ગુજરાતમાં દિવાળી અગાઉ વરસાદની આગાહી, આ વખતે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ ડિપ્રેશન સાઉથ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં તહેવારોની સિઝન ચાલુ છે અને બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ દરમિયાન ચોમાસાએ મોટા ભાગના વિસ્તારમાંથી વિદાય લીધી હોવા છતાં હજુ બે દિવસ વરસાદ પડવાની આગાહી છે.

હવામાન વિભાગના નવા બુલેટિન પ્રમાણે આજે અને આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા બહુ ઓછી છે, પરંતુ 16 અને 17 ઑક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

છેલ્લા ચોવીસ કલાકમાં મોટા ભાગે વાતાવરણ સૂકું રહ્યું છે. અમદાવાદમાં દિવસ દરમિયાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જાય છે અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી સુધી રહે છે.

ગુજરાતમાં આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યું છે અને સરેરાશ વરસાદની તુલનામાં 118 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે. ખાસ કરીને કચ્છ જેવા પ્રદેશમાં 148 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં 122 ટકા અને સાઉથ ગુજરાતમાં 123 ટકા વરસાદ પડી ગયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 117 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશની સરખામણીમાં 108 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ ડિપ્રેશન સાઉથ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સાઉથ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં 16 ઑક્ટોબર, ગુરુવારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

તેવી જ રીતે 17 ઑક્ટોબર, શુક્રવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવો વરસાદ થવાની આગાહી છે.

18 ઑક્ટોબર, શનિવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી છે.

19 ઑક્ટોબર, રવિવારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા, નગરહવેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં દિવાળી પહેલાં વરસાદને લઈને શું આગાહી છે?

ગુજરાતમાં બેવડી સિઝનનો અનુભવ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે 15 ઑક્ટોબર સુધીમાં આખા ભારતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. હાલમાં ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમક વિસ્તારમાંથી વિદાય લઈ લીધી છે.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, ભરુચ. ડાંગ,નવસારી, વલસાડઅને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી 16 અને 17 તારીખે હળવો વરસાદ પડી શકે છે. મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી ફરીથી હવામાન સ્વચ્છ થઈ જશે.

હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાન પર એક એન્ટી સાઈક્લોન બન્યું છે જે ચોમાસાને પાછળ ધકેલવામાં મદદ કરે છે. તેના કારણે ઉત્તર પશ્ચિમ દિશામાંથી સૂકા પવન આવવા લાગે છે. પરિણામે હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં રાતે તાપમાન ઘટે છે અને દિવસે તાપમાન ઊંચું રહે છે.

આ દરમિયાન સાઉથમાં શ્રીલંકાની નીચે એક લૉ પ્રેશર એરિયા બની રહ્યો છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે અને સેન્ટ્રલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ભારતના પશ્ચિમી દરિયાકિનારે તેની ખાસ અસર જોવા નહીં મળે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન