You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે, આ તારીખથી શરૂ થશે વરસાદ?
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ બને તેવી સંભાવના કેટલાંક હવામાનનાં મૉડલો દર્શાવી રહ્યાં છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે.
હાલ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને તે ચોમાસાનો છેલ્લો મહિનો છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે અને રાજસ્થાન તથા ગુજરાતમાં આ મહિનાના અંત સુધીમાં ચોમાસું વિદાય લઈ લેતું હોય છે.
જોકે, આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.
જે પ્રમાણે હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તેવી સ્થિતિ રહી તો ગુજરાતમાં ફરી 25 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ગ્લોબલ ફોરકાસ્ટિંગ મૉડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી એક લૉ-પ્રેશર એરિયા સર્જાઈ શકે છે અને તે મહારાષ્ટ્ર પરથી ગુજરાતની પાસે આવી શકે છે.
જેના કારણે આ મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગનું આંકડાકીય મૉડલ પણ દર્શાવી રહ્યું છે કે ગુજરાતમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધી શકે છે.
ગુજરાતમાં ચોમાસું પૂરું કે વિદાય લંબાશે?
ગુજરાતમાં અત્યાર સુધીમાં એટલે કે 1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ કરતાં 49 ટકા વધારે વરસાદ થયો છે. જેમાં ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 26 ટકા વધારે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સરેરાશ કરતાં 72 ટકા વધારે વરસાદ થયો છે.
ગુજરાતમાં સરેરાશની રીતે જોઈએ તો સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયો છે. અહીં સરેરાશ કરતાં 241 ટકા વધારે વરસાદ થયો છે. તે બાદ પોરબંદર જિલ્લામાં સરેરાશ કરતાં 119 ટકા, કચ્છમાં સરેરાશ કરતાં 107 ટકા અને જામનગર જિલ્લામાં સરેરાશ કરતાં 91 ટકા વધારે વરસાદ થયો છે.
હાલ અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને ઘણા વિસ્તારોમાં ફરીથી ગરમી વધવા લાગી છે. જો ફરીથી વરસાદ થયો તો આ વર્ષે ચોમાસાની વિદાય મોડી થવાની શક્યતા છે.
ભારતના હવામાન વિભાગે પણ આ વર્ષે હજી ચોમાસાની વિદાય વિશે આધિકારિક કોઈ માહિતી આપી નથી. ગયા વર્ષે પણ ચોમાસાની વિદાય તેની નિર્ધારિત તારીખ કરતાં મોડી થઈ હતી.
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં થાય છે, આ વખતે પણ આ બંને મહિનામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
જૂન મહિનામાં સામાન્ય રીતે 15 જૂન બાદ વરસાદની શરૂઆત થતી હોય છે એટલે વરસાદ વધારે પડતો નથી અને સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થતી હોવાથી રાજ્યમાં વરસાદ જુલાઈ અને ઑગસ્ટ કરતાં ઓછો પડતો હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન