ગુજરાતમાં આગામી બેત્રણ દિવસમાં કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે?

ગુજરાત હવામાન, ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં હાલના સમયમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ વરસ્યો છે.

એવામાં આગામી કેટલાક દિવસોમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

25 જૂનની વાત કરીએ તો ગુજરાતમાં અલગઅલગ જગ્યાએ વરસાદ પડ્યો છે.

અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ અમરેલી, જામનગર, ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડતા પાણી રસ્તા પર ફરી વળ્યાં હતાં.

તો બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. તેમજ પંચમહાલ, અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

આ સિવાય અમદાવાદ શહેરમાં પણ ગત મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો છે.

હાલના સમયમાં કેટલાક જિલ્લામાં અને તાલુકામાં સારો વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે?

ગુજરાત હવામાન, ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, imd

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં સાતેક દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ, તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે, સમગ્ર ગુજરાતમાં મોટાં ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. એટલે કે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું અનુમાન છે.

આગાહી પ્રમાણે, સુરેન્દ્રનગર, બોટાદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર, વલસાડ, મહીસાગર જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે.

26 જૂન અને 27 જૂને આખા ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

28 તારીખે ગુજરાતમાં તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેમજ કચ્છ જિલ્લામાં આજના દિવસે કેટલાંક સ્થળોએ ભારે તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

29 જૂને વરસાદ ગુજરાતના અન્ય ભાગો તરફ ફંટાશે. એટલે કે 29 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ અન્ય જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

એવી જ રીતે 30મી જૂને પણ ગુજરાતમાં અલગઅલગ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

વીડિયો કૅપ્શન, Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, હવે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ શું છે?

ગુજરાત હવામાન, ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, imd

ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ નબળી પડી ગયું હતું અને ખેડૂતો વાવણી પણ કરી શક્યા નહોતા. જોકે હવે હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે. એટલે કે વરસાદ પહેલાંની ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ છે.

હાલના સમયમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ચોમાસું ઉત્તર ગુજરાત તરફે આવેલા રાજસ્થાનના કેટલાક ભાગોમાં પહોંચ્યું છે, જેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે.

સ્કાયમેટ વેધર અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તરીય અરબ સાગર અને ગુજરાતના કેટલાક હિસ્સામાંથી પસાર થઈ રહ્યું છે. એટલે આવનાર દિવસો ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ જણાઈ રહ્યા છે.

ચોમાસું ઉત્તરીય સીમા વેરાવળ, રાજપીપળા, ઉજ્જૈન, વિદિશા, હલ્દિયા, સાહિબગંજ થઈને પસાર થઈ રહ્યું છે.

ગુજરાતના તટીય વિસ્તારમાં ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં પણ ચક્રવાતી હવાઓનું એક ક્ષેત્ર બન્યું છે, જેના લીધે ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે?

ભારતીય હવામાન વિભાગ અનુસાર, 25 જૂન સુધીમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીમાં 210.1 મિલીમીટર, છોટાઉદેપુરમાં 100.9 મિમી, અમદાવાદમાં 43.2 મિમી, ગાંધીનગરમાં 68.5 મિમી, વલસાડમાં 154.9 મિમી, દેવભૂમિ દ્વારકામાં 121.8 મિમી વરસાદ વરસી ચૂક્યો છે.

આંકડાઓ પર નજર કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓછો વરસાદ પડ્યો છે.