You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દરિયામાં ક્યાં પહોંચ્યું 'શક્તિ' વાવાઝોડું, વળાંક લઈ ગુજરાતને કરશે અસર?
ગુજરાત નજીક અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ રચાયું છે જે ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધતું જાય છે. શક્તિના કારણે ગુજરાતમાં બહુ વ્યાપક અસર નહીં પડે તેમ માનવામાં આવે છે.
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર ગુજરાતમાં કચ્છમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં સ્થળે વરસાદના અહેવાલ છે.
તીવ્ર વાવાઝોડું શક્તિ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં સ્થિત છે. છેલ્લા અહેવાલ પ્રમાણે તે દ્વારકાથી 470 કિમી દૂર અને નલિયાથી પણ 470 કિમી દૂર હતું. પાકિસ્તાનના કરાચીથી વાવાઝોડાનું અંતર 420 કિમી હતું. આજે જે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધે અને ત્યાર પછી તેની દિશા ફંટાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 4થી ઑક્ટોબરે ચક્રવાતી વાવાઝોડું શક્તિ વધુ તીવ્ર બન્યું હતું અને તે ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં પહોંચવાની સંભાવના છે. ત્યાર બાદ તે ફરી વળશે. 6 ઑક્ટોબર સુધીમાં સવારથી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.
ગુજરાતમાં આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. તેવી જ રીતે લઘુતમ તાપમાનમાં પણ મોટો ફેરફાર થવાની સંભાવના ઓછી છે.
હવામાન વિભાગના અમદાવાદસ્થિત વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે છઠ્ઠી ઑક્ટોબરની સવારે શક્તિ વાવાઝોડાની દિશા બદલાશે. વાવાઝોડું પૂર્વ-ઇશાન દિશામાં આગળ વધશે. તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે ગુજરાત પર તેની બહુ ઓછી અસર પડશે. આઠમી ઑક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન