You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના બૉલર ઉસ્માન તારિકને ધોની પાસેથી શું પ્રેરણા મળી? - ન્યૂઝ અપડેટ
પાકિસ્તાનના ક્રિકેટર ઉસ્માન તારિકે કહ્યું છે કે તેઓ ક્રિકેટમાં એટલે આગળ વધી શક્યા કારણ કે તેમને ધોનીના જીવનમાંથી પ્રેરણા મળી હતી.
આઈસીસીએ ઉસ્માન તારિકની પ્રેસ કૉન્ફરન્સનો એક વીડિયો મૂક્યો છે જેમાં તેઓ આ વાત કરતા જોવા મળે છે.
તેઓ કહે છે કે, "હું ક્રિકેટમાં પાછો ફર્યો તો એ માત્ર ધોનીને કારણે ફર્યો છું. મેં તેની ફિલ્મ જોઈ હતી અને તેમાંથી મને પ્રેરણા મળી હતી."
"એ પણ નોકરી કરતા હતા, હું પણ કરતો હતો. એ કરી શકે તો હું પણ કંઈક કરી શકું. મને લાગ્યું કે એ માણસ ઇતિહાસ રચી શકે, તો હું પણ આ રસ્તે કંઈક કરું."
અહીં ઉલ્લેખનીય છે કે ઉસ્માન તારિક તેમની 'બ્રેક' મારીને બૉલિંગ કરવા માટે જાણીતા છે. આ વર્લ્ડકપમાં તેઓ ઘણી ચર્ચામાં છે.
પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોં સાથેની મુલાકાત બાદ શું કહ્યું?
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅંક્રો ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. મૅક્રોં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુંબઈના લોકભવનમાં મુલાકાત થઈ છે.
આ દરમિયાન બંનેએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. ત્યાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોં અને પીએમ મોદીએ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી.
પીએમ મોદીએ કહ્યું, "ભારત અને ફ્રાન્સના સંબંધો ખાસ છે. ફ્રાન્સ ભારતનો સૌથી જૂના ભાગીદારો પૈકીનો એક છે. રાષ્ટ્રપતિ મૅક્રોં સાથે મળીને અમે આ રણનીતિક ભાગીદારીમાં વધુ ઊંડાણ અને ઊર્જા પ્રાપ્ત કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વર્ષ 2026, ભારત અને યુરોપના સંબંધો માટે એક ટર્નિંગ પૉઇન્ટ છે. કેટલાક દિવસો પહેલા, અમે યુરોપિય સંઘ સાથે ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વાકાંક્ષી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી હતી."
ઇમૅન્યુએલ મૅક્રોંએ ઇન્ડિયા-ફ્રાન્સ ઇનોવેશન ફોરમનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે, નવાચાર ત્યારે મજબૂત હોય છે જ્યારે તેને વહેંચવામાં આવે છે. ભારત આ વાત સમજે છે.
તેમણે કહ્યું, "મુંબઈ, સપનાની નગરી છે. હંમેશાં ચાલનારું અને ભવિષ્યની તરફ આગળ વધતું શહેર છે. આજે જે અમે ઇન્ડિયા-ફ્રાન્સ ઇનોવેશન ફોરમ શરૂ કરી રહ્યા છે. તેના માટે તે યોગ્ય જગ્યા છે."
ટી20 વિશ્વકપમાંથી બહાર થયું ઑસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે-આયર્લૅન્ડની મૅચ રદ થવાથી બગડ્યું ગણિત
ટી20 વિશ્વકપમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ સફર સમાપ્ત થઈ ગઈ છે. શ્રીલંકાના કૅન્ડીમાં મંગળવારે ઝિમ્બાબ્વે અને આયર્લૅન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ.
બંને ટીમને એક-એક પૉઇન્ટ આપવામાં આવ્યા.
ઝિમ્બાબ્વે અને આયર્લૅન્ડ ગ્રૂપ-બીમાં હતા પરંતુ આ ગ્રૂપમાં 6 અંકો સાથે ટૉપ પર શ્રીલંકા અને પાંચ અંકો સાથે બીજા નંબરે ઝિમ્બાબ્વે પહોંચી ગયું છે.
તમામ ગ્રૂપની બે ટોચની ટીમ જ સુપર-8માં જશે. ઑસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટમાં ત્રણ મૅચ રમી છે જેમાં તેને એકમાં જ જીત પ્રાપ્ત થઈ છે. ઝિમ્બાબ્વે અને શ્રીલંકાની સામે તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ ગ્રૂપમાં પાંચમી ટીમ ઓમાનની હતી જે ત્રણેય મુકાબલામાં હારી ગઈ છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ અભિનેતા રાજપાલ યાદવ શું બોલ્યા?
અભિનેતા રાજપાલ યાદવનો જેલમાંથી બહાર આવ્યાનો પહેલો વીડિયો સામે આવ્યો છે.
તેમણે હાઇકોર્ટનો વચગાળાના જામીન આપવા બદલ આભાર પ્રગટ કર્યો છે.
રાજપાલ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "મને બાળકો, વૃદ્ધોથી લઈને તમામનું સમર્થન પ્રાપ્ત થયું. હાઇકોર્ટ મને જ્યાં કહેશે, હાજર થઈશ."
"હું 2027માં બૉલીવુડમાં 30 વર્ષ પૂર્ણ કરીશ. આખા દેશમાંથી લોકો, બાળકો, વૃદ્ધો, જવાનો મારા સમર્થનમાં છે. મને દેશ-દુનિયા તથા બૉલીવુડે પ્રેમ આપ્યો છે. મારા પર જે પણ આરોપ છે, હું તેનો જવાબ આપીશ."
દિલ્હી હાઇકોર્ટે અભિનેતા રાજપાલ યાદવની સજા પર હાલ પૂરતી રોક લગાવી છે. આ મામલે હવે પછીની સુનાવણી 18મી માર્ચે થશે. ત્યાં સુધી રાજપાલ યાદવ જેલ બહાર રહેશે. સુનાવણીમાં રાજપાલ યાદવને પ્રત્યક્ષ કે વર્ચ્યુઅલી હાજર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે રાહત આપતી વખતે નોંધ્યું હતું કે પ્રતિવાદીના બૅન્ક ખાતામાં 1.5 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે.
બાંગ્લાદેશ : તારિક રહમાને લીધા વડા પ્રધાનપદના શપથ
બાંગ્લાદેશમાં તારિક રહમાને વડા પ્રધાનપદના શપથ લીધા છે. તેઓ બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ના અધ્યક્ષ પણ છે. બાંગ્લાદેશમાં નવા મંત્રીમંડળના સભ્યો પણ શપથ લઈ રહ્યા છે.
શપથ સમારોહ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મહોમ્મદ યુનુસ તથા રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની ઉપસ્થિતિમાં થઈ રહ્યો છે.
બીબીસી બાંગ્લા પ્રમાણે, ઇતિહાસમાં પહેલી વખત મંત્રીમંડળનો શપથવિધિ ખુલા આકાશ નીચે કરવામાં આયોજિત કરવામાં આવ્યો.
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી થઈ હતી, જેમાં બીએનપી ગઠબંધનને 212 બેઠકો જીતીને બહુમત હાંસલ કર્યો હતો. જ્યારે કે જમાત-એ-ઇસ્લામી ગઠબંધનને માત્ર 77 બેઠકો મળી હતી.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર 16 મહિના બાદ નિર્વાચિત સરકારને સત્તા સોંપી રહી છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પહેલા જ સોમવારના વિદાય ભાષણ બાદ પદ છોડવાનું ઍલાન કરી ચૂક્યા હતા.
ઈરાન સાથે વાતચીત અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મહત્ત્વની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાન અને અમેરિકા વચ્ચે જિનિવામાં થનારી વાતચીતમાં 'અપ્રત્યક્ષ' રીતે સામેલ થશે.
ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે તેમને લાગે છે કે ઈરાન પોતાના અણુ પ્રોગ્રામ અંગે સમજૂતી કરવા માંગે છે.
જિનિવામાં મંગળવારે વાતચીતનો બીજો તબક્કો યોજાવાનો છે.
સોમવારે તહેરાનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પરમાણુ મુદ્દે અમેરિકાનું વલણ હવે "વઘુ વાસ્તવવાદી" દિશામાં જતું જણાય છે.
બીજી તરફ આ મંત્રણાને "અત્યંત મહત્ત્વપૂર્ણ" ગણાવીને ટ્રમ્પે સંકેત આપ્યો કે આ વખતે ઈરાન સમજૂતી કરવા માટે ગંભીર છે.
તેમણે કહ્યું કે, "મને નથી લાગતું કે તેઓ સમજૂતી ન કરવાનાં પરિણામો ભોગવવા ઇચ્છતા હોય."
તેમણે એમ પણ કહ્યું કે ગયા વર્ષે મંત્રણા દરમિયાન સખત વલણ અપનાવવાનાં પરિણામ ઈરાન જોઈ ચૂક્યું છે, જ્યારે અમેરિકાએ તેનાં પરમાણુ મથકો પર બૉમ્બમારો કર્યો હતો.
તેમણે કહ્યું કે, અમે બી-2 બૉમ્બર્સ મોકલીને તેમની પરમાણુક્ષમતા નષ્ટ કરવાના બદલે સમજૂતી કરી શકતા હતા. પરંતુ અમારે બી-2 મોકલવાં પડ્યાં.
તેમણે સ્ટીલ્થ બૉમ્બરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "મને આશા છે કે હવે તેઓ વધારે વ્યવહારિક બનશે."
યોગી આદિત્યનાથ પહેલાં આખું વંદેમાતરમ ગાઈ સંભળાવેઃ પ્રિયંકા ચતુર્વેદી
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ પર વંદે માતરમનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો છે, ત્યારે શિવસેના (યુબીટી)નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
ચતુર્વેદીએ કહ્યું કે, "આ માત્ર યોગી આદિત્યનાથનો રાજકીય દેખાડો છે. શું કોઈ તેમને કહી શકે છે કે સૌથી પહેલાં તેઓ વંદે માતરમની તમામ છ કડી સાથે આખું ગીત સંભળાવે, ત્યાર પછી નક્કી કરે કે કોણ રાષ્ટ્રવિરોધી છે, કોણ દેશભક્ત નથી અને કોણ દેશદ્રોહ કરી રહ્યા છે?"
તેમણે કહ્યું કે "પહેલાં આપણે તેમને ગાતા સાંભળવા જોઈએ અને પછી વંદે માતરમ વિશે તેઓ શું જાણે છે તે કહેતા સાંભળવા જોઈએ. આ માત્ર રાષ્ટ્રીય ગીતને અંગત અને રાજકીય લાભ માટે રાજકીય રંગ આપવાનો પ્રયાસ છે, જે સમાજને વહેંચવાનો વિચાર છે."
હાલમાં યુપી વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ છે અને યોગી આદિત્યનાથે ગૃહમાં કહ્યું હતું કે "સમાજવાદી પાર્ટી રાષ્ટ્રગીત વંદે માતરમનો વિરોધ કરે છે."
સોમવારે યોગીએ જણાવ્યું હતું કે "વંદે માતરમનો વિરોધ કરવો અને રાષ્ટ્રીય પ્રતીકો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવી એ દેશદ્રોહથી ઓછું નથી."
બાંગ્લાદેશમાં આજે તારિક રહમાન વડા પ્રધાનપદના શપથ લેશે
બાંગ્લાદેશમાં ચૂંટણી પછી આજે સાંસદો અને કૅબિનેટના સભ્યો માટે શપથગ્રહણ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે.
બીબીસી બાંગ્લા મુજબ મુખ્ય ચૂંટણીપંચ મંગળવારે સવારે 10 વાગ્યે સંસદભવનના સાઉથ પ્લાઝામાં નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેશે. વડા પ્રધાન અને મંત્રીમંડળને સાંજે ચાર વાગ્યે શપથ લેવડાવવામાં આવશે.
બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)એ જણાવ્યું છે કે પાર્ટીના અધ્યક્ષ તારિક રહમાન વડા પ્રધાન તરીકે શપથ લેશે.
વચગાળાની સરકાર 16 મહિના પછી નિર્વાચિત સરકારને સત્તા સોંપવાની છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસે સોમવારે રાતે પોતાના વિદાય ભાષણમાં પદ છોડવાની જાહેરાત કરી હતી.
12 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીમાં બીએનપી અને ગઠબંધને 212 બેઠકો જીતીને બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. જ્યારે જમાત-એ-ઇસ્લામીના ગઠબંધનને 77 બેઠકો મળી હતી.
પાકિસ્તાનમાં સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, 10 સુરક્ષા કર્મચારીનાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં એક સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો થયો છે જેમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકોને ઈજા થઈ છે.
બીબીસી ઉર્દૂ મુજબ બાજૌર જિલ્લાના મલંગી વિસ્તારમાં વિસ્ફોટકો ભરેલી એક ગાડીમાં ધડાકો થયો હતો. આ ઇમારત અગાઉ એક મદરેસા હતી, પરંતુ ત્યાર પછી ત્યાં સુરક્ષા ચોકી બનાવવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે સુરક્ષા ચોકી પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 કર્મચારી માર્યા ગયા છે. મૃતકોમાં એક પોલીસ કર્મચારી અને ફ્રન્ટિયર કોરના નવ સૈનિકો સામેલ છે. કાટમાળની નીચેથી હજુ મૃતદેહો કાઢવાનું કામ ચાલુ છે.
એક અધિકારીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે અજ્ઞાત લોકોએ વિસ્ફોટકો ભરેલું એક વાહન ફ્રન્ટિયર કોરની ચોકી સાથે ટકરાવ્યું હતું. સેના તરફથી હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય મંત્રી સોહેલ આફ્રિદીએ આ આત્મઘાતી હુમલાની ટીકા કરી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન ભારત પહોંચ્યા
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન અને ફર્સ્ટ વુમન બ્રિજિટ મેક્રોન ભારતના ત્રણ દિવસના પ્રવાસે મુંબઈ પહોંચ્યાં છે.
મંગળવારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
મૅક્રોન 17થી 19 ફેબ્રુઆરી 2026 સુધી ભારતની સત્તાવાર મુલાકાત પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપીને આ મુલાકાત યોજવામાં આવી છે.
તેઓ ભારતની મેજબાનીમાં આયોજિત એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે અને મુંબઈમાં વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
રાષ્ટ્રપતિ મૅક્રોનનો આ ચોથો ભારત પ્રવાસ છે, તેઓ મુંબઈની મુલાકાતે પહેલી વાર આવ્યા છે.
ગયા અઠવાડિયે ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારત રફાલ ફાઇટર વિમાનો માટે એક મોટો ઑર્ડર આપવાની યોજના ધરાવે છે, ત્યાર પછી આ મુલાકાત યોજાઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન