મહારાષ્ટ્રના બદલાપુર યૌન ઉત્પીડન મામલાના આરોપીનું 'પોલીસ કાર્યવાહી'માં મૃત્યુ, મુખ્ય મંત્રીએ શું કહ્યું-ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર પોલીસનું જણાવવું છે કે બદલાપુરની એક સ્કૂલમાં બે બાળકી સાથે યૌન શોષણ મામલાના આરોપી અક્ષય શિંદેનું મૃત્યુ થઈ ગયું છે.
પોલીસનું કહેવું છે કે આરોપી અક્ષય શિંદેને પોલીસ તલોજા હૉસ્પિટલ લઈ જતી હતી ત્યારે તેણે બંદૂક છીનવીને પોતાનો જીવ લેવાની કોશિશ કરી.
પોલીસ અધિકારી સંજય જાધવે બીબીસી મરાઠીને જણાવ્યું કે ત્યારબાદ થયેલા ગોળીબારમાં અક્ષય શિંદેનું મોત થયું.
ગોળીબાર બાદ અક્ષય શિંદેને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
શું છે મામલો?
મહારાષ્ટ્રના બદલાપુરમાં 16 ઑગસ્ટના રોજ પીડિત બાળકીઓમાંથી એકનાં માતા-પિતાએ પોલીસ સ્ટેશને કેસ દાખલ કર્યો હતો.
પરિવારનો આરોપ હતો કે કલાકો સુધી રાહ જોયા બાદ પણ તેમની ફરિયાદ કાને ન ધરવામાં આવી.
બાળકીનાં માતા-પિતા તથા સ્થાનિક મહિલાઓએ 20 ઑગસ્ટે તેની સામે વિરોધપ્રદર્શનો શરૂ કર્યાં જે બાદમાં હિંસક બન્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું કહ્યું મુખ્ય મંત્રીએ?
આ ઘટના બાદ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે કહ્યું, "અક્ષય શિંદે જે બદલાપુરનો આરોપી હતો જેને પોલીસ તપાસ માટે લઈ જતી હતી. તેના પર પહેલી પત્નીએ યૌન અત્યાચારનો કેસ કર્યો હતો. તેની તપાસ માટે લઈ જવાતો હતો. તેણે એપીઆઈ નીલેશ મોરે પર ફાયરિંગ કર્યું. નીલેશ ઘાયલ છે. ત્યારબાદ પોલીસે બચાવમાં તેના પર કાર્યવાહી કરી. હાલ આ જાણકારી મળી છે."
લેબનોને કહ્યું કે ઇઝરાયલના હુમલામાં 182નાં મૃત્યુ, હિઝબુલ્લાહે ઇઝરાયલ પર કર્યો રૉકેટથી હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર મોટા પાયે હુમલાની શરૂઆત કરી દીધી છે. લેબનોનમાં લોકોને ઇઝરાયલે સુરક્ષીત રહેવા માટે હિઝબુલ્લાહનાં ઠેકાણાંથી દૂર રહેવાની અપીલ કરી છે.
લેબનોનના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સોમવારે દક્ષિણ લેબનોનનાં શહેરો અને ગામડાંઓમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 182 લોકોનાં મૃત્યુ થયાં છે.
લેબનોનના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું કે આ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત 400 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલના આ હુમલાની સામે હિઝબુલ્લાહે પણ રૉકેટ વડે ઇઝરાયલ પર હુમલો કર્યો છે. ઇઝરાયલી ડિફેન્સ ફૉર્સે એક નિવેદનમાં કહ્યું છે કે લેબનોનથી ઓછામાં ઓછાં 35 રૉકેટો છોડવામાં આવ્યાં છે. ઇઝરાયલે કહ્યું છે કે તે પૈકી ઘણાં રૉકેટોને તોડી પાડવામાં આવ્યાં છે.
ઇઝરાયલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ આ પહેલાં જણાવ્યું હતું કે સેના લેબનોનમાં હુમલો કરશે. સેનાના પ્રવક્તા હગારીએ લોકોને હિઝબુલ્લાહનાં ઠેકાણાંની આસપાસ ન રહેવાની સૂચના પણ આપી હતી.
ઇઝરાયલના જણાવ્યા પ્રમાણે હાલમાં હિઝબુલ્લાહે ઇઝરાયલ પર 100 રૉકેટો છોડ્યાં હતાં. જેના જવાબમાં ઇઝરાયલે આ હુમલો કર્યો છે.
કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ પહોંચી ઑસ્કર

ઇમેજ સ્રોત, ANI
ઑસ્કર 2025 માટે ‘લાપતા લેડીઝ’ ફિલ્મને ભારતની આધિકારિક એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ જાણકારી સોમવારે ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ આપી છે.
કિરણ રાવના નિર્દેશનમાં બનેલી ‘લાપતા લેડીઝ’ ફિલ્મ 97મા અકાદમી પુરસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મે સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં નૉમિનેટ કરવામાં આવી છે.
જાનૂ બરુઆના નેતૃત્વ વાળી 13 સભ્યોની સિલેક્શન કમિટીએ 29 ફિલ્મોની યાદીમાંથી ઑસ્કર માટે આ ફિલ્મની પસંદગી કરી છે. આ યાદીમાં 12 હિન્દી ફિલ્મો, 6 તામિલ ફિલ્મો અને 4 મલયાલમ ફિલ્મો પણ હતી.
આ તમામ ફિલ્મોને પછાડીને ‘લાપતા લેડીઝ’ ઑસ્કરમાં ભારતની અધિકારિક એન્ટ્રી બની છે.
આ ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશને અભિનય કર્યો છે. આ ફિલ્મ ગ્રામીણ પૃષ્ઠભૂમિની મહિલાઓની જિંદગી પર આધારીત છે.
સુપ્રીમ કોર્ટ : ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અથવા ડાઉનલોડ કરવી એ ગુનો છે

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે સુપ્રીમ કોર્ટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે નવી ગાઈડલાઇન જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ પોક્સો ઍક્ટ અને આઈટી કાયદા (ઇન્ફોર્મેશન એન્ડ ટૅકનૉલૉજી એક્ટ) હેઠળ ગુનો છે.
મદ્રાસ હાઈકોર્ટના તે નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટે પલટી નાખ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી ગુનો નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામગ્રી સ્ટોર કરવી એ પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો છે.
સુપ્રીમ કોર્ટે સંસદને સૂચન કર્યું છે કે પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટે કાયદો લાવવામાં આવે. કોર્ટે "ચાઇલ્ડ પોર્નોગ્રાફી"ના બદલે "ચાઇલ્ડ સેક્સુઅલ ઍક્સપ્લૉઇટેટિવ ઍન્ડ અબ્યૂઝિવ મટીરિયલ" લખવાનું સૂચન કર્યું છે.
સર્વોચ્ચ અદાલતે અન્ય તમામ અદાલતોને “ચાઈલ્ડ પોર્નોગ્રાફી” શબ્દનો ઉપયોગ નહીં કરવા માટે નિર્દેશ આપ્યો છે.
AIનો અર્થ છે 'અમેરિકન-ઇન્ડિયન' - વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન નાસાઉ ક્લિજિયમ એરેના ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, ''ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. આ ભાગીદારી 'ગ્લોબલ ગૂડ' માટે છે. મેં જાહેરાત કરી હતી કે અમારી સરકાર સિએટલમાં કૉન્સ્યુલેટ શરૂ કરશે. હવે તે શરૂ થઈ ગઈ છે. બોસ્ટન અને લોસ એન્જલસમાં વધુ બે કૉન્સ્યુલેટ શરૂ કરવામાં આવશે."
''અમે ગ્લોબલ સાઉથનો પણ મજબૂત અવાજ બની રહ્યા છીએ. ભારતના પ્રયાસથી આફ્રિકન યુનિયનને G20 સમિટમાં કાયમી સભ્યપદ મળ્યું છે. આજે જ્યારે ભારત કંઈક કહે છે તો સમગ્ર દુનિયા તેને સાંભળે છે. થોડા સમય પહેલા, મેં કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. આજે બધા તેની ગંભીરતા સમજી રહ્યાં છે.''
પીએમ મોદીએ કહ્યું, ''આજે વિશ્વમાં જ્યાં પણ સંકટ આવે છે, ભારત ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે આગળ આવે છે. કોરોના દરમિયાન અમે 150થી વધુ દેશોમાં વૅક્સિન અને સહાય મોકલી હતી."
''હું પ્રથમ વડા પ્રધાન છું જેનો જન્મ ભારતની આઝાદી બાદ થયો છે. હું ભલે સ્વરાજ માટે મારું જીવન ન આપી શક્યો, પરંતુ આ દેશના કલ્યાણ માટે હું મારું આખું જીવન સમર્પિત કરીશ.''
''અમારી સરકાર ત્રીજી વખત સત્તા પર આવી છે. ભારતમાં છેલ્લાં 60 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. આનો અર્થ ઘણો મોટો છે. આપણે ત્રણ ગણી તાકાત અને ઝડપ સાથે આગળ વધવું પડશે.''
''વિશ્વ માટે AIનો અર્થ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. પરંતુ હું માનું છું કે AI નો અર્થ અમેરિકન-ઇન્ડિયન છે.''
ચૈતર વસાવા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટિંગનો વધુ એક ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
પોલીસ એફઆઈઆર અનુસાર ડેડિયાપાડાના સામરપાડામાં રહેતા શાંતિલાલ વસાવાને ડેડિયાપાડાના ધારાસભ્ય અને તેના સાથીદારોએ બેરહમીપૂર્વક માર્યો હતો.
બીબીસી સહયોગી નરેન્દ્ર પેપરવાળાએ જણાવ્યું કે શાંતિલાલ વસાવા ડેડિયાપાડાની શિવમ પાર્ક હૉટલમાં નોકરી કરે છે અને ચૈતર વસાવાના જૂના મિત્ર છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હૉટલમાં જમ્યાં હતા જેનું એક લાખ 28 હજાર રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી હતું.
હૉટલના માલિકે શાંતિલાલ વસાવાના પગારમાંથી એ બિલના પૈસા કાપી લીધા હતા. શાંતિલાલે ચૈતર વસાવાને ફોન કરીને બાકી રકમ ચૂકતે કરવા માટે કહ્યું હતું.
ફરિયાદ પ્રમાણે બાકી પૈસાની માંગણી કરતા ધારાસભ્ય પોતાની સાથે ટોળું લઈ આવ્યા હતા અને શાંતિલાલ વસાવાને ઢોર માર માર્યો હતો. ડેડિયાપાડા પોલીસે આ મામલે શનિવારે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદ નોંધાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ આ સમગ્ર ઘટનાને તેમને બદનામ કરવાનું ષડ્યંત્ર ગણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે અગાઉ વનકર્મીને માર મારવાનો ગુનો નોંધાયો છે જેમાં તેમને શરતી જામીન મળ્યા છે.
ઇઝરાયલ અને હિઝબુલ્લાના એકબીજા પર હુમલા, અમેરિકાએ પણ આપી ચેતવણી

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. સરહદ પારથી બંને પક્ષોએ એકબીજા પર મોટા હુમલા કર્યા છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)એ દાવો કર્યો કે હિઝબુલ્લાહે લેબનોનથી 150થી વધુ મિસાઇલ ઇઝરાયલ તરફ છોડ્યાં હતાં. આઈડીએફ અનુસાર હાલમાં ઇઝરાયલે હાલમાં જે હુમલા કર્યાં છે તેનો બદલો લેવા માટે હિઝબુલ્લાહે મિસાઇલ છોડ્યાં હતાં.
કેટલાક અહેવાલો અનુસાર, પહેલાની સરખામણીમાં હિઝબુલ્લાહનાં મિસાઇલો આ વખતે ઇઝરાયલની અંદર સુધી પહોંચવામાં સફળ થયાં હતાં. આ હુમલાના કારણે ઇઝરાયલમાં ઘણાં રહેણાંક મકાનોને નુકસાન થયું છે અને કેટલાક લોકોને ઈજા પહોંચી છે.
લેબનોનથી હિઝબુલ્લાહે 100થી વધુ મિસાઇલ છોડતાં ઉત્તર ઇઝરાયલમાં હજારો લોકો આશ્રય શોધી રહ્યાં છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે.
મિસાઇલ હુમલા બાદ હાઇફા અને ઉત્તર ઇઝરાયલના અન્ય વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એક જગ્યાએ વધુ લોકોના એકઠાં થવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ઇઝરાયલે રવિવારે દાવો કર્યો કે અન્ય એક દેશમાંથી પણ તેના તરફ છોડવામાં આવ્યાં હતાં.
આઈડીએફએ કહ્યું છે કે તે લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર હુમલો કરવાનું ચાલુ રાખશે. આઈડીએફએ દાવો કર્યો કે શનિવારે તેણે હિઝબુલ્લાહના આશરે 300 ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે દેશની સુરક્ષાને ધ્યાનમાં લેતા જે પણ જરૂરી કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે.
ચેસ ઑલિમ્પિયાડ: ભારતે પ્રથમ વખત જીત્યો ગોલ્ડ મેડલ

ઇમેજ સ્રોત, ANI
હંગેરીમાં યોજાઈ રહેલી 45મા ચેસ ઑલિમ્પિયાડમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમોએ ઓપન કૅટૅગરીમાં બંને ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.
ભારતીય પુરૂષ ટીમમાં અર્જુન એરિગેસી, ગુકેશ ડી, આર. પ્રજ્ઞાનંદ, વિદિત ગુજરાતી, પી. હરિકૃષ્ણ અને શ્રીનાથ નારાયણ (કૅપ્ટન) હતા.
ટીમની જીતમાં ડી ગુકેશ અને અર્જુન એરિગેસીનો મુખ્ય ફાળો રહ્યો હતો.
ભારતીય મહિલા ચેસ ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજિત કુંટે (કૅપ્ટન)નો સમાવેશ થાય છે.
પુરૂષોની ચેસ સ્પર્ધામાં ભારતીય ટીમે સ્લોવેનિયા સામેની મૅચમાં ઓછામાં ઓછી ટાઈ હાંસલ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મૅચમાં ગુકેશ ડીએ વ્લાદિમીર ફેડોસીવને અને અર્જુન એરિગેસીએ જાન સુબેલજને હરાવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















