મનરેગાનું સ્થાન લેનાર વિકસિત 'ભારત-જી રામ જી બિલ' કાયદો બન્યું, રાષ્ટ્રપતિની મંજૂરી – ન્યૂઝ અપડેટ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, 'વિકસિત ભારત - જી રામ જી' બિલ 2025

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

સંસદમાં આ અઠવાડિયે પાસ થયેલું 'વિકસિત ભારત - જી રામ જી' બિલ 2025ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. આ હવે કાયદો બની ગયું છે.

'વિકસિત ભારત ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' યુપીએ સરકારના સમયની મનરેગા યોજનાનું સ્થાન લેશે.

આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મજૂરોને 125 દિવસની ગૅરન્ટેડ મજૂરીની જોગવાઈ કરાઈ છે.

સરકારનું કહેવું છે કે નવી યોજનાને 'વિકસિત ભારત - 2047'ના નૅશનલ વિઝન અનુસાર ગ્રામીણ વિકાસના ઢાંચાને તૈયાર કરવાના હેતુથી લવાઈ છે.

રેલવેએ ટિકિટ ભાડું વધાર્યું, કયા ક્લાસમાં કેટલા ભાવ વધ્યા

ભારતીય રેલવે, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ભારતીય રેલવેએ પોતાના ટિકિટ ભાડામાં ફેરફાર કર્યા છે, જે 26 ડિસેમ્બરથી લાગુ થઈ જશે.

રેલવે તરફથી આપવામાં આવેલા અપડેટ અનુસાર, જનરલ ક્લાસના ભાડામાં 215 કિલોમીટર સુધી કોઈ વધારે નથી કરાયો, આનાથી વધારે અંતર માટે પ્રતિ કિલોમીટર એક પૈસા જેટલું ભાડું વધારવામાં આવ્યું છે.

એટલે હવે જો તમે 300 કિલોમીટરની યાત્રા કરશો તો 85 કિલોમીટર માટે તમારે અતિરિક્ત 85 પૈસા ચૂકવવા પડશે.

આની સાથે જ મેલ/ઍક્સપ્રેસ ટ્રેનોમાં નૉન એસી ક્લાસના ભાડામાં પણ બે પૈસા પ્રતિ કિલોમીટર જેટલો વધારો કરવામાં આવ્યો છે. એટલે 300 કિલોમીટરની યાત્રા કરવા પર 600 પૈસા ( છ રૂપિયા) વધારે ચૂકવવા પડશે.

નૉન એસી ક્લાસમાં 500 કિલોમીટર અથવા આનાથી વધારે અંતર માટે વધુમાં વધુ 10 રૂપિયાનો વધારો જ લાગુ થશે.

હવે એસી ક્લાસના યાત્રીઓએ પણ બે પૈસા પ્રતિ કિલોમીટરના હિસાબથી વધારે ભાડું ચૂકવવું પડશે.

રેલવે અનુસાર ભાડામાં આ વધારાથી તેને લગભગ 600 કરોડ રૂપિયાની વધુ આવક થશે.

હાલનાં વર્ષોમાં રેલવેનો જે વિસ્તાર થયો છે તેનું સંચાલન, સુરક્ષા અને મોટા ભાગના કર્મચારીઓની જરૂરિયાતોને જોતાં આ ફેરફાર કરવામાં આવ્યા છે.

બીએમસી: ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મળીને કૉંગ્રેસ ચૂંટણી નહીં લડે

ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, અને સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસે બૃહણ મુંબઈ મહાનગરપાલિકા એટલે કે બીએમસીની ચૂંટણી મહાવિકાસ અઘાડીથી અલગ થઈને લડવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિતલાએ કહ્યું, "કૉંગ્રેસ પાર્ટી એકલાહાથે ચૂંટણી લડશે. અમને પૂરેપૂરો વિશ્વાસ છેકે બીએમસી ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન સારું હશે."

રમેશ ચેન્નિતલાએ કહ્યું હતું કે સ્થાનિક લીડરશિપે આ નિર્ણય લીધો છે.

રમેશ ચેન્નિતલાએ કહ્યું, "આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ક્યારેક અમારા લોકો ગઠબંધન સાથે ચૂંટણી લડવા ચાહે છે અને કેટલાક સ્થાનાઓએ નથી ઇચ્છતા. શું કરવું, તેનો આધાર સ્થાનિક નેતૃત્વ પર હોય છે."

કૉંગ્રેસ નેતાએ કહ્યું, "અમે આના વિશેનો નિર્ણય સ્થાનિક નેતૃત્વ ઉપર મૂક્યો છે. જો તેમને ગઠબંધનની જરૂર હશે, તો કરશે, નહીંતર અમે એકલા લડીશું."

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી-શરદપવાર) તથા શિવસેનાની (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) વચ્ચે સ્થાનિકસ્તરે 'મહાવિકાસ અઘાડી'ના નામે ગઠબંધન છે. રાષ્ટ્રીય સ્તરે આ પક્ષો ઇન્ડિયા ગઠબંધનના ઘટકદળો છે.

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાને મુર્શિદાબાદની હત્યા સાથે જોડવામાં આવતા પશ્ચિમ બંગાળ પોલીસ કડક

દીપૂ ચંદ્ર દાસની હત્યા, મુર્શિદાબાદમાં હત્યા, બાંગ્લાદેશમાં હિંસા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમચારા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં દીપૂ ચંદ્ર દાસની હત્યા થઈ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાંગ્લાદેશમાં દીપૂ ચંદ્ર દાસ નામના યુવકની હત્યાની સરખામણી આઠેક મહિના પહેલાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી એક ઘટના સાથે કરવામાં આવી રહી છે.

રાજ્યની પોલીસે આ પ્રકારના પ્રયાસોને 'ખૂબ જ ઉશ્કેરણીજનક' અને 'સાર્વજનિક વ્યવસ્થા ખોરવનારા' ગણાવ્યા છે.

પશ્ચિમ બંગાળ પોલીસે શનિવારે સાંજે ઍક્સ ઉપર લખ્યું, "તાજેતરમાં બાંગ્લાદેશમાં દીપૂ ચંદ્ર દાસની હત્યા થઈ અને તેને આઠ મહિના પહેલાં મુર્શિદાબાદમાં હરગોબિંદો દાસ તથા તેમના દીકરા ચંદન દાસનાં દુઃખદ મૃત્યુ સાથે સરખાવવાના દુર્ભાગ્યપૂર્ણ પ્રયાસ થઈ રહ્યા છે. આ પ્રકારની સરખામણીઓ એકદમ ઉશ્કેરણીજનક છે. તે તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે. તેનો હેતુ સાર્વજનિક વ્યવસ્થા ખોરવવાનો છે."

પોલીસનું કહેવું છે કે મુર્શિદાબાદના કેસમાં 13 લોકોની તત્કાળ ધરપકડ કરવામાં આવી હતી અને મજબૂત ચાર્જશિટ દાખલ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળ પોલીસે નાગરિકોને અફવાઓ ઉપર ધ્યાન નહીં આપવા અપીલ કરી છે અને કહ્યું છે કે ઉશ્કેરણીજનક તથા ખોટી માહીત ફેલાવનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ગુનાખોરીની ઘટનાઓને કોમી રંગ આપવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લાના ભાલુકામાં ધર્મનું અપમાન કરવાના આરોપ સબબ એક ભીડે દીપૂ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની માર મારીને હત્યા કરી નાખી હતી.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે, એ પછી યુવકના મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ લગાડી દેવામાં આવી હતી. આ કેસમાં બાંગ્લાદેશના સુરક્ષાબળોએ 10 લોકોની ધરપકડ કરી હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈ જણાવે છે.

ભારત આવેલા અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રીએ પાકિસ્તાન વિશે શું કહ્યું?

અફઘાનિસ્તાન આરોગ્ય મંત્રી મૌલવી નૂર જલાલ જલાલી ભારતયાત્રા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સંબંધ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રી ભારતના પ્રવાસે છે

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના આરોગ્ય મંત્રી મૌલવી નૂર જલાલ જલાલીએ દિલ્હીમાં મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે પાકિસ્તાન અને ભારત સાથેના સંબંધ તથા અફઘાનિસ્તાનમાં નકલી દવાઓ વિશે વાત કરી હતી.

અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રીએ કહ્યું, "ભારત સાથે અમારા મજબૂત સંબંધ છે. અમે અહીં સંબંધોનો નવો અધ્યાય શરૂ કરવા માટે આવ્યા છીએ. જ્યાં સુધી પાકિસ્તાન સાથેના અમારા સંબંધોની વાત છે, તો તે હજુ પણ ખૂબ જ ખરાબ છે."

તેમણે કહ્યું, "આરોગ્ય મંત્રી તરીકે મારો એક જ દુશ્મન છે અને તે છે બીમારીઓ. જો હું આ દુશ્મનને કોઈ પણ દેશની મદદથી હરાવી શકું એમ હોઉં, તો હું મદદ માટે હાથ લંબાવીશ."

મૌલવી નૂર જલાલ જલાલીએ કહ્યું, "બનાવટી દવાઓને કારણે અફઘાનિસ્તાનના લોકો ઉપર ભારે નકારાત્મક અસર થઈ છે. લોકોએ ડૉક્ટર ઉપર ભરોસો કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તમે જાણો છો કે જો દવા નકલી હોય કે તેની ગુણવતા ઓછી હોય, તો તેની કોઈ અસર નહીં થાય."

તેમણે કહ્યું, "અફઘાનિસ્તાનમાં 60-70 ટકા દવાઓ પાકિસ્તાનથી આવતી હતી. અમે અગાઉની પરિસ્થિતિને જોતા અન્ય બજારો તરફ નજર દોડાવી છે અને ભારત તેમાંથી એક છે."

ઍપ્સ્ટીન ફાઇલ્સ : પીડિતાઓ નારાજ કેમ છે?

જેફ્રી ઍપ્સ્ટીન ફાઇલ્સ, અમેરિકા ન્યાયતંત્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જેફ્રી ઍપ્સ્ટીનનાં પીડિતા લિઝ સ્ટેન

ઍપ્સ્ટીન ફાઇલ ટ્રાન્સપરન્સી ઍક્ટ હેઠળ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક છોકરીઓનું જાતીય શોષણ કરવામાં દોષિત જેફ્રી ઍપ્સ્ટીન સંબંધિત હજારો પાન્નાના દસ્તાવેજ તથા અનેક તસવીરો સાર્વજનિક કરવામાં આવ્યા છે.

જોકે, ઍપ્સ્ટીનના હાથે અથવા તેના મારફત જાતીય સતામણીનો ભોગ બનેલી પીડિતાઓનું કહેવું છે કે જે કંઈ સાર્વજનિક કરવામાં આવ્યું છે, તે 'અધૂરું અને કાપકૂપ થયેલું' છે. અધૂરી અને ધીમી ગતિએ માહિતી સાર્વજનિક થવાથી હતાશ અને સંશયિત છે.

બીજી બાજુ, કાયદાકીય ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારની અધૂરી માહિતી આપવાને કારણે લોકોમાં જાત-જાતની કૉન્સ્પીરસી થિયરીઓ વહેતી થશે.

બીજી બાજુ, ન્યાય વિભાગનું કહેવું છે કે ચાઇલ્ડ સેક્સ અબ્યૂઝ, શારીરિક સતામણી, લગ્નસંબંધમાં સતામણી, પીડિત સંબંધિત માહિતી સાર્વજનિક નથી કરવામાં આવી. આ કેસમાં 1200 જેટલાં પીડિત અને તેમનાં સંબંધીઓને લગતી વિગતો ઢાંકી દેવામાં આવી છે.

જો રાજકારણી જાતીય સતામણીનો ભોગ બન્યો હોય, તો જ તેમનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે અન્યથા કોઈ પણ રાજકીય વ્યક્તિનું નામ છાવરવામાં નથી આવ્યું.

આ તસવીરોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને જોઈ શકાય છે. બંનેએ કશું ખોટું કરવાનો ઇનકાર કર્ય છે તથા તેમની ઉપર આરોપ નથી લાગ્યા. આ સિવાય બ્રિટનના પૂર્વ રાજવી ઍન્ડ્રૂ માઉન્ટબેટન-વિન્ડસર, માઇક જેગર, માઇકલ જેકસન તથા ડાયના રૉસને પણ જેફ્રીનાં ઘરો તથા અન્ય સ્થાનો પર જોઈ શકાય છે.

વિપક્ષે માગ કરી છે કે આ કેસમાં કાયદા વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. જ્યારે ટ્રમ્પ સરકારનું કહેવું છે કે તે 'ઇતિહાસની સૌથી પારદર્શક સરકાર' છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન