મહુઆ મોઇત્રાને લોકસભામાંથી દૂર કરાયાં, હવે શું વિકલ્પ છે?

ઇમેજ સ્રોત, EPA
તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાને ‘પૈસા લઈને સવાલ પૂછવાના’ મામલામાં લોકસભામાંથી દૂર કરાયાં છે. શુક્રવારે સંસદની ઍથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં પાસ થઈ ગયો. ઍથિક્સ કમિટીએ તેના અહેવાલમાં મહુઆ મોઇત્રાને લોકસભામાંથી દૂર કરવાનું સૂચન કર્યું હતું.
લોકસભા સ્પીકરે કહ્યું કે કમિટીએ કરેલા સૂચન સાથે સંસદનું ગૃહ સંમત થયું છે.
લોકસભા સ્પીકરે આ અહેવાલ પર ચર્ચાની માગ અને મહુઆ મોઇત્રાની લોકસભામાં તેમનાં મંતવ્યો રજૂ કરવાની માગને એમ કહીને ફગાવી દીધી કે તેમને પેનલની બેઠક દરમિયાન પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી ગઈ છે.
આ અગાઉ જ્યારે ઍથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદકુમાર સોનકરે રિપોર્ટ રજૂ કરતાની સાથે જ કૉંગ્રેસ અને ટીએમસીના સભ્યો સ્પીકરના પોડિયમની નજીક આવ્યા અને રિપોર્ટની નકલની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.
ટીએમસી સભ્ય કલ્યાણ બેનરજીએ રિપોર્ટની ભલામણો પર મતદાન કરતાં પહેલાં ચર્ચાની માગ કરી હતી. સમિતિએ મોઇત્રાને ગૃહમાંથી હાંકી કાઢવાની ભલામણ કરી છે.
ઑક્ટોબર મહિનામાં ભાજપના સંસદસભ્ય નિશિકાન્ત દુબેએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આરોપ મૂક્યો હતો કે હીરાનંદાણી જૂથના સીઈઓ દર્શન હીરાનંદાણી પાસેથી 'રોકડ અને મોંઘી ભેંટો લઈને' સવાલ પૂછ્યા હતા. આ વિવાદમાં અમદાવાદસ્થિત ઉદ્યોગગૃહ અદાણીનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.
દુબેએ માગ કરી હતી કે મોઇત્રાને સંસદસભ્ય તરીકે સસ્પેન્ડ કરવામાં આવે. મોઇત્રાએ તમની ઉપરના આરોપોને નકાર્યા હતા. બિરલાએ આ મામલો સંસદની ઍથિક્સ કમિટીને સોંપી દીધો હતો.
એજ મહિનામાં ભાજપના સંસદસભ્ય સોનકરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેની સુનાવણીમાંથી રડતાં-રડતાં બહાર નીકળતાં મોઇત્રાએ સમિતિ ઉપર મર્યાદાભંગ કરતા સવાલ પૂછવાનો આરોપ મૂક્યો હતો. વિપક્ષના સંસદસભ્યોએ કમિટીની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો આ રિપોર્ટમાં મોઇત્રા દોષિત ઠરશે તો આગામી દિવસોમાં તેમની મુશ્કેલી વધી શકે છે અને તેમણે ચૂંટણી લડવા માટે પણ કાયદાકીય લડત આપવી પડી શકે છે.
આરોપ-પ્રત્યારોપ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અપેક્ષા મુજબ જ મોઇત્રાના સસ્પેન્સન પછી શાસક પક્ષ અને વિપક્ષની વચ્ચે આરોપ-પ્રતિઆરોપ ચાલુ થઈ ગયા છે.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું, "વર્ષ 2005માં જ્યારે એકસાથે 10-10 સંસદસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે એ દિવસે જ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો."
"આ કોઈ મહિલા વિશેની વાત નથી. તેમને સવાલના સાટે ગિફ્ટ લેવાની વાત પૂછવામાં આવી હતી. તેમણે ગિફ્ટ લેવાની વાત સ્વીકારી છે. આથી વધુ શું પ્રૂફ જોઈએ?"
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને મોઇત્રાની તરફેણ કરી હતી તથા તેમને આગામી લોકસભા ચૂંટણી લડાવવાના અણસાર પણ આપ્યા હતા.
તેમણે કહ્યું, "બે ત્રણ મહિનાનો (બાકીનો કાર્યકાળ) મહત્ત્વપૂર્ણ બાબત નથી. તેઓ રાજકીય સંઘર્ષ ચાલુ રાખશે. અમે તેમની સાથે છીએ અને આગામી ચૂંટણીમાં જનતા ભાજપને પાઠ ભણાવશે. મને સંસદની કાર્યવાહી સારી રીતે ખબર છે. ધ્વનિમત મતલબ કે પાસ.પાસ. પાસ. તે લોકતંત્રને બાયપાસ કરવા સમાન છે."
"ભાજપ લોકતંત્રને ખતમ કરે તેવું રાજકારણ રમી રહ્યો છે. 495 પન્નાના રિપોર્ટને વાંચવાનો કે મહુઆને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં નહોતી આવી. લોકો ભાજપને જડબાતોડ જવાબ આપશે."
"અમે રાજકીય રીતે પ્રતિકાર કરીશું. મહુઆ વધુ મજબૂત બનશે. ભાજપને શરમ આવવી જોઈએ."
ભાજપનાં સંસદસભ્ય અને લોકસભાની આચરણ સમિતિનાં સભ્ય અપરાજિતા સારંગીએ કહ્યું હતું, "મહુઆ મિત્રાનું સસ્પેન્ડ થવું એ સંસદસભ્યો માટે બોધપાઠ સમાન છે. જ્યારે અમે સંસદસભ્ય બનીએ છીએ ત્યારે બંધારણનાં સોગંધ લઈએ છીએ અને તેના માટે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે."
"એ યાદ રહેવું જોઈએ કે તેઓ કાચના ઘરમાં રહે છે અને આખો દેશ તેમને જુએ છે. મહુઆ મોઇત્રાના કેસમાં અનૈતિકતા જોવા મળી હતી. તેઓ જવાબદારી પૂર્ણ વ્યવહાર નહોતા કરી શક્યા જેને કારણે તેઓ લોકસભામાંથી સસ્પેન્ડ થયાં."
બહુજન સમાજ પક્ષના સંસદસભ્ય અને ઍથિક્સ કમિટીના સભ્ય દાનિશ અલીએ લોકસભામાં 'પીડિતને દોષિત ન બનાવો' મતલબનું બોર્ડ તેમના શરીર ઉપર ધારણ કર્યું હતું. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું :
'મહુઆ મોઇત્રાને ન્યાય નથી મળ્યો. તેમને (પોતાનો પક્ષ રજૂ કરવાની) તક નથી મળી. હું તેમને ન્યાય અપાવવા માગું છું. આજે ગાંધી અને આંબેડકરનો આત્મા રડતો હશે.'
લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને માગ કરી હતી કે રિપોર્ટનો અભ્યાસ કરવા માટે ત્રણચાર દિવસનો સમય આપવામાં આવે અને ચર્ચા માટે ત્રણ-ચાર દિવસ પછીનો સમય નક્કી કરવામાં આવે. સંસદમાં કૉંગ્રેસના સંસદસભ્ય મનીષ તિવારીએ પણ આ જ વાત કહી હતી.
હવે મહુઆ મોઇત્રા પાસે શું વિકલ્પ છે?

ઇમેજ સ્રોત, ani
સંસદમાંથી સસ્પેન્ડ થયા બાદ તૃણમૂલ કૉંગ્રેસનાં સંસદસભ્યે આક્રમક વલણ જાળવી રાખ્યું હતું અને સરકાર સામે સંઘર્ષ કરવાની વાત કહી હતી.
સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતી વેળાએ મોઇત્રાએ કહ્યું, "હું 49 વર્ષની છું અને આગામી 30 વર્ષ સુધી સંસદની અંદર અને બહાર તમારી વિરૂદ્ધ સંઘર્ષ કરતી રહીશ. આવું બધું કરીને મોદી સરકાર મોં બંધ નહીં કરાવી શકે."
એક તરફ મોઇત્રાના ચૂંટણીલક્ષી રાજકીય ભવિષ્ય ઉપર સવાલ ઊઠી રહ્યા છે, ત્યારે તેમણે આગામી લોકસભા ચૂંટણી લડવાની વાત કરી હતી.
હિમાચલ પ્રદેશ નેશનલ લૉ યુનિવર્સિટીના પ્રોફેસર ચંચલકુમારે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "રિપોર્ટમાં જે લખ્યું છે, તેના ઉપર તેઓ ચૂંટણી લડી શકશે કે નહીં, તેનો આધાર રહેશે."
"વહીવટી દૃષ્ટિએ કમિટીના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાય, પરંતુ અત્યાર સુધીમાં જે તથ્ય આપવામાં આવ્યા છે, તેને જોતાં ચુકાદો ખોટો નથી જણાતો. આમ જોવામાં આવે તો મહુઆ મોઇત્રા પાસે અદાલતમાં જવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી."
મહુઆ મોઇત્રાએ રિપોર્ટ વિશે સંસદમાં પોતાના વિચાર રજૂ કરવાની વાત કહી ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે ઍથિક્સ કમિટીની બેઠકમાં તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
મુશ્કેલીમાં મહુઆ

ઇમેજ સ્રોત, ani
મહુઆ મોઇત્રા સામે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપો લગાવ્યા હતા જેમાં તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઈ પાસેથી તેમને એક પત્ર મળ્યો હતો, મહુઆ મોઇત્રાએ સંસદમાં ઉદ્યોગપતિના કહેવાથી સંસદમાં પ્રશ્ન પૂછ્યા હતા અને આ બદલ લાંચ લીધી હોવાના પુરાવા આપ્યા છે.
મહુઆ મોઇત્રાએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ અદાણી જૂથ વિશે સવાલ પૂછતા હોવાથી મોદી સરકાર તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરાવવા માગે છે. તેમણે ઍથિક્સ કમિટીને પોતાનો જવાબ આપવાની વાત પણ કહી હતી.
મોઇત્રાએ ઉમેર્યું હતું કે તેમણે દુબેની ડિગ્રી અંગે સવાલ ઉઠાવ્યા હોવાથી આ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ઍથિક્સ કમિટીએ એના વિશે પણ તપાસ કરવી જોઈએ.
એ પછી આ આરોપો વિશે મીડિયા અહેવાલોમાં બહાર આવ્યું હતું કે જે ઉદ્યોગપતિ કે કંપની માટે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે તે હીરાનંદાણી જૂથ છે અને અદાણી કંપની વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
શરૂઆતમાં હીરાનંદાણી ગ્રૂપે આરોપોને નકારી કાઢ્યા હતા. બાદમાં દુબઈસ્થિત કૉન્સ્યુલર મારફત દર્શન હીરાનંદાણીએ ઍથિક્સ કમિટીને સોગંધનામું સુપ્રત કર્યું હતું.
સોશિયલ મીડિયા ઉપર દર્શન હીરાનંદાણીની ચાર પન્નાની ઍફિડેવિટ ફરતી થઈ હતી, જેમાં મહુઆ મોઇત્રાએ સંસદમાં સવાલ પૂછવા માટેના લૉગ-ઇન અને પાસવર્ડ દર્શન હીરાનંદાણીને આપ્યા હતા.
તેઓ મહુઆ વતી સવાલ પૂછતા અને અલગ-અલગ મંત્રાલયો પાસેથી જવાબ માગવામાં આવતા.
દેહાદ્રાઈ અને મોઇત્રાની વચ્ચે શ્વાનના કબજાને લઈને પણ વિવાદ થયો હતો અને જયે આ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર પોતાની વ્યથા ઠાલવી હતી.
ઍથિક્સ કમિટીની બેઠકમાં અંધાધૂંધી

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તા. 26મી ઑક્ટોબરે નવી દિલ્હી ખાતે ભાજપના સંસદસભ્ય વિજય સોનકરની અધ્યક્ષતામાં ઍથિક્સ કમિટીની બેઠક મળી હતી, જેમાં હાજર થવા માટે દુબે તથા મોઇત્રા તથા અન્યોને કહેવામાં આવ્યું હતું.
સુનાવણી દરમિયાન તૃણમુલ કૉંગ્રેસનાં સંસદસભ્ય મોઇત્રા રડતાં-રડતાં બહાર નીકળ્યાં હતાં અને સમિતિ ઉપર મહિલા સંસદસભ્યની ગરિમાને છાજે નહીં તેવા સવાલ પૂછવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. બીજી બાજુ, ભાજપના સભ્યોએ દલિત સંસદસભ્ય સાથે ગેરવર્તણૂંક કરવાનો મોઇત્રા ઉપર આરોપ મૂક્યો હતો.
વિપક્ષના સંસદસભ્યોએ ઍથિક્સ કમિટીની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. સમિતિના સભ્ય અને બહુજન સમાજ પક્ષના સંસદસભ્ય દાનિશ અલીએ સમિતિ ઉપર પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો હતો.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ મહુઆ મોઇત્રા ઉપર મૂકવામાં આવેલા આરોપો સંબંધનો અહેવાલ છ વિરૂદ્ધ ચાર મતથી સ્વીકારવામાં આવ્યો છે.
કોણ છે મહુઆ મોઇત્રા?

ઇમેજ સ્રોત, ANI
મહુઆ મોઇત્રા પશ્ચિમ બંગાળનાં મહિલા સાંસદ છે. તેઓ મમતા બેનરજીના નેતૃત્તવવાળી તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા છે. સંસદમાં સરકાર સામે તીખા પ્રહાર અને આક્રમક ભાષણ ઉપરાંત વિવાદિત નિવેદનો માટે તેઓ વારંવાર સમાચારમાં આવતાં રહે છે.
મહુઆ મોઇત્રાનો જન્મ આસામમાં દ્વીપેન્દ્ર લાલ અને મંજૂ મોઇત્રાના પરિવારમાં 1974માં થયો હતો અને તેમણે ગણિત અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. તેમનું શાળાકીય શિક્ષણ કોલકાતામાં થયું હતું. તેમણે પ્રસિદ્ધ મેસેચ્યૂસેટ ઇન્સ્ટિટ્યૂટમાં સ્કૉલરશિપ મેળવીને અભ્યાસ કર્યો હતો.
અભ્યાસ બાદ મહુઆએ લંડન તથા ન્યૂ યૉર્કમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે નોકરી કરી હતી. એ પછી તેઓ બધું છોડીને ભારત આવ્યાં હતાં. 2009માં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.
પહેલાં તેઓ કૉંગ્રેસ સાથે જોડાયાં હતાં. તેમણે યૂથ કૉંગ્રેસથી કારકિર્દી શરૂ કરી હતી. જોકે બાદમાં વર્ષ 2010માં તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાઈ ગયાં હતાં.
2016માં કરીમપુર બેઠકથી ધારાસભ્ય બન્યાં હતાં અને પછી 2019માં કૃષ્ણાનગર બેઠક પરથી સાંસદ ચૂંટાયાં હતાં.
2021માં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ ગોવામાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, તો ત્યાં તૈયારીઓની જવાબદારી પાર્ટીએ મહુઆને જ આપી હતી.
કોણ છે જય અનંત દેહાદ્રાઈ?
વિવાદ બહાર આવતા મહુઆ મોઇત્રાએ જય અનંત દેહાદ્રાઇને ‘નિરાશ પૂર્વ પ્રેમી’ ગણાવ્યા છે.
જયની ઉંમર 35 વર્ષ છે અને તેમની લિંક્ડઇન પ્રૉફાઇલ અનુસાર તેઓ સુપ્રીમ કૉર્ટના વકીલ છે અને તેમણે પૂર્વ ઍડિશનલ સોલિસિટર જનરલ એએનએસ નાડકર્ણીની ચૅમ્બરમાં કામ કર્યું છે.
હવે તેઓ લૉ ચૅમ્બર્સ ઑફ જય અનંત દેહાદ્રાઈના નામથી સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે. તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઑફ પૅન્સિલવૅનિયામાંથી એલએલએમનો અભ્યાસ કર્યો છે. તેઓ ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં 'ધ ઈરેવરૅન્ટ લૉયર' નામથી લેખ પણ લખતા રહ્યા છે.
સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર મહુઆ મોઇત્રાના પાળેલા કૂતરા હેનરી સાથે જય અનંતની ઘણી તસવીરો દેખાય છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ હેનરીના માલિકીપણા માટે મહુઆ મોઇત્રા અને જય અનંત વચ્ચે વિવાદ થયો હતો. છેવટે જયને તેનો કબજો મળ્યો હોવાનું તેમણે ઍક્સ ઉપર લખ્યું હતું.
જય અનંતનું ટ્વિટર હૅન્ડલ દર્શાવે છે કે તેઓ રાજકીય મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં બિલકુલ અચકાતા નથી.
પોતાના ટ્વીટમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દૂરંદેશી ધરાવતા નેતા ગણાવ્યા છે અને અન્ય એક ટ્વીટમાં તેમણે નકલી સહી વિવાદ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને 'બેશરમ' ગણાવ્યા છે.
દર્શન હીરાનંદાણીનું નિવેદન

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડિયન ઍક્સપ્રૅસ પ્રમાણે હીરાનંદાણી ગ્રૂપના કૉર્પોરેટ કમ્યુનિકેશન વિભાગે દર્શન હીરાનંદાણીની ઍફિડેવિટ તરીકે એક દસ્તાવેજને મીડિયામાં સાર્વજનિક કર્યો હતો, પરંતુ બીબીસી આ દસ્તાવેજ સાચો હોવાની પુષ્ટિ કરી શક્યું નથી.
આ કથિત સોગંદનામામાં કહેવામાં દર્શન હીરાનંદાણીએ કહ્યું છે કે, "જ્યારે મેં મોઇત્રાને અદાણી મુદ્દે સંસદમાં સવાલો પૂછવા માટે સવાલોનો પહેલો સેટ આપ્યો ત્યારે તેમને વિપક્ષ અને મીડિયાના એક વર્ગનું ખૂબ સમર્થન મળ્યું."
"ત્યારપછી મહુઆએ મને કહ્યું હતું કે સવાલો પૂછવામાં હું તેમની મદદ કરતો રહું. તેના માટે મહુઆએ મને સંસદનું લૉગ-ઇન અને પાસવર્ડ પણ આપ્યો હતો, જેથી હું તેમના બદલે સીધા જ પ્રશ્નો પોસ્ટ કરી શકું."
આ જ સોગંદનામામાં દર્શન હીરાનંદાણીએ કેટલાક પત્રકારો અને મીડિયા સંસ્થાનો પર પણ આરોપો લગાવ્યા છે કે તેઓ મહુઆના સંપર્કમાં હતા અને મહુઆ તેમની સાથે સતત વાતચીત કરતાં હતાં.
જોકે, સાંસદ અને પત્રકારો એકબીજાના સંપર્કમાં રહે તો તેમાં શું ખોટું છે અથવા તો સંપર્કમાં રહીને તેમણે શું કર્યું તેનો કોઈ ઉલ્લેખ નથી.
આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, "અદાણી સમૂહ પર સવાલ પૂછવા માટે તેઓ સુચેતા દલાલ, શાર્દૂલ શ્રોફ અને પલ્લવી શ્રોફની મદદ લઈ રહ્યાં હતાં. એ લોકો મહુઆને કેટલીક અપ્રામાણિક માહિતીઓ આપતા હતા."
"રાહુલ ગાંધી પણ તેમને અદાણી સમૂહ વિશે સંસદમાં સવાલો પૂછવા માટે મદદ કરતા હતા. મહુઆ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ જેમ કે ફાઇનાન્શિયલ ટાઇમ્સ, ધી ન્યૂયૉર્ક ટાઇમ્સ અને બીબીસીના પત્રકારો સાથે પણ ઘણીવાર વાતચીત કરતાં રહેતાં હતાં."
અદાણી ગ્રૂપે પણ આ મામલે નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ જય અનંતે સીબીઆઈને મોકલેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કેવી રીતે સાંસદ મહુઆ મોઇત્રા અને હીરાનંદાણી ગ્રૂપના સીઈઓ દર્શન હિરાનંદાણીએ મળીને અદાણી ગ્રૂપ અને ગૌતમ અદાણીને ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે નિશાન બનાવ્યા."
"આ ફરિયાદ અમારા નવ ઑક્ટોબરે જાહેર કરવામાં આવેલા નિવેદનની પુષ્ટિ કરે છે કે કેટલાક લોકો અમારા નામ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ઓવરટાઇમ કામ કરી રહ્યા છે."
વિવાદાસ્પદ વર્તણૂકના આરોપ
કૅનેડાની એક ફિલ્મના પોસ્ટરમાં હિંદુઓના દેવી કાલી જેવા દેખાતાં પાત્રની સિગારેટ પીતી તસવીર પ્રકાશિત થઈ હતી. એ સમયે નિવેદન કરીને મોઇત્રા વિવાદમાં ફસાયાં હતાં.
મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે માંસ ખનારા અને દારૂ પીનાર કાલી દેવીની કલ્પના કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે.
મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાના ભગવાન અને દેવીની પોતાની રીતે પૂજા કરવાનો અધિકાર છે.
દેવી કાલી પરના કથિત વિવાદાસ્પદ નિવેદન બાદ ભોપાલમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં તેમની સામે IPCની કલમ 295A હેઠળ નોંધવામાં આવ્યો હતો.
અગાઉ સંસદમાં મહુઆ મોઇત્રાએ ટીડીપીના સાંસદના ભાષણ સમયે 'ભાજપના સાંસદ સામે અસંસદીય શબ્દનો ઉપયોગ કરતા' મોટો હોબાળો થયો હતો.
એક ખાનગી ચેનલની ચર્ચા દરમિયાન નેશનલ મીડિયા ઉપર પત્રકાર અર્ણબ ગોસ્વામીને મિડલ ફિંગર દેખાડવાનો તેમની ઉપર આરોપ લાગ્યો હતો.






















