ગુજરાતમાં 'અંધશ્રદ્ધા' સામે લડતા જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથા બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?

  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ભારત જન વિજ્ઞાન જાથાના ગુજરાત એકમના ચૅરમૅન જયંત પંડ્યાએ 20 જૂને અમુક સમાચાર ચૅનલોને આપેલા ઇન્ટરવ્યૂમાં જાહેરાત કરી કે તેઓ હવે વિજ્ઞાન જાથામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે અને એ બાદ આ સંસ્થા બંધ થઈ જશે.

બીબીસી સાથે વાત કરતા જયંત પંડ્યાએ કહ્યું કે ઉંમરમાં તેઓ સિત્તેર વર્ષની નજીક પહોંચી રહ્યા છે અને તેમની ઉંમર અને માહોલ જોતા તેમણે હવે 'અંધશ્રદ્ધા સામેની તેમની પ્રવૃતિઓ' બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જોકે તેઓ ઉમેરે છે કે ફિલ્ડ પર જઈને કથિત પાખંડીઓનો પર્દાફાશ કરવાના કામમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ લોકજાગૃતિનાં કામ કરતા રહેશે.

તેમની આ જાહેરાતના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. તેમની જેવી ચળવળ ચલાવનાર રેશનાલિસ્ટ્સ કહે છે કે આવી સંસ્થા બંધ થાય તો ગુજરાત માટે તે શરમજનક ઘટના ગણાય, પરંતુ જયંત પંડ્યાની પ્રવૃત્તિના વિરોધીઓ કહે છે કે તેમણે 'ધાર્મિક કાર્યક્રમોનો વિરોધ' કરવા કરતાં વિજ્ઞાનનો પ્રચાર કરવાનું કામ કર્યું હોત તો વધારે સારું હતું.

તેમનો આરોપ છે કે, તેમણે આ સંસ્થા એક 'પ્રાઇવેટ લિમિટેડ પેઢી'ની જેમ ન ચલાવી હોત તો જન વિજ્ઞાન જાથા એક જીવંત સંસ્થા રહી શકી હોત.

ભારત જન વિજ્ઞાન જાથાની સ્થાપના કઈ રીતે થઇ હતી?

ભારતના બંધારણની 'કલમ 51-ક'માં નાગરિકોની મૂળભૂત ફરજોની આપવામાં આવેલી યાદીમાં 'વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની માનવતાવાદ, શોધ કરવાની' ફરજનો ઉલ્લેખ છે.

દેશના ખૂણે ખૂણા સુધી વિજ્ઞાનના ચમત્કારોની વાત પહોંચે તે માટે 1987માં કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગે સ્થાપેલ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી પ્રસાર પરિષદના પ્રોત્સાહન અને સહયોગથી દેશના વૈજ્ઞાનિકો, શિક્ષકો વગેરેએ એક દેશવ્યાપી કાર્યકર્મનું આયોજન કર્યું અને તેને નામ આપ્યું ભારત જન વિજ્ઞાન જાથા. જાથા શબ્દનો અર્થ સમૂહ કે જથ્થો થાય છે.

આ કાર્યક્રમના આયોજન માટે એક રાષ્ટ્રીય આયોજન સમિતિ બનાવાઈ હતી. ભારતમાં અણુ સંશોધન વિજ્ઞાનનો પાયો નાંખનાર ડૉ. હોમી ભાભાના સીધા માર્ગદર્શનમાં કામ કરી ચૂકેલા ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર ભાલચંદ્ર ઉદ્દગાવકર તે સમિતિના ચૅરમૅન હતા.

રાજ્યો અને જિલ્લા કક્ષાએ પણ સમિતિઓ બની હતી. ગુજરાતમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના (ઇસરો) વૈજ્ઞાનિક ડૉ. પી.એમ. સિદ્ધાર્થને ગુજરાતમાં આ કાર્યક્રમની જવાબદારી સાંભળી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વૈજ્ઞાનિકો, શિક્ષકો અને કલાકારો ફરી વળ્યા અને ગીત, નાટકો અને પ્રદર્શનો દ્વારા વિજ્ઞાની શોધો અને ચમત્કારોથી લોકોને માહિતગાર કર્યા.

જયંત પંડ્યા કહે છે કે આ ચળવળને અનુસંધાને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પ્રોફેસર રહી ચૂકેલા ડૉ. યશપાલ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચૅરમૅન હતા ત્યારે તેમના માર્ગદર્શનમાં દિલ્હીમાં 1991-92માં એક મિટિંગનું આયોજન થયું હતું.

જયંત પંડ્યા તે વખતે રાજકોટની એક સરકારી શાળામાં શિક્ષક હતા અને તે મિટિંગ માટે રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે દિલ્હી ગયા હતા.

જયંત પંડ્યા કહે છે, "1991-92થી 1995 સુધી દેશમાં ભારત જન વિજ્ઞાન જાથાના નેજા હેઠળ સમિતિઓ અને સંસ્થાઓએ મોટા પાયે કામ કાર્ય અને કાર્યક્રમો આપ્યા. પરંતુ 1996થી 1999 વચ્ચે કેન્દ્રમાં ઘણી સરકારો બદલી. તેથી, જન વિજ્ઞાન કાર્યક્રમને સરકાર દ્વારા મળતો સહકાર ઘટ્યો. છેવટે રાજ્ય કક્ષાની સમિતિનો કહેવામાં આવ્યું કે તેમને તેમની રીતે જ કાર્ય કરવું પડશે. તેથી, 2002માં અમે 'ભારત જન વિજ્ઞાન જાથા (ગુજરાત રાજ્ય)' નામ હેઠળ એક ચેરિટેબલ સંસ્થાની નોંધણી કરાવી."

પંડ્યા ઉમેરે છે કે નવી નોંધાયેલી સંસ્થામાં 12 સભ્યોનું એક ટ્રસ્ટીમંડળ હતું અને 2002માં તેઓ સંસ્થાના સ્થાપક ચૅરમૅન ચૂંટાયા હતા. ટ્રસ્ટીમંડળે મને આજના દિવસ સુધી ચૅરમૅનપદે યથાવત્ રાખ્યો છે.

જન વિજ્ઞાન જાથા ગુજરાતમાં કેવાં પ્રકારનાં કામ કરે છે?

જયંત પંડ્યા કહે છે કે તેમની સંસ્થા બાળમજૂરી, બાળદીક્ષા રોકવાના કાર્યક્રમો, ટેકનિકલ શિક્ષણના ફાયદા જણાવતા કાર્યક્રમો, ગામડાંમાં, શાળા-કૉલેજોમાં વિજ્ઞાનના પ્રયોગો કરીને કંકુ પગલાં કઈ રીતે પડે, હાથ ચોળતાં ચોળતાં તેમાંથી કંકુ કેમ ખરવા માંડે, પૂરીને તળતી વખતે હાથથી જ કેમ ફેરવી શકાય, શ્રીફળમાં આગ કેવી રીતે લગાડી શકાય, લોકોની નજર ચૂકવી જીભ સોંસરવું ત્રિશૂળ કે સળિયો ભોંકી દીધો હોય તેવો ભ્રમ કેવી રીતે ઊભો કરી શકાય વગેરે પાછળ રહેલ વિજ્ઞાન અને ચાલાકી પ્રયોગો દ્વારા સમજાવી લોકજાગૃતિના સ્ટેજ કાર્યક્રમો કરે છે.

જયંત પંડ્યા કહે છે કે જન વિજ્ઞાન જાથાની ગુજરાતમાં 14 શાખા છે અને અને તેના માધ્યમથી આ સંસ્થાએ 10,000થી વધુ આવા સ્ટેજ કાર્યક્રમો કર્યા છે. તેમણે ઉમેર્યું કે ભારત જન વિજ્ઞાન જાથાના ગુજરાત એકમમાં 500 સભ્યો છે અને લાખો સમર્થકો છે.

તેઓ કહે છે કે અંધશ્રદ્ધાનું નિર્મૂલન થાય, લોકોમાં જાગૃતિ આવે અને લોકોમાં વૈજ્ઞાનિક સમજ આવે એવા અનેક કાર્યક્રમો તેઓ કરે છે.

જયંત પંડ્યાનો દાવો છે કે "ધર્મના નામે ધતિંગ કરતા આવા 1,288 લોકોનો પર્દાફાશ જન વિજ્ઞાન જાથાએ કર્યો છે."

તો હવે જન વિજ્ઞાન જાથા બંધ કેમ થઈ રહી છે?

જયંત પંડ્યાનો જન્મ રાજકોટના ઉપલેટામાં કર્મકાંડ કરતા બ્રાહ્મણ પિતાના ઘરે થયો હતો. અંગ્રેજી સાહિત્ય, કાયદા અને પત્રકારત્વનો અભ્યાસ કરેલા જયંત પંડ્યાને 1978માં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ હતી.

2016માં નોકરીમાંથી નિવૃત્ત થયા પરંતુ અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ તેઓ છેક 1991-92થી કરતા આવ્યા છે. તેઓ ભારત જન વિજ્ઞાન જાથાના ગુજરાત એકમની ઓળખ અને ચહેરો રહ્યા છે. હાલ તેઓ વકીલાત પણ કરે છે.

બીબીસી સાથે વાત કરતાં જયંત પંડ્યાએ કહ્યું કે 'છ-આઠ મહિના પહેલા' જન વિજ્ઞાન જાથાની કારોબારી સમિતિની મિટિંગો ગાંધીનગર અને રાજકોટમાં યોજાઈ હતી અને તેમાં નિર્ણય લેવાયો કે સંસ્થાનું હવે વિસર્જન કરી નાખવું.

"અમે નક્કી કર્યું કે આપણે જન વિજ્ઞાન જાથાની જે પ્રવૃત્તિ વિજ્ઞાન પ્રચાર-પ્રસારનું જે કામ કરીએ છીએ તેમાં સતત જોખમ રહે છે તો આપણે માનભેર આ સંસ્થાની પ્રવૃત્તિ બંધ કરીએ. અમે કહ્યું કે 70 વરસની અમારી આયુ થઈ જાય એટલે આ પ્રવૃત્તિ સદંતર અમે બંધ કરીશું અને ભારત જન વિજ્ઞાન જાથાના બોર્ડ પણ અમે જાતે ઉતારી લઈશું."

જયંત પંડ્યાએ વધારે ઉમેર્યું કે કઈ તારીખથી સંસ્થાની નોંધણી રદ કરાવવી તે નક્કી કરવા માટે ટ્રસ્ટી મંડળની એક મિટિંગ બોલાવાશે.

તેમણે કહ્યું, "અમને કોઈએ ધાક-ધમકી આપી નથી. જાથાનો ઉદ્દેશ છે લોકોની સુખાકારી, ભાતૃભાવ, દેશ ભાવના વધે તેવા કામ કરવાનો."

તેમનો દાવો છે કે "અંધશ્રદ્ધાની અંદર પરિવારો બરબાદ થતા હતા, અમે જોયું કે માનતાના નામે પોતાના બાળકને વ્યાજે પૈસા લઈને માનતા કરે પણ ઘરે બાથરૂમ ન ચણે."

તેઓ કહે છે, "અંધવિશ્વાસુને અમારી આ પ્રવૃત્તિ ગમતી ન હતી. મારા પર ચાર વાર હુમલા થયા છે. છેલ્લે 2018માં થયેલ હુમલામાં મારો હાથ ભાંગી નાખ્યો હતો. એટલે પરિવાર પણ અંદરખાને નાખુશ રહે. તેથી, અમે વિચાર્યું કે લોકોને આ પ્રવૃત્તિનો સાચો ખ્યાલ નથી આવતો તો આપણે આ બાબતે વિચારવું જોઈએ."

જયંત પંડ્યાના સમર્થકો અને વિરોધીઓનું શું કહેવું છે?

ગુજરાતમાં જન વિજ્ઞાન જાથા ઉપરાંત સત્ય શોધક સમાજ, સુરત; ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ ઍસોસિયેશન, ગોધરા; અમદાવાદ રેશનાલિસ્ટ ઍસોસિયેશન; બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ; વિજ્ઞાનવાળી પરિષદ, રાજકોટ વગેરે સંસ્થાઓ અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરે છે.

ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ ઍસોસિયેશનના સ્થાપક પ્રમુખ અને પાલનપુરની એક લૉ-કૉલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડૉ. અશ્વિન કારિયા કહે છે, "જો આવી સંસ્થા બંધ થાય તો ગુજરાત માટે તે શરમજનક ઘટના કહેવાય... અંધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરી કરનારને લોકોએ આવકારવા જોઈએ અને જો તેમની કોઈ સંસ્થા બંધ થાય તો તેને ચાલુ રાખવા લોકોએ આંદોલન કરવું જોઈએ, પરંતુ લોકોએ હવે આવી માનસિકતા ફેંકી દીધી છે."

પ્રો. કારિયા ઉમેરે છે, "એક જમાનામાં સરકાર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક દષ્ટિકોણ ફેલાય તેના કાર્યક્રમો કરતી, પરંતુ હવે રાજકીય વાતાવરણ બદલાઈ ગયું છે. તેઓ માને છે કે લોકો અંધશ્રદ્ધામાં ગૂંચવાયેલા રહેશે તો સરકારને પ્રશ્નો નહીં પૂછે. લોકોમાં એકબીજા પ્રત્યે નફરત ફેલાવનારાં તત્ત્વો પ્રબળ બની રહ્યાં છે અને વૈજ્ઞાનિક માનસ કેળવાય તે માટે કામ કરતી સંસ્થાઓ બંધ થઈ રહી છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કૉંગ્રેસનું બે વરસથી અધિવેશન નથી મળ્યું. હવે વૈજ્ઞાનિક માનસ કેળવાય તેના માટે ચળવળ ચલાવતા અને કામ કરતા લોકો લઘુમતીમાં પણ લઘુમતી ગણાય તેવી સ્થિતિ છે."

મંગેશ દેસાઈ રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન છે અને જૂન, 2026માં ધર્મેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમના આયોજકોમાંથી એક હતા.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "શ્રદ્ધા શું છે અને અંધશ્રદ્ધા શું છે તે તો જે તે વ્યક્તિ જ નક્કી કરી શકે. જયંતભાઈની માનસિકતા ધર્મ વિરોધી છે... તેમની સંસ્થાનું કામ વિજ્ઞાનનો પ્રચાર કરવાનું છે ધર્મનો વિરોધ કરવાનું નહીં. સાંપ્રત સમયમાં વિજ્ઞાનો પ્રચાર-પ્રસાર થવો જોઈએ અને અંધશ્રદ્ધા પણ ન ફેલાવી જોઈએ. તેથી, વિજ્ઞાન જાથા બંધ કરવાનો તેમને નિર્ણય લીધો છે તે સારા સમાચાર તો નથી. પરંતુ તેઓ વિજ્ઞાન જાથાને તેમની પ્રાઇવેટ લિમિટેડ પેઢીની જેમ ચલાવે છે."

તો અમદાવાદ રેશનાલિસ્ટ ઍસોસિયેશનના સેક્રેટરી પીયૂષ જાદુગર કહે છે કે આ ચળવળને બહુ જનસમર્થન નથી મળી રહ્યું અને તેથી સંસ્થાઓ અમુક વ્યક્તિઓ પર નિર્ભર રહે તેવી પરિસ્થિતિ છે.

તેમણે કહ્યું, "જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આ કામ કરી રહી છે તે પોતાના ખર્ચે કામ કરી રહી છે. તેને કોઈ ફંડ-ફાળા નથી મળતા. તમારા ખર્ચે અને જોખમે પર્દાફાશ કરવા જવાનું છે અને તેમ છતાં મોટા ભાગના લોકો તેને સ્વીકારતા નથી. તે તો કહે કે 'આ લોકો નાસ્તિક છે' અને હવે નાસ્તિકનો અર્થ 'હિંદુ વિરોધી' એવો કરવામાં આવે છે. તેમ છતાં 70 વરસની ઉંમર સુધી તમારા પરિવારના સભ્યોની વિરુદ્ધમાં જઈને પણ આ કામ કરતા રહો અને બદલામાં માનહાનિ જ મળે તો વ્યક્તિ ડિપ્રેશનમાં જતી રહે. તેથી, જયંતભાઈનો નિર્ણય સમજી શકાય તેવો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન