ષેપો વિશે જાણ કરવામાં આવે છે, ત્યારે તે સામાન્ય રીતે સંપૂર્ણ સહકારનો વચન આપવામાં આવે છે."

"પરંતુ તેના બદલે ભારતે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારત સરકાર આ આરોપોને સખત રીતે નકારી કાઢે છે. એટલે જ્યારે કૅનેડિયન પોલીસે ભારત સરકારને પુરાવા બતાવ્યા ત્યારે ભારતે બદલામાં વધુ આક્ષેપો કર્યા. ભારતનો જવાબ કાયમ નકારનો રહ્યો છે.

તેમણે એમ પણ લખ્યું કે, જ્યારે અમેરિકાએ એક ભારતીય અધિકારી પર એક શીખ નેતાની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો ત્યારે ભારતે સન્માનજનક રીતે જવાબ આપ્યો હતો. એવું લાગે છે કે કૅનેડા આ મેદાનમાં એક નબળા બાળક જેવું છે.

કૅનેડાના અગ્રણી શીખ નેતાઓએ કેવી પ્રતિક્રિયા આપી છે?

જગમીત સિંહે ટ્રુડો સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું કેમ કે સરકાર તેના વચનો પૂરા કરી શકી નહોતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જગમીતસિંહે ટ્રુડો સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું કેમ કે સરકાર તેનાં વચનો પૂરા કરી શકી નહોતી

જગમીતસિંહ કૅનેડાના એવા નેતા છે જેમણે ઘણી વખત ભારતની ટીકા કરી છે.

સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર તેમણે આ બાબતે વિગતવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, અમે ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

સિંહ કૅનેડાની સરકાર પાસે ભારત પર રાજદ્વારી પ્રતિબંધો લાદવાની અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર કૅનેડામાં પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

તેમણે લખ્યું, "આજે જે કંઈ પણ પ્રકાશમાં આવ્યું છે તેનાથી વધુ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદી સરકાર કૅનેડાની ધરતી પર હત્યા, ખંડણી અને કૅનેડિયનોને નુકસાન પહોંચાડવા જેવા સંગઠિત અપરાધોમાં સામેલ છે."

જગમીતસિંહે લખ્યું છે કે, "આરસીએમપીના કમિશનર દ્વારા આજે જાહેર કરાયેલી માહિતીથી એનડીપી અત્યંત ચિંતિત છે. કૅનેડિયનો, ખાસ કરીને કૅનેડામાં રહેતા શીખ સમુદાય ભય, ધમકીઓ, શોષણ અને હિંસાનો સામનો કરી રહ્યો છે. ખંડણી અને ચૂંટણીમાં દરમિયાનગીરી કરવા જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે અને આ બધું કથિત રીતે ભારતીય અધિકારીઓના હાથમાં છે."

જગમીતસિંહ કૅનેડાની ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટી (NDP)ના નેતા છે. આ વર્ષે તેમની પાર્ટીએ ટ્રુડો સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો.

ભારતીય મૂળના જગમીતસિંહની પાર્ટી છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં 24 બેઠકો જીતીને કિંગમૅકરની ભૂમિકામાં આવી ગઈ છે.

જગમીત સિંહેએ બહાર પાડેલું નિવેદન

ઇમેજ સ્રોત, X/ @theJagmeetSingh

ઇમેજ કૅપ્શન, જગમીત સિંહેએ બહાર પાડેલું નિવેદન

હરજિત સજ્જન જસ્ટિન ટ્રુડો સરકારમાં મંત્રી છે. તેઓ કૅનેડાના સંરક્ષણમંત્રી પણ રહી ચૂક્યા છે.

હરજિત સજ્જને કહ્યું, "કૅનેડાની ધરતી પર કૅનેડિયનોની સુરક્ષાને જોખમમાં મૂકવાના ગંભીર આરોપોને કારણે ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. તે જોઈને સારું લાગે છે કે આપણી કાયદાકીય એજન્સીઓ આવા મુદ્દાઓ પર તેમનું કાર્ય કરી રહી છે. અમે કૅનેડામાં રહીએ છીએ, જ્યાં કાયદાનું શાસન છે."

કૅનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યે પણ ગયા અઠવાડિયે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિન્દુ પત્રકારો પર થયેલા હુમલા પણ ગણાવ્યા હતા.

તેમણે કહ્યું, "હું ખાલિસ્તાની ચરમપંથ વિશે રિપોર્ટિંગ કરનારા પત્રકારો પરના હુમલાઓને લઈને ખૂબ જ ચિંતિત છું. થોડા દિવસો પહેલા ઋષિ નાગર નામના પત્રકાર પર ખૂબ જ ખરાબ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. સમીર કૌશલને માર્ચ 2023માં ખાલિસ્તાની પ્રદર્શન કવર કરવાના કારણે ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો."

આર્યે કહ્યું કે ફેબ્રુઆરી 2022માં ખાલિસ્તાન સંબંધિત હિંસાની ટીકા કરવા બદલ દીપક પુંજ પર તેમના સ્ટુડિયોમાં હુમલો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, આતંકવાદ વિરોધી તપાસ પત્રકાર મોરચા બેઝિરગાનને ખાલિસ્તાની ચરમપંથ વિશે રિપોર્ટિંગ કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

તેમણે કહ્યું કે તેઓ કાયદા અમલીકરણ એજન્સીઓને ખાલિસ્તાની ચરમપંથના મુદ્દાને ગંભીરતાથી લેવાની માગ કરે છે. આર્યે કહ્યું, "ઘણું મોડું થાય તે પહેલાં આ મુદ્દાને સખત રીતે ઉકેલવાની જરૂર છે."

વડા પ્રધાન ટ્રુડોએ કયા દાવા કર્યા?

કેનેડાના સાંસદ ચંદ્ર આર્ય (જમણે)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેનેડાના સાંસદ ચંદ્ર આર્ય (જમણે)

જસ્ટિન ટ્રુડોએ સોમવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત સરકારે એ વિચારવામાં મૂળભૂત ભૂલ કરી છે કે તે કૅનેડાની ધરતી પર કૅનેડિયનો વિરુદ્ધ અપરાધિક ગતિવિધિઓને સમર્થન આપવામાં સામેલ થઈ શકે છે.

કૅનેડિયન પોલીસ રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના વડાના દાવા બાદ જસ્ટિન ટ્રુડોએ આ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.

RCMP ચીફ માઇક ડુહેમે આરોપ લગાવ્યો હતો કે, ભારત સરકારે કૅનેડામાં "મોટા પાયે હિંસામાં" ભૂમિકા ભજવી છે, જેમાં હત્યાનો સમાવેશ થાય છે અને આ જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે.

ગયા વર્ષે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ મૂક્યો હતો કે કૅનેડિયન શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરના હત્યાકેસમાં ભારતીય ઍજન્ટોની સંડોવણી છે અને તે માટેના પુરાવા પણ છે.

ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા. પરંતુ હવે કૅનેડાએ મોટા પાયે ગુનાહિત કામગીરીનો આરોપ લગાવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.