વડા પ્રધાન મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની અરજી રદ કરી

kspj

ઇમેજ સ્રોત, ArvindKejriwal / X

પ્રકાશિત

વડા પ્રધાન મોદીની ડિગ્રી સાથે જોડાયેલા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાખલ કરેલી પુનઃવિચારની અરજી રદ કરી દીધી છે.

30 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટે આ કેસની દલીલો પૂર્ણ થયા બાદ પોતાનો ચુકાદો આપવાનો બાકી હતો, જે આજે જાહેર કરવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટે 31 માર્ચે આપેલા આદેશ પર પુનઃવિચાર કરવા માટે અરજી આપી હતી, જેમાં કોર્ટે ચીફ ઇન્ફૉર્મૅશન કમિશનના એક આદેશને રદ કરી દીધો હતો.

હકીકતમાં હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ(સીઆઈસી)ના એ આદેશને દરકિનાર કરી કરી દીધો હતો, જેમાં આયોગે ગુજરાત યુનિવર્સિટીને વડા પ્રધાન મોદીની એમ.એ.ની ડિગ્રી વિશે માહિતી આપવાનો આદેશ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે માર્ચમાં સીઆઈસીના આદેશ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીની અપીલ સ્વીકાર કરી હતી અને કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો.

ગ્રે લાઇન

કેજરીવાલે વડા પ્રધાન મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવતા શું કહ્યું હતું?

કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ વર્ષે 1 એપ્રિલના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા હતા.

કેજરીવાલે એ સમયે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું, "પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી તેમના શૈક્ષણિક લાયકાતના દાવા પર શંકા વધુ પેદા થઈ છે. જો મોદી શિક્ષિત હોત તો તેમણે નોટબંધી જેવાં પગલાં ન ભર્યાં હોત."

તેમણે કહ્યું હતું, "દેશના વડા પ્રધાન શિક્ષિત હોવા જરૂરી છે. વડા પ્રધાન વારંવાર એવાં નિવેદનો આપે છે તેનાથી શંકા પેદા થાય છે કે શું આપણા દેશના વડા પ્રધાન શિક્ષિત છે?"

કેજરીવાલ

ઇમેજ સ્રોત, ArvindKejriwal / X

કેજરીવાલનું આ નિવેદન ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગનાં સાત વર્ષ જૂના આદેશને રદ કર્યા પછી આવ્યું હતું, જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રી સંબંધિત માહિતી આપવા કહેવામાં આવ્યું હતું.

ભાજપે કેજરીવાલના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે દિલ્હીના મુખ્ય મંત્રી કાં તો તેમનું માનસિક સંતુલન ગુમાવવાની અણી પર છે અથવા તપાસ એજન્સીઓ દ્વારા તેમની સરકારના ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે મેદાન તૈયાર કરી રહ્યા છે.

ગ્રે લાઇન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ શું છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને વ્યક્તિત્વ પર લખાયેલાં પુસ્તકોમાં તેમના અભ્યાસ વિશેની વિગતો છે. આ વિગતો અનુસાર :

નરેન્દ્ર મોદીની બહુ ઇચ્છા હતી કે પ્રાથમિક શિક્ષણ પછી જામનગરના બાલાચડીની સૈનિક સ્કૂલમાં ભણવા જાય, પણ તેમના પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે ત્યાં ભણવા જઈ શકે.

બીજું કે તેમના પિતાની પણ ઇચ્છા નહોતી કે ભણવા માટે વડનગરથી દૂર જાય. તેમણે નજીકના શહેરની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ ત્યાં તેમની હાજરી ઓછી રહેતી હતી એટલે કૉલેજ છોડી દેવી પડી હતી.

બાદમાં તેમણે કોરસપોન્ડસ કોર્સથી દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાંથી એમ.એ. કર્યું હતું.

મોદીની એમ.એ.ની ડિગ્રી વિશે માહિતી માટે કેટલાક લોકોએ આરટીઆઈ કરી હતી, ત્યારે તેમને જવાબમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે 1983માં તેમણે એમ.એ.ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી હતી.

બાદમાં ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસર જયંતિભાઈ પટેલના એક નિવેદનથી વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે મોદીની ડિગ્રીમાં જે વિષયોનો ઉલ્લેખ છે તેવા વિષયો રાજ્યશાસ્ત્રના અભ્યાસક્રમમાં ક્યારેય નહોતા.

ગુજરાત યુનિવર્સિટીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન