માનવ જેવા રોબૉટ હવે શું યુદ્ધના મેદાનમાં પણ ઊતરશે, આ કેટલું જોખમી છે?

    • લેેખક, ઝો કૉર્બીન
    • પદ, ટેકનૉલૉજી રિપોર્ટર
    • દ્વારા રિપોર્ટિંગ, સૅન ફ્રાન્સિસ્કો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

હું સૅન ફ્રાન્સિસ્કોના ટેકનૉલૉજી કંપનીઓથી ભરેલા એક ઔદ્યોગિક વિસ્તારમાં આવ્યો છું. મને અપેક્ષા હતી કે અહીં કોઈ ભયજનક માનવ જેવી આકૃતિ ધરાવતો રોબૉટ સૈનિક જોવા મળશે, જે યુદ્ધ સંબંધિત કોઈ કાર્ય કરી રહ્યો હોય, કદાચ જમીન પર લડાતાં ભવિષ્યનાં યુદ્ધોનું કોઈ દૃશ્ય.

પરંતુ તેની જગ્યાએ, કાળા રંગનો, ચમકદાર અને ચહેરા વિનાનો ફૅન્ટમ રોબૉટ જોવા મળ્યો, જે "ફ્રી પ્લે"માં વ્યસ્ત હતો. તે બાળકોના રંગબેરંગી બ્લૉક્સ સાથે રમતો અને તેમને ગોઠવતો હતો.

બે વર્ષ જૂની સ્ટાર્ટઅપ કંપની 'ફાઉન્ડેશન રોબૉટિક્સ'ના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી સંકેત પાઠક જણાવે છે, "અમારે તેની આસપાસના વાતાવરણ સાથેની સામાન્ય ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી ડેટા એકઠો કરવાની જરૂર છે..."

"અને આજે તેના માટે આ જ કાર્ય નક્કી કરાયું છે."

તેમની કંપની ફૅન્ટમને સૈન્ય અને નાગરિક બંને પ્રકારના ઉપયોગ માટે વિકસાવી રહી છે.

બાદમાં તેમણે તેની સ્થિરતા દર્શાવવા માટે તેના 80 કિલો સ્ટીલથી ઢંકાયેલા શરીરને રૂમમાં આમથી તેમ ફેરવ્યું, અને દેખાડ્યું કે તે કેવી રીતે ચાલે છે.

ઘણી કંપનીઓ કારખાનાંમાં, ઘરમાં અથવા સાથી તરીકે ઉપયોગી બની શકે એવા સ્વાયત્ત માનવીય રોબૉટ બનાવી રહી છે.

પરંતુ ફાઉન્ડેશનનો દાવો છે કે અમેરિકામાં તે એકમાત્ર એવી કંપની છે, જે ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ ઉપયોગી રોબૉટ વિકસાવી રહી છે.

તેમાં પુરવઠો લાવવો, જાસૂસી કરવી, સાધનો અથવા ઘાયલોને પાછા લાવવાનું કામ અને જોખમી સ્થળોની તપાસ જેવી સહાયક ભૂમિકાઓનો સમાવેશ થાય છે.

પરંતુ તેની સાથે વધુ વિવાદાસ્પદ વાત છે તેનો ઉપયોગ, જેમકે યુદ્ધમાં સીધો સામનો કરીને જોખમોને નિષ્ક્રિય કરવા, જેને પાઠક "ફ્રન્ટલાઇન વેપનાઇઝેશન" કહે છે.

તેઓ એવી દલીલ કરે છે કે રોબૉટ્સને સશસ્ત્ર બનાવીને માનવસૈનિકોને નુકસાનથી બચાવી શકાય છે.

રોબૉટ્સ એવી જગ્યામાં પ્રવેશીને શોધખોળ કરી શકે છે, જ્યાં સાંકડા માર્ગો માણસો માટે જીવલેણ સાબિત થઈ શકે.

તેઓ કોલેટરલ (અજાણતા થતા) નુકસાનને પણ ઘટાડી શકે છે.

તેમનું કહેવું છે કે જમીન પર કાર્ય કરતી સ્વાયત્ત પ્રણાલીઓ હવામાંથી સ્વાયત્ત રીતે કરવામાં આવતા હુમલાઓની તુલનામાં લક્ષ્યને વધુ ચોકસાઈથી વીંધી શકે છે.

ફાઉન્ડેશનના ફૅન્ટમ માટે ભવિષ્યમાં આ સારું રહેશે.

કંપનીનું પ્રથમ મૉડલ, ફૅન્ટમ એમકે-1, જે મને બતાવવામાં આવ્યું, તેમાં બૅટરી નથી, તે ધૂળ કે પાણી સામે સુરક્ષિત નથી અને જો તે પડી જાય તો પોતાની જાતે ફરી ઊભું પણ થઈ શકતું નથી.

તેના હાથ, જે હજી પણ રોબૉટિક્સ ક્ષેત્ર માટે એક મોટો પડકાર છે, પૂરતી તાકાત અને ચપળતા ધરાવતા નથી, અને હાલમાં તેમાં યોગ્ય કાંડા પણ નથી.

આ જ સુવિધાના બીજા એક પ્રતિબંધિત વિભાગમાં તેનું બીજું મૉડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

પાઠક કહે છે કે ફૅન્ટમ એમકે-2 માત્ર ધૂળ, પાણી અને અન્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે સુરક્ષિત જ નહીં હોય, પરંતુ તેમાં મોટી બૅટરી પણ હશે, જે તેને આશરે છ કલાક સુધી કાર્યરત રાખશે.

ઉપરાંત, જો તે પડી જાય તો ફરી ઊભો થઈ શકશે અને વધુ શક્તિનો સામનો પણ કરી શકશે.

સારા હાથ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

પાઠકના જણાવ્યા અનુસાર, રોબૉટના આગામી હાથ ઘણી સારી રીતે હલનચલન કરી શકશે અને તેમાં એવાં કાંડાં હશે, જે તેને હથિયારો ચલાવવામાં મદદ કરશે.

પાઠક ઉમેરે છે કે, ફાઉન્ડેશનનો ધ્યેય 2027ના અંત સુધીમાં દર વર્ષે ઓછામાં ઓછા 40,000 યુનિટનું ઉત્પાદન કરવાનો છે, જેની કિંમત લાંબા ગાળે યુનિટ દીઠ 20,000 ડૉલર (15,000 પાઉન્ડ) કરતા પણ ઓછી હશે.

પાઇલટ પ્રોજેક્ટમાં હજુ રોબૉટ ગોળી ચલાવી શકતા નથી

પાઠકનું કહેવું છે કે ચીન આ ટેકનૉલૉજી પર ઝડપથી કામ કરી રહ્યું છે અને પશ્ચિમી દેશોએ તેનાં પગલાં સાથે પગલું મિલાવીને ચાલવાની જરૂર છે.

તેઓ કલ્પના કરે છે કે AI સિસ્ટમથી સંચાલિત લાખો માનવ રોબૉટો જમીન પર એક સૈન્યબળ તરીકે કાર્ય કરશે, જે આકાશમાં વધી રહેલા સ્વાયત્ત ડ્રોનનો સામનો કરશે.

તેમના મતે, માનવ રોબૉટ સૈનિકોનો વિશાળ કાફલો યુદ્ધને રોકવામાં એક શક્તિશાળી અવરોધક બની શકે છે.

ફાઉન્ડેશનને તેની ટેકનૉલૉજીનું અમેરિકન સૈન્ય સાથે પ્રાયોગિક પરીક્ષણ કરવા માટે 2.4 કરોડ ડૉલર (1.8 કરોડ પાઉન્ડ)ના સંશોધન કરારો મળ્યા છે. ઉપરાંત, તેના બે એકમો હાલમાં યુક્રેનના સૈન્ય દ્વારા પરીક્ષણ હેઠળ છે.

પાઠકનું કહેવું છે કે અમેરિકન સૈન્ય સાથેનો પાઇલટ પ્રોજેક્ટ હાલમાં હથિયારો સાચવવા સુધી જ સીમિત છે, તે ગોળી ચલાવી શકતા નથી.

જોકે, યુક્રેનમાં ચાલી રહેલાં પરીક્ષણોમાં હથિયારીકરણનો પણ સમાવેશ થાય છે.

આ વર્ષની શરૂઆતમાં કંપની ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્ર એરિક ટ્રમ્પ કંપનીમાં રોકાણકાર અને સલાહકાર તરીકે જોડાયા હતા.

ફાઉન્ડેશન પાઠક માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની એક તક પણ છે.

તેમણે સહ-સ્થાપિત અને સંચાલિત કરેલી નાણાકીય સેવા કંપની સિનેપ્સે 2024માં નાદારી નોંધાવી હતી.

પરંતુ શું માનવ રોબૉટ સૈનિકની લશ્કરને ખરેખર જરૂર છે ખરી? તે બનાવવા કેટલા મુશ્કેલ છે? અને કયા નૈતિક પ્રશ્નો ઊભા કરે છે?

હ્યુમનૉઇડ રોબૉટિક્સ ઍડવાઇઝરી ફર્મ 'રોબૉઝેપ્સ'ના ડીન ફેન્કાઉઝરનું કહેવું છે કે સેના તેમાં રસ લઈ રહી છે. આ ફર્મ સિસ્ટમ માટે એક માર્કેટ પ્લેસ ચલાવે છે.

તેઓ હ્યુમનૉઇડ્સ માટે અમેરિકાની વર્તમાન સેનાની સ્પર્ધા તરફ નિર્દેશ કરે છે, જે ભવિષ્યમાં સૈનિકોને વિવિધ પ્રકારનાં કાર્યોમાં ટેકો આપી શકે છે.

અત્યાર સુધી સક્રિય યુદ્ધમાં રોબૉટનો ઉપયોગ થયો નથી

ફેન્કાઉઝર કહે છે કે કોઈ કંપની ટેકનૉલૉજીને હથિયાર તરીકે વિકસાવવામાં વ્યવસાયિક તક જુએ તે "સંપૂર્ણપણે અનિવાર્ય" છે.

હાલમાં જ ઘણા સરળ પ્રકારના રોબૉટ્સ, ખાસ કરીને ડ્રોન અને જમીન પર કાર્ય કરતી કેટલીક રોબૉટિક પ્રણાલીઓ, વિસ્ફોટકો, મિસાઇલ અને અન્ય સાધનો લઈ જવા માટે ઉપયોગમાં લેવાય છે.

યુદ્ધક્ષેત્રમાં તેમનો ઉપયોગ ખાસ કરીને યુક્રેનમાં સ્પષ્ટપણે જોવા મળ્યો છે.

ફેન્કાઉઝર નોંધે છે કે કેટલીક કંપનીઓ કૂતરાં જેવા દેખાતા ચાર પગવાળા રોબૉટ્સને પણ હથિયારોથી સજ્જ બનાવવાના પ્રયાસો કરી રહી છે.

જોકે, અત્યાર સુધી સક્રિય યુદ્ધમાં તેમનો ઉપયોગ બહુ જોવા મળ્યો નથી.

પરંતુ અન્ય કેટલીક પગવાળા રોબૉટ બનાવતી કંપનીઓએ હથિયારીકરણ સામે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે.

તેઓ સંભવિત નુકસાન અને નૈતિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તેનો વિરોધ કરે છે.

પાઠક તેમની સાથે અસંમત છે, તેમની દલીલ છે કે ઘણી બધી કંપનીઓ ફાઉન્ડેશનના માર્ગે ચાલી નથી રહી તે વાત ખૂબ ખતરનાક છે.

તેમના મતે, માનવ રોબૉટ સૈનિકો એક વ્યવહારુ વિચાર છે, કારણ કે દુનિયા મૂળભૂત રીતે મનુષ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

સ્ક્રુડ્રાઇવરથી લઈને હથિયારો સુધી, પહેલેથી અસ્તિત્વમાં રહેલાં સાધનોને ફરીથી ડિઝાઇન કરવાની જરૂર નથી.

પાઠક કહે છે કે જીવલેણ બળનો ઉપયોગ થાય તે પહેલાં મનુષ્યને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ અને તેની મંજૂરી પછી જ સિસ્ટમ કાર્ય કરવી જોઈએ.

તેઓ કહે છે કે, જોકે, તેઓ એવા કેટલાક અપવાદો પણ સ્વીકારે છે, જ્યાં મોટી વિનાશક પરિસ્થિતિ ટાળવા માટે સ્વાયત્ત રીતે ગોળીબાર કરવો જરૂરી બની શકે.

તેઓ એવી પરિસ્થિતિઓની પણ કલ્પના કરે છે, જ્યાં માનવીય મંજૂરી એટલી આવશ્યક ન હોય.

કદાચ સૌથી મોટો પડકાર, અને માનવ રોબૉટ બનાવતી તમામ કંપનીઓ સામે રહેલો પડકાર, એવી AI સિસ્ટમ વિકસાવવાનો છે, જે વાસ્તવિક દુનિયામાં કાર્ય કરી શકે અને અણધારી તથા જટિલ પરિસ્થિતિઓનો સફળતાપૂર્વક સામનો કરી શકે.

ફેન્ટમને કૉર્ટેક્સ નામની AI સિસ્ટમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, અને હાલમાં તેનું એક નવું સંસ્કરણ પણ વિકસાવવામાં આવી રહ્યું છે.

તેની કાર્યપદ્ધતિ એવી છે કે ફૅન્ટમને કોઈ ચોક્કસ લક્ષ્ય આપવામાં આવે છે, જેમ કે પુરવઠો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવો કે કોઈ ઇમારતની અંદરનો નકશો તૈયાર કરવો. આ કાર્યો માટે તેને વીડિયો, તસવીરો અને લખાણ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે.

ત્યાર બાદ તે પોતાના હેલ્મેટમાં લગાવવામાં આવેલા કૅમેરાની મદદથી આસપાસના વાતાવરણમાં આગળ વધે છે.

આ કૅમેરાઓ તેને 360 ડિગ્રી દૃશ્ય આપે છે, જેથી તેની AI સિસ્ટમ આસપાસની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકે અને તેના આધારે પોતાની હિલચાલમાં જરૂરી ફેરફાર કરી શકે.

પાઠકના જણાવ્યા અનુસાર, કોર્ટેક્સમાં બે પ્રકારનાં AI મૉડલો એકસાથે કામ કરે છે.

કામનાં ચોક્કસ ઉદાહરણો દ્વારા તૈયાર કરવામાં આવેલા એક "તર્કસંગત મૉડલ" ધ્યેયને સમજે છે, અને ફૅન્ટમની કાર્યયોજના તૈયાર કરે છે.

બીજુ વધુ વ્યાપક "વિશ્વ મૉડલ" છે. તેને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વીડિયો અને રોબૉટ દ્વારા વાસ્તવિક દુનિયા સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી મેળવેલા ડેટા દ્વારા તાલીમ આપવામાં આવી છે.

તેમાં બ્લૉક્સ સાથે તેની "ફ્રી પ્લે" પ્રવૃત્તિઓમાંથી મળેલો ડેટા પણ સામેલ છે.

આ મૉડલ આસપાસનું વાતાવરણ તેની ક્રિયાઓ પર કેવી પ્રતિક્રિયા આપશે તેની આગાહી કરે છે, જેથી ફૅન્ટમ સુરક્ષિત રીતે હલનચલન કરી શકે અને પોતાનાં કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે.

તેમ છતાં દરેક વ્યક્તિ એ વાત સાથે સહમત નથી કે માનવ રોબૉટ જ સૌથી અસરકારક છે.

રોબૉઝેપ્સના ફેન્કાઉઝર જણાવ્યા અનુસાર, ચાર પગવાળા રોબૉટ્સ જેવા અન્ય પ્રકારના રોબૉટ્સ અસમતલ અને મુશ્કેલ ભૂપ્રદેશમાં વધુ ઝડપથી અને વધુ કુશળતાથી ચાલી શકે છે.

તેમણે એમ પણ નોંધ્યું છે કે, વ્યાવસાયિક ક્ષેત્રમાં અત્યાર સુધી જે કંઈ તેમણે જોયું છે તેના આધારે માનવ રોબૉટ ટેકનૉલૉજીને હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.

ફેન્કાઉઝરે જણાવ્યું કે આજના વાણિજ્યિક હ્યુમનૉઇડ રોબૉટ્સ ભાગ્યે જ વેરહાઉસ પૅકિંગ સંભાળી શકે છે, દરવાજો ખોલવા જેવી જટિલ કામગીરીની વાત તો દૂર જ રહી.

તેઓ ઉમેરે છે, "જો આજે તાઇવાનમાં યુદ્ધ શરૂ થાય તો ચીન આ માનવ રોબૉટ્સને સૈન્યમાં સામેલ કરીને અસરકારક રીતે લડાઈ લડે તેવી સંભાવના બહુ જ ઓછી છે."

ચીનના રોબૉટ્સે કેટલાક પ્રભાવશાળી દેખાવો જરૂર કર્યા છે, પરંતુ તે બધા અત્યંત નિયંત્રિત અને સુવ્યવસ્થિત વાતાવરણમાં થયા છે, જે વાસ્તવિક યુદ્ધક્ષેત્રની પરિસ્થિતિઓથી બિલકુલ વિપરીત છે.

જોકે, ફેન્કાઉઝરનું કહેવું છે કે આગામી પાંચ કે દસ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે.

રૉબર્ટ ગ્રિફિન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ફૉર હ્યુમન ઍન્ડ મશીન કૉગ્નિશન નામની બિનનફાકારક સંસ્થામાં માનવ રોબૉટ્સ પર કામ કરે છે.

આ સંસ્થા સૈન્યના ભંડોળથી ચાલતા એવા પ્રોજેક્ટ્સ પર કાર્ય કરે છે, જે યુદ્ધ સિવાયના ઉપયોગો માટેના માનવ રોબૉટ્સ વિકસાવવા પર કેન્દ્રિત છે.

આ સંસ્થામાંથી શરૂ થયેલી એક કંપનીને બાદમાં 'ફાઉન્ડેશન'એ તેની મુખ્ય ટેકનૉલૉજીના એક ભાગ માટે ખરીદી લીધી હતી.

ગ્રિફિનના મતે, માનવ જેવા રોબૉટ માનવીય સૈનિકોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ તેઓ એમ પણ કહે છે કે અણધારી અને સતત બદલાતી પરિસ્થિતિઓ હજુ પણ મોટો પડકાર છે.

કોઈ અજાણી ઊંચી બારીમાંથી કૂદકો મારવો, ઉબડખાડબ જમીન પર સલામત રીતે ચાલવું, અને તરત જ કોઈ અજાણી જગાની અંદર માર્ગ શોધીને આગળ વધવાનું શીખવવું અત્યંત મુશ્કેલ છે.

ગ્રિફિન કહે છે, "માનવાકૃતિ જોઈને એવું લાગે છે કે તેમાં મનુષ્ય જેવી ક્ષમતા હશે... પરંતુ આ સ્વાયત્ત પ્રણાલીઓ હજુ સુધી ખુલ્લી અને અણધારી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે શીખી શકી નથી."

તેમણે આગળ જણાવ્યું, માનવ સૈનિકોએ "સામાન્ય" રીતે "અસામાન્ય" કામ કરીને, જેમ કે કલાબાજી કરીને કે માથે કાર્ડબોર્ડનાં બૉક્સ મૂકીને AI સિસ્ટમોને સરળતાથી નિષ્ફળ બનાવી દીધી છે.

વ્યવહારુ મુદ્દાઓ પણ સરળતાથી ઉકેલી શકાય તેમ નથી.

ગ્રિફિનના જણાવ્યા અનુસાર, કાર્યસમય એવી સમસ્યા છે, જે "દરેક માનવ રોબૉટ બનાવતી કંપનીને પરેશાન કરે છે." ચાલવા, દોડવા અને સાંધાઓને હલાવવામાં ઘણો વીજ વપરાશ થાય છે. છ કલાકનો રનટાઇમ તો ખૂબ જ પ્રભાવશાળી સાબિત થશે.

ફાઉન્ડેશન ખરેખર એવા હાથ બનાવી શકશે કે નહીં, જે મનુષ્ય માટે બનાવવામાં આવેલાં હથિયારોને યોગ્ય રીતે પકડીને ચલાવી શકે, તે હજુ સ્પષ્ટ નથી.

તેઓ જણાવે છે કે, "[કંપની] તેમની ઍન્જિનિયરિંગ ટીમ માટે ખૂબ જ મુશ્કેલ પડકારો ઊભા કરી રહી છે કે જેમાં તેઓ સફળ થઈ શકે, અને નિષ્ફળ પણ."

આ દરમિયાન, નૈતિક ચિંતાઓ પણ ગંભીર રીતે સામે આવી રહી છે.

સ્ટૉપ કિલર રોબૉટ્સ નામના વૈશ્વિક બિનસરકારી સંગઠનોના ગઠબંધનના કાર્યકારી નિર્દેશક નિકોલ વાન રૂયજેન કહે છે કે, જીવલેણ સ્વાયત્ત હથિયારો, ભલે તે કોઈપણ સ્વરૂપમાં હોય, સરળતાથી યુદ્ધ શરૂ કરાવી દે છે, સંઘર્ષને અમાનવીય બનાવી દે છે અને જવાબદારીને ધૂંધળી કરી નાખે છે.

પરંતુ તેમને માનવ રોબૉટ તો વધુ ચિંતાજનક લાગે છે.

માનવ જેવાં મશીનોનો ઉપયોગ જેમ જેમ નાગરિકના જીવનમાં વધશે, તેમ તેમ લોકો તેમને પરિચિત અને વિશ્વાસપાત્ર માનવા લાગશે.

પરિણામે, લોકો સાથે જોડાયેલાં જોખમોને યોગ્ય રીતે ઓળખવામાં ભૂલ થઈ શકે છે.

તેમના મતે, હાલમાં ચાલી રહેલી ટેકનૉલૉજીકલ હરીફાઈનો સાચો જવાબ વધુ શક્તિશાળી હથિયારો બનાવવામાં નથી, પરંતુ તેને શાંત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ નિયમો અને સમજૂતીઓ બનાવવામાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન