ગુજરાત બજેટ : સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને શું મળ્યું?

પ્રકાશિત

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું હતું. જેમાં વર્ષ 2047 માટે રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું જંગી કદ ધરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

કનુભાઈએ કોઈ પણ નવા કર કે કરભારણ વગરનું અગાઉના જ દરોને યથાવત્ રાખતું બજેટ રજૂ કર્યું હતું.

કેન્દ્ર સરકારના બજેટ પ્રમાણે જ રાજ્યના આ બજેટમાં GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીલક્ષી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સિવાય બજેટમાં ગુજરાતને '5G' ગુજરાત બનાવવાની વાત કહેવામાં આવી છે, જેમાં ગ્રીન, ગ્લૉબલ, ગતિશીલ, ગરવી અને ગુણવંતુ ગુજરાત બનાવવાની વાત કહેવામાં આવી હતી.

નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી છે.

કયા ક્ષેત્ર માટે શું જાહેરાત કરવામાં આવી?

યુવા અને રોજગાર

  • ટૅક્સટાઇલ, કેમિકલ, ફાર્મા, ઑટોમોબાઇલ જેવા પરંપરગાત ઉપરાંત સેમિકંડક્ટર, ગ્રીન ઍનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઈ-વાહન જેવા આધુનિક ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવાં ભવિષ્યલક્ષી ક્ષેત્રો દ્વારા ગુજરાતના યુવાનોને રોજગાર
  • આઈટી, બીટી, ફિનટેક, નાણાકીય અને પ્રવાસનક્ષેત્રે રોજગાર વધારવા પર ભાર
  • ડિગ્રી તથા પૉલિટેકનિક કૉલેજોમાં ગ્રીન હાઇડ્રોજન તથા ફિનટૅક માટે સેન્ટર ફૉર એકસલન્સ ઊભા કરાશે. આ સિવાય સરકારી ઇજનેરી કૉલેજોમાં ભવિષ્યલક્ષી ટેકનૉલૉજી માટે રિસર્ચ પાર્ક ઊભા કરાશે

શિક્ષા અને શિક્ષણ

  • આગામી વર્ષોમાં ગુજરાતમાં વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખથી વધીને પાંચ લાખ પર પહોંચવાનો અંદાજ. સાયન્સ, ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ તથા મેડિસિનના ક્ષેત્રે કૌશલ્યવાન લોકો મળી રહે તે માટે વિજ્ઞાનપ્રવાહના ધો. 11ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ. 10 હજાર તથા ધો. 12 માટે રૂ. 15 હજારની સહાયની જોગવાઈ
  • 'સ્કૂલ ઑફ ઍક્સલન્સ 2.0' કાર્યક્રમ દ્વારા વર્ગખંડોની ભૌતિક સુવિધાઓ વધારાશે અને ક્લાસરૂમને સ્માર્ટ તથા ડિજિટલ બનાવાશે
  • 172 નવી માધ્યમિક શાળાઓનું નિર્માણ કરાશે
  • 15 હજાર સ્કૂલોમાં બે લાખ કમ્પ્યુટર આપવાની કામગીરી પ્રગતિમાં
  • શિક્ષણ વિભાગ માટે રૂ. 55 હજાર 114 કરોડની જોગવાઈ

આરોગ્ય અને તબીબી જોગવાઈ

  • 'દૂધ સંજીવની' યોજના હેઠળ 1.5ના સ્થાને 4.5ની ફેટ ધરાવતું દૂધ અપાશે
  • 'પીએમ પોષણ યોજના' હેઠળ બાળકોને આપવામાં આવતા સીધામાં 60 ટકાનો વધારો કરાશે
  • 'બાલ અમૃતમ્' યોજના હેઠળ આંગણવાડી ઉપરાંત ધો. 8 સુધીનાં બાળકોને આવરી લેવાશે
  • PM-JAY હેઠળ ગુજરાતની બે હજાર 500 જેટલી હૉસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની સારવાર ઉપલબ્ધ. જેના માટે રૂ. ત્રણ હજાર 100 કરોડની જોગવાઈ
  • અમદાવાદની કૅન્સર હૉસ્પિટલમાં સાઇલૉટ્રૉન પ્રોજેક્ટ ફૉર ન્યુક્લિયર મેડિસિન તથા પ્રૉટોન બીમની સેવાને ઉપલબ્ધ કરાવવા રૂ. 600 કરોડની જોગવાઈ
  • 108ની સુવિધાને સુદૃઢ બનાવવા 319 નવી ઍમ્બુલન્સ
  • 32.4 ટકાના ઉછાળા સાથે રૂ. 20 હજાર 100 કરોડનું આરોગ્ય બજેટ
  • રાજકોટ, ગાંધીનગર તથા સુરત ખાતે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી કાર્ડિયાક ટ્રિટમેન્ટ સેન્ટર શરૂ કરાશે
  • અમદાવાદમાં બાવળા પાસે તથા સુરતમાં કામરેજ પાસે 300-300 બેડની જિલ્લા કક્ષાની હૉસ્પિટલો શરૂ કરાશે

કિશોરીઓ અને મહિલાઓ માટે

  • 'નમો લક્ષ્મી' યોજના હેઠળ ધો. 9-10માં અભ્યાસ કરતી 10 લાખ જેટલી કિશોરીઓને વાર્ષિક રૂ. 10 હજારની તથા ધો. 11-12માં અભ્યાસ કરતી યુવતીઓને રૂ. 15 હજારની સહાય અપાશે. આના માટે રૂ. એક હજાર 250 કરોડની જોગવાઈ
  • સગર્ભા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી પોષણક્ષમ આહાર ઉપરાંત 'નમો શ્રી' યોજના હેઠળ જરૂરિયાતમંદ માતાઓને રૂ. 12 હજારની સહાય કરાશે
  • રૂ. એક હજાર 800 કરોડના ખર્ચે 'આંગણવાડી 2.0'ની જાહેરાત
  • આગામી ત્રણ વર્ષમાં આઠ હજાર આંગણવાડીનું નિર્માણ કરાશે. આંગણવાડીઓને આધુનિક બનાવવા માટે તેને ઇન્ટરનેટ સાથે જોડીને બાળકોને રસપ્રદ સામગ્રી પૂરી પડાશે
  • અંત્યોદય પરિવારની 50 હજાર મહિલાઓ લખપતિ બનવાનું સપનું સાકાર કરી શકે તે માટે રૂ. 100 કરોડની જોગવાઈ

શહેરો અને શહેરીજનો માટે

  • શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ. આઠ હજાર 634 કરોડની જોગવાઈ
  • અમૃત 2.0 યોજના હેઠળ પાણી-પુરવઠા, ડ્રૅનેજ સિસ્ટમ, તળાવની સુવિધા વધારવા માટે રૂ. બે હજાર કરોડની જોગવાઈ
  • શહેરી વિસ્તારોને રેલવે ક્રૉસિંગ મુક્ત બનાવવા માટે રૂ. 550 કરોડની જોગવાઈ
  • શહેરી વિસ્તારોમાં ગરીબોને ઘર મળે તે માટે રૂ એક હજાર 323 કરોડની જોગવાઈ
  • 'નિર્મળ ગુજરાત 2.0' યોજના હેઠળ ઘન-પ્રવાહી કચરાના પર્યાવરણની દૃષ્ટિએ યોગ્ય નિકાલ માટે રૂ. બે હજાર 500 કરોડની જોગવાઈ

કૃષિ અને ખેડૂતો માટે

  • છેલ્લા એક દાયકા દરમિયાન ગુજરાતે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રે 11.2 %નો વૃદ્ધિદર જાળવી રાખ્યો
  • જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા તથા વધતી જતી વસતિની અન્ન જરૂરિયાતોને પહોંચી વળવા જાડાધાનને પ્રોત્સાહન
  • ગુજરાતમાં નવ લાખ ખેડૂત ઑર્ગેનિક ખેતી તરફ વળ્યા. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અનેક યોજનાઓ
  • 22 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ ઉપલબ્ધ, કચ્છમાં ધોરિયા પદ્ધતિના સ્થાને ડૅમના સંપૂર્ણ કમાન્ડ વિસ્તારને પાઇપલાઇન મારફત પાણી પહોંચાડાશે
  • મનરેગા હેઠળ રોજગારી માટે એક હજાર 309 કરોડની જોગવાઈ
  • વડા પ્રધાન આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં મકાનો માટે રૂ. 751 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગોને વૅન્ચર કૅપિટલ મળે છે એવી રીતે ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે 'ગુજરાત સોશિયલ ઍન્ટરપ્રાઇઝ ફંડ' શરૂ કરાશે, જેના માટે પ્રથમ વર્ષે રૂ. 10 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે એક હજાર 570 કરોડની જોગવાઈ
  • મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. પાંચ હજાર કરોડની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના માટે રૂ. 432 કરોડની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં પમ્પિંગ દ્વારા પાણી પહોંચે તે માટે રૂ. 765 કરોડની જોગવાઈ
  • નર્મદાના કમાન્ડ વિસ્તારમાં નહેરોના વિસ્તરણ-વિકાસ માટે રૂ. 590 કરોડની જોગવાઈ
  • કચ્છમાં પાઇપલાઇન દ્વારા સિંચાઈ માટેની બે યોજના માટે રૂ. બે હજાર 700 કરોડની જોગવાઈ
  • તાપી-કરજણ લિંક પાઇપલાઇન માટે રૂ. 220 કરોડની જોગવાઈ
  • ચેકડૅમ, તળાવ ઊંડા કરવા તથા નવા જળસંચયનાં કામો માટે રૂ. 236 કરોડની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની સુવિધા વધારવા માટે રૂ. એક હજાર 200 કરોડના ખર્ચે સમાંતર બીજી પાઇપલાઇન નખાશે
  • ખેડૂતોને ડ્રીપ તથા સ્પ્રિંકલર વસાવવામાં સહાય આપવા માટે રૂ. બે હજાર 500 કરોડની જોગવાઈ. આ સિવાય ટ્રૅક્ટર અને કૃષિ યંત્રોની ખરીદી માટે રૂ. 701 કરોડની જોગવાઈ
  • બગાયતી પાકોને વિકસાવવા માટે પાંચ નવાં સેન્ટર ઑફ ઍક્સલન્સ ઊભાં કરાશે
  • મોરબી અને કચ્છના ખાતે નવી કૃષિ યુનિવર્સિટીઓ સ્થપાશે તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય શરૂ કરવામાં આવશે
  • કરુણા ઍનિમલ ઍમ્બુલન્સ માટે રૂ. 110 કરોડની જોગવાઈ

પ્રવાસ, પર્યટન અને પરિવહન

  • સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેનું એકતાનગર મીટિંગ, ઇન્સેન્ટિવ, કૉન્ફરન્સ તથા એક્ઝિબિશન માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે.
  • ઉત્તર ગુજરાતના અંબાજી-ધરોઈ-તારંગા-વડનગર વિસ્તારનો વર્લ્ડ કલાસ સસ્ટૅનેબલ ટૂરિસ્ટ પિલ્ગ્રિમૅજ ડૅસ્ટિનેશન તરીકે વિકાસ ચાલુ. જેથી કરીને સાંસ્કૃતિક ધરોહરનું રક્ષણ થાય અને રોજગારી વધે
  • ચાલુ વર્ષે બે હજાર તથા આવતા વર્ષે વધુ બે હજાર 500 બસો એસટી દ્વારા સેવામાં મુકાશે
  • અમદાવાદ-સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે રૂ. બે હજાર કરોડની જોગવાઈ
  • વટામણ – પીપળી, સુરત - સચીન – નવસારી, અમદાવાદ – ડાકોર, ભુજ –ભચાઉ, રાજકોટ – ભાવનગર, મહેસાણા – પાલનપુર સહિત છ હાઇસ્પીડ કૉરિડૉર વિકસાવવા માટે રૂ. 222 કરોડની જોગવાઈ.
  • સાપુતારાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીના રસ્તા માટે વધુ રૂ. 100 કરોડની જોગવાઈ
  • દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટૂરિસ્ટ સર્કિટને જોડતાં કુલ 17 રસ્તાઓના વિકાસ માટે રૂ. 526 કરોડની જોગવાઈ
  • રૂ. 962 કરોડના ખર્ચે બની રહેલો બેટ-દ્વારકા સિગ્નેચર બ્રિજ પૂર્ણતાના આરે
  • શિવરાજપુર બીચ ખાતે રૂ. 200 કરોડના વિકાસના કામો પ્રગતિમાં
  • સોમનાથ, પિંગ્લેશ્વર, માંડવી, મૂળ દ્વારકાને બીચ તરીકે વિકસાવાશે
  • નડાબેટની જેમ જ ચૌહાણનાલા તથા કોરી ક્રિકમાં સીમાદર્શન માટે રૂ. 40 કરોડની જોગવાઈ
  • અંબાજી, વાંસદા, કોટેશ્વરમાં જંગલ સફારી તથા ઇકૉ ટૂરિઝમના વિકાસ માટે રૂ. 170 કરોડની જોગવાઈ
  • અયોધ્યામાં ગુજરાતીઓ માટે યાત્રાધામ વિકસાવાશે. રૂ. 50 કરોડના ખર્ચ માટે રૂ. 10 કરોડની જોગવાઈ
  • સમારકામ પછી ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓના ધસારાને જોતા લખપત તથા અન્ય કિલ્લા અને સ્મૃતિસ્મારકોના વિકાસ માટે રૂ. 35 કરોડની જોગવાઈ
  • પાવાગઢમાં યાત્રાળુઓની સુવિધા વધારવા માટે ત્રીજા અને ચોથા તબક્કાનાં કામો માટે રૂ. 238 કરોડનો ખર્ચ
  • બહુચરાજી મંદિરના પુનઃનિર્માણ માટે રૂ. 71 કરોડ, અંબાજી મંદિરના માસ્ટર પ્લાનિંગ માટે રૂ. 117 કરોડના આયોજન
  • સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સુવિધાઓ વધારવા માટે રૂ. 150 કરોડ, એકતાનગર ખાતે હૉસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ માટે રૂ. 300 કરોડ, અને ઍક્સપિરિયન્સ સેન્ટર માટે રૂ. 25 કરોડની જોગવાઈ

ગિફ્ટ સિટી માટે

  • ગિફ્ટ સિટીને 900 એકરમાંથી વધારીને ત્રણ હજાર 300 એકરમાં વિસ્તારાશે
  • વધુ ત્રણ તબક્કામાં અમદાવાદ અને ગિફ્ટ સિટી ખાતે રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે, કાળક્રમે અમદાવાદ-ગાંધીનગર સાબરમતી રિવરફ્રન્ટ 38.2 કિલોમીટરનો વિશ્વનો સૌથી મોટો રિવરફ્રન્ટ બનવાનો દાવો
  • મેટ્રોરૂટને અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટથી ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવાશે

સામાજિક અધિકારિતા અને ન્યાય

  • મસ્ક્યુલર ડિસ્ટ્રૉફી, થૅલૅસૅમિયા, ક્રૉનિક ન્યુરૉલૉજિકલ માટે 40 ટકા તથા મનોદિવ્યાંગ બાળકોને પણ પેન્શન અપાશે. ઉપરોક્ત તથા પાર્કિન્સન અને હિમૉફિલિયા જેવી બીમારી ધરાવતા દિવ્યાંગો એસટીમાં નિશુલ્ક પ્રવાસ કરી શકશે
  • 11 લાખ વૃદ્ધોને માસિક પેન્શન માટે રૂ. એક હજાર 398 કરોડની જોગવાઈ

બજેટની મુખ્ય જાહેરાતો

  • ગુજરાતે જી.એસ.ડી.પી.માં (ગુજરાત સ્ટેટ ડૉમેસ્ટિક પ્રૉડકશન) 14.89%નો વિકાસદર હાંસલ કર્યો
  • વર્ષ 2000- '01માં દેશના જીડીપીમાં (કુલ ઘરેલુ ઉત્પાદન) રાજયનો ફાળો 5.1% હતો, જે આજે વધીને 8.2% થયો
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે 20 વર્ષ પૂર્ણ કરીને વિશ્વસ્તરીય પ્લૅટફૉર્મ તરીકે ઓળખ હાંસલ કરી
  • કેન્દ્ર સરકારની તર્જ ઉપર સમાજના ચાર વર્ગો-જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મૂકીને આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષા છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તેવો લક્ષ્યાંક
  • 112 ઉપર પોલીસ, અગ્નિશમન તથા અન્ય આપાતકાલીન સુવિધાઓને એકીકૃત કરીને ઉપલબ્ધ કરાવાશે. સંપર્ક કર્યે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ પહોંચે તેવી વ્યવસ્થા કરવાનો લક્ષ્યાંક
  • 82 ટકા સાથે સોલર રૂફ ટૉપમાં ગુજરાત દેશમાં સૌથી આગળ. ગ્રાહકોને સહાય આપવા રૂ. 993 કરોડની જોગવાઈ. સરકારી અને અર્ધસરકારી કચેરી-કૉલોનીઓમાં 40 મેગાવોટના વીજઉત્પાદન માટે રૂ. 100 કરોડની જોગવાઈ
  • હાલ ગુજરાતની વસતી 18-60 વર્ષની વચ્ચે, તેમને રોજગારની યોગ્ય તકો આપીને ડેમૉગ્રાફિક ડિવિડન્ડ લેવાનું આયોજન. ગુજરાતના નાગરિકોની સરેરાશ આવક એ રાષ્ટ્રીય સરેરાશ કરતાં 50 ટકા વધુ હોવાનો સરકારનો દાવો
  • દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 18 ટકા. 16 લાખ મધ્યમ, લઘુ અને સુક્ષ્મ એકમોનો ગુજરાતના અર્થતંત્રમાં 35.30 ટકા ફાળો.
  • હાલમાં ગુજરાતની અર્થવ્યવસ્થા 0.28 ટ્રિલિયન ડૉલર છે, જેને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક તથા દેશના કુલ જીડીપીમાં 10 ટકા ફાળો આપવાનો લક્ષ્યાંક
  • ગુજરાતની 50 ટકા વસતિ શહેરી વિસ્તારમાં, જે વર્ષ 2047 સુધીમાં 75 ટકા પર પહોંચવાનો અંદાજ
  • નવસારી, ગાંધીધામ, મોરબી, મહેસાણા, વાપી, આણંદ,સુરેન્દ્રનગર/વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે
  • બલ્ક ડ્રગ, મૅડિકલ ડિવાઇસ તથા ઇમિટેશન જ્વેલરી પાર્કના વિકાસ માટે રૂ. 136 કરોડની જોગવાઈ