You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા ટી20 વિશ્વકપ : એ કારણો જેને કારણે હરમનપ્રીતકોરની બ્રિગેડ સેમિફાઇનલમાં ન પ્રવેશી શકી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપના સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે અસફળ રહી છે. ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી.
ભારતે આ મહત્ત્વના મુકાબલામાં પહેલા બેટિંગ કરતા કૅપ્ટન હરમનપ્રીતકોરની શાનદાર અર્ધસદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. પરંતુ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમે આ લક્ષ્યાંકને 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધું હતું.
સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવવું જરૂરી હતું. ગ્રૂપ-Aમાં ઑસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. ગ્રૂપ-Bમાંથી ઇંગ્લૅન્ડ અને વેસ્ટઇન્ડિઝની ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે.
કૅપ્ટન હરમનપ્રીતકોરની શાનદાર ઇનિંગે પણ ભારતને આઇસીસી મહિલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચવામાં મદદ ન કરી.
ભારતીય ટીમને રોકવામાં ઍલિસ પેરીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી.
પેરીએ આક્રમક બેટિંગ કરી, તેમની બેટિંગના કારણે ઑસ્ટ્રેલિયાનો છ વિકેટથી વિજય થયો હતો, જેના કારણે તેમણે પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યાં.
ઑસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને 170 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. જ્યારે એક સમયે ઑસ્ટ્રેલિયા ત્રણ વિકેટ સાથે 68 રન પર ઝઝૂમી રહી હતી.
ઑસ્ટ્રેલિયા ગયા વર્ષે આઇસીસી વન-ડે વિશ્વકપની સેમિફાઇનલમાં મોટો સ્કૉર કરવા છતાં ભારત સામે હારી ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે, તેમણે ભારત સામે ટી20 વિશ્વકપમાં પોતાનો સૌથી મોટો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, આમ તેમણે તે હારનો બદલો લીધો તેમ કહી શકાય.
ઑસ્ટ્રેલિયાએ ગ્રૂપ-એની તેમની પાંચેય મૅચ જીતી લીધી છે, 10 પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહીને તેમણે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે દક્ષિણ આફ્રિકા આ ગ્રૂપમાંથી સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ રહી.
ઍલિસ પેરી યોગ્ય સમયે ચમક્યાં
ઍલિસ પેરી ઘણા સમયથી ઑસ્ટ્રેલિયા માટે રમી રહ્યાં છે. પરંતુ આ વિશ્વકપ પહેલાં સુધી તેમણે ટી20 વિશ્વકપમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી. તેણીએ આ વિશ્વકપમાં સતત બે અડધી સદી ફટકારીને પોતાની ક્ષમતાને સાબિત કરી દીધી છે.
જ્યૉર્જિયા વૉલ, બેથ મૂની અને લિચફિલ્ડની વિકેટ શરૂઆતમાં ગુમાવ્યા બાદ ઑસ્ટ્રેલિયા દબાણમાં હોય તેવું લાગતું હતું. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, ઍલિસ પેરી અને એશ્લે ગાર્ડનરે ઇનિંગ સાંભળી લીધી. ત્યારબાદ તેમણે 13મી ઓવરથી રન-રેટ વધારવાનું શરૂ કર્યું. તેમણે ત્રણ ઓવરમાં 40 રન બનાવ્યા, જેનાથી મૅચનું મૉમેન્ટમ તેમના પક્ષમાં ગયું.
ઍલિસ પેરી અને ગાર્ડનરે 100 રનની ભાગીદારી કરી, જેનાથી ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું.
ભારત સામેની જીત આટલી ખાસ કેમ?
પ્લેયર ઑફ ધ મૅચ ઍલિસ પેરીએ કહ્યું, "અમારો દિવસ સારો રહ્યો. ભારત સામે હંમેશાં મજબૂત કૉમ્પિટીશન રહે છે, તેથી આ જીત ખૂબ જ ખાસ લાગે છે. ભારતની ઇનિંગ જોયા પછી અમને ખબર પડી કે વિકેટ સારી છે. અમારે ફક્ત સારી ભાગીદારી બનાવવાની હતી. મને ગાર્ડનર તરફથી શાનદાર સહયોગ મળ્યો. અમે દરેક ઓવરના પહેલા બે બૉલને ટાર્ગેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અમે નિયમિત રીતે ચોક્કસ ગાળામાં બાઉન્ડ્રી ફટકારતાં રહ્યાં. અત્યાર સુધી અમારી ટુર્નામેન્ટ સારી રહી છે. આશા છે કે આગામી બે મૅચ પણ સારી રહેશે અને અમે વિજયી થઈને ઘરે પરત ફરીશું."
પેરી અને ગાર્ડનરે 59 બૉલમાં 100 રનની ભાગીદારી નોંધાવી. આ ભાગીદારીએ ઑસ્ટ્રેલિયાને માત્ર દબાણમાંથી મુક્ત જ ના કર્યું પણ તેને ડ્રાઇવરની સીટ પર પણ બેસાડી દીધું.
જૅમિમાની ધીમી બેટિંગથી નુકસાન થયું
જૅમિમા રૉડ્રિગ્સે ભારત માટે ઘણી મૅચ જિતાવનારી ઇનિંગ્સ રમી છે. પરંતુ કદાચ આ દિવસ તેમના માટે સારો નહોતો. તેમણે પ્રયત્ન પછી પણ ઝડપથી સ્કોર કરવામાં સફળ ન રહ્યાં. જોકે, નસીબ તેમનો સાથ તો આપી રહ્યું હતું કે તેમણે ક્રીઝ પર ટકી રહેવામાં સફળ રહ્યાં.
શરૂઆતમાં અમ્પાયરે તેમને એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો પરંતુ એક રિવ્યૂ તેમના પક્ષમાં ગયો. પછી તેમનો એક કૅચ પણ ડ્રૉપ થયો. આમ હોવા છતાં, જે ગતિથી તેઓ રન બનાવી રહ્યાં હતાં તેનાથી ઑસ્ટ્રેલિયાની ટીમ પર કોઈ અસર જોવા મળી ન હતી.
જૅમિમાએ 18મી ઓવર સુધીમાં 28 બૉલમાં ફક્ત 34 રન બનાવ્યા હતા. ત્યારબાદ કૅપ્ટન હરમનપ્રીતે તેમને પરત બોલાવી અને રિચા ઘોષને બેટિંગ માટે બોલાવ્યાં હતાં. જોકે, આ નિર્ણય ખૂબ મોડો લેવામાં આવ્યો હતો અને પરિણામે ભારત તેનો પૂરો ફાયદો ઉઠાવવામાં સફળ ન રહ્યું. સારું તે હોત કે જો 16 ઓવર પછી રિચાને મોકલવામાં આવ્યાં હોત આનાથી ટીમને ફાયદો થઈ શક્યો હોત.
જૅમિમા એક શાનદાર ખેલાડી છે. પરંતુ આ ફૉર્મેટમાં તેને ત્રીજા નંબરે મોકલવાં યોગ્ય નથી લાગતું. આ સ્થાન પર ઝડપી બેટિંગ કરનાર ખેલાડીને મેદાનમાં ઉતારવું વધુ સારું હોત.
હરમનપ્રીતનો કરિશ્મા પણ હાલત બદલી શક્યો નહીં
દરેક ખેલાડી ચોક્કસ ટીમ સામે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે જાણીતો હોય છે. વિરાટ કોહલીએ ઘણીવાર પાકિસ્તાન સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેવી જ રીતે હરમનપ્રીતકોરે ઑસ્ટ્રેલિયા સામે સતત સારું પ્રદર્શન કર્યું છે.
2017ના આઈસીસી વિશ્વકપમાં ઑસ્ટ્રેલિયા સામે તેમનો 171 રન અણનમનો સ્કોર અવિસ્મરણીય છે. તેવી જ રીતે, તેમણે ગયા વર્ષે આઈસીસી વિશ્વકપની સેમિફાઇનલમાં 88 બૉલમાં 89 રન બનાવ્યાં હતાં. જેના કારણે ભારત જીત્યું હતું.
જૅમિમાની ધીમી બેટિંગને કારણે જ્યારે ભારત 150 કે 155 રનનો ટાર્ગેટ જોઈ રહ્યું હતું ત્યારે હરમનપ્રીતે છેલ્લી ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા. તેમની બેટિંગે ભારતને 170 રન સુધી પહોંચાડ્યું હતું. જોકે, આ વખતે 27 બૉલમાં 56 રનની તેમની ધમાકેદાર ઇનિંગ ભારતની જીત સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ.
'નબળી બૉલિંગ'
આ વિશ્વકપમાં સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક માટે કૉમેન્ટ્રી કરી રહેલા કિરણ મોરેએ મૅચ પછી કહ્યું, "બેટરોએ સારો સ્કોર બનાવ્યો હતો, પરંતુ અમારા બૉલરો ન તો વિકેટ લઈ શક્યાં કે ન તો રન રેટ રોકી શક્યાં. તેનું એક કારણ ટીમમાં સતત ફેરફાર કરવો પણ છે. આ બૉલરોના આત્મવિશ્વાસને અસર કરે છે."
તેમણે કહ્યું, "ભારતીય ફાસ્ટ બૉલરો દ્વારા ઓછી વિકેટ લેવાથી પણ ટીમ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. ભારતે એક સારો સ્કોર તો બનાવી લીધો હતો. પરંતુ સ્મૃતિ મંધાનાની 37 બૉલમાં 38 રન આ ફૉર્મેટ માટે આદર્શ બેટિંગ નહોતી. આમ ફક્ત શેફાલી વર્મા પર રન બનાવવાની જવાબદારી નાખવી યોગ્ય નથી. જો બંને ખેલાડીઓએ રન બનાવ્યાં હોત તો ભારત 15થી 20 રન વધુ બનાવી શક્યું હોત, આ રન ટીમનું નસીબ બદલી શક્યાં હોત."
દીપ્તિ સૌથી વધુ વિકેટ લેનાર બૉલર બન્યાં
દીપ્તિ શર્માએ ભારતને જીત અપાવી શક્યા નહીં, પરંતુ તેમણે એક મોટો રેકૉર્ડ પોતાને નામ કર્યો છે. તેમણે ત્રણેય ફૉર્મેટમાં ભારતના સૌથી સફળ બૉલર બન્યાં છે, તેમણે 356 વિકેટ લેનારાં ભારતનાં સૌથી સફળ બૉલર બની ગયાં છે. તેમણે બેથ મૂનીની વિકેટ લીધી હતી. આ સાથે ઝુલન ગોસ્વામીના 355 વિકેટના રેકૉર્ડને તોડી નાખ્યો છે.
દીપ્તિ શર્માએ છ ટેસ્ટ મૅચોમાં 22 વિકેટ લીધી છે. તેમણે 124 વન-ડે મૅચમાં 166 વિકેટ અને 149 ટી20માં 168 વિકેટ પણ લીધી છે. તેમણે એક વિશ્વકપમાં 200 રન અને 20 વિકેટ લેનારાં એકમાત્ર ખેલાડી છે. તેમણે ગયા વર્ષે આઇસીસી વનડે વિશ્વકપમાં આ સિદ્ધિ મેળવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બૉલરોની યાદીમાં ઍલિસ પેરી 336 વિકેટ સાથે દીપ્તિ અને ઝુલન પછી ત્રીજા ક્રમે છે.
પોતાના રેકૉર્ડ તૂટવા અંગે ઝુલન ગોસ્વામીએ મૅચ દરમિયાન કૉમેન્ટ્રી કરતાં કહ્યું, "હું ખૂબ જ નાની ઉંમરથી દીપ્તિને રમતી જોઈ રહી છું. મને ખૂબ આનંદ છે કે તેમણે મારો રેકૉર્ડ તોડ્યો."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન