You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહેસાણા : જાસલપુરમાં કંપનીની દીવાલ ધસી પડતાં નવ મજૂરોનાં મોત, કેવી રીતે દુર્ઘટના ઘટી?
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામમાં ખાનગી કંપનીની દીવાલ તૂટી જતાં નવ લોકોનાં મોત થયાં છે.
મહેસાણાનાં ડીડીઓ હસરત જાસ્મીને મીડિયાને કહ્યું કે "જાસલપુર ગામમાં સેનેલાઈઝ કંપની આવેલી છે, એમાં એક બિલ્ડિંગના ચણતર દરમ્યાન આ દુર્ઘટના બની છે. જેમાં દીવાલ ધસી પડતાં નવ મજૂરોનાં દબાઈ જતાં મોત થયાં છે. મૃતકોમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. દટાયેલા મજૂરોમાંથી એક મજૂરનો જીવ બચી ગયો છે."
મહેસાણાનાં ડીડીઓ હસરત જાસ્મીને કહ્યું કે આ કંપનીમાં 2022થી બાંધકામ ચાલી રહ્યું હતું.
અહેવાલો અનુસાર, ચણતરકામ સમયે આ દુર્ઘટના બની હતી. મૃત્યુ પામનારા ચણતરકામ સાથે સંકળાયેલા શ્રમિકો હતા.
હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે અને જેસીબીની મદદથી બચાવવાની કામગીરી ચાલુ છે.
આ દુર્ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કર્યો હતો અને સરકારી સહાયની જાહેરાત કરી હતી.
કેવી રીતે ઘટી દુર્ઘટના?
મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલના જણાવ્યા અનુસાર, "જાસલપુરના સીમ વિસ્તારમાં એક સ્ટિલ કંપનીમાં આ ઘટના બની હતી. નવી મશીનરી સંલગ્ન કામ હાલ ચાલી રહ્યું હતું. પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને અગ્નિશમન દળ ત્યાં પહોંચીને કામે લાગી ગયાં છે."
ઘટનાસ્થળે પહોંચેલા મહેસાણા ફાયર વિભાગના ફાયરમૅન ચિરાગ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, "ફાયર બ્રિગેડને બપોરે સાડા બારે કૉલ મળ્યો હતો કે પંદર ફૂટ જેટલા ખાડામાં માણસો દટાઈ ગયા હતા. અમે ત્રણેક કલાકની મહેનત બાદ બુલડોઝર અને પાવડાથી ખોદીને મૃતદેહો બહાર કાઢ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટનાની જાણ થતાં જે મજૂરો કામ કરતા હતા તેમના સ્વજનો પણ કંપની પર દોડી આવ્યા હતા અને જે મજૂરોએ જીવ ગુમાવ્યા છે એમના સ્વજનો આક્રંદ કરતાં જોવા મળ્યા હતા.
આ ચણતરકામમાં દસ મજૂરો કામે લાગેલા હતા એવું જાણવા મળ્યું છે, તેમાં 19 વર્ષીય વિનોદનો બચાવ થયો છે.
વિનોદનાં માતા રમિલાબહેને જણાવ્યું કે મારો દીકરો વિનોદ સહિત દશેક મજૂરો કામ કરતા હતા. ચણતરકામ ચાલતું હતું એ સમયે અચાનક માટી ધસી પડી ત્યારે મારો છોકરાનું મોટા ભાગનું શરીર માટીથી ઢંકાઈ ગયું હતું. જોકે મેં જોતાં બૂમ પાડી હતી અને અન્ય લોકો તેને બચાવવા દોડ્યા હતા. બાદમાં તેને માટીમાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું
મહેસાણામાં બનેલી ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વડા પ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું છે. તેમાં લખાયું કે "ગુજરાતના મહેસાણામાં દીવાલ ધસી પડવાથી થયેલી દુર્ઘટના અત્યંત દુખદ છે. જેમણે જીવ ગુમાવ્યા છે, એમના પ્રત્યે ઊંડી સંવેદનાઓ. ભગવાન તેમને આ પીડાને સહન કરવાની શક્તિ આપે."
વડા પ્રધાને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલદી સાજા થઈ જાય તેવી કામના કરી હતી.
તેમજ તેમણે લખ્યું કે "રાજ્ય સરકારની દેખરેખમાં સ્થાનિક પ્રશાસન પીડિતોની શક્ય એટલી તમામ મદદ માટે જોતરાયેલું છે."
પીએમઓ કાર્યાલયે જણાવ્યું કે "ગુજરાતના મહેસાણામાં થયેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી બે લાખ રૂપિયાની સહાય મળશે અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા ઈજાગ્રસ્તોને અપાશે.
મહેસાણાની ઘટના પર ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ઍક્સ પર લખ્યું કે "મહેસાણામાં દીવાલ પડવાને લીધે થયેલી જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોનો બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેઓ (ઘાયલો) ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું."
તો ગુજરાત સરકારે મુખ્ય મંત્રી રાહતનિધિમાંથી મૃતકોના પરિવારને ચાર લાખ અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)